કોઈ વિશેષ કૅર કે પછી જિમ કે પછી વારંવાર પાર્લરના આંટા માર્યા વિના આ મમ્મીઓ ૫૦ વર્ષની ઉંમરમાં પણ યંગ લાગે છે અને પોતાની દીકરીની મોટી બહેન અથવા તો બહેનપણી જેવી લાગે છે
લતા ગાલા (ઉપર ડાબે), દીપા શાહ(ઉપર જમણે), રેખા પાનસુરિયા(નીચે ડાબે), અંજલિ દોઢીયા(નીચે જમણે)
ટીવી ઉપર એક સાબુની ઍડ ખૂબ જ પ્રચલિત થઈ હતી જેમાં એક સુંદર યુવતી સ્ટેજ પર પર્ફોર્મન્સ આપી રહી હોય છે જેને જોઈને એક યુવાન તેના પર મોહિત થઈ જાય છે. થોડા સમયમાં એક નાની છોકરી ‘મમ્મી’ કરીને બૂમ પાડતી આવે છે. ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે શું આ ખરેખર ‘મમ્મી’ છે? તેને જોઈને જરા પણ લાગતું નથી કે આ મમ્મી છે. આ તો વાત થઈ એક ઍડની, પણ હકીકતમાં પણ આવું થાય છે. તમે એને ગૉડ-ગિફ્ટ કહો કે પછી સેલ્ફ-કૅર, પણ ઘણી મમ્મીઓ એવી છે જેઓ ૫૦ વર્ષના આંકડાની આસપાસ હોવા છતાં તેમને જોઈને એમ જ વિચાર આવશે કે એજ ઇઝ જસ્ટ અ નંબર. આજે આપણે એવી જ મમ્મી અને નાનીને મળવાનાં છીએ જેઓ આજે પણ તેમની દીકરી અથવા તો વહુની સાથે ઊભી હોય તો બહેનપણી જેવી જ દેખાય.
ત્રણ દીકરીની મમ્મી છું
ADVERTISEMENT
વિલે પાર્લેમાં રહેતાં હાઉસવાઇફ લતા ગાલા કહે છે, ‘મારા મોઢે મારાં વખાણ કરવાનું મને ગમતું નથી પણ આજે આયુષ્યની અડધી સદી વટાવી દીધી હોવા છતાં હું હજી પણ યંગ લાગું છું એવાં વારંવાર કૉમ્પ્લીમેન્ટ મળતાં રહેવાને લીધે હું વધુ યુવાન હોવાનું અનુભવું છું. એપ્રિલ મહિનામાં મને ૫૦ વર્ષ પૂરાં થાય છે. મારી બે દીકરીનાં લગ્ન થઈ ગયાં છે અને ત્રીજી દીકરી ૧૯ વર્ષની છે. મને જોઈને લોકોને લાગતું જ નથી કે આ ત્રણ સંતાનની મા છે. તાજેતરનો જ દાખલો આપું તો હું ઘણાં વર્ષો પછી મારા સ્કૂલ-ફ્રેન્ડ્સની સાથે ટ્રિપ પર ગઈ હતી. અમે વર્ષો પછી એકબીજાને મળ્યાં હતાં પણ મને જોઈને તેઓ માનવા જ તૈયાર નહોતા કે હું આ ઉંમરમાં પણ એવી ને એવી જ લાગું છું જેવી હું સ્કૂલ અને કૉલેજ સમયે હતી. જોકે આ ગૉડ-ગિફ્ટ જ છે. બાકી હું બૉડી મેઇન્ટેન કરવા કશું વિશેષ કરતી નથી કે પાર્લરનાં ચક્કરો પણ બહુ લગાવતી નથી.’
લુક્સમાં અને વિચારોમાં પણ એકસમાનતા
હું માત્ર લુકસમાં જ નહીં પણ વિચારોમાં પણ મારી દીકરી અને વહુની સાથે સમાનતા ધરાવું છું એમ જણાવતાં કાંદિવલીમાં રહેતાં ૫૦ વર્ષનાં રેખા પાનસુરિયા કહે છે, ‘મારા દીકરાનાં લગ્ન થઈ ગયાં છે અને મારી વહુ કૃણાલીની ઉંમર ૨૫ વર્ષ છે, જ્યારે મારી દીકરી શ્રુતિ ૨૩ વર્ષની છે. અને અમે ત્રણેય એકબીજાની બહેનપણી હોઈએ એવી રીતે રહીએ તો છીએ જ અને પાછાં એવાં લાગીએ પણ છીએ. અમે ત્રણેય સાથે બહાર નીકળીએ તો કોઈ કહી શકશે નહીં કે હું તેમની મમ્મી અથવા તો સાસુ છું. મને તો આવા અનેક એક્સ્પીરિયન્સ થઈ ગયા છે. મારા હસબન્ડ થોડા હેલ્ધી છે અને હું ખૂબ જ સ્લિમ છું. અમે દહિસર રહેવા ગયાં હતાં ત્યારે અમારી બાજુમાં એક કાકા રહેતા હતા. તેમણે મારા હસબન્ડને આવીને પૂછ્યું કે શું આ તમારાં બીજા લગ્ન છે? આવી તો ઘણી રમૂજી ઘટના બની છે. મેં મારી જાતને ખૂબ જ મેઇન્ટેન રાખી છે. આખો દિવસ ઍક્ટિવ તો રહું જ છું અને સાથે વજનને કન્ટ્રોલમાં રાખવા માટે મહેનત પણ એટલી જ કરું છું.’
નાની પણ બની ગઈ છું
બ્રીચ કૅન્ડીમાં રહેતાં બાવન વર્ષનાં હાઉસવાઇફ દીપા શાહ કહે છે, ‘મારી દીકરી સચી શાહના છોકરાને તેડીને હું જતી હોઉં તો ઘણાને એવું લાગે છે કે હું જ તેની મમ્મી છું. મારે ચોખવટ કરવી પડે કે હું તેની મમ્મી નથી, પણ મમ્મીની મમ્મી છું. જોકે આવી બધી ટિપ્પણી મળવાથી મને આનંદ થાય છે કે હું આ ઉંમરે પણ એક ટાબરિયાની મમ્મી જેવી જ લાગું છું. ઘણી વખત તો મારી છોકરીને પણ કૉમ્પ્લેક્સ થઈ જાય છે. જોકે અમારા ઘરમાં યંગ દેખાવાનું વારસાગત છે એમ કહું તો ચાલે કેમ કે મારી મમ્મી પણ તેની ઉંમર કરતાં નાની લાગે છે અને મારી દીકરી પણ તેની ઉંમર કરતાં ઘણી નાની લાગે છે. ખરી કૉમેડી તો ત્યારે થઈ જયારે મારી દીકરીનાં લગ્ન હતાં. અમારાં બન્નેનાં કપડાંનો રંગ એકસરખો હતો અને અમે જે માથે ઓઢ્યું હતું એ પણ ઘણું મેળ ખાતું હતું એટલે જ્યારે હું એન્ટર થઈ ત્યારે બધાને એવું જ લાગ્યું કે હું જ બ્રાઇડ છું, પણ પછી જ્યારે મારી દીકરી એન્ટર થઈ ત્યારે લોકો શૉક થઈ ગયા કે અરે બ્રાઇડ તો હવે આવી તો આ કોણ છે? અને જ્યારે તેમને હકીકત ખબર પડી તો કેટલાક તો માનવા જ તૈયાર નહોતા કે હું બ્રાઇડની મમ્મી છું. નૉર્મલમાં પણ અમે બન્ને એકસરખા ડ્રેસ જ કરાવીએ છીએ અને હેરસ્ટાઇલ પણ અમારી લગભગ સરખી જ હોય છે એટલે લોકો અવારનવાર થાપ ખાઈ જતા હોય છે કે હું તેની મમ્મી છું કે ફ્રેન્ડ.’
વેવાઈ વર્ગ પાસેથી પણ કૉમ્પ્લીમેન્ટ્સ મળ્યાં
અગાઉ ડેન્ટિસ્ટની સાથે કામ કરતાં પણ હવે હાઉસવાઇફની ડ્યુટી નિભાવતાં અને ખેતવાડી નવમી ગલીમાં રહેતાં ૪૯ વર્ષનાં અંજલિ દોઢિયા કહે છે, ‘મારી ડ્રેસિંગ સેન્સ પણ યુવાનો જેવી જ છે. હું સાડી બહુ જ રેર પહેરું છું, વધારે હું જીન્સ અને વેસ્ટર્ન કપડાંમાં જ હોઉં છું એટલે હું વધારે નાની લાગું છું. મારી દીકરી ૨૮ વર્ષની છે એવું મને જોઈને લાગશે નહીં. અમે બહાર ગયાં હોઈએ તો વધારે વેસ્ટર્ન કપડાંમાં જ હોઈએ છીએ. એ સમયે મારી ઉંમર કોઈ પકડી શકશે નહીં. મને મારા ફ્રેન્ડ, રિલેટિવ્સ પાસેથી તો કામ્પ્લીમેન્ટ્સ મળે જ છે પણ મારા વેવાઈ વર્ગ પાસેથી પણ દીકરીની ફ્રેન્ડ અથવા મોટી બહેન જેવાં લાગતાં હોવાનાં કૉમ્પ્લીમેન્ટ્સ મળ્યાં છે જે મારા માટે પ્રાઉડ કરવા જેવી વાત છે. મારી દીકરી દૃષ્ટિનાં હમણાં જ લગ્ન નક્કી થયાં છે. તેની થનાર સાસુ પણ એટલી જ યંગ લાગે છે. એટલે લોકો કહે છે કે શું તમારાં બાળકો એટલાં મોટા થઈ ગયાં છે કે તમે હવે સાસુ બની જવાનાં છો? યંગ દેખાતાં હોવાનાં કૉમ્પ્લીમેન્ટ્સ કઈ મહિલાને ગમતાં નથી? મને તો આવાં અવારનવાર કૉમ્પ્લીમેન્ટ્સ મળતાં જ રહેતાં હોય છે જેનાથી ખૂબ જ ખુશી અનુભવાય છે.’

