‘તમને મૂકવા આવવાનું છેને?’ સચિને ખુશ થઈ બન્ને ફ્રેન્ડ્સ સામે જોયું, ‘ચાલો, બાને મૂકી આવ...’
ઇલસ્ટ્રેશન
‘બુઢ્ઢી કાંદિવલીમાં છે...’
ઓધવ ઊભો થયો. શરીરમાં ગયેલા દારૂએ એનું કામ શરૂ કરી દીધું હતું તો મગજ પર ચડેલા વેરે પણ એનું કામ ચાલુ કરી દીધું હતું. ઓધવે મજનૂભાઈનો હાથ પકડ્યો.
ADVERTISEMENT
‘ભાઈ, ઊભા થાવ... આપણે પહોંચવાનું છે.’
‘હમ આપને આદમીઓં કો બતા દેતે હૈંના...’ મજનૂભાઈએ પ્રૅક્ટિકલ વાત કરી, ‘આપણે ત્યાં જવાની શું જરૂર છે, ખોટું રિસ્ક શું કામ લેવું?’
‘રિસ્ક જેવું કંઈ નથી મજનૂભાઈ...’ ઓધવનું માથું સહેજ ભારે હતું, ‘ત્રણ છોકરાવ છે ત્યાં ખાલી. બુઢ્ઢીને ઍરપોર્ટ મળી ગયા એટલે બુઢ્ઢી બધું પડતું મૂકીને સીધી એ લોકોને ત્યાં ગઈ. દાનેશ્વરી બુઢ્ઢીને ઘરમાંથી નીચે લઈ આવીને મારશું... ચાલો...’
‘ચલો, ચલતે હૈં...’ મજનૂભાઈએ કમર પાસેથી રિવૉલ્વર કાઢી ઓધવના હાથમાં મૂકી, ‘હિસાબ બરાબર કરી લે એટલે વાત પતે.’
lll
‘બેનબા, હું ત્યાં પહોંચું છું.’ વાલમે કહ્યું, ‘તમે ચિંતા મૂકી દ્યો. બાને લઈને ન્યાંથી સીધો પોરબંદર જાવા નીકળી જાઉં છું.’
‘હા પણ વાલમ, ઓધવ ત્યાં આવી ગયો છે. એવું હોય તો ઓધવને ફોન કરી લે. પછી બીજા કોઈ ગોટાળા ન થાય.’
‘જી બેનબા... હું વાત કરી લઉં છું.’
બહેનબાનો ફોન મૂકી વાલમે ફોન ઓધવને લગાડ્યો પણ ફોન ઊંચકાયો નહીં.
એક ટ્રાય, બે ટ્રાય, ત્રણ ટ્રાય.
ફોન નો-રિપ્લાય થતો રહ્યો એટલે વાલમ મૂંઝવણમાં મુકાયો.
હવે કરવું શું? ઓધવની રાહ જોવી કે બેનબાએ કહ્યું છે એ ઍડ્રેસે બાને લેવા પહોંચી જવું?
મનની મૂંઝવણ દૂર કરવા વાલમે બેનબાને જ ફોન કરી દીધો.
‘બેનબા, ઓધવ ફોન નથી ઉપાડતો. શું કરું?’
‘મેં પણ ટ્રાય કરી. મારો ફોન પણ નથી રિસીવ કરતો.’ બાની દીકરીએ પ્રૅક્ટિકલ રસ્તો કાઢ્યો, ‘તું એક કામ કર, તું બા પાસે જા. ઓધવનો ફોન આવે તો હું તેને કહી દઉં છું, તે તારી સાથે વાત કરી લેશે.’
‘જી બા...’
ચાર માણસો સાથે વાલમ રવાના થયો ત્યારે તેને ખબર નહોતી કે તે જ્યાં જાય છે ત્યાં આવવા માટે ઓધવ પણ રવાના થઈ ગયો છે. ફરક માત્ર એટલો કે બન્નેની મકસદ જુદી-જુદી હતી.
જો ઓધવ સાથે વાલમની વાત થઈ ગઈ હોત તો આવનારો ભવિષ્યકાળ જુદો હોત પણ ઉતાવળમાં હોટેલથી રવાના થયેલા ઓધવનો ફોન રૂમ પર જ રહી ગયો અને એક નવું ઘર્ષણ કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં લખાયું.
lll
‘હવે કરવાનું શું છે?’
બા હૉલમાં ઊભાં હતાં અને બાના ત્રણેય બાબલા બાના પગ પાસે બેઠા હતા. બાએ ત્રણ વખત દીકરી સાથે વાત કરી લીધી હતી. પણ હા, બાએ આ ત્રણેય બાબલાની ઓળખ ખોટી આપી હતી જેને લીધે રોમેશ, સચિન અને અબ્દુલને એટલું તો સમજાયું હતું કે જે કરશે એ બા કરશે, તેમને સજા આપવા માટે બા બહારથી કોઈને નહીં બોલાવે.
‘બા, વાલમ આવવા માટે નીકળી ગયો છે ને ઓધવ સાથે પણ વાત કરી લીધી છે. ઓધવ પણ તમને કદાચ લેવા પહોંચી જશે.’
‘જાગુ, આટલી દોડધામ કરવાની શું જરૂર હતી. હું પોતે જુહુ પહોંચી જાતને?’
‘ના બા, આ વખતે મુંબઈમાં રહેવાનું કૅન્સલ કરો.’ દીકરીએ બાને આગ્રહ કર્યો, ‘આ વખતે તમે એક વાર પોરબંદર પહોંચી જાવ. પછી કામ હોય તો મુંબઈ આવજો. મને તમારી ચિંતા થાય છે.’
‘ચિંતા શબ્દ મેરાણીની ડિક્શનરીમાં ન હોય, બેનબા...’ બાએ દૃઢતા સાથે કહ્યું, ‘તમે અહીંનું ટેન્શન છોડીને ત્યાં જે કામ માટે ગયાં છો એના પર ધ્યાન આપો. આપણે વેરની વસૂલાતનો ખેલ લાંબો નથી ચલાવવાનો...’
‘હા બા, તમે મારી ચિંતા નહીં કરો...’
‘કહ્યુંને, ચિંતા શબ્દ મેરાણીની ડિક્શનરીમાં ન હોય.’ બાએ કહ્યું, ‘ચિંતા નથી કરતી, સલાહ આપું છું.’
lll
‘બા, અમારી ભૂલ થઈ ગઈ. સાચે. હવે તમે ક્યો એ કરવા અમે તૈયાર છીએ.’
‘હંમ... ભૂલ કરો તો સજા મળે જ... ચાલો... ઊભા થાવ.’
રોમેશે સચિન-અબ્દુલની સામે જોયું અને દબાયેલા અવાજે કહ્યું.
‘હવે જોજો, બા ઊઠબેસ કરાવશે.’
‘એય... મધમાખીની જેમ શું ગણગણ કરશ.’
બાનો પગ ઊંચો થયો. જોકે લાત પડે એ પહેલાં જ રોમેશ જમીન પર પડી ગયો અને બાને હસવું આવી ગયું. અલબત્ત, બાને હસતાં જોઈને પણ સચિન-અબ્દુલના ચહેરા પર રહેલો ડર દૂર થયો નહીં. એ બન્ને ઊભા થયા અને માંડ સંતુલન મેળવીને રોમેશ પણ ઊભો થયો.
‘હવે, હવે શું કરવાનું બા...’
‘આ બાબલો બોલ્યોને, ઊઠબેસ કરો... ચાલો, શરૂ થઈ જાવ...’ બાએ ખુરશી પર બેઠક લેતાં કહ્યું, ‘સો ઊઠબેસ કરવાની છે, ગણતાં-ગણતાં... ગણવાનું મોટેથી. ચાલો...’
ત્રણેયે ઊઠબેસ શરૂ કરી.
હજી તો માંડ પાંચ ઉઠકબેઠક પૂરી થઈ હશે ત્યાં તો ત્રણેયની છાતી ફૂલવાનું શરૂ થઈ ગયું અને દસે પહોંચતા સુધીમાં જીવ નીકળી જાય એવી અવસ્થા આવી ગઈ.
‘બા, હવે નહીં. હવે નહીં થાય...’
‘સમજાણું હવે?’ બાએ ધીમેકથી કહ્યું, ‘જો જાતને પણ બરાબર ઉપાડી ન શકાતી હોય તો તમે તો આખેઆખા માણસને ઉપાડવા નીકળ્યા’તા. અમારા કામમાં આવવું હોય તો એમાં પણ શરીરનું ધ્યાન રાખવું પડે. વિચારો, હું અત્યારે ખુલ્લી તલવાર સાથે તમારી પાછળ પડું તો તમે કેટલું ભાગી શકો?’
રોમેશ-સચિન અને અબ્દુલની આંખ સામે ખરેખર એ દૃશ્ય આવી ગયું અને બાએ વાત આગળ વધારી.
‘હું તમને ગૅરન્ટી આપું. તમે ત્રણેય મારી પાછળ પડો. પાંચ કિલોમીટર દોડીશ તોયે ધીમી નહીં પડું ને તમે ત્રણે પાંચસો મીટરમાં ગાભા જેવા થઈ જશો.’
‘બા, હું... હું કાલથી, કાલથી જ જિમ ચાલુ કરી દઈશ.’
રોમેશે કહ્યું અને અબ્દુલે સ્કૂલમાં ભણતા બાળકની જેમ હાથ ઊંચો કર્યો.
‘હું પણ જઈશ બા.’
બાએ સચિનની સામે જોયું, ‘કાં બાબલા, તને શરીર બનાવવામાં કંઈ તકલીફ છે?’
‘ના બા... પણ મારાથી સવારે ઉઠાતું નથી એટલે...’
‘તોયે અત્યારે તારે હાથ તો ઊંચો કરવો જોઈને... હેંને બા?’ ડાહ્યા દીકરાની જેમ અબ્દુલ તરત જ બોલ્યો, ‘મેં કેવો હાથ ઊંચો કરી દીધો બા...’
‘અહીં આવ, તને દીકો કરું, આવ...’ હાથમાં પહેરેલી બંગડીઓ ઉપર ચડાવતાં બા બોલ્યા, ‘આવ... આવ...’
બાના ચહેરાના હાવભાવ જોઈને આગળ વધવાને બદલે અબ્દુલ પૂંઠની મદદથી પાછળ જવા લાગ્યો. બા કંઈ બોલે એ પહેલાં જ અબ્દુલના ફોનની રિંગ વાગી. અબ્દુલનો ફોન હવે બાના કબજામાં હતો. બાની નજર સ્ક્રીન પર ગઈ, જાણીતો નંબર જોઈને તેમણે ફોન ઉપાડ્યો કે સામેથી અવાજ આવ્યો.
‘બા, અમે નીચે પહોંચવા આવ્યાં... આપ નીચે જ આવી જાવ...’
‘આવું છું...’ ફોન કટ કરી બાએ ત્રણેય યંગસ્ટર્સ સામે જોયું, ‘ચાલો, નીચે...’
‘તમને મૂકવા આવવાનું છેને?’ સચિને ખુશ થઈ બન્ને ફ્રેન્ડ્સ સામે જોયું, ‘ચાલો, બાને મૂકી આવ...’
‘મૂકવા નથી આવવાનું...’ બાએ કહ્યું, ‘પોરબંદર સાથે આવવાનું છે, ચાલો...’
પોરબંદર જવાની વાત પર રોમેશ-સચિન અને અબ્દુલના મોતિયા મરી ગયા.
‘તું જોજે... જોજે તું...’ સચિનની આંખમાં આંસુ હતાં, ‘બા પોરબંદરમાં આપણને નાગડા કરીને મારશે.’
‘અબ્દુલ...’ રોમેશે પૂછ્યું, ‘મારતી વખતે આ લોકો આપણાં કપડાં શું કામ કાઢે હેં?’
જો સચિન અને અબ્દુલનું ચાલ્યું હોત તો તે બન્નેએ ત્યાં ને ત્યાં રોમેશને ઢીબી નાખ્યો હોત પણ બા આગળ નીકળી ગયાં હતાં અને બાની સાથે તેમણે જવાનું હતું.
lll
‘બેનબા, બા જ્યાં રોકાણાં છે ત્યાં હું પહોંચી ગયો... મને અહીં વાતાવરણ બરાબર નથી લાગતું. બાને કહેજો, અહીં વધારે રોકાવું નથી, તરત નીકળી જવું છે.’
‘તું ચિંતા નહીં કર, બાને મેં કહી દીધું છે. આજે, અત્યારે જ પોરબંદર જવા નીકળી જવાનું છે.’ જાગુએ કહી પણ દીધું, ‘બા ન માને તો મને ફોન કરજે.’
lll
‘આવો, પધારો બા...’
દારૂને કારણે ઓધવનું માથું સહેજ ભારે હતું. મજનૂભાઈ હજી ગાડીમાં જ બેઠા હતા તો મજનૂભાઈના બન્ને માણસો ઓધવની ડાબે-જમણે ગોઠવાઈ ગયા હતા. બા ઍરપોર્ટ પર વાલમને મળ્યા નહીં એ વાતથી ઓધવ વધારે નચિંત હતો. જો બા વાલમને પહેલાં મળ્યો હોત તો બા પાસે હથિયાર આવી ગયું હોત પણ બન્ને મળ્યાં નહોતાં એટલે ઓધવને ખબર હતી કે બા પાસે સ્વબચાવ માટે હથિયાર નથી.
‘બા, તમને અરજણ યાદ છેને...’ હાથમાં રિવૉલ્વર સાથે ઓધવ આગળ વધ્યો, ‘મારો બાપ અરજણ...’
‘હં તો.. શું?’
‘આજે હિસાબ સરભર કરવાનો છે.’ ઓધવને હેડકી આવવા માંડી હતી, ‘મારા બાપને તમે માર્યો, મારે તમને તેની પાસે મોકલવાનાં છે...’
બા ઓધવને જોતાં રહ્યાં. ઓધવ બાની વધારે નજીક આવ્યો અને તેણે પોતાની રિવૉલ્વરના નાળચાથી બાનાં ચશ્મા હવામાં ઉડાડ્યાં.
‘થઈ જા મરવા તૈયાર બુઢ્ઢી...’
‘તુંકારાથી તોછડાઈ બહાર આવે ઓધવ, ગુસ્સો નહીં...’ બાએ ઓધવની સામે જોયું, ‘કામ તમામ કરવું હોય તો જલદી કર... બાકી યાદ રાખજે, કૂતરાના દિવસો હોય ને સિંહની ક્ષણ. જો એક ક્ષણ મળી ગઈ તો...’
‘સિંહ...’ ઓધવ ખડખડાટ હસી પડ્યો, ‘પોતાને સિંહ કહે છે?!’
ઓધવ હસતો-હસતો સચિન-રોમેશ અને અબ્દુલ પાસે આવ્યો. જાણે એ ત્રણેયને તે ઓળખતો હોય એમ તેણે એકના ખભે હાથ રાખ્યો.
‘આ તમારી આન્ટી પોતાને સિંહ કહે છે... ફટૂસણી... પોતાની સાથે ત્રણ-ત્રણ બૉડીગાર્ડ રાખે છે ને પાછી કહે છે, હું સિંહ...’
ઓધવ વાક્ય પૂરું કરે એ પહેલાં બાએ ચિત્તાની ઝડપે ઓધવના રિવૉલ્વર પર લાત મારી. ટાઇમિંગ તો પ્રૉપર હતું પણ ઓધવ જરા પાછળ હતો એટલે લાત તેના હાથને ટચ થઈને નીકળી ગઈ. ઓધવ તરત જ સાવચેત થઈ ગયો.
ઓધવે બા સામે રિવૉલ્વર તાકી ટ્રિગર પર વજન વધારી દીધું.
ઢિશ્ક્યાંઉ...
નશામાં લેવાયેલું નિશાન તો બરાબર હતું પણ હાથમાં આવતી ધ્રુજારી હસુબાના પક્ષમાં રહી અને ગોળી તેમના હાથ પાસેથી પસાર થઈ ગઈ.
બા બચી ગયાં એ જોઈને ઓધવ વધારે ઉશ્કેરાયો. તેના હોઠ પર ગંદી ગાળ આવી ગઈ અને તેણે ફરી રિવૉલ્વર બા સામે કરી. આ વખતે બા પાસે ભાગવાનો રસ્તો કે સંતાવાની જગ્યા નહોતી. બા સ્ટૅચ્યુ થઈ ઓધવની સામે ઊભાં હતાં.
‘તને ઉડાડી દેવાનું તો ઍરપોર્ટ પર જ ગોઠવાઈ ગયું’તું, બુઢ્ઢી...’ ઓધવે દાંત કચકચાવ્યા, ‘તું તારા આ ત્રણ બાબલાને મળવા અહીં આવી ગઈ એમાં પ્લાન બગડી ગયો... ઠીક છે, થોડાક કલાક વધારે... હવે જા તું...’
ઓધવે ટ્રિગર દબાવ્યું.
ઢિશ્ક્યાંઉં...
અવાજ સાથે જ સચિન-અબ્દુલ અને રોમેશે આંખો બંધ કરી દીધી.
lll
‘બાબલા...’
બાનો અવાજ સાંભળી સચિને આંખ ખોલી અને તેના મોતિયા મરી ગયા.
‘બા, આટલી વારમાં તમે ભૂત પણ થઈ ગયાં?’
‘ના...’ સ્માઇલ સાથે બાએ એક દિશામાં હાથ કર્યો, ‘આ જો...’
સચિન, રોમેશ અને અબ્દુલ એ દિશામાં જોયું.
ઓધવ વીંધાઈ ગયો હતો અને ઓધવની બાજુમાં વાલમ ઊભો હતો. વાલમના હાથમાં રિવૉલ્વર હતી અને એના નાળચામાંથી ધુમાડો નીકળતો હતો.
‘હવે તમારો વારો...’
બા આગળ બોલે એ પહેલાં ત્રણેય બાના પગમાં ઢગલો થઈ ગયા. ફરી એ જ કૅસેટ એ લોકોની શરૂ થઈ ગઈ જે બા પચીસ વાર સાંભળી ચૂક્યાં હતાં.
‘બા, અમે તમારી ગાય છીએ, અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ ગઈ.’
‘દુબઈમાં તમારે કોને પૈસા ચૂકવવાના છે?’
‘મુસ્તાક કણબીને... અમે ખોટું નથી બોલતાં બા. તમારા સમ.’
બાને હવે બીજી કોઈ વાતમાં રસ નહોતો. તેણે વાલમ સામે જોયું. વાલમ સમજી ગયો હોય એમ તેણે મોબાઇલ કાઢી એક નંબર ડાયલ કર્યો અને બાની સામે ફોન ધર્યો.
‘બા બોલું મુસ્તાક...’ બાના અવાજમાં કડપ હતો, ‘તારે મુંબઈના ત્રણ બાબલા પાસેથી એક કરોડ લેવાના હતાને... એ મારા ખાતે માંડી દે. એ ત્રણેય સારા ઘરના છોકરા છે.’
(સંપૂર્ણ)

