ગાંધીને ખતમ કરવો અસંભવ શા માટે છે? તે એકમાત્ર એવો અનોખો બૅરિસ્ટર છે જે મર્યા પહેલાં અને મર્યા પછી પોણી સદીથી પોતાના કેસ પોતે જ લડતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ લડતો રહેશે

મહાત્મા ગાંધી
કોઈને ગાંધી શા માટે ગમવો જોઈએ? આ દેશને હવે ગાંધીની શું જરૂર છે? શા માટે આ જિદ્દી ડોસલાને યાદ કરવો જોઈએ? શા માટે એ અખતરાબાજને આદર આપવો જોઈએ? શા માટે એ રાજકારણીને મહત્ત્વ આપવું જોઈએ જેણે પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા અપાવવા માટે ઉપવાસ કર્યા હતા? આવા પ્રશ્નોની જો યાદી બનાવવામાં આવે તો લાંબું લપસિંદર થઈ જાય. ગાંધી પર છેલ્લી પોણી સદીમાં એટલા આરોપો મૂકવામાં આવ્યા છે જેટલા જગતના અન્ય કોઈ નેતા પર નહીં મુકાયા હોય. ગાંધીની મજા એ છે કે ગમે એટલી બદબોઈ થાય, એ માણસ અપ્રસ્તુત બનતો જ નથી. શા માટે ગાંધી સદા પ્રસ્તુત રહે છે? શા માટે ગાંધીની વિચારધારાથી વિરુદ્ધની વિચારધારા ધરાવનારાઓએ પણ, ભલે કમને પણ, તેને જ ફૉલો કરવો પડે છે? કેમ ગાંધીને જ અનુસરવો પડે છે એ સમજવાની અહીં કોશિશ કરવી છે. ગાંધીનું મહિમામંડન કરવાનો કે ગાંધી વિરુદ્ધની દલીલોનો જવાબ આપવાનો આ લેખનો ઉદ્દેશ નથી.
લખનાર ગાંધીવાદી નથી. ગાંધીવાદી શબ્દ એક ગાળ છે એવું માને છે એટલે ક્યારેય ગાંધીવાદી થવા માગતો નથી. ગાંધીની વકીલાત કરવાનો પણ ઉદ્દેશ નથી. વાસ્તવિકતા તો એ છે કે ગાંધીને વકીલની જરૂર જ નથી. તે એકમાત્ર એવો અનોખો બૅરિસ્ટર છે જે મર્યા પહેલાં અને મર્યા પછી પોણી સદીથી પોતાના કેસ પોતે જ લડતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ લડતો રહેશે.
ગાંધી શા માટે ઘસાતો નથી? શા માટે આટલા પ્રયત્નો પછી પણ ખતમ થતો નથી? એ સમજવું સૌથી અગત્યનું છે. આવું થવાનું કારણ છે ગાંધીનું મલ્ટિ-ડાઇમેન્શનલ વ્યક્તિત્વ. ગાંધીના વ્યક્તિત્વનાં અઢળક પાસાં હતાં અને ગાંધી મલ્ટિ-ડાઇમેન્શનલ વ્યક્તિ હતો. તેના વ્યક્તિત્વનાં અઢળક પાસાં હતાં અને દરેક પાસું એક ઇન્ડવિડ્યુઅલ વ્યક્તિ બનાવતું હતું. દરેક પાસાનો એક અલગ જ ગાંધી હતો એટલે તેને મલ્ટિ-ડાઇમેન્શનલ કહેવાને બદલે એવું કહેવું પડે કે અનેક ગાંધી હતા અને એમાંના અમુક તો એકબીજાથી તદ્દન વિપરીત હતા. ચુસ્ત ધાર્મિક ગાંધી અને રાજકારણી ગાંધી વચ્ચે દેખીતો કોઈ મેળ બેસે નહીં. જિદ્દી ગાંધી અને સ્વરાજ માટે પોતાનું સ્ટૅન્ડ ઢીલું કરવામાં નાનમ નહીં અનુભવનાર ગાંધી એકસાથે જ રહેતા હતા. અનાસક્તિ યોગ નામે ગીતાનું ભાષાંતર (એને ટ્રાન્સલેશન કરતાં ટ્રાન્સક્રીએશન કહેવું વધુ ઉચિત ગણાય) કરનાર ગાંધી અને અંગ્રેજો સાથે વાટાઘાટો કરનાર ગાંધી, અહિંસાના મુદ્દે જડ વલણ રાખનાર ગાંધી અને પીડાતા વાછરડાને મારી નાખવાની હિમાયત કરનાર ગાંધી એક જ ખોળિયામાં જીવતા હતા. સરદારના વહાલા ગાંધી અને નેહરુના આરાધ્ય ગાંધી એક કેમ હોઈ શકે? મોહમ્મદઅલી જિન્નાહ, વિનાયક દામોદર સાવરકર વગેરેને આંખમાં કણાની જેમ ખટકતા ગાંધી માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓ જ નહીં, વિનોબા ભાવે જેવા સાધુચરિત પ્રબુદ્ધ પુરુષ, ઉદ્યોગપતિઓ, કલાકારો, ચિંતકો તૈયાર થાય એ બે ગાંધીનો મેળ ક્યાંથી બેસે? આ ઉપરાંતના પણ કેટલા ગાંધી એક જ ખોળિયામાં જીવતા હતા. તમે રાજકારણી ગાંધીને ખતમ કરી નાખી શકો, અસંભવ છે છતાં, તો પણ સમાજકારણી ગાંધી બચશે, અધ્યાત્મવાદી ગાંધી બચશે, ધર્મભીરુ ગાંધી બચશે, સુધારક ગાંધી બચશે, અર્થશાસ્ત્રી ગાંધી બચશે, વિષ્ટિકાર ગાંધી બચશે, પત્રકાર ગાંધી બચશે, લેખક ગાંધી બચશે, આરોગ્યશાસ્ત્રી ગાંધી બચશે, સાધક ગાંધી બચશે, વ્યવસ્થાપક ગાંધી બચશે, કમ્યુનિકેટર ગાંધી બચશે, પ્રયોગવીર ગાંધી બચશે, આશ્રમવાસી ગાંધી બચશે, આંદોલનકારી ગાંધી બચશે, લોકનેતા ગાંધી બચશે.
એકાંગી પ્રતિભા ધરાવનાર વ્યક્તિના ચરિત્ર પર ડાઘ લગાડીને, તેની નિષ્ઠા સામે પ્રશ્ન ઉઠાવીને, તેના કામમાં ખામીઓ શોધીને ખતમ કરી શકાય; કારણ કે તેની પાસે એક જ પ્રતિભા છે. એને તોડી નાખો તો એ વ્યક્તિની સંપૂર્ણ આભા ખતમ થઈ જાય. જિન્નાહ માત્ર રાજકારણી હતો એટલે તેની એ છબિને ભાંગો એટલે જિન્નાહના ટુકડા થઈ જાય. પાકિસ્તાનમાં જિન્નાહની વિરુદ્ધ બોલવા કે લખવા કે વ્યક્ત થવા પર પ્રતિબંધ છે; કારણ કે તેની પ્રતિભા ખંડિત થઈ જવાની પૂરી ખાતરી છે. સાવરકરની પ્રતિભા ક્રાંતિકારી તરીકેની છે. એના પર ઘા થાય તો સાવરકરની છાપ ખરડાય. એટલે જ સાવરકરના ભક્તો તેમની વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળી લે એમ નથી. નેહરુ માત્ર નેતા હતા એટલે કૉન્ગ્રેસીઓએ તેમને આદરપાત્ર ઠરાવીને તેમની ટીકા ન થાય એવું નક્કી કરી નાખ્યું. નેહરુને જીવંત રાખવા માટે કૉન્ગ્રેસે ૭૦ વર્ષ સુધી મહેનત કરી છતાં સફળતા ન મળી. નેહરુના નેતા તરીકેના વ્યક્તિત્વની ટીકા થઈ અને નેહરુ જનમાનસમાંથી ખતમ થઈ ગયા. નેહરુનું પ્રદાન માત્ર રાજકીય જ હતું એટલે આવું થયું. અટલ બિહારી વાજપેયી પ્રચંડ નેતા હતા, કેટલી ઝડપથી ભુલાઈ ગયા. લાલ કૃષ્ણ અડવાણી જીવતેજીવ વિસરાઈ ગયા.
એક વાત યાદ રાખજો કે જેને આદર અપાવવા માટે દબાણ કરવું પડે એ મહાનુભાવ ખતમ થઈ જવાનો ડર તેના અનુયાયીઓ અને તેને પોતાને હોય છે. તેની અંદર સત્ત્વ જ હોતું નથી એટલે આદરવાચક સંબોધન નીકળી જાય તો કશું જ બચતું નથી. ગાંધીને ગાંધીજી કહેવડાવવાનો આગ્રહ રાખવામાં આવે તો સમજી જવું કે ગાંધીમાં સત્ત્વ નથી. સત્ત્વ હશે તો માત્ર ગાંધી કે મોહનદાસ કહેશે તો પણ તેને ઊની આંચ નહીં આવે અને એટલે જ ગાંધી આટલા દાયકા ટકી ગયો છે. માત્ર ટકી નથી ગયો, વિરોધીઓને પણ પોતાના પગલે ચાલવા આજે પણ મજબૂર કરી રહ્યો છે. કૃષ્ણની પાછળ માનવાચક સંબોધન લગાવવું અનિવાર્ય નથી. તેને તો તુંકારે બોલાવવાની પ્રથા છે. તેને તો કપટી કે ચોર કહેવામાં પણ પાછી પાની નથી થઈ. તેનાં સંબોધનો સામાન્ય માનવીને લગાવવામાં આવે તો માઠું લાગી જાય એવાં છે છતાં કૃષ્ણની પ્રતિભા યથાવત્ છે. તેને કાળિયો ઠાકર કહો તો પણ વાંધો નહીં, કાનુડો કહો તો પણ હરકત નહીં, લાલો કહો તો પણ તકલીફ નહીં, રણછોડ કહો તો પણ બાધ નહીં. એ બધાં સંબોધનો પણ કૃષ્ણ પર જઈને રૂપાળાં થઈ જાય, માનવાચક થઈ જાય. એ માન સંબોધનોનું નથી, કૃષ્ણનું છે.
ગાંધીની ટીકા થવી જ જોઈએ. ટીકા એ પ્રતિભાખંડન કરતાં તાવણી વધુ છે. એ અગ્નિપરીક્ષા છે. સોનાને શુદ્ધ કરવા માટે અગ્નિમાંથી પસાર કરવામાં આવે ત્યારે એમાંની અશુદ્ધિ બળી જાય છે, સોનું રહે છે. ટીકા આવી તાવણી છે. એમાં અશુદ્ધિ બળી જશે. જે બળશે એ અશુદ્ધિ હશે, જે બચશે એ સોનું હશે. માત્ર ગાંધી જ નહીં, દરેક મહાનુભાવની ટીકા થવી જોઈએ, ભરપૂર થવી જોઈએ. તો જ એમાં સત્ત્વ છે કે નહીં એ જાણી શકાશે. જે મહાનુભાવ અગ્નિપરીક્ષાથી ભાગે છે, જે ટીકા ન થાય એવું ઇચ્છે છે તે અંદરથી ખોખલો છે એ નક્કી માનજો.
ગોડસેનાં મંદિર બનવાથી કે ગોડસેવાદીઓ દ્વારા ગાંધીના ચિત્રને ગોળી મારવાથી ગાંધીને જો નુકસાન થાય તો સમજવું કે ગાંધી નબળો હતો. ગોડસેના મહિમામંડનથી ગાંધીની છબિ જો ધૂમિલ થતી હોય તો માનવું કે ગાંધીમાં ખોટ હતી. ગાંધી વિરુદ્ધ જેટલું થશે એ ગાંધીને જ ઊજળો કરશે. ભલે ગોડસેનાં વખાણ થતાં, ભલે સાવરકરને સન્માન અપાતું. સાવરકર અને ગાંધીની કોઈ સરખામણી જ સંભવ નથી. સાવરકર તેમની જગ્યાએ હતા, ગાંધી તેમની જગ્યાએ છે. ભલે વૉટ્સઍપ યુનિવર્સિટીમાં ગાંધીને ગાળો અપાતી, ભલે એના પર ચર્ચા થતી. જે પેઢી ગાંધીને ગાળો આપે છે એ જો ગાંધીને જાણે તો ગાંધીમાં વટલાઈ જાય, મુન્નાભાઈની જેમ. ગાંધી કોઈને છોડતો નથી. છેલ્લું અટ્ટહાસ્ય તો એ બોખલા ડોસલાનું જ હશે, આજથી બસ્સો-પાંચસો વર્ષ પછી પણ. ગાંધીને ખતમ કરવો અસંભવ છે.

