Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અમેરિકાએ દેખાડ્યો મુંબઈગરાઓના માથે ભમતો મિથેનનો ખતરો

અમેરિકાએ દેખાડ્યો મુંબઈગરાઓના માથે ભમતો મિથેનનો ખતરો

Published : 16 May, 2026 02:30 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

અદાલતની કડક ફટકાર અને નાગરિકોના સ્વાસ્થ્ય પર તોળાઈ રહેલા જોખમને ધ્યાનમાં લેતાં અંતે BMC સફાળું જાગ્યું છે અને ડમ્પિંગ ગ્રાઉન્ડની દુર્ગંધ તેમ જ પ્રદૂષણ રોકવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાનું શરૂ કર્યું છે.

કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ

કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ


યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા (UCLA)ના સૅટેલાઇટ ડેટામાં કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ વિશ્વનાં ટોચનાં પચીસ સૌથી વધુ મિથેન ઉત્સર્જન કરતાં સ્થળોમાં સ્થાન પામતાં ખળભળાટ મચી ગયો છે. આ ચોંકાવનારા અહેવાલ બાદ સ્થાનિક રહીશો અને NGOએ હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. અદાલતની કડક ફટકાર અને નાગરિકોના સ્વાસ્થ્ય પર તોળાઈ રહેલા જોખમને ધ્યાનમાં લેતાં અંતે BMC સફાળું જાગ્યું છે અને ડમ્પિંગ ગ્રાઉન્ડની દુર્ગંધ તેમ જ પ્રદૂષણ રોકવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાનું શરૂ કર્યું છે

સામાન્ય રીતે આપણે રસ્તા પરથી પસાર થતા હોઈએ અને કચરાનો ઢગલો કે ગંદકી લઈ જતી ગાડી નજરે પડે ત્યારે દુર્ગંધથી બચવા માટે તરત જ નાક પર રૂમાલ રાખી દઈએ છીએ અથવા હાથથી નાક ઢાંકી દઈએ છીએ. આ સેકન્ડોની દુર્ગંધ પણ આપણને અકળાવી મૂકે છે તો જરા કલ્પના કરો કે જેમના નસીબમાં ચોવીસે કલાક આ ગંદકી અને અસહ્ય દુર્ગંધની વચ્ચે જ શ્વાસ લેવાનું લખાયેલું હોય તેમની હાલત કેવી કફોડી હશે? મુંબઈના કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની આસપાસ રહેતા લાખો રહેવાસીઓ આજે આવી જ નરક સમાન સ્થિતિમાં જીવી રહ્યા છે. આ સ્થિતિ માત્ર અગવડ પૂરતી મર્યાદિત નથી, રહેવાસીઓના સ્વાસ્થ્ય સામે એક મોટું જોખમ ઊભું કરી રહી છે.
દુર્ગંધની સમસ્યા
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડથી માંડ એક કિલોમીટરના અંતરે આવેલી શ્રી અનંતનાથજી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લાં ૨૦ વર્ષથી રહેતા બાવન વર્ષના નીરેન લોડાયા કહે છે, ‘દુર્ગંધને કારણે અમે એટલા પરેશાન છીએ કે વાત ન પૂછો. દિવસે તો ઠીક, રાત્રે ૯ વાગ્યાથી લઈને સવારે છ વાગ્યાની વચ્ચે દુર્ગંધ વધુ આવે છે. એનાથી બચવા માટે અમારે બારીઓ બંધ રાખવી પડે છે. ઘણી વાર દુર્ગંધ એટલી બધી તીવ્ર હોય છે કે એને કારણે રાત્રે અમારી ઊંઘ ખૂલી જાય છે.’ 
આવી જ કંઈક આપવીતી ભાંડુપ-ઈસ્ટમાં છત્રપતિનગરમાં ચાલીમાં રહેતાં સુષ્મિતા બાંધકરની છે. તે કહે છે, ‘અમારા વિસ્તારમાં રાત્રે એટલી દુર્ગંધ આવે છે કે બહાર વૉક કરવા પણ નીકળી શકાતું નથી. ઘરનાં બારીબારણાં બંધ કરવાં પડે છે અને વારંવાર ઘરમાં રૂમ-ફ્રેશનર સ્પ્રે કરવું પડે છે. એમ છતાં દુર્ગંધ એટલી તીવ્ર હોય કે એને સંપૂર્ણપણે દૂર કરી શકાતી નથી. લોકોને વારંવાર શરદી-ઉધરસ થઈ જાય છે. હું અહીં રહેતી ત્યારે તો મોટા ભાગે બીમાર જ રહેતી, પણ લગ્ન પછી અહીંથી શિફ્ટ થઈ છું ત્યારથી મારી તબિયત સારી રહે છે. બીજા એરિયામાં રહ્યા પછી હવે મમ્મીના ઘરે આવવાનું થાય છે ત્યારે આ ડિફરન્સ વધારે અનુભવાય છે.’ 
દુર્ગંધની સમસ્યાને લઈને સોશ્યલ મીડિયા પર પણ અનેક લોકોએ પોતાના અનુભવો શૅર કર્યા છે. એક રહેવાસીએ લખ્યું છે, ‘હું IT પ્રોફેશનમાં છું અને પવઈમાં જૉબ કરુ છું. ગયા વર્ષે મેં દાદર છોડીને કાંજુરમાર્ગ-વેસ્ટમાં રહેવા આવવાની ભૂલ કરી. હું દર મહિને ૫૫,૦૦૦ રૂપિયા ભાડું ચૂકવીને અહીં રહું છું. ઘરમાં ગંદી વાસ આવે છે ત્યારે મારું લોહી ઊકળી ઊઠે છે. દુર્ગંધથી બચવું હોય તો બધી બારીઓ બંધ કરીને AC ચાલુ કરવું એ જ એકમાત્ર ઉપાય રહે છે. દુર્ગંધની સમસ્યાને કારણે બ્રોકર્સ બપોરના સમયે બાયર્સને પ્રૉપર્ટી દેખાડે છે જેથી દુર્ગંધ ન આવે. મને આ સમસ્યા વિશે થોડોઘણો આઇડિયા હતો, પણ હું બપોરના સમયે રૂમ જોવા ગયો ત્યારે દુર્ગંધ આવી રહી નહોતી. બ્રોકરને પૂછ્યું તો તેણે મને સામો સવાલ કર્યો કે હમણાં ક્યાં તમને વાસ આવે છે? એટલે મને એવું લાગ્યું કે મને મળેલી માહિતી કદાચ ખોટી હશે. રૂમ લઈ લીધા પછી ખબર પડી કે દુર્ગંધની સમસ્યા રાત્રે થાય છે.’ 
દુર્ગંધની સમસ્યા ફક્ત કાંજુરમાર્ગ પૂરતી મર્યાદિત નથી. વિક્રોલી (ખાસ કરીને કન્નમવારનગર), ભાંડુપ, મુલુંડ, પવઈના લોકોને પણ એનો કડવો અનુભવ થઈ રહ્યો છે.
કથળી રહ્યું છે સ્વાસ્થ્ય
વાત ફક્ત દુર્ગંધ સુધી મર્યાદિત નથી. કચરો જ્યારે સડે છે અને એમાંથી જોખમી વાયુઓ છૂટા પડે છે ત્યારે એ અનેક રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અનેક લોકોએ ફરિયાદ કરી છે કે તેમને છાતીમાં ભારેપણું, ગળામાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થઈ રહી છે. વિક્રોલી કાંજુરમાર્ગ પવઈ જનરલ પ્રૅક્ટિશનર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ તેમ જ વિક્રોલીમાં પ્રૅક્ટિસ કરતા ડૉ. શેખ અબ્દુલ હાઈ કહે છે, ‘અમારી પાસે શ્વાસમાં તકલીફ, ઊલટી, આંખમાં બળતરા, ત્વચા પર રૅશિઝ, સ્વાદ તથા ગંધ પારખવાની ક્ષમતા ઓછી થવી જેવી ફરિયાદો સતત વધી રહી છે. ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે જ OPDમાં દરદીઓની સંખ્યા વધી છે એવું સીધું જ કહી શકાય નહીં, પરંતુ એ વાસ્તવિકતા છે કે દિવસો જતાં આ પ્રકારની ફરિયાદો ધરાવતા દરદીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રહેવાસીઓ ૩૬૫ દિવસ ૨૪ કલાક અસહ્ય દુર્ગંધ વચ્ચે રહેવા માટે મજબૂર છે અને જો આ સ્થિતિ લાંબા સમય સુધી આવી જ રહેશે તો આ સમસ્યા વ્યક્તિગત મટીને આખી વસ્તીમાં ગંભીર રોગનું સ્વરૂપ ધારણ કરશે.’ 
ઇન્ટરનેટ પર એવા અનેક સ્ટડીઝ અવેલેબલ છે જેમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ કઈ રીતે નજીકના વિસ્તારોમાં રહેતા રહેવાસીઓના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે એની માહિતી છે. હવામાં ભળતાં હાનિકારક તત્ત્વો શ્વાસમાં જવાથી અસ્થમા, બ્રૉન્કાઇટિસ અને અન્ય શ્વસનરોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. લાંબા ગાળાના સંપર્કથી કિડની, મૂત્રાશય અને ફેફસાંના કૅન્સર જેવી જીવલેણ બીમારીઓ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે આ જોખમ વધુ છે, કારણ કે એ નવજાત શિશુમાં જન્મજાત ખોડખાંપણ અને ઓછું વજન જેવા પ્રશ્નો ઊભા કરી શકે છે. એ સિવાય જમીન અને ભૂગર્ભ જળમાં ભળતી ભારે ધાતુઓ (લેડ અને પારો) બાળકોના માનસિક વિકાસને અવરોધે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે. માનસિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ પરિસ્થિતિ ગંભીર છે. કચરાની દુર્ગંધ, સતત આવતો ટ્રકોનો અવાજ અને ગંદા વાતાવરણમાં રહેવાને કારણે લોકોમાં કાયમી સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી વધે છે. રહેવાસીઓ વારંવાર માથાનો દુખાવો, અનિદ્રા અને સતત થાક જેવી સમસ્યાઓ અનુભવે છે જે તેમની જીવનશૈલી અને માનસિક સુખ-શાંતિ પર નકારાત્મક અસર કરે છે.
રિપોર્ટમાં ગંભીર ચેતવણી
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની સમસ્યા કેટલી ગંભીર છે એ વાતનો અંદાજ યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, લૉસ ઍન્જલસ (UCLA)ની સ્ટડી પરથી આવી જશે. UCLAના સ્ટૉપ મિથેન પ્રોજેક્ટ હેઠળ સૅટેલાઇટ ડેટા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ વિશ્વનાં ટોચનાં પચીસ સૌથી વધુ મિથેન ઉત્સર્જન કરતાં સ્થળોમાંનું એક છે. આ લૅન્ડફિલ પ્રતિ કલાક આશરે ૪.૯ ટન મિથેન ગૅસ હવામાં છોડે છે. આટલું ઉત્સર્જન દર વર્ષે ૧૦ લાખ કાર દ્વારા થતા પ્રદૂષણ જેટલું ગંભીર છે. મિથેન ગૅસની કોઈ ગંધ હોતી નથી એટલે લોકો અજાણતાં જ શ્વાસમાં એ લેતા રહે છે. આ ગૅસ ફેફસાં અને શ્વસનતંત્રને ગંભીર નુકસાન પહોંચાડે છે. મિથેન કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૮૬ ગણો વધુ શક્તિશાળી ગૅસ છે જે ગરમીને પકડી રાખે છે. એને કારણે આસપાસના વિસ્તારોમાં તાપમાન અને પ્રદૂષણનું સ્તર સતત ઊંચું રહે છે. 
સમસ્યા શું છે?
મુંબઈમાં દરરોજ ૬૬૦૦થી ૭૫૦૦ મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે. આટલા વિશાળ જથ્થાના નિકાલ માટે શહેર મુખ્યત્વે બે સાઇટ્સ પર નિર્ભર છે : દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ અને કાંજુરમાર્ગ લૅન્ડફિલ સાઇટ. એમાં પણ ૬૦૦૦થી ૬૨૦૦ મેટ્રિક ટન એટલે કે ૯૦ ટકા જેટલો કચરો તો કાંજુરમાર્ગમાં જ ઠાલવવામાં આવે છે, જ્યારે ૬૦૦થી ૮૦૦ ટન દેવનારમાં જાય છે. દેવનાર જેવી સાઇટ્સ હવે જૂની (આઉટડેટેડ) થઈ ગઈ છે અને ત્યાં ક્ષમતા કરતાં ઘણો વધારે કચરો પહેલેથી જ જમા છે. પરિણામે મુંબઈનો લગભગ બધો જ ભાર કાંજુરમાર્ગ પર સ્થાનાંતરિત થયો છે. કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરો ઠાલવવાની શરૂઆત સત્તાવાર રીતે ૨૦૧૧માં કરવામાં હતી. દેવનાર અને મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ્સ એમની ક્ષમતા વટાવી ચૂક્યાં હતાં અને ત્યાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હતી. આથી મુંબઈના કચરાના નિકાલ માટે એક આધુનિક અને સાયન્ટિફિક લૅન્ડફિલ તરીકે કાંજુરમાર્ગ સાઇટ તૈયાર કરવામાં આવી હતી. સાયન્ટિફિક લૅન્ડફિલ એ કચરાના નિકાલ માટેની આધુનિક અને સુરક્ષિત પદ્ધતિ છે જે પર્યાવણ અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ રીતે બનાવવામાં આવે છે. કાંજુરમાર્ગ લૅન્ડફિલ ૧૧૮.૧૪ હેક્ટર અથવા લગભગ ૨૯૨ એકર વિસ્તારમાં ફેલાયેલી છે. દરરોજ આશરે ૫૨૦૦ મેટ્રિક ટન કચરાનું બાયો-રીઍક્ટર ટેક્નૉલૉજી દ્વારા પ્રોસેસિંગ કરવામાં આવે છે, જ્યારે અન્ય ૧૦૦૦ મેટ્રિક ટન કચરા પર કમ્પોસ્ટિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરવામાં આવે છે. જોકે અતિશય કચરાનો બોજ અને નબળા મૅનેજમેન્ટને કારણે કાંજુરમાર્ગ સાયન્ટિફિક લૅન્ડફિલ હોવા છતાં નિષ્ફળ જઈ રહી છે. 
લોકોનું શું કહેવું છે?
સ્થાનિક રહેવાસીઓ, NGO અને પર્યાવરણવાદીઓનું કહેવું છે કે લોકોને અસહ્ય દુર્ગંધ, મિથેન ગૅસનું ઉત્સર્જન અને એને કારણે થતી બીમારીઓથી બચાવવા માટે આ લૅન્ડફિલ સાઇટને તાત્કાલિક બંધ કરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે. તેમનો દાવો છે કે અહીં સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. એટલે તેમણે માગણી કરી છે કે કચરાને માત્ર ખુલ્લામાં નાખવાને બદલે એનું વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિથી પ્રોસેસિંગ કરવામાં આવે. રહેવાસીઓ મિથેન જેવા ઝેરી વાયુઓ અને દુર્ગંધને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી રહ્યા છે. આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં પણ અરજીઓ કરવામાં આવી છે જેમાં નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટકાવવા વિનંતી કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે દરરોજ કાંજુરમાર્ગમાં આટલો મોટા પાયે કચરો ઠાલવવા કરતાં દરેક વૉર્ડ પોતાના કચરાનો નિકાલ સ્થાનિક સ્તરે જ કરે, જેથી એક જ સાઇટ પર આટલું મોટું દબાણ ન આવે.
ઑથોરિટી શું કહે છે? 
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું કહેવું છે કે મુંબઈમાં દરરોજ પેદા થતા હજારો ટન કચરાના નિકાલ માટે કાંજુરમાર્ગ સિવાય બીજી કોઈ મોટી અને કાર્યરત લૅન્ડફિલ ઉપલબ્ધ નથી. જો કાંજુરમાર્ગ બંધ કરવામાં આવે તો આખા મુંબઈનો કચરો ક્યાં નાખવો એ પ્રશ્ન ઊભો થાય એમ છે. આટલી વિશાળ માત્રામાં કચરો સ્વીકારવાની ક્ષમતા ધરાવતી બીજી કોઈ જગ્યા શહેરની સીમામાં કે આસપાસમાં નથી. આ સાઇટ વૈજ્ઞાનિક પદ્ધતિથી ચાલે છે. એને બંધ કરવા માટે લાંબી કાયદાકીય પ્રક્રિયા અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરીઓની જરૂર પડે છે જે હાલના તબક્કે મુશ્કેલ છે. લૅન્ડફિલમાં પહેલેથી જ લાખો ટન કચરો જમા થઈ ગયો છે, જેમાંથી સતત મિથેન ગૅસ નીકળે છે. જો અત્યારે આ સાઇટને અચાનક બંધ કરી દેવામાં આવે તો પણ એમાંથી નીકળતો ગૅસ અને દુર્ગંધ વર્ષો સુધી ચાલુ રહેશે. તેથી એને બંધ કરવાને બદલે ત્યાં ગૅસ-કૅપ્ચરિંગ અને પ્રોસેસિંગ ચાલુ રાખવું તકનીકી રીતે વધુ જરૂરી માનવામાં આવે છે. નવી લૅન્ડફિલ સાઇટ ઊભી કરવા માટે મુંબઈમાં પૂરતી જમીન નથી. તળોજા કે અન્ય વિસ્તારોમાં નવી સાઇટ્સ માટે દરખાસ્તો છે, પણ ત્યાં હજી સુધી કોઈ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું નથી જે કાંજુરમાર્ગનો લોડ લઈ શકે. લૉજિસ્ટિક્સના દૃષ્ટિકોણથી કાંજુરમાર્ગ BMC માટે સૌથી સસ્તું અને સરળ પડે છે. જો તેઓ એને બંધ કરીને દૂર ક્યાંક લઈ જાય તો આખી સિસ્ટમ ખોરવાઈ જવાનો અને ખર્ચ અનેકગણો વધી જવાનો ભય રહે છે.
વર્તમાન પરિસ્થિતિ શું છે?
રહેવાસીઓની વધતી ફરિયાદ અને હાઈ કોર્ટની ફટકાર બાદ BMC ઍક્શન મોડમાં આવ્યું છે. BMC અત્યારે ટેમ્પરરી મિટિગેશન (કામચલાઉ રાહત) પર વધુ ધ્યાન આપી રહ્યું છે. તાજેતરમાં જ BMCનાં કમિશનર અશ્વિની ભિડેએ કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડનું સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કર્યું હતું. વિઝિટ દરમ્યાન તેમણે વેસ્ટ સૅગ્રિગેશન સેન્ટર, કમ્પોસ્ટિંગ યુનિટ, વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ અને બાયોરીઍક્ટર લૅન્ડફિલ સાઇટનું ઇન્સ્પેક્શન કર્યું હતું. BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્તમાનમાં કચરાની દુર્ગંધને ઓછી કરવા અને રહેવાસીઓની અગવડને ઘટાડવા માટે સાઇટ પર બાયો એન્ઝાઇમ આધારિત લિક્વિડનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. એ સિવાય વેસ્ટ રિસીવિંગ એરિયામાં મિસ્ટિંગ સિસ્ટમ દ્વારા સુગંધિત દ્રાવણનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દુર્ગંધ-નિયંત્રણ માટે હાલમાં પ્રોજેક્ટ-સાઇટ પર ૧૧ મિસ્ટિંગ કૅનન સિસ્ટમ કાર્યરત છે. રાત્રે એક વાગ્યાથી સવારના ૬ વાગ્યા દરમ્યાન દુર્ગંધની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે એક અલગ કન્ટ્રોલ-રૂમ સ્થાપવાનો અને ફરિયાદો મળતાંની સાથે જ તાત્કાલિક નિવારક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાતના સમયે તહેનાત કરવામાં આવેલી ટીમો એ કચરાની ઓળખ કરશે જે દુર્ગંધમાં થતા કોઈ પણ વધારા માટે જવાબદાર હોય. એ સિવાય હવાની ગુણવત્તાના નિરીક્ષણ માટે ઍર મૉનિટરિંગ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવાનો અને એની અપડેટેડ માહિતી BMCની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત મટીરિયલ રિકવરી ફૅસિલિટી (MRF), જ્યાં કચરાનું વર્ગીકરણ થાય છે, એ હાલમાં કન્નમવારનગરથી માત્ર ૧૪૨ મીટર દૂર છે એને હવે સાઇટની અંદરના ભાગમાં વધુ દૂર ખસેડવામાં આવશે. ડમ્પિંગ ગ્રાઉન્ડ અને રહેણાક વિસ્તારો વચ્ચે ૫૦૦ મીટરનો ગ્રીન ઝોન તૈયાર કરવાનો પણ પ્લાન છે, જે હેઠળ એક લાખ ચોરસ મીટર વિસ્તારમાં આશરે ૧૫,૦૦૦ એવાં વૃક્ષો વાવવામાં આવશે જે દુર્ગંધ અને પ્રદૂષણને શોષી શકે.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 02:30 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK