મહારાષ્ટ્રના આ ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટરે કહેલું કે આપણે પાકિસ્તાન સામે પહેલા જ દિવસે હારી ગયા હતા, ઇન્ડિયન ફાઇટર જેટ્સને પાડી દેવામાં આવ્યાં હતાં
પૃથ્વીરાજ ચવાણ
કૉન્ગ્રેસના સિનિયર લીડર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે ઑપરેશન સિંદૂર વિશે મંગળવારે કરેલા વિવાદાસ્પદ નિવેદન પછી બુધવારે વિવાદ વધુ વકર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટીકા પછી પણ પૃથ્વીરાજ ચવાણે માફી માગવાનો ઇનકાર કરી દીધો હતો.
મંગળવારે પુણેમાં પત્રકારો સાથે વાત કરતી વખતે પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂરના પહેલા જ દિવસે આપણે હારી ગયા હતા, ભલે લોકો સ્વીકારે કે ન સ્વીકારે. ઇન્ડિયન ફાઇટર જેટ્સને પાડી દેવામાં આવ્યાં હતાં. જો આપણું કોઈ જેટ ગ્વાલિયર, ભટિંડા કે સિરસાથી ઊડે તો પાકિસ્તાન ગોળીબાર કરી દે એવી સંભાવના હતી એટલે ઍરફોર્સ જમીન પર ઊતરી ગઈ હતી અને આપણું એક પણ વિમાન ઊડ્યું નહોતું.’
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. લશ્કરી કાર્યવાહી પર સવાલ કરવા આપણાં સશસ્ત્ર દળોના મનોબળને તોડી પાડવા જેવું છે. આ ટીકા રાષ્ટ્રપ્રેમથી નહીં પણ પાકિસ્તાનપ્રેમથી થઈ રહી છે.’
BJPએ કહ્યું માફી માગો
BJPના સંસદસભ્ય અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે ચવાણની ટિપ્પણીઓ રાજદ્રોહથી ભરેલી છે. તેમણે માફી માગવાનો પણ ઇનકાર કર્યો છે. તેમનું નિવેદન રાજદ્રોહથી ભરેલું છે. કૉન્ગ્રેસ ચવાણ સાથે ઊભી હોય એવું લાગે છે. આ બધા વિપક્ષની પાર્ટીઓ વિદેશી હાથોમાં રમી રહી છે.
માફીનો સવાલ જ નથી
જોકે વિવાદ વકર્યો હોવા છતાં ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટરે માફી માગવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘માફી માગવાનો કોઈ સવાલ જ નથી. ભારતના સંવિધાને મને પ્રશ્નો પૂછવાનો અધિકાર આપ્યો છે.’
સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય વીરેન્દ્ર સિંહે પણ પૃથ્વીરાજ ચવાણના નિવેદનને અયોગ્ય ગણાવીને એવું સૂચન કર્યું હતું કે ‘જ્યાં પણ આર્મ્ડ ફૉર્સિસની વાત હોય ત્યાં દરેક ભારતીયે પોતાના નિવેદન પર ધ્યાન આપવું જોઈએ અને એવું કંઈ ન બોલવું જોઈએ જેનાથી સૈન્યનું મનોબળ નબળું પડે.’
આમ આદમી પાર્ટીના સંસદસભ્ય અશોક મિત્તલે પણ કહ્યું હતું કે ‘ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર રહી ચૂકેલી વ્યક્તિ કે કોઈ પણ સિનિયર નેતાએ આવાં નિવદન ન કરવાં જોઈએ.’


