Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ફિલ્મ ભૂલભુલૈયાની સીક્વલમાં મેરે ઢોલના સુન લખવું એ સમીર અનજાન માટે મોટી ચૅલેન્જ હતી

ફિલ્મ ભૂલભુલૈયાની સીક્વલમાં મેરે ઢોલના સુન લખવું એ સમીર અનજાન માટે મોટી ચૅલેન્જ હતી

Published : 29 November, 2026 07:36 AM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

૯૦નો દાયકો ગીતકાર સમીર માટે સોનાનો દાયકો પુરવાર થયો. એ સમયે તેમણે જે ગીતો લખ્યાં એ મોટા ભાગે લોકપ્રિય થયાં

સોનુ નિગમ સાથે સમીર અનજાન

વો જબ યાદ આએ

સોનુ નિગમ સાથે સમીર અનજાન


આદમી કી ખામી મેં ભી

ખૂબી નઝર આતી હૈ



જબ વક્ત સહી આતા હૈ


હર બાત સહી હો જાતી હૈ

- સમીર અનજાન


૯૦નો દાયકો ગીતકાર સમીર માટે સોનાનો દાયકો પુરવાર થયો. એ સમયે તેમણે જે ગીતો લખ્યાં એ મોટા ભાગે લોકપ્રિય થયાં. જો સમય સારો હોય તો કંઈ પણ લખો, લોકોને એ ગમવા માંડશે. ગીતકાર સમીર સાથે પણ આવું જ કંઈક થયું. ખાસ કરીને નદીમ-શ્રવણ અને આનંદ–મિલિંદ સાથેનાં તેમનાં ગીતોએ ધૂમ મચાવી.

પરંતુ સમયનું ચક્ર દરિયા જેવું હોય છે. ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ. કશું પણ કાયમ હોતું નથી. તનતોડ મહેનત કર્યા પછી જ સફળતા મળતી હોય છે, પણ એ કાયમી અવસ્થા છે એમ માનવું એ મોટી ભૂલ છે. સફળતાના હિમાલયની ટોચ પર બિરાજેલા સમીર અનજાનને આ વાસ્તવિકતા સમજાઈ જ્યારે તેમની લોકપ્રિયતાના બે સ્તંભ નદીમ-શ્રવણ અને આનંદ–મિલિંદને કામ મળતું લગભગ બંધ થઈ ગયું.

બન્યું એવું કે ૧૯૯૭માં ટી–સિરીઝના માલિક ગુલશન કુમારની હત્યા થઈ. એ ઘટનામાં અન્ડરવર્લ્ડનો હાથ હતો એમ કહેવાતું. કેસ શરૂ થયો અને સંગીતકાર નદીમ પણ આમાં ઇન્વૉલ્વ છે એવી વાતો આવી. હજી ગુનો પુરવાર થયો નહોતો, પરંતુ એ પહેલાં નદીમ ‘મને ભારતની ન્યાયપ્રથામાં વિશ્વાસ નથી’ એમ કહીને દેશ છોડીને લંડન જતો રહ્યો. ત્યાં રહીને તેણે સંગીતકાર શ્રવણ સાથે કામ કરવાનું શરૂ કર્યું, પણ તે પોતાની ચમક ખોઈ બેઠો હતો.

સંગીતકાર આનંદ-મિલિંદની જોડીને પણ અકળ કારણોસર કામ મળવાનું ઓછું થઈ ગયું. કહેવાય છે કે તેમને પણ ધમકીઓ મળતી હતી. પરિણામ એ આવ્યું કે ગીતકાર સમીરના ભાગે પણ બહુ જ ઓછું કામ આવતું. આવી કપરી પરિસ્થિતિનો પોતે કઈ રીતે સામનો કર્યો એ વાત કરતાં તે કહે છે...

હું નિરાશ હતો, પણ હિંમત નહોતો હાર્યો. પિતાજીના જીવનમાંથી ઘણું શીખવા મળ્યું હતું. હું સતત લખતો રહ્યો. મારી નજર સામે આર. ડી. બર્મન, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ અને બીજા અનેક સફળ કલાકારોનાં ઉદાહરણો હતાં. આ સૌએ સફળતાની ચરમસીમા જોયા બાદ ગુમનામીનો અંધકાર જોયો તો પછી હું કઈ વાડીનો મૂળો? બસ, લખતો રહ્યો. છૂટીછવાઈ ફિલ્મો આવી એમાં પણ દિલ રેડીને કામ કર્યું.

એક દિવસ ધર્મા પ્રોડક્શન્સમાંથી ફોન આવ્યો. યશ જોહરની ‘કુછ કુછ હોતા હૈ’નું ડિરેક્શન કરણ જોહર કરવાનો હતો. જતીન-લલિતના સંગીતમાં ગીતકાર જાવેદ અખ્તરનાં ગીતોથી તેને સંતોષ નહોતો. તે કહેતો કે આપ બહુત કૉમ્પ્લિકેટેડ ગાને લિખતે હો, મેરી ઑડિયન્સ કો સમઝ નહીં આએગા, મુઝે સિમ્પલ ગાને ચાહિએ. આમ પણ જાવેદ અખ્તરને ફિલ્મનું ટાઇટલ અશ્લીલ લાગતું હતું એટલે તેણે કહ્યું કે ટાઇટલ બદલો. એ નકારી કાઢવામાં આવ્યું. કંટાળીને તેમણે ફિલ્મ છોડી દીધી.

મને કહેવામાં આવ્યું કે ટાઇટલ ગીત લખીને આપો. મેં ગણતરીની મિનિટોમાં મુખડું લખીને આપ્યું.

તુમ પાસ આએ, યૂં મુસ્કુરાએ,

તુમને ન જાને ક્યા, સપને દિખાએ,

અબ તો મેરા દિલ, જાગે ના સોતા હૈ,

કયા કરું હાએ, કુછ કુછ હોતા હૈ

કરણ જોહર એકદમ ખુશ થઈને કહે કે બસ, મુઝે યહી ચાહિએ. મેં ફિલ્મનો કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યો. ફિલ્મ હિટ થઈ. આમ ધીમે-ધીમે બીજા સંગીતકારો સાથે મારી કરીઅરની નવી ઇનિંગ્સની શરૂઆત થઈ.

lll

 સમીર અનજાને બપ્પી લાહિરી, જતીન-લલિત, અનુ મલિક, હિમેશ રેશમિયા, પ્રીતમ, આદેશ શ્રીવાસ્તવ, દિલીપ સેન-સમીર સેન, સચિન-જિગર સહિત પચાસથી વધુ સંગીતકારો સાથે કામ કર્યું અને અઢળક લોકપ્રિય ગીતો શ્રોતાઓને મળ્યાં. એમાંના થોડા સંગીતકારોનાં સંભારણાં શૅર કરતાં સમીર કહે છે...

મારી સફળતામાં અનુ મલિકનો મોટો ફાળો છે. તેમના પિતા સરદાર મલિક મારા પિતા અનજાનના મિત્ર હતા. રાજકુમાર કોહલીની એક ફિલ્મ હતી ‘ઇન્સાનિયત કે દુશ્મન’, જેના સંગીતકાર હતા અનુ મલિક અને ગીતકાર હતા ઇન્દિવર. ફિલ્મમાં એક સિચુએશન હતી જેના પર એક ગીત લખવાનું હતું. ઇન્દીવરે જે મુખડાં આપ્યાં એ કોઈને પસંદ નહોતાં. અનુ મલિકે મને લખવા કહ્યું. મેં લખ્યું...

અમીર સે હોગા, યા ગરીબ સે હોગા

પ્યાર તો મેરા નસીબ સે હોગા

અનુ મલિકને આ મુખડું પસંદ આવ્યું. પ્રોડ્યુસર કહે કે આ ગીતકાર મારા માટે નવો છે, આને કામ આપવા જેવું નથી. અનુ મલિક કહે, આ ગીત તો સમીર જ લખશે. આ ગીત સિવાય ફિલ્મનાં બધાં ગીત ઇન્દીવરે લખ્યાં છે. જોકે આ ગીતની ક્રેડિટ મને ન મળી.

lll

દરેક સંગીતકારનો એક મિજાજ હોય છે. કોણ જાણે કેમ મને હિમેશ રેશમિયા માટે એમ લાગતું કે આનો ઍટિટ્યુડ બરાબર નથી, મને તેની સાથે નહીં ફાવે એટલે તેની સાથે કામ કરવા હું તૈયાર નહોતો. જોકે મારા મિત્ર સતીશ કૌશિકે મને સમજાવ્યો કે કોઈને મળ્યા વિના તેના માટે પૂર્વગ્રહ રાખવો યોગ્ય નથી. તેની સાથે પ્રથમ વાર મેં ‘તેરે નામ’માં કામ કર્યું. એ દિવસોમાં સલમાનનું ઐશ્વર્યા સાથે બ્રેક-અપ થયું હતું. એક ભગ્ન પ્રેમીની ભૂમિકામાં તેને લોકો સ્વીકારશે કે નહીં એવી શંકા હતી, પરંતુ કર્ણપ્રિય ગીતોને કારણે તેનું કામ લોકોને ગમ્યું.

તેની સાથે કામ કર્યા બાદ લાગ્યું કે તે ખૂબ જ સરળ અને મહેનતુ વ્યક્તિ છે. આ ફિલ્મમાં તેણે હૃદયસ્પર્શી સંગીત આપ્યું. અમે જ્યારે મળીએ ત્યારે કહે કે પંડિતજી, કુછ ફેંકીએ (કંઈક સંભળાવો). લોકો તેની ટીકા કરે છે કે તે નાકમાંથી ગાય છે. તેની આ સ્ટાઇલ એટલી લોકપ્રિય થઈ છે કે કાર્યક્રમમાં તે સ્ટેજ પર આવીને પ્રેક્ષકોને પહેલાં એમ પૂછે કે હું નાકથી ગાઈશ તો ચાલશેને? એના જવાબમાં લોકો તાળીઓ પાડતાં હા પાડે છે.

 ફિલ્મ ‘આશિક બનાયા આપને’ના ટાઇટલ ગીતનું રેકૉર્ડિંગ હતું. અમે મિકા સિંહને પ્લેબૅક માટે બોલાવ્યો હતો. અનિવાર્ય કારણસર તે આવી ન શક્યો એટલે મેં હિમેશને કહ્યું કે તું જ તેની સ્ટાઇલથી ગીત ગા. થોડી આનાકાની બાદ તેણે મિકા-સ્ટાઇલથી ગીત રેકૉર્ડ કર્યું જે બેહદ લોકપ્રિય થયું. ત્યાર બાદ તેણે આ સ્ટાઇલમાં અનેક ગીતો રેકૉર્ડ કર્યાં જે શ્રોતાઓને પસંદ આવ્યાં છે.

હિમેશ રેશમિયા સાથે જે સમયે મારી મુલાકાત થઈ ત્યારે હું જીવનના એ પડાવ પર ઊભો હતો કે મનમાં હતું કે અબ થોડા આહિસ્તા ચલતે હૈ, પર હિમેશ ને મુઝે ફિર સે જવાન કર દિયા.

એક સંગીતકાર મેરી ઝિંદગી મેં હાદસે કી તરહ આયા. ઉસને નહીં, પ્રોડ્યુસરને મુઝે બુલાયા. આદિત્ય ચોપડા કી ‘ધૂમ’ કે લિએ સંગીતકાર પ્રીતમને એક ધૂન બનાઈ થી જિસકે ‘ડમી’ શબ્દ થે ‘મૈં તેરી હૂં, મૈં તેરી, લયલા’. ધૂન એકદમ ‘કેચી’ થી પર ઉસકે ઉપર સહી શબ્દ નહીં મિલ રહે થે. ઇસલિએ આદિત્ય ચોપડાને મુઝે બુલાયા થા.

મેં ૧૫-૨૦ મિનિટ ધૂન સાંભળી અને શબ્દો લખ્યા, ‘ધૂમ મચા દે, ધૂમ મચા દે, ધૂમ...’ સૌને એ પસંદ આવ્યા. આમ પ્રીતમ સાથે મારી જોડીની શરૂઆત થઈ. ફિલ્મ ‘ભૂલભુલૈયા’માં શ્રેયા ઘોસાલે ગાયેલું ‘મેરે ઢોલના સુન, મેરે પ્યાર કી ધૂન’ અત્યંત લોકપ્રિય થયું.

 ફિલ્મની સીક્વલ આવી ત્યારે પ્રોડ્યુસર કહે કે આ ગીત મારે ફિલ્મમાં જોઈએ છે, ધૂન પણ લગભગ એ જ રહેશે. આ એક મોટી ચૅલેન્જ હતી. મેં નક્કી કર્યું કે આ ગીતનું ‘મેલ વર્ઝન’ (Male Version) લખવું. એટલે નવા શબ્દો સાથે સોનુ નિગમના સ્વર અને અમાલ મલિકના સંગીતમાં ગીત રેકૉર્ડ કર્યું જે લોકપ્રિય થયું.’

lll

ગીતકાર સમીર અનજાન સાથેની ગુફ્તગૂમાં જે કિસ્સાઓ જાણવા મળ્યા એ વિશે એક પુસ્તક લખી શકાય. આવતા રવિવારે તેમની અનોખી સિદ્ધિ અને અંગત જીવનના રોમાંચક કિસ્સાઓ શૅર કરીને આ શ્રેણીનું સમાપન કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 07:36 AM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK