નૅશનલ તથા ઇન્ટરનૅશનલ લેવલ પર પોતાનાં પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજતાં દિવ્યાંગ દીપ્તિ શાહની કલાનો જવાબ નથી
આર્ટ સ્ટુડિયોમાં કૅન્વસ પેઇન્ટિંગ કરતાં દીપ્તિ શાહ
કૅન્વસ પેઇન્ટિંગ્સ, આર્ટપીસ, મ્યુરલ્સ, ટી કોસ્ટર્સ, જ્વેલરી બૉક્સ, લાકડાની બુક બૉક્સ કિટ, વુડન ટ્રે, ટી પૉટ, પેન સ્ટૅન્ડ, ટિશ્યુ પેપર હોલ્ડર બૉક્સ, હાથથી પેઇન્ટ કરેલાં ચૉપિંગ બોર્ડ્સ, કી હોલ્ડર, અગરબત્તી સ્ટૅન્ડ્સ જેવી કેટલીય પ્રોડક્ટ બનાવતાં અને નૅશનલ તથા ઇન્ટરનૅશનલ લેવલ પર પોતાનાં પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજતાં દિવ્યાંગ દીપ્તિ શાહની કલાનો જવાબ નથી
જીવન સંગીત સમાન હોય છે પણ દરેકને એ સંગીત માણવા અને સાંભળવાનું સદ્ભાગ્ય મળતું નથી. કેટલાક લોકો એવા હોય છે જે સાંભળી નથી શકતા પણ તેમની કલ્પના, ભાવના અને સર્જનાત્મકતા એટલી ઊંડી હોય છે કે એ લોકો સુધી પહોંચી જ જાય છે. કલા જગતમાં એવું જ એક નામ ૪૩ વર્ષનાં દીપ્તિ શાહનું છે. સાંભળવાની ક્ષમતા ન હોવા છતાં કળાને સમજવા માટે કાનની નહીં, હૃદયની જરૂર હોય છે. અત્યાર સુધી દીપ્તિએ અઢળક આર્ટપીસ અને ૫૦ કરતાં વધુ વૉલ પેઇન્ટિંગ્સના પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે. આ સાથે તે પોતાના આર્ટ સ્ટુડિયોનું સંચાલન પણ કરે છે જ્યાં સાંભળી ન શકતા લોકો શીખવા આવે છે. તેમની જીવનયાત્રા અને કલાયાત્રા કઈ રીતે લોકોને પ્રેરણા આપે છે એ તેમની પાસેથી જ જાણીએ.
ADVERTISEMENT
કલા બની સાચી વાણી
નાનપણમાં બીમારીને લીધે બહેરાશ આવી જતાં જીવન સામાન્યથી અસામાન્ય થઈ ગયું એમ છતાં આજે પણ કોઈ પણ વ્યક્તિ સાથે ક્મ્યુનિકેટ કરવા કોઈનો સહારો લેવો પડતો નથી. ટેક્નૉલૉજીની મદદથી અત્યારે દિવ્યાંગ લોકો ઘણા ઇન્ડિપેન્ડન્ટ બની ગયા છે ત્યારે દીપ્તિએ પણ કોઈ પણ વ્યક્તિની મદદ લીધા વિના વૉટ્સઍપના માધ્યમથી ‘મિડ-ડે’ સાથે તેમની આખી જર્ની શૅર કરી છે. વાતની શરૂઆત કરતાં દીપ્તિ જણાવે છે, ‘હું જ્યારે આઠ મહિનાની હતી ત્યારથી બીમારીને લીધે સાંભળવાની શક્તિ ગુમાવી હતી. જેમ-જેમ મોટી થતી ગઈ એમ સ્પીચ ડેવલપ ન થવાને લીધે મને વાત કરવામાં મુશ્કેલી થતી હતી, પણ હું શું ફીલ કરું છું એ રંગોના માધ્યમથી એક્સપ્રેસ કરી શકું છું એ ચીજ મેં નોટિસ કરી. ત્યારથી ધીમે-ધીમે પેઇન્ટિંગ મારો અવાજ બની ગયું. મને ક્યારેય એવું નહોતું લાગ્યું કે પેઇન્ટિંગ માત્ર એક શોખ છે, પણ જ્યારે લોકો મારાં ચિત્રો સાથે ડીપ કનેક્શન ફીલ કરવા લાગ્યા ત્યારે મને સમજાયું કે ભલે મારી પાસે બોલવા માટે શબ્દો નથી પણ કલા છે જે બધા પાસે નથી હોતી. મેં અત્યાર સુધી ૫૦થી વધુ વૉલ પેઇન્ટિંગ્સ અને ઇન્ટીરિયરના પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂરાં કર્યાં છે. મને ૨૦૦૪માં બેસ્ટ ઇન્ટીરિયરનો અવૉર્ડ એનાયત થયો હતો. ૨૦૧૦માં મેં ગુરુ તનુલ વિક્રમશીના માર્ગદર્શન હેઠળ ઍડ્વાન્સ ટ્રેઇનિંગ લીધી એ મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ હતો. તેમણે મને શીખવ્યું કે મૌનને સર્જનાત્મકતામાં કેવી રીતે પરિવર્તિત કરવું એટલે રચના, આકાર અને લયનો ઉપયોગ કરીને પોતાની વાર્તા કે લાગણી કેવી રીતે લોકો સુધી પહોંચાડવી. મારા બનાવેલા કૅન્વસ પેઇન્ટિંગ્સ, આર્ટપીસ, મ્યુરલ્સ, ટી કોસ્ટર્સ, જ્વેલરી બૉક્સ, લાકડાનાં બુક બૉક્સ કિટ, વુડન ટ્રે, ટી પૉટ, પેન સ્ટૅન્ડ, ટિશ્યુ પેપર હોલ્ડર બૉક્સ, હાથેથી પેઇન્ટ કરેલા ચૉપિંગ બોર્ડ્સ, કી હોલ્ડર, અગરબત્તી સ્ટૅન્ડ્સ, આર્ટિસ્ટિક્સ કૉર્પોરેટ ગિફ્ટિંગ બહુ પસંદ કરી રહ્યા છે. હું હાથેથી મિરર્સ પણ પેઇન્ટ કરું છું. મારી આર્ટ મુંબઈ અને પુણે ઉપરાંત અમેરિકા, દુબઈ અને લંડન સુધી પહોંચે છે. આ અનુભવે મને શીખવ્યું છે કે કલાને કોઈ સીમા નથી. એ ભારત હોય કે વિદેશ, લોકો લાગણીઓને પ્રતિભાવ આપે છે. દરેક સંસ્કૃતિ કંઈક અનન્ય જુએ છે. પશ્ચિમમાં ઘણા લોકો મારા મૌનમાં શક્તિ જુએ છે. ભારતમાં તેઓ ઘણી વાર ભક્તિ, લય અને આધ્યાત્મિકતા સાથે જોડાય છે. મેં શીખ્યું છે કે રંગો, વાર્તાઓ અને લાગણીઓ ભાષા કરતાં લાઉડ હોય છે.’
ક્રીએટિવિટીની મર્યાદા નથી
શારીરિક રીતે સામાન્ય ન હોવાથી લોકો સાંભળી ન શકતા કલાકારો વિશે ગેરસમજ કેળવી લે છે અને એવું માને છે કે બધિરતા ક્રીએટિવિટી અને સમજણને મર્યાદિત કરે છે, પણ એવું નથી. આ અક્ષમતા જીવનને જોવાનો દૃષ્ટિકોણ ચેન્જ કરી નાખે છે. વાતના દોરને આગળ વધારતાં દીપ્તિ જણાવે છે, ‘હું વધુ ઊંડાણથી જે પ્રકારે નિરીક્ષણ કરી શકું છું કદાચ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કરી શકતી હોય. એક વાર મેં મારા મૌન પર વિચાર કરીને એક પેઇન્ટિંગ બનાવ્યું હતું. એમાં કોઈ આકૃતિઓ નહોતી, માત્ર વાદળી અને સોનેરી રંગોના સ્તરો હતા. એણે મારી પ્રાર્થના, મારી ચિંતા અને મારો પ્રેમ એકસાથે વ્યક્ત કર્યાં હતાં. હું એ લાગણીઓનું વર્ણન શબ્દોમાં ન કરી શકી હોત પણ પેઇન્ટિંગના માધ્યમથી બોલી અને લોકોએ એને સમજ્યું. થોડા સમય પહેલાં મુંબઈની જહાંગીર આર્ટ ગૅલેરીમાં મારું એક્ઝિબિશન હતું. ત્યારે મેં સ્ત્રીઓની સ્થિતિસ્થાપકતા અને રોજિંદા જીવનને દર્શાવે એવી થીમ પર મેં પેઇન્ટિંગ્સ કર્યાં હતાં અને લોકોને એ ખૂબ ગમ્યાં હતાં. ઘણા લોકો મૌનનો ખાલીપો જુએ છે, પણ મારા માટે મૌન ખાલી નથી. જ્યારે હું પેઇન્ટ કરું છું ત્યારે મને અલગ એનર્જી ફીલ થાય છે અને હું લાગણીને આંખો દ્વારા સાંભળું છું. મારા બ્રશ સ્ટ્રોક્સ મૌન સાથેની વાતચીતના શબ્દો જેવા છે. મારું વિઝન ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે બહેરા અને દિવ્યાંગ કલાકારોને ગર્વથી પોતાનું કાર્ય રજૂ કરવાની તકો આપવાનું છે. ’
પર્સનલ બૅકગ્રાઉન્ડ
૪૩ વર્ષનાં દીપ્તિ શાહે જૈસલ શાહ સાથે લગ્ન કર્યાં છે. આ વિશે જણાવતાં તે કહે છે, ‘જૈસલ અને હું એક કૉમન ફ્રેન્ડના થ્રૂ ૨૦૦૦ની સાલમાં મળ્યાં હતાં. જૈસલ પણ મારી જેમ સાંભળી નથી શકતા, પણ તેમનો આ પ્રૉબ્લેમ જન્મજાત હતો. દુનિયામાં સૌથી વધુ સાંભળી ન શકતા લોકો આપણા ભારતમાં જ છે, એમાંથી ફક્ત ૨૬ ટકા લોકોને જ જૉબ મળે છે. આ ટકાવારીને વધે એ માટે તેઓ કમ્યુનિટી બિલ્ડ કરી રહ્યા છે જેથી બધા જ એકબીજાને આગળ વધવામાં મદદ કરી શકે. તેમણે મને ૨૦૦૧માં પ્રપોઝ કર્યું અને ૨૦૦૫માં અમારાં લગ્ન થયાં. અત્યારે હું મારા હસબન્ડ અને અમારી ગોલ્ડન રિટ્રિવર પ્રજાતિની ફીમેલ ડૉગ લોલા સાથે રહું છું અને સાથે આર્ટ સ્ટુડિયોનું સંચાલન કરું છું. મારા સ્ટુડિયોમાં ઘણા દિવ્યાંગ લોકો શીખવા આવે છે.’

