બીજાને લડાવી મારનારાઓની આ કુટિલતા છે. શસ્ત્રો બનાવનારાને તો ક્યાંક ને ક્યાંક યુદ્ધ ચાલતું રહે એમાં જ રસ હોય
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
શાંતિ માટે પણ યુદ્ધ કરવું પડે - બે વિરુદ્ધ શબ્દોવાળું આ વાક્ય યુદ્ધખોરોને બહુ ગમે. જાણે બીજો કોઈ રસ્તો જ ન હોય. લડ નહીં તો લડનારો દે કહેનારા ઝનૂનીઓને તો જાણે સમર્થન મળી ગયું.
યુદ્ધ પહેલાંની અને પછીની શાંતિમાં આસમાન-જમીનનો ફરક હોય છે. યુદ્ધમાં ખપી જનારા તો એ શાંતિ માણવા બચતા જ નથી. પાછળ રહેલાં પત્ની, બાળકો અને મા-બાપ શું આવી શાંતિમાં જીતનું જશન ન મનાવી શકે? ખંડેરમાં કયો તહેવાર ઊજવી શકાય? મકાન તો ઊભું થઈ જશે, મનના ખરી ગયેલા કાંગરાનું શું? મા-બાપની આંખોમાં ખૂંચતી એ ન દેખાતી કરચોનું શું? પત્નીના હૃદયમાં ખૂંપી જતી એ ન દેખાતી શૂળોનું શું? સ્તબ્ધ બાળકોના શરીરસોંસરી નીકળી જતી એ પીડાનું શું? કઈ શાંતિ એને શમાવી શકશે? પોપટપઢ્યાં આવાં વાક્યોથી બહાદુરી બતાવનારા પહેલાં પોતાની હથેળીમાં બે-ચાર સોય ભોંકી બતાવે, બંદૂકની બુલેટ તો બહુ દૂરની વાત છે.
ADVERTISEMENT
બીજાને લડાવી મારનારાઓની આ કુટિલતા છે. શસ્ત્રો બનાવનારાને તો ક્યાંક ને ક્યાંક યુદ્ધ ચાલતું રહે એમાં જ રસ હોય. ડેવિડ અને ગોલાયથના આસમાન યુદ્ધમાં પણ ડેવિડ જીતે નહીં અને ગોલાયથ હારે નહીં એમાં જ રસ હોય. પોતાનું તાપણું સળગતું રહે એ માટે વાતો મંત્રણાની કરે પણ શરતોમાં જ ભવિષ્યના યુદ્ધનાં બીજ વાવી દેવાતાં હોય છે. ઇતિહાસમાં ભણ્યા જ છીએ કે બીજા વિશ્વયુદ્ધનાં બીજ, પહેલા વિશ્વયુદ્ધ પછીની શાંતિમંત્રણાઓમાં જ વવાઈ ચૂક્યા હતા.
એ ક્યારેય કહેવામાં આવતું નથી કે યુદ્ધ પછીની શાંતિ હશે સ્મશાનવત્, ભેંકાર જ્યાં પક્ષીઓ ચહેકતા હોય એવી સવાર નથી હોતી. વૃક્ષો જ ન રહ્યાં હોય તો પક્ષીઓ ક્યાં માળો બાંધશે? આ શાંતિનાં કબૂતરોની પાંખો કાપી નાખવામાં આવી હોય છે. બન્ને દેશને મળે છે વેદના, વિષાદ અને વિનાશની કાળી છાયા. બચેલી પેઢીને મળે છે નવા યુદ્ધની તૈયારીઓ. ફરી યુદ્ધ ન થાય ત્યાં સુધીની શાંતિ. બે યુદ્ધ વચ્ચેની શાંતિ. રાજાઓ યુદ્ધ કરતા રહ્યા, રાણીઓ જૌહર કરતી રહી. ખંજરો ભોંકાતા રહ્યા, સરહદો બદલાતી રહી. આજે શાંતિનો ઉપાય હિંસા છે એ ઠસાવવામાં આવી રહ્યું છે.
બાય ધ વે, જ્યારે મો સમ કૌન કુટિલ ખલ કામીનો અર્થ સમજાઈ જશે ને ત્યારે ગગન આખું ગુલાલથી રંગાઈ જશે.
- યોગેશ શાહ (શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)

