Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અભિનેત્રી… યે દિલ તુમ બિન કહીં લગતા નહીં (પ્રકરણ ૩)

અભિનેત્રી… યે દિલ તુમ બિન કહીં લગતા નહીં (પ્રકરણ ૩)

Published : 17 December, 2025 12:45 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

અને કારની બ્રેક સાથે કાર ઠોકાવાના અવાજે તે ચમકી. સામી ગલીમાં ટોચના સ્ટાર્સ-કસબીઓ માટેનું બે માળનું ગેસ્ટહાઉસ હતું. એ સમયે વૅનિટી વૅન ચલણમાં નહોતી

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘વીતેલા જમનાના મૅચો મૅન તરીકે ખ્યાત હીરો દેવદત્તની તબિયત નાજુક... હૉસ્પિટલમાં ભરતી!’

બીજી સવારે છાપાના ખૂણે છપાયેલા ખબરે લાજવંતીની ઉજાગરાવાળી આંખોમાં અજંપો ભરી દીધો.



આમ તો તારિકાએ ખબર આપવાની સાથે કહ્યું જ હતું કે: હૉસ્પિટલમાં લવાયેલા દેવદત્ત ખરેખર ક્રિટિકલ હાલતમાં હતા. કહો કે છેલ્લા શ્વાસે તેમને ઑક્સિજન મળી ગયો...


‘અલબત્ત, તેમની રિકવરીના ચાન્સિસ ઓછા ગણાય. ડીન સરે મને અને અનુરાગને, અનુરાગસરને તેમની સંભાળની સ્પેશ્યલ ડ્યુટી સોંપી છે.’

‘તો-તો તું ભલી થઈ મને દેવદત્ત વિશે અપડેટ આપતી રહેજે.’ 


પોતાનું અથરાપણું તારિકાને અચંબિત કે શંકિત કરે એ પહેલાં લાજવંતીએ વાળી લીધેલું : દેવદત્ત મારા ફેવરિટ હીરો રહ્યા છે એટલે કહું છું!

ખરું તો તારિકાને કહેવાય એમ પણ ક્યાં હતું? ગઈ કાલે તેણે દેવદત્તના ખબર આપ્યાની ઘડીથી સાત પાતાળ ભીતર દફનાવેલો સ્મરણપટારો ઉલેચાઈને સપાટી પર આવી ગયો હતો. રાતભર સ્મૃતિઓની સરવાણી વરસતી રહેલી:

હિરોઇન બનવાના અભરખાએ પોતે ગામ-ઘર છોડ્યાં, પણ કદાચ નસીબમાં હિરોઇન બનવાનું લખાયું નહીં હોય એટલે જે મળ્યો એ રોલ સ્વીકારી પોતે સ્વમાનભેર ટકી ગયાં.

એમાં બેત્રણ વર્ષના સંઘર્ષ પછી એક્સ્ટ્રાની સરખામણીએ દસ-બાર મિનિટની સ્ક્રીન પ્રેઝન્સ મળે એવો રોલ ‘મેરા ધરમ’માં મળ્યો જેના હીરો હતા દેવદત્ત.

ત્યારે તો તેમનું નામ-કામ પુરબહારમાં અને એટલી જ ઇજ્જત ફિલ્મી દુનિયામાં. દેવદત્ત પરિણીત છે એ તો જગજાહેર હતું, પણ ગ્લૅમર-વર્લ્ડમાં રહીને પણ જે લફરાં તો ઠીક, શરાબથી દૂર રહે છે એનાથી પ્રભાવિત થવું સ્વાભાવિક હતું.

તેમની સાથે પહેલી વાર કામ કરવાનો ચાન્સ મળતાં લાજવંતી નર્વસ પણ હતી.

શૂટિંગના પહેલા દિવસે એનો દેવ સાથે સીન હતો. પ્રણયબદ્ધ દેવ ફિલ્મની નાયિકાને જલાવવા હોટેલની ડાન્સરને નાટક કરવા રાજી કરે છે એ સીક્વન્સના પહેલા દૃશ્યમાં દેવ સાથે ટકરાઈને પોતે ‘હાય મૈં તો મર ગઈ!’  એટલા જ શબ્દો બોલવાના હતા, પણ ખરા વખતે જીભ ન ઊપડે. ડાન્સરનો કૉસ્ચ્યુમ એટલો ટાઇટ હતો કે ક્યાંકથી ડ્રેસ ફસકી ન જાય એમાં વધુ ધ્યાન રહેતું.

એક તબક્કે ડિરેક્ટરે પિત્તો ગુમાવ્યો. લાજવંતીએ માની લીધું કે ખલાસ, આ રોલ હવે તો ગયો જ!

અને ત્યારે મસીહાની જેમ દેવદત્ત વહારે ધાયા : લડકી અચ્છા કર રહી હૈ. પર ઇસકી તકલીફ તો દેખો.

કહી ડ્રેસનું ફિટિંગ ઠીક કરાવ્યું. અરે, શૂટ પહેલાં રિહર્સલ્સ પણ કર્યાં ને સીન બહેતર કરવાની ટિપ પણ આપી.

નીવડેલા કલાકારનું આ પાસું અભિભૂત કરી ગયું. તેમની નજરમાં લાયક ઠરવા લાજવંતીએ કમર કસી એટલે એ પહેલા સીન ઉપરાંત ‘મેરા ધરમ’નાં ગીત સહિત તેનાં ભલે બહુ જૂજ, પણ હતાં એ તમામ દૃશ્યો યાદગાર રહ્યાં.

‘તમે પ્રૉમિસિંગ છો. આગળ જરૂર વધશો.’ ફિલ્મના પ્રીમિયરમાં દેવને મળતાં તેમણે કહેલા શબ્દો સામે લાજવંતીના હોઠે આવી ગયું કે એમ કહોને હિરોઇન બની તમારી સાથે રોમૅન્સ કરવાનો મોકો મળશે.

 એ મોકો ફિલ્મમાં મળે એ પહેલાં જીવનમાં આવી ગયો.

હોઠ કરડતાં લાજવંતી સંભારી રહ્યાં:

‘મેરા ધરમ’ સુપરહિટ રહી એની સિલ્વર જ્યુબિલી પાર્ટી માટે ફિલ્મસિટીમાં ખાસ સેટ ઊભો કરાયો હતો. પહેલી વાર લાજવંતીને પણ ટ્રોફી મળવાની હતી એટલે તો પોતે ભાડાનો ડ્રેસ લીધો, ચાલી નજીકની પાર્લરવાળીને ખાસ તૈયાર કરવા તેડાવી.

જોકે દબદબાભરી પાર્ટીમાં પોતાનો ડ્રેસ, સજાવટ બહુ મામૂલી લાગ્યાં. ફિલ્મના મુખ્ય કલાકાર-કસબીઓની જેમ તેને સ્ટેજ પર બોલાવી ટ્રોફી આપવાને બદલે અસિસ્ટન્ટ ડિરેક્ટર સાગમટે ટીમને ટ્રોફી આપી દે એમાં જ તેનો પણ નંબર રહ્યો એની થોડી નિરાશા પણ વ્યાપી. પોતાનો પણ વાંક દેખાયો: બીજાની જેમ મને ચાપલૂસી કરતાં નથી આવડતું, તક ઝડપવા માટે કોઈ બાંધછોડ મારાથી થતી નથી પછી શું થાય? 

આભમાં વીજ ઝબૂકી, ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો ત્યારે ભાન થયું કે પાર્ટીમાંથી નીકળેલી પોતે હજી સ્ટુડિયોના છાપરા નીચે શૂન્યમનસ્ક થઈ બેસી રહી છે. દૂર પાર્ટીનો શોરગુલ હજી સંભળાય છે, પણ મોટા ભાગના VIP મહેમાનો રવાના થઈ ચૂક્યા છે. પણ મારે હવે આ વરસાદમાં ઘરે કેમ જવું? 

નિરાશામાં હવે અકળામણ ભળી.

અને કારની બ્રેક સાથે કાર ઠોકાવાના અવાજે તે ચમકી. સામી ગલીમાં ટોચના સ્ટાર્સ-કસબીઓ માટેનું બે માળનું ગેસ્ટહાઉસ હતું. એ સમયે વૅનિટી વૅન ચલણમાં નહોતી એટલે સ્ટુડિયોમાં કૉટેજિસ-રૂમ્સની સવલત રહેતી, લાંબા શૂટના વિરામ વચ્ચે સુપરસ્ટાર્સ અહીં આરામ કરતા.

અત્યારે કોઈ શૂટ ચાલુ નથી એટલે ગેસ્ટહાઉસનો ચોકિયાત પણ નહીં હોય. તો ત્યાં કોણ અથડાયું?

આંખે હથેળીની છાજલી કરી લાજવંતીએ નજર દોડાવતાં ચોંકવાનું થયું : આ તો દેવદત્તની મર્સિડીઝ! ગેસ્ટહાઉસના પાર્કિંગના પિલર સાથે કાર અથડાઈ છે ને આગળનો દરવાજો ખોલી ઊતરવાની ટ્રાય કરતા દેવદત્ત ખુદ છે એ કળાતાં તે વરસાદની પરવા વિના દોડી ગઈ: આ શું થઈ ગયું, સર?  

કોઈ મદદમાં આવ્યું છે જાણી દેવદત્તના વદન પર રાહત વર્તાઈ : પ્લીઝ હેલ્પ મી...

ત્યારે જાણ થઈ કે પાર્ટીમાં કોઈએ દેવદત્તના જૂસમાં દારૂ ભેળવવાની અવળચંડાઈ કરી છે, દેવદત્ત સાથે આવું ટીખળ કરવાની કોની હિંમત થઈ એ નક્કી કરવું મુશ્કેલ હતું. અત્યારે એ જરૂરી પણ નથી. પહેલી વાર નશો કરનારા દેવદત્તના પગ લડખડાય છે, મગજ તરબતર છે.

‘મેં વળી ડ્રાઇવરને આજે રજા આપી. નશાની હાલતમાં મારે ઘરે નથી જવું. બાળકો શું વિચારશે? કારના ડૅશબોર્ડમાં અહીંના રૂમની ચાવી હોય છે. મને રૂમ સુધી મૂકી જઈશ? તું... ઓહ, તું તો લાજવંતી છે! તેં બહુ સારું કામ કર્યું...’

આવી હાલતમાં પણ સરનો પરિવારપ્રેમ છૂપો નથી રહેતો. તેમણે મને ઓળખી કાઢી, મારાં વખાણ કર્યાં!  

રૂમની ચાવી લઈ દેવદત્તને ટેકો આપી લાજવંતી ભોંયતળિયાની રૂમમાં લઈ ગઈ ત્યાં સુધીમાં દેવદત્ત સાનભાન ગુમાવી બેઠા હતા. ખભે મૂકેલો તેમનો હાથ સેરવી લાજવંતી કોચ પર સુવાડવા જાય છે, પણ પકડ છૂટી નહીં ને તે પણ દેવદત્ત ભેગી પલંગ પર પડી.

ઉફ્ફ! એક તો પોતે વરસાદમાં ભીંજાઈ છે એમાં... હોઠ કરડતાં તેણે અળગા થવાનો યત્ન કર્યો, ત્યાં તો દેવદત્તે તેને ખેંચી: આજે દૂર કેમ જાય છે, મારી બિન્દી!

અર્ધબેભાન અવસ્થામાં પણ તેમની પકડમાં જોમ હતું, દૂર થવા જતી લાજવંતીને તેણે આંચકાભેર ખેંચી અને...

અત્યારે પણ એ સ્મરણ લાજવંતીને રણઝણાવી ગયું.

કેવી અનંત રાત્રિ હતી એ! દેવદત્ત માટે ભલે હું તેમની પત્ની બિન્દિયા હતી, પણ એમ તો દેવ મારા માટે ક્યાં પરપુરુષ રહ્યા હતા? તેમના હોઠના પહેલા સ્પર્શે હું ઓગળી ચૂકી હતી, દેવ મારા રોમેરોમમાં વ્યાપી ચૂક્યા હતા. જે થયું એ બળાત્કાર તો નહોતો જ, પાપ પણ નહોતું. દેવને મનથી વરી હું તનથી સમર્પિત થઈ હતી. આભમાં વરસતા ગરજતા મેહુલાને પરાસ્ત કરી દે એવું તોફાન રૂમમાં ઊઠતું, શમતું ને ફરી ઊઠતું રહ્યું. પૌરુષત્વના શિખર સમો પુરુષ અનરાધાર વરસતો રહ્યો ને નદી જેવી હું ઊભરાતી છલકાતી રહી.

આભમાં સૂરજ ઊગ્યાની વેળાએ બહાર આકાશ ખુલ્લું હતું ને રૂમમાં જાગ્રત થતાં દેવદત્ત સ્તબ્ધ હતા: આ શું થઈ ગયું?

‘જે થયું એને બીજું ગમે એ કહો દેવ, પાપ કહી મારી પ્રીતનું અપમાન ન કરશો.’

નવી જ લાજવંતી ઊઘડતી હોય એમ દેવદત્ત સહેજ વિસ્ફારિત નેત્રે તેને નિહાળી રહ્યા. પછી ડોક ધુણાવી,

‘પ્રી...ત! લાજવંતી, હું પરણેલો છું. મારા હૈયે મારી બિન્દી સિવાય ક્યારેય કોઈ રહી નહીં શકે.’

‘જાણું છું, પણ મેં ક્યાં તમારા હૈયામાં કે સંસારમાં જગ્યા માગી છે? બસ, તમારાં ચરણોની ધૂળ માથે ચડાવવા જેટલો હક માગું છું.’

આમાં બનાવટ નહોતી, દંભ નહોતો. દેવદત્ત ઘડીભર તેને તાકી રહ્યા.

‘આપણી વચ્ચે ફરી આવી કોઈ રાત પણ સંભવ નથી.’

‘હું માગીશ પણ નહીં. આ એક રાતનું સંભારણું સાત ભવ માટે પૂરતું છે, દેવ!’ લાજવંતીએ સ્મિત વેર્યું, ‘હું અભિનેત્રી છું દેવ, મરતાં પર્યંત મારા રુદિયાની પ્રીતની કોઈને ગંધ નહીં આવવા દઉં!’

‘અને હું બિન્દિયાથી છુપાવી નહીં શકું...’ દેવદત્તને દ્વિધા નહોતી, ‘તારા હકનો ફેંસલો બિન્દી કરશે અને એ મને તો માન્ય હોય જ, તું પણ એની ઉપરવટ નહીં જાય.’

‘પણ તમારે બિન્દિયાદેવીને કશું કહેવાની જરૂર શું છે? નાહક મારા કારણે તમારા સંસારમાં આગ ચંપાશે.’

‘ત્યારે તો તેં મારી બિન્દીને જાણી જ નથી, લાજવંતી!’ દેવદત્તે રણકાભેર કહ્યું, ‘પ્રીતમાં પડદો ન હોય એ મને બિન્દીએ શીખવ્યું છે. બસ, મને થોડો સમય આપ.’

અને લગભગ મહિના પછી અચાનક જ એક બપોરે બિન્દિયા ચાલીના ઘરે આવી હતી. એના થોડા કલાક પહેલાં જ લૅબોરેટરીના ડૉક્ટરે અભિનંદન આપ્યાં હતાં: કૉન્ગ્રેચ્યુલેશન્સ લાજવંતીજી, તમે મા બનનાર છો!

આનો ધક્કો લાગ્યો હોય એમ અત્યારે લાજવંતીનો હાથ ઉદર પર ગયો. પછી નજર કબાટ પર મૂકેલી તાળાબંધ પેટી પર ગઈ. તારિકાને કહેલું એમ આમાં કેવળ ભારે સાડીઓ જ નથી, સાડીની થપ્પીમાં ભૂતકાળ છુપાવ્યો છે!

ક્યાંક એને બહાર કાઢવાની વેળા તો નથી આવી પહોંચીને?

લાજવંતી પાસે અત્યારે પણ આનો જવાબ નહોતો. 

lll

દેવ, જલદી ઠીક થઈ જાઓ, મને એકલી મૂકી તમારે ક્યાંય જવાનું નથી.

વહાલથી પતિના માથે હાથ ફેરવતાં બિન્દિયાદેવીનો સાદ ભીંજાયો. ગયા અઠવાડિયે હૉસ્પિટલમાં લાવ્યા બાદ દેવદત્તની હાલતમાં ભરતીઓટ જેવા ઉતારચડાવ જોવા મળ્યા. ભાનમાં તો તે આવ્યા જ નથી ને ત્રણ દિવસ અગાઉ તેમને વેન્ટિલેટર પર મૂક્યા છે. ડૉક્ટર્સના કહેવા મુજબ તેમના સર્વાઇવ થવાના ચાન્સિસ બહુ ઓછા છે, પણ એથી મારી શ્રદ્ધા ડગી નથી.   

‘મારાથી એક અપરાધ થયો છે, બિન્દી.’

દૂરના ભૂતકાળમાંથી આવતા દેવદત્તના અવાજે બિન્દિયાદેવી ગતખંડમાં ખૂંપી ગયાં.

‘મેરા ધરમ’ની જ્યુબિલી પાર્ટી પછી દેવ ખોવાયેલો લાગતો બિન્દિયાને. ફિલ્મસિટીની એ પાર્ટીમાં કોઈએ જૂસમાં દારૂ ભેળવવાનું ટીખળ કરી. નશાની હાલતમાં પોતે ડ્રાઇવ નહીં કરે એટલો સંદેશો દેવે ત્યાંની લૅન્ડલાઇન પરથી આપેલો: હું અહીંના ગેસ્ટહાઉસમાં જાઉં છું... યુ ડોન્ટ વરી!

સવારે પરત થયેલો દેવ રોજના મૂડમાં નહોતો જ. ના, પાર્ટીમાં દારૂ ભેળવવાની કુમતિ પ્રોડ્યુસર કામનાથ તિવારીની હતી. ઇન્ડસ્ટ્રીમાં દેવદત્તની નો ડ્રિન્ક પૉલિસી જાણીતી હતી, પણ જ્યુબિલી પાર્ટીમાં તેણે કામનાથે ઑફર કરેલો જામ વિનયભેર પાછો વાળ્યો એમાં તેની સાથે પહેલી વાર કામ કરનારા કામનાથનો ઈગો હર્ટ થયો હતો: હું જેને મહેનતાણું ચૂકવું એ વ્યક્તિ મારું ઑફર કરેલું ડ્રિન્ક ઠુકરાવી જ કેમ શકે!

એટલે તેણે જૂસમાં દારૂ ભેળવવાનો કારસો રચ્યો ને બીજી સાંજે ફોન કરી મીંઢું હસ્યો પણ ખરો: કાલે નશાની મઝા આવીને!

જવાબમાં દેવે તેની નવી ફિલ્મની સાઇનિંગ અમાઉન્ટ પરત કરી ગેટ લૉસ્ટ કહી દીધેલું એટલે એ કિસ્સો તો પૂરો થયો, દેવને એ સિવાય શાની મૂંઝવણ કે ગૂંચવણ છે?

બિન્દિયાએ જોકે એને ટટોલવાની જરૂર ન પડી. ત્રીજા અઠવાડિયે દેવદત્તે જ કબૂલી લીધું : નશાની હાલતમાં લાજવંતીને બિન્દિયા સમજી હું તારો હક એક રાત પૂરતો તેને આપી બેઠો.

‘દે..વ!’

અત્યારે પણ એ ચીસ કાનમાં ગુંજતી હોય એમ બિન્દિયાદેવી સહમી ગયાં.  

એવો જ કોઈએ તેમનો ખભો દબાવ્યો: ચિંતા ન કરો, મૅ’મ, સૌ સારાંવાનાં થશે.

આમ કહેતી નર્સ તારિકાને બિન્દિયાદેવી નિહાળી રહ્યાં.

બેમાંથી કોઈને જાણ નહોતી કે ફ્લાવર્સ માટેના વાઝમાં ગોઠવાયેલા છૂપા કૅમેરાથી અહીંની દરેક ગતિવિધિ રેકૉર્ડ થઈ રહી છે!

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

17 December, 2025 12:45 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK