બપોરે બે વાગ્યાથી લઈને પછીના દિવસે વહેલી સવારે પાંચ વાગ્યા સુધીમાં ઊપડતી ટ્રેનો માટેનો રિઝર્વેશન ચાર્ટ ૧૦ કલાક ઍડ્વાન્સમાં તૈયાર થશે.
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રેલવેમાં ટ્રેનોમાં ટિકિટ માટે તૈયાર કરવામાં આવતા રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રેલવે-ટિકિટનો ફર્સ્ટ રિઝર્વેશન ચાર્ટ ૧૦ કલાક ઍડ્વાન્સમાં તૈયાર કરી દેવામાં આવશે. થોડા મહિનાઓ પહેલાં સુધી આ ચાર્ટ ટ્રેન ઊપડવાના ૪ કલાક પહેલાં બનતો હતો, પણ જુલાઈ મહિનામાં જ રેલવેએ આ સમયને વધારીને ૮ કલાકનો કર્યો હતો. હવે મુસાફરોની સુવિધા માટે રેલવેએ આ સમય વધાર્યો છે. નવી રિઝર્વેશન ચાર્ટ સિસ્ટમ લાગુ કરવા માટે રેલવે બોર્ડ દ્વારા તમામ અધિકારીઓને જરૂરી ગાઇડલાઇન્સ આપી દેવામાં આવી છે.
કઈ ટ્રેનનો ચાર્ટ ક્યારે બનશે?
બપોરે બે વાગ્યાથી લઈને પછીના દિવસે વહેલી સવારે પાંચ વાગ્યા સુધીમાં ઊપડતી ટ્રેનો માટેનો રિઝર્વેશન ચાર્ટ ૧૦ કલાક ઍડ્વાન્સમાં તૈયાર થશે. વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં ઊપડતી ટ્રેનો માટેનો રિઝર્વેશન ચાર્ટ આગલા દિવસે રાતે ૮ વાગ્યા સુધીમાં તૈયાર થશે.


