હરવા-ફરવાના શોખમાં જુવાનિયાઓને ઝાંખા પાડે એવા માટુંગામાં રહેતા ૬૦ વર્ષના અજય મહેતાએ ૨૦૧૪થી ૨૦૨૫ દરમ્યાન મિત્રો સાથે યુરોપના દેશોની સાત સાઇક્લિંગ ટ્રિપમાં કુલ ૨૧૧૫ કિલોમીટરનો પ્રવાસ ખેડી લીધો છે
નેધરલૅન્ડ્સ, 2025
એમ કહેવાય છે યંગ એજમાં હરવાફરવાના જે શોખ હોય એ પૂરા કરી લેવા જોઈએ બાકી ઘડપણમાં તો ઘરે બેસવાનો જ વારો આવશે જે એક રીતે સાચું છે, પણ ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં પણ પોતાની જાતને મનથી યંગ માનતા હોય અને જુવાનિયાઓની જેમ જીવતા હોય છે. માટુંગામાં રહેતા ૬૦ વર્ષના અજય મહેતા એનું જીવંત ઉદાહરણ છે. અજયભાઈ આમ તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે પણ એમાં પ્રૅક્ટિસ નથી કરતા. તેમની પોતાની એક ફિનટેક કંપની છે. કામની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ યુરોપિયન કન્ટ્રીમાં સાઇક્લિંગ ટ્રિપ માટેનો સમય કાઢી જ લે છે. છેલ્લાં ૧૧ વર્ષમાં કરેલી ટ્રિપ વિશે માહિતી આપતાં અજયભાઈ કહે છે, ‘મેં સૌથી પહેલી ટ્રિપ ૨૦૧૪માં કરી હતી, જે ઑસ્ટ્રિયાની હતી. અમે દસ મિત્રોએ મળીને સાત દિવસમાં ૩૬૫ કિલોમીટર જેટલું અંતર સાઇકલથી કાપ્યું હતું.
એ પછી ૨૦૧૬માં ફરી ઑસ્ટ્રિયામાં જ નવ મિત્રો સાથે સાત દિવસની ૩૩૫ કિલોમીટરની બીજી સાઇક્લિંગ ટ્રિપ કરી હતી. અમારી ત્રીજી સાઇક્લિંગ ટ્રિપ ૨૦૧૮માં ફ્રાન્સમાં હતી જ્યાં અમે બાવીસ મિત્રો હતા અને સાત દિવસમાં ૩૨૫ કિલોમીટર સાઇક્લિંગ કર્યું હતું. ૨૦૨૨માં કરેલી ચોથી સાઇક્લિંગ ટ્રિપ તો અમે ફ્રાન્સ, જર્મની અને લક્ઝમબર્ગ એમ ત્રણ દેશમાં કરેલી, જેમાં અમે ૧૨ મિત્રોએ છ દિવસમાં ૨૪૦ કિલોમીટરનો સાઇકલથી પ્રવાસ કર્યો હતો. એના પછીના વર્ષે અમારી ૧૨ મિત્રોની ટીમે ઑસ્ટ્રિયા, ઇટલીની સાઇક્લિંગ ટ્રિપ કરી હતી જે ૩૦૦ કિલોમીટરની હતી. ગયા વર્ષે અમે ડેન્માર્કની ટ્રિપ ૧૦ મિત્રોએ મળીને કરેલી, જેમાં છ દિવસમાં ૨૩૦ કિલોમીટર સાઇક્લિંગ કર્યું હતું. હજી આ વર્ષે સપ્ટેમ્બરમાં જ અમે ૧૦ મિત્રો નેધરલૅન્ડ્સની સાઇકલ ટ્રિપ કરીને પરત ફર્યા છીએ, જેમાં આઠ દિવસમાં અમે ૩૨૦ કિલોમીટર સાઇક્લિંગ કરીને ફર્યા હતા. ૨૦૧૪થી ૨૦૨૫માં કરેલી સાત સાઇક્લિંગ ટ્રિપમાં અમે કુલ ૨૧૧૫ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે.’
ADVERTISEMENT
આ રીતે થઈ ટ્રિપની શરૂઆત
સાઇક્લિંગ ટ્રિપની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે જણાવતાં અજયભાઈ કહે છે, ‘મેં માટુંગાની આર. એ. પોદાર કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં અભ્યાસ કરેલો છે. હું જેમની સાથે સાઇક્લિંગ ટ્રિપ પર જાઉં છું એ મારા કૉલેજના ફ્રેન્ડ્સ છે. અમે બધા ૧૯૮૫ના બૅચના સ્ટુડન્ટ્સ છીએ. અમે બધાએ ૨૦૦૦ની સાલમાં એવું વિચારેલું કે દર વર્ષે આપણે બધાએ મળીને એક બૉય્ઝની ટ્રિપ કરવી જોઈએ. એ પછી અમે ઉત્તરાખંડના ઔલીમાં સ્કીઇંગ માટે ગયેલા જ્યાં અમે સાત દિવસની સ્કીઇંગ ટ્રેઇનિંગ પણ લીધેલી. અમે બાય રોડ ગોવાની પણ ટ્રિપ કરેલી. લક્ષદ્વીપમાં જઈને સ્કૂબા ડાઇવિંગનો પણ એક્સ્પીરિયન્સ લીધેલો. એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી પણ જઈ આવેલા અને એ માટે મુંબઈમાં ટ્રેકિંગની પ્રૅક્ટિસ પણ કરેલી. એ પછી સાઇકલ ટ્રિપનો નવો એક્સ્પીપિરિયન્સ લેવાનું અમે નક્કી કરેલું. અમે એક ટ્રાવેલ કંપનીનું પૅકેજ બુક કરેલું જેમાં તેઓ સાઇકલ પ્રોવાઇડ કરે, ટાઉન-ટુ-ટાઉન હોટેલ સ્ટેની વ્યવસ્થા કરે, બ્રેકફાસ્ટનું પણ ધ્યાન રાખે, એક ગામથી બીજે ગામ લગેજ ટ્રાન્સપોર્ટ કરવાની જવાબદારી પણ તેમની હોય અને ટૂર-ગાઇડ પણ આપે. પહેલી વાર અમે ગયેલા ત્યારે ટૂર-ગાઇડ અમે રાખેલો, કારણ કે બીજા દેશમાં જઈને અંતરિયાળ ગામોમાં સાઇક્લિંગ રૂટ પર ડાટરેક્શન કેવાં હશે એ ખબર નહીં અને કોઈ ને કંઈ પૂછવું હશે તો પણ લૅન્ગ્વેજનો પ્રૉબ્લેમ આવી શકે. અમારો ગાઇડ ખૂબ જ સારો હતો અને એટલો નિખાલસ હતો કે તેણે અમને ૨-૩ દિવસે જાતે જ કહી દીધું કે તમારે ગાઇડની કોઈ જરૂર નથી. અમે પણ જોયું કે સાઇક્લિંગ રૂટ્સ એટલા સિમ્પલ છે કે તમે મહેનત કરો તો પણ ખોવાઓ નહીં. એ લોકોના ડેડિકેટેડ સાઇક્લિંગ રૂટ જ હોય કે જે ફક્ત સાઇકલચાલક માટે જ બનેલા હોય. એ પછીની મારી જે બીજી ટ્રિપ હતી એ મેં મારા રનર્સ ગ્રુપના ફ્રેન્ડ્સ સાથે કરેલી. હું ૨૦૧૩થી ૨૦૧૮ વચ્ચે મૅરથૉન રનર હતો. હાફ મૅરથૉનમાં દોડવા જતો હતો એટલે એ ફ્રેન્ડ ગ્રુપને લઈને મેં ૨૦૧૬માં મારી બીજી સાઇક્લિંગ ટ્રિપ કરેલી. ૨૦૧૬ની અને ૨૦૨૨ની ટ્રિપ જ મેં રનિંગ ગ્રુપ સાથે કરેલી છે, બાકીની બધી મારા કૉલેજના ગ્રુપ સાથે જ કરી છે.’
વિવિધ દેશોના અનુભવો
ટ્રિપ દરમિયાન થયેલા અનુભવો વિશે વાત કરતાં અજયભાઈ કહે છે, ‘નાના-નાના ટાઉનમાંથી પસાર થઈને સ્થાનિક લોકો સાથે ઇન્ટરૅક્શન કરવાની એક અલગ મજા છે. તમે ત્યાંના મોટા શહેરોમાં જાઓ તો તમને ત્યાંના લોકોમાં એક પ્રકારનો ઍટિટ્યુડ દેખાય. એ લોકો ઇન્ડિયન્સને ઊતરતી કક્ષાના સમજતા હોય છે. ત્યાંનાં ગામડાંઓમાં એવું નથી. એ લોકો ટૂરિસ્ટના ગ્રુપને જોઈને ખુશ થાય. તેમને આવકારે, તેમની સાથે પ્રેમપૂર્વક વર્તન કરે. ત્યાંનું વેધર પણ ખૂબ જ સારું હોય. આ વખતે નેધરલૅન્ડ્સ અમે ગયેલા ત્યારે સાઇક્લિંગ કરતી વખતે એક ટીપું પરસેવો નથી પડ્યો. ૧૦-૧૨ ડિગ્રી સેલ્શિયસ ટેમ્પરેચરમાં સાઇક્લિંગ કરવાની મજા આવી જાય. અમે ફ્રાન્સમાં વાઇન રૂટ પર ગયેલા. દ્રાક્ષનાં ખેતરો, વાઇન ટેસ્ટ કરવાની સુવિધા, પ્રોડક્શન પ્રોસેસ વગેરે જાણવા ઇચ્છતા વાઇન પ્રેમીઓ માટે તૈયાર કરવામાં આવેલો આ રૂટ છે. અમે રસ્તામાં સાઇકલ ઊભી રાખીને દ્રાક્ષના ખેતરમાંથી પાંચ-છ કિલો દ્રાક્ષ ખાઈ ગયેલા. ત્યાં CCTV કૅમેરા લાગેલા હતા એટલે તેમણે કદાચ અમને જોયા પણ હોય એમ છતાં કોઈ અમને રોકવા આવ્યું નહીં. અગાઉ અમે સાઇક્લિંગ ટ્રિપમાં જમવાનું મળશે કે નહીં એ બધું વિચારીને અમે થેપલાં, ખાખરા લઈ જતા પણ નાનાં ટાઉન્સમાં પણ વીગનિઝ્મ એટલું ફેલાયેલું છે કે તમને આરામથી શાકાહારી જમવાનું મળી જાય. એમાં પણ તમે તેમને કહી દો કે તમને ઈંડાની કે માંસની ઍલર્જી છે તો એ લોકો વધારે પડતી સાવચેતી રાખીને ભોજન બનાવે. લોકલ ફૂડ ત્યાંનું ખૂબ સારું હોય છે અને લોકો પણ પ્રેમથી જમાડે. ફ્રાન્સના ગામમાં એક જગ્યાએ અમે જમવા માટે હૉલ્ટ લીધેલો. એ એક નાનીએવી રેસ્ટોરાં હતી જેનું સેટઅપ એવું હતું કે આગળ ખુલ્લી રેસ્ટોરાં જેવું અને પાછળ ઘર હતું. પહેલાં તો એકસાથે ૨૨ લોકોનું ગ્રુપ જોઈને એ રેસ્ટોરાંવાળા ભાઈ થોડા દંગ રહી ગયા. એ પછી તેમણે તેમની વાઇફને પૂછ્યું કે આટલા બધા લોકોનો ઑર્ડર તે પ્રિપેર કરી શકશે કે નહીં. અમે સાતથી આઠ સબવે ટાઇપની સૅન્ડવિચ લીધી, કોઈકે બિઅર, કોઈકે વાઇન, કોઈકે કૉફી મગાવ્યાં. અમારું બિલ ફક્ત બાવન યુરો આવ્યું. અમને પણ નવાઈ લાગી કે બાવીસ જણનું બિલ ફક્ત બાવન યુરો કેમ આવી શકે? અમે એટલા ખુશ થઈ ગયેલા કે અમે અંકલ-આન્ટીને બોલાવીને ૬૦ યુરો આપ્યા અને બાકીના પૈસા ટિપ તરીકે રાખવા કહ્યું. તેમની સાથે અમે ફોટો પણ પડાવ્યો અને અમારો આટલો પ્રેમ જોઈને એ લોકો પણ ગદ્ગદ થઈ ગયેલા. તેમની નિર્દોષતા અને દિલદારી તેમના વર્તન પરથી જ આપણે સમજાઈ જાય. હું તો માનું છું કે રેગ્યુલર ટૂરથી મોટા-મોટા શહેરોમાં ફરવા કરતાં ત્યાંનાં નાનાં ગામડાંઓમાં ફરવું જોઈએ. ઑસ્ટ્રિયા યુરોપના સૌથી સારા દેશમાંનો એક છે. એની નૅચરલ બ્યુટી સ્વિટ્ઝરલૅન્ડ કરતાં પણ સારી છે. પહાડો, નદીઓ, ખેતરો બધું ખૂબ સુંદર છે. ઇટલીમાં ઘાટના રૂટમાં પહાડોની વચ્ચેથી ટનલ બનાવી છે. એની અંદરથી સાઇક્લિંગ કરીને પસાર થવાની પણ એક અલગ મજા છે. આ વખતે અમે નેધરલૅન્ડ્સમાં ગયેલા ત્યાં અમને ૪૦-૫૦ વિદ્યાર્થીઓનું ગ્રુપ મળેલું. સાઇકલ પર તેઓ પિકનિક જઈ રહ્યા હતા. નેધરલૅન્ડ્સમાં સાઇક્લિંગ લોકોના દૈનિક જીવનનો અહમ ભાગ છે. અહીં તો કનૅલ બોટથી શહેરની સફર કરવાનો પણ એક અનોખો અનુભવ છે.’
ફિટનેસ જરૂરી
અજયભાઈ અને તેમના મિત્રો ફરવા જાય ત્યારે રોજની સરેરાશ ૫૦-૬૦ કિલોમીટ સાઇકલ ચલાવે છે. એ પણ પાછી સાત-આઠ દિવસ માટે દરરોજ ચલાવવાની હોય. એટલે એ પ્રકારની ફિઝિકલ સ્ટ્રેન્ગ્થ પણ જોઈએ. એ મેઇન્ટેન કરવા માટે રેગ્યુલર બેઝિસ પર પ્રૅક્ટિસ કરવી પડે. એવામાં અજયભાઈ તેમની ફિટનેસ જાળવવા માટે શું કરે છે એનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘હું સોમવાર, બુધવાર અને શુક્રવાર એમ ત્રણ દિવસ સવારે માટુંગાથી બાબુલનાથ, હૅન્ગિંગ ગાર્ડન જઈને ત્યાંથી રિટર્ન આવું. એમાં લગભગ બે કલાક જેટલો સમય લાગે. આપણી પિંડીઓના મસલને આપણું બીજું હાર્ટ કહેવામાં આવે છે. સાઇક્લિંગથી એની પણ હેલ્થ સારી રહે છે. બાકીના મંગળવાર, ગુરુવાર, શનિવારે હું ફિઝિકલ ટ્રેઇનિંગ લઉં છું.’

