‘એય હરામખોર.’ બાએ સચિનની સામે જોયું, ‘સમજશ શું તું તારા મનમાં? ભાન છે હું કોણ છું?’
ઇલસ્ટ્રેશન
‘અબ્દુલ, આ કોનો ફ્લૅટ છે? થોડીક વારમાં આજુબાજુવાળા પૂછવા આવી જશે. આપણે મરી જશું યાર...’
જવાબ આપ્યા વિના અબ્દુલે હસુમતીબહેનને બાંધવાનું કામ ચાલુ રાખ્યું. હસમુતીબહેનને એક લાકડાની ચૅર પર બેસાડી તેમના બન્ને હાથ ચૅરના હૅન્ડલ સાથે બાંધવામાં આવ્યા હતા. શરૂઆતમાં તો અબ્દુલની ઇચ્છા હતી કે હસુમતીબહેનના પગ બાંધવા નહીં પણ વ્હીલચૅરમાંથી ચૅર પર લેવામાં તેમના શરીરની નક્કરતાનો અનુભવ થયો એટલે અબ્દુલે મનોમન નક્કી કરી લીધું કે હસુમતીબહેનના પગ પણ બાંધી દેવા.
ADVERTISEMENT
‘તું વાત પછી કર.’ અબ્દુલે સામે જોયા વિના જ સચિનને કહ્યું, ‘પહેલાં તેના પગ બાંધ... ગમે ત્યારે તે ભાનમાં આવશે.’
‘ભાનમાં આવે તો શું છે?’ સચિનમાં હવે વિશ્વાસ આવતો જતો હતો, ‘ક્યાં આપણે ને ક્યાં આ બુઢ્ઢી? ટેન્શન નહીં કર...’
‘આપણા બાપદાદા કહી ગયા છેને, ચેતતા નર સદા સુખી...’ અબ્દુલની આંખોમાં તાપ હતો, ‘કહું એટલું કર. બાંધ જલદી તેના પગ.’
‘તું યાર મારી વાતનો જવાબ દેને, આજુબાજુવાળાને ખબર પડશે તો આપણે મરી જશું, સાચે...’
‘આમ પણ મરેલા જ છીએ ડોબા...’ અબ્દુલના મોઢામાં ગંદી ગાળ આવી ગઈ, ‘ખબર છેને, મુસ્તાકને પૈસા ચૂકવવાના છેને એમાં એક દિવસ પૂરો થઈ ગયો છે. હવે માંડ છ દિવસ છે. છે તારામાં ત્રેવડ છ દિવસમાં એક કરોડ લઈ આવવાની?’
‘મેં... મેં... નક્કી કરી લીધું છે. હું... હું મુસ્તાકભાઈને ત્યાં નોકરીએ લાગી જઈશ.’
‘કેટલાં વર્ષ કરીશ નોકરી તું?’ અબ્દુલે કહ્યું, ‘તારો આખો પગાર પણ મુસ્તાક પોતાની પાસે રાખી લે તો પણ દસ વર્ષે તારું દેવું ઊતરશે ને તારી જાણ ખાતર રોમેશ, આ મુસ્તાક છે. પૈસા ચૂકવવામાં મોડા પડ્યા એટલે એ પઠાણી વ્યાજ શરૂ કરી દેશે. જો એ ચક્કર એક વાર શરૂ થયું તો જિંદગીભર આપણે વ્યાજ ચૂકવતા રહીશું ને મુદ્દલ એની ઊભી જ રહેશે...’
‘ના અબ્દુલ, તેં બરાબર કર્યું છે. આપણે મુસ્તાકની અડફેટે નથી ચડવું.’
‘મેં પણ એ જ સમજીનો આ પ્લાન બનાવ્યો છે.’ અબ્દુલે રોમેશની સામે જોયું, ‘આ લેડી સીધા ઘરની છે. બહુ-બહુ તો શું થશે? આપણે લેડીને છોડી મૂકશું, હાથપગ પકડી લેશું ને મને ખાતરી છે વાત એટલામાં પૂરી થઈ શકે છે, પણ મુસ્તાક... તેના જેવા હરામખોર... બેટર છે આપણે અત્યારે આ કામ પૂરું કરીએ.’
વાત કરતી વખતે અબ્દુલની પીઠ હસુમતીબહેન તરફ હતી અને રોમેશની આંખો હસુમતીબહેન તરફ. હસુમતીબહેનના ફેસ પર આવતાં એક્સપ્રેશન જોઈને રોમેશ સમજી ગયો કે હવે તે ભાનમાં આવવાની તૈયારીમાં છે. રોમેશે તરત જ અબ્દુલને કહ્યું.
‘બુઢ્ઢી ભાનમાં આવે છે, જલદી બાંધ...’
કહ્યા પછી રોમેશ પણ દોડતો અબ્દુલને હેલ્પ કરવા આવી ગયો.
અબ્દુલે હસુમતીબહેનનો બીજો હાથ બાંધવાનો શરૂ કર્યો અને એ જ વખતે હસુમતીબહેન ભાનમાં આવવાનાં શરૂ થયાં. અબ્દુલને હેલ્પ કરવા પહોંચી ગયેલો રોમેશ એ સમયે હસુમતીબહેનની ચૅરની પાછળ માથાના ભાગમાં ઊભો હતો. હસુમતીબહેનને ભાનમાં આવતાં જોઈને અબ્દુલે દબાયેલા અવાજે રોમેશને કહ્યું,
‘આ ભાનમાં આવે છે, કંઈક કર...’
‘શું કરું?’
‘ડફોળ, ગમે એમ... પાંચ મિનિટ ખેંચવાની છે.’
‘ઓકે...’ રોમેશે તરત પોતાની બે હથેળી હસુમતીની આંખ પર રાખી દીધી, ‘જલદી બાંધ, મેં તેની આંખ બંધ કરી દીધી છે.’
‘એ ડોબા...’
અબ્દુલે દૃશ્ય જોયું અને એની ધડકન વધી ગઈ. આંખો દબાવવાના કારણે ધીમે-ધીમે ભાનમાં આવતાં હસુમતીબહેનની ભાનમાં આવવાની સ્પીડ વધી ગઈ હતી.
‘તું તેને ભાનમાં લઈ આવે છે.’
‘તો?’ રોમેશે આજુબાજુમાં જોયું, ‘હવે શું કરું?’
રોમેશે આજુબાજુમાં જોયું અને ક્ષણવારમાં તેને આઇડિયા મળી ગયો.
રોમેશ દોડીને એક ખૂણામાં ગયો અને ખૂણામાં પડેલું શૂ ઉપાડી આવ્યો. વુડલૅન્ડ્સનું એ શૂ ખાસ્સું વજનવાળું હતું. શૂ લઈને હસુમતીબહેનની પાછળ આવી રોમેશે પૂરી તાકાત સાથે શૂ હસુમતીબહેનના માથે માર્યું.
ધડામ...
હસુમતીબહેનની આછી ચીસ નીકળી ગઈ અને નીકળેલી એ ચીસે અબ્દુલને યાદ કરાવ્યું કે તેણે બધી તૈયારી કરી પણ સૌથી પહેલું કામ જે કરવાનું હતું એ હસુમતીબહેનનું મોઢું બંધ કરવાનું તે ચૂકી ગયો છે.
હાથ પડતા મૂકી અબ્દુલે હસુમતીના મોઢા પર હાથ મૂક્યો અને પછી તરત જ ઇશારાથી તેણે અબ્દુલ પાસે ખૂણામાં પડેલો ટુવાલ માગ્યો. રોમેશ દોડીને ટુવાલ પાસે ગયો અને તેણે ઘા કરીને અબ્દુલને ટુવાલ આપ્યો.
આ ટુવાલ હતો, નહીં કે બૉલ કે એનો થ્રો પણ વાજબી થાય અને એ પહોંચે પણ મંઝિલ સુધી. રોમેશે ફેંકેલો ટુવાલ અબ્દુલ સુધી પહોંચવાને બદલે હસુમતીબહેનના મોઢા પર પડ્યો અને હસુમતીબહેનનો આખો ચહેરો ટુવાલથી ઢંકાઈ ગયો.
શરૂ થયેલા આ ગોટાળા વચ્ચે હસુમતીને હવે સભાનતા આવી ગઈ હતી. ટુવાલની નીચે તેનો ચહેરો હતો અને એના પર અબ્દુલે મોઢું બંધ કરવા માટે હાથ રાખ્યો હતો. હસુમતીબહેને ચહેરાને ઝાટકો માર્યો અને બીજી જ સેકન્ડે તેણે અબ્દુલની હથેળી પર દાંત બેસાડી દીધા.
‘આઆઆ...’
અબ્દુલે પાડેલી ચીસથી પગ પાસે બેઠેલો અને કહ્યાગરાની જેમ હસુમતીબહેનના પગ બાંધવાનું કામ કરતો સચિન ગભરાયો અને તે પગ પાસેથી ઊભો થઈ ગયો. હસુમતીનો એક હાથ બંધાયેલો હતો તો બીજા હાથ પર હજી દોરડું બંધાયું હતું. હસુમતીએ ઝાટકા સાથે દોરડું બંધાયલો હાથ ખેંચ્યો અને લાકડાની ખુરશીનું જમણી બાજુનું હૅન્ડલ હચમચી ગયું.
બીજો ઝાટકો અને હૅન્ડલ એના સાંધામાંથી છૂટું પડી ગયું.
હસુમતીનો જમણો હાથ ખુલ્લો થઈ ગયો. હસુમતીએ હાથ હવામાં વીંઝ્યો અને ચહેરા પરથી ટુવાલ હટાવી ત્વરા સાથે અબ્દુલના વાળ પકડ્યા. અબ્દુલ કંઈ કહે, કરે કે બોલે એ પહેલાં હસુમતીએ અબ્દુલને વાળ સહિત હવામાં ઊંચક્યો અને પીઠ પાછળ રહેલા અબ્દુલને આગળની બાજુએ જમીન પર ફેંક્યો.
હસુમતીનું આ રૂપ જોઈને રોમેશનું પૅન્ટ ભીનું થવા માંડ્યું તો સચિન ભાગીને બીજા રૂમમાં પહોંચી ગયો. હસુમતી કાળઝાળ હતી. તેની ગૌરવર્ણી ત્વચા લાલઘૂમ થઈ ગઈ હતી. આંખે રહેલાં ચશ્માં પડી ગયાં હતાં અને આજ્ઞાચક્ર પર કરેલું તિલક વિખેરાઈને કપાળ પર ફેલાઈ ગયું હતું.
જમીન પર પટકાયેલા અબ્દુલને પીઠમાં સણકા બોલવા માંડ્યા હતા.
શ્રીમંત ઘરાનાનાં આધેડ વયનાં આન્ટીમાં આવી ચપળતા હોય એ વાત અબ્દુલ સહિત ત્રણમાંથી કોઈને પણ માન્યામાં નહોતી આવતી. હસુમતીનું રૌદ્ર રૂપ પણ તેમના માટે અકલ્પનીય હતું. હસુમતીએ અબ્દુલ સામે અને એ પછી તરત તેણે આજુબાજુમાં નજર ફેરવી. બોરીવલીના ફ્લૅટના હૉલમાં એ લોકો હતા. હૉલમાં અબ્દુલ અને રોમેશ સિવાય કોઈ નહોતું. હસુમતીએ રોમેશ સામે આંખ માંડી. આંખમાં રહેલો તાપ રોમેશને પરસેવો છોડાવતો હતો.
‘તું કોણ?’
જવાબ આપવાને બદલે રોમેશે અઢળક વખત નકારમાં મસ્તક ધુણાવી લીધું. અનાયાસે તેના હાથ પણ જોડાઈ ગયા. હસુમતીએ ફરી અબ્દુલ સામે જોયું.
‘નીચ... બીજું કોણ-કોણ આવ્યું છે તારી સાથે?’
‘ના, ના... કોઈ નહીં. હું, હું ને આ...’
ધડામ...
આન્ટીએ તાકાત સાથે પોતાનો પગ જમીન પર અથડાવ્યો અને આખું ફ્લોરિંગ ધ્રૂજી ગયું. ચોક્કસપણે નીચેના ફ્લોર પર રહેતા લોકો પણ ઘડી વાર માટે ગભરાયા હશે કે ધરતીકંપ આવ્યો કે શું!
‘સાચેસાચું બોલ, નહીં તો ચીરી નાખીશ.’
એ પછી આન્ટીની જીભ પર ભમરડાના ‘ભ’થી શરૂ થતી ભૂંડી ગાળ આવી અને અબ્દુલ-રોમેશની સાથોસાથ રૂમમાં સંતાયેલા સચિનના પણ મોતિયા મરી ગયા.
‘કોણ છે અંદર?’
આન્ટીની રાડ દીવાલ ચીરીને છેક ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી હશે એની ખાતરી ત્રણેય ડોબાઓને થઈ ગઈ અને અબ્દુલ જમીન પર ઢસડાતો આન્ટીના પગ તરફ આગળ વધ્યોઃ ‘એક છે, એક મારો ફ્રેન્ડ છે પણ અમે બધા નિર્દોષ છીએ. અમારો કોઈ વાંક નથી.’
‘કોનો માણસ છો?’ બાની આંખો સતત આજુબાજુમાં ફરતી હતી, ‘કોના વતી કામ કરે છે, જલદી બોલ...’
‘એટલે...’ અબ્દુલને પીઠમાં સખત દુખાવો થતો હતો, ‘અમે અમારા જ માટે કામ કરીએ છીએ.’
‘ના, અમે અમારા માટે પણ કામ નથી કરતા.’ હાથ જોડી રોમેશ ત્યાં જ એવી રીતે બેસી ગયો જાણે કે હસુમતીના પગમાં પડતો હોય, ‘આ બધું પહેલી વાર કર્યું. અમે સાચે નિર્દોષ છીએ. અમે મરી જવાના છીએ. અમને કોઈ નથી બચાવવાનું.’
‘એય, આને બંધ કર.’ હસમુતીએ ઑલમોસ્ટ ચીસ પાડી, ‘નહીં તો ચીરી નાખીશ...’
‘પણ તમે તો બંધાયેલાં છો... ચીરવા ઊભું થવું પડેને?’
હસુમતીબહેને અવાજની દિશામાં જોયું, રૂમમાંથી સચિન બહાર આવ્યો હતો. સચિનના હાથમાં ડિસમિસ હતું. તેણે ડિસમિસ એવી રીતે હસુમતી સામે ધર્યું હતું જાણે કે હાથમાં બંદૂક હોય. હસુમતીને એ સમયે ગુસ્સો પણ આવતો હતો અને હસવું પણ આવતું હતું. ખરા અર્થમાં પોતે એવા લોકોની વચ્ચે હતી જેના માટે ‘બાબલા’ શબ્દ સિવાય બીજો કોઈ શબ્દપ્રયોગ શક્ય જ નહોતો.
lll
‘બાનો મોબાઇલ નથી લાગતો.’ વાલમની નજર સતત આજુબાજુમાં ફરતી હતી, ‘ઍરપોર્ટમાંથી બધા બહાર આવી ગયા પણ હજી બા બહાર નથી આવ્યાં. બા આ જ પ્લેનમાં હતાં કે...’
‘વાલમ, તને કહ્યું’તુંને, સૌથી પહેલાં પહોંચી જજે.’ ઓધવને ગુસ્સો આવવો શરૂ થઈ ગયો હતો, ‘હવે બેનબાને કોણ જવાબ દેશે, તારો બાપ?’
‘હું જોઉં છુંને ભાઈ, હું તો ક્યારનો અહીં આવી ગયો છું. પ્લેન આવે એના કલાક પહેલાં હું આવી ગયો હતો.’ વાલમની નજર હજી પણ બાને શોધતી હતી, ‘ભાઈ, આ પ્લેનમાં રહીમનું તો કોઈ નહોતુંને? રહીમે છેલ્લે કહ્યું’તું કે એ બાને...’
‘બાને કંઈ નથી થવાનું. જા, તું જલદી બાને ગોત.’ ઓધવે કડક શબ્દોમાં કહ્યું, ‘કલાકમાં બા આવ્યાં નહીં તો સમજી લેજે, હું તને જીવતો નહીં મૂકું. મૂક ફોન.’
lll
‘બેનબા, બા સાથે તમારે છેલ્લે ક્યારે વાત થઈ?’
‘દુબઈ હતાં ત્યારે. હું પણ ઓધવ, તને જ ફોન કરવાની હતી. બાનો ફોન હજી ચાલુ નથી થયો. બા છે ક્યાં?’
‘કદાચ ઍરપોર્ટમાં અંદર કોઈક મળી ગયું હશે તો તેની સાથે ઊભાં રહી ગયાં હશે.’ ઓધવે કહ્યું, ‘તમને તો ખબર છે કે બાનાં બહેનપણાં કેટલાં જોડે ને એમાંય મુંબઈ. મને લાગે છે કે બાને કોઈક મળી ગયું હશે ને બા વાતુંએ વળગી ગયાં હશે.’
‘ઓધવ, બા ક્યાં છે?’ બેનબાના અવાજમાં મેરાણીપણું ઝળકવા માંડ્યું હતું, ‘મારા કરતાં બાને તું વધારે ઓળખે છે. કોઈ પણ હોય, બા પોતાનો સંદેશો આપ્યા વિના રહે નહીં. છે ક્યાં બા?’
‘બેનબા, વાલમ ત્યાં જ છે. બા આવે એની રાહ જુએ છે. કદાચ પ્લેન મોડું થયું હશે એટલે.’ ઓધવ ઊભો થઈ ગયો હતો, ‘તમે ચિંતા નહીં કરો. હું, હું અત્યારે જ નીકળી જાઉં છું. સવાર પહેલાં હું મુંબઈ પહોંચી જઈશ. બા, બાની સાથે તમને વાત કરાવું.’
lll
‘એય હરામખોર.’ બાએ સચિનની સામે જોયું, ‘સમજશ શું તું તારા મનમાં? ભાન છે હું કોણ છું?’
બાએ વારાફરતી અબ્દુલ અને રોમેશની સામે પણ જોયું.
‘ખબર નથી તમને, તમે કોને ઉપાડી લાવ્યા છો.’ બાની આંખોમાં ખુન્નસ ને ચહેરા પર સ્મિત હતું, ‘હસુમતી અરજણ મેર... હસુબા. હસુબા છું હું.’
‘એટલે તમે?’
સચિન-રોમેશ અને અબ્દુલને વિશ્વાસ નહોતો આવતો. અબ્દુલનું વાક્ય રોમેશે પૂરું કરતાં પૂછ્યું, ‘તમે... તમે બા.’
જમીન પર ફરી પગ અથડાયો. ધરતી ધ્રૂજી અને લાકડાની ખુરસીનો ડાબી બાજુનો હાથો ઉખાડી બા ઊભાં થયાં.
‘હા... બા. જેના નામે સાડત્રીસ મર્ડર છે. જેના નામથી ગુજરાત ને તમારી મુંબઈ પોલીસ થરથર કાંપે છે એ તારી મા, જગતની બા... હસુબા.’
(ક્રમશ:)

