વાંચો વાર્તાનું બીજું પ્રકરણ
ઇલસ્ટ્રેશન
‘શ્રુતિ...’ નમ્રતાએ કમ્પ્યુટરમાંથી નજર દૂર કરી, ‘તારા નાનાના અકાઉન્ટમાં ફિક્સ્ડ ડિપોઝિટ તો છે, પણ એક પ્રૉબ્લેમ છે.’
‘પ્રૉબ્લેમ?!’ શ્રુતિની આંખો પહોળી થઈ, ‘શું પ્રૉબ્લેમ...’
ADVERTISEMENT
નમ્રતાએ ચૅર ફેરવીને એક્ઝૅક્ટ શ્રુતિની સામે ગોઠવી.
‘પ્રૉબ્લેમ એ છે કે મિસ્ટર મનસુખલાલે છેલ્લા ૩ મહિનામાં કુલ ૪ લોન લીધી છે જે અમાઉન્ટ પંચાવન લાખની છે.’ નમ્રતાએ પેપર પર લખવાનું શરૂ કર્યું, ‘આ જે લોન હોય છે એનું વ્યાજ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ કરતાં બે પર્સન્ટ વધારે હોય. હવે અંકલ હયાત નથી એટલે નૅચરલી અમારે એ લોન કટ કરવાની આવશે... જે કટ કર્યા પછી અંકલના અકાઉન્ટમાં આશરે સવા લાખ રૂપિયા બાકી રહેશે.’
શ્રુતિની આંખો પહોળી થઈ ગઈ હતી, પણ એની સામે નમ્રતાએ ધ્યાન આપ્યું નહીં અને તેણે બાજુમાં પડેલા પ્રિન્ટરમાં આવેલી પ્રિન્ટ હાથમાં લીધી.
‘આ એ લોનની અને અકાઉન્ટ સેટલમેન્ટ કરીએ તો જે અમાઉન્ટ વધે એની સમરી છે... તું ચેક કરી શકે છે.’
‘ઇટ્સ નૉટ પૉસિબલ...’
શ્રુતિને વાત ગળે નહોતી ઊતરતી. જે નાના આખી જિંદગી એકેક રૂપિયો બચાવતા રહ્યા, જે છેલ્લે સુધી સાઇકલમાં ફરતા રહ્યા, જેમણે ક્યારેય એક રૂપિયો કોઈનો બાકી નહોતો રાખ્યો કે ઉધાર નહોતો લીધો તે નાનાને લોન લેવી પડે અને એ પણ પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ પર!
શું કામ?
એ સમયે તો સ્ટેટમેન્ટ લઈને ઘરે પાછા આવવા સિવાય શ્રુતિ પાસે બીજો કોઈ રસ્તો નહોતો, પણ તેનું દિમાગ સતત આ જ વાત વચ્ચે ઘૂમરી ખાતું હતું. તે માનવા તૈયાર જ નહોતી કે નાનાએ આ રીતે લોન લેવી પડે અને ધારો કે નાનાએ લોન લેવી પડી હોય તો નાના તેને જાણ કર્યા વિના રહે જ નહીં. અગાઉ અનેક વખત નાનાએ નવું ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યું હોય તો તે સામેથી જ શ્રુતિને કહી દે અને ધારો કે કહ્યું ન હોય તો નાના એના વિશે ડાયરીમાં લખી નાખે.
ઘરે પહોંચીને શ્રુતિએ નાનાની ઇન્વેસ્ટમેન્ટ ડાયરી ચેક કરી, પણ એમાં એવી કોઈ એન્ટ્રી નહોતી કે તેમણે નવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય.
જો ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું હોય તો નાનાએ પોતાની જ ફિક્સ્ડ ડિપોઝિટ પર લોન લીધી શું કામ? શું કામ તેમણે એ વિશે કોઈ વાત કરી નહીં કે ડાયરીમાં ઉલ્લેખ કર્યો નહીં?
lll
‘ઓહ ગૉડ!’
રાતે સાડાબાર વાગી ગયા હતા અને શ્રુતિના મનમાં અચાનક જ વિચાર ઝબકી ગયો. બેડ પરથી ઊભા થઈને તેણે તરત જ બૅન્કમાંથી મળેલાં સ્ટેટમેન્ટ્સ હાથમાં લીધાં અને એમાં નજર કરવાનું શરૂ કર્યું.
શ્રુતિએ લોન પાસ થયાની તારીખો પર નજર કરી.
પહેલી લોન ૧૫ માર્ચે લેવાઈ હતી, બીજી ૧૨ એપ્રિલે અને ત્રીજી ૧૦ મેના દિવસે લેવાઈ હતી. લેવામાં આવેલી લોન અકાઉન્ટમાં જમા થઈ એ જ દિવસે એ પેમેન્ટ કૅશ વિધડ્રૉઅલ કરવામાં આવ્યું હતું.
‘લોન લીધી એ જ દિવસે નાનાએ એ પૈસા વિધડ્રૉ કરી લીધા...’ શ્રુતિના હોઠ ફફડ્યા, ‘એ પણ કૅશ...’
lll
‘બેટા, યાદ રાખજે. ગોલ્ડન વર્ડ્સ છે... લાઇફ આખી કામ લાગશે.’ નાનાએ શ્રુતિને કહ્યું હતું, ‘ગમે એવો અંગત સંબંધ હોય, ગમે એટલી આત્મીયતા હોય. નક્કી કરી લીધું હોય કે આપશે એ પૈસા તું ક્યારેય પાછા નહીં લે અને એ પછી પણ પૈસા આપવાના ચેકથી કે પછી UPIથી...’
‘એવું કેમ?’
‘માણસ જ્યારે ઉપકાર ભૂલે ત્યારે તેને તેની ઔકાત યાદ દેવડાવવા એ એન્ટ્રી કામ લાગશે... અને માણસને તેની ઔકાત તો યાદ કરાવતા જ રહેવાની...’
lll
જે વ્યક્તિ આવી સલાહ આપતી હોય તે વ્યક્તિ પોતે જ ભૂલ કરે ખરી?
શ્રુતિએ સ્ટેટમેન્ટમાં દર્શાવેલી લોન લીધાની તારીખની એક ચિઠ્ઠી બનાવી.
‘આ દિવસોમાં શું હતું?’
એ દિવસો યાદ કરવાના હેતુથી જ શ્રુતિએ પોતાનો મોબાઇલ ફોન ઓપન કર્યો અને વૉટ્સઍપ ચૅટ્સ અને કૅલેન્ડરમાં નજર કરી કે તેની આંખો પહોળી થવા માંડી.
૧૫ માર્ચથી ૨૨ માર્ચના દિવસોમાં મનસુખલાલ મુંબઈમાં જ નહોતા!
આ દિવસોમાં મનસુખલાલ શ્રુતિ પાસે અમદાવાદ ગયા હતા અને ત્યાંથી નાના-દોહિત્રી બન્ને શ્રુતિના મામાની દીકરીનાં મૅરેજ માટે રાજકોટ ગયાં હતાં અને રાજકોટમાં રોકાયાં હતાં.
હવે પ્રશ્ન એ હતો કે ૧૫ માર્ચે જ્યારે મનસુખલાલ મુંબઈમાં હતા જ નહીં ત્યારે મહાલક્ષ્મી બૅન્કમાં જઈને લોનનાં પેપર્સ પર સહી કોણે કરી? બૅન્કમાંથી કોણે ૧૦ લાખ રોકડા ઉપાડ્યા?
અહીં ૩ વાત સ્પષ્ટ હતી.
એક, કાં તો મનસુખલાલે કોઈને બેરર ચેક આપ્યો હતો જેના આધારે ૧૦ લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા. બીજી શક્યતા, મનસુખલાલની ડુપ્લિકેટ સાઇન કરીને કોઈએ તેમના અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા અને ત્રીજી શક્યતા, મનસુખલાલ જેવો જ કોઈ નકલી વડીલ ઊભો કરીને બૅન્કમાંથી પૈસા વિધડ્રૉ કરવામાં આવ્યા.
‘આ ચાન્સ વધારે છે...’
શ્રુતિને નાનાના અંતિમ શબ્દો યાદ આવ્યા...
‘શ્રુતિ... બૅન્ક... હિસાબ...
એ લોકો...’
બને કે નાનાને એ ફ્રૉડની ખબર પડી હશે અને એ જ કારણે તેમનું મર્ડર કરવામાં આવ્યું હોય!
શ્રુતિની ઊંઘ હવે ઊડી ગઈ હતી.
lll
ખરરર...
ઘરમાં શ્રુતિ એકલી હતી અને તે નાનાના કબાટમાંથી બૅન્કની પાસબુક અને બીજી જૂની ડાયરીઓ શોધતી હતી. રાતે બે વાગી ગયા હતા અને શ્રુતિના કાનમાં આછો અમસ્તો અવાજ આવ્યો.
પહેલી વાર અવાજ આવ્યો ત્યારે તો શ્રુતિએ એ દિશામાં ધ્યાન આપ્યું નહીં, પણ ફરી અવાજ આવ્યો એટલે શ્રુતિએ એ તરફ ધ્યાન આપ્યું.
ખરરર...
ડ્રૉઇંગરૂમની બારીનો કાચ સહેજ હલવાનો એ અવાજ હતો. શ્રુતિ શૉક્ડ થઈ ગઈ અને તેણે તરત બેડરૂમની લાઇટ બંધ કરી દીધી.
શ્રુતિના ધબકારા વધી ગયા હતા. જોકે તેણે હિંમત કરીને દરવાજાની આડશમાંથી બહાર નજર કરી.
ટૉર્ચના આછા પ્રકાશમાં એક કાળો પડછાયો ડ્રૉઇંગરૂમમાં એન્ટર થયો હતો. તે માણસે પોતાના ફેસ પર કાળું કપડું બાંધ્યું હતું. આવનારી વ્યક્તિ સીધી નાનાના રૂમ તરફ આગળ વધી, પણ એ રૂમ બહારથી બંધ હતો એટલે તેણે આજુબાજુમાં નજર કરી. ઘરમાં કોઈ ન હોવાની ખાતરી કરી લીધા પછી તેણે પોતાની કમરેથી દરવાજાનો નકૂચો તોડવા માટેનું ઓજાર કાઢ્યું.
શ્રુતિની નજર પેલા માણસ પર જ ખોડાયેલી હતી.
ખટ...
લોખંડના ઓજારથી પેલાએ નકૂચો કાઢવાનું શરૂ કર્યું અને વાતાવરણમાં આછોસરખો અવાજ ઉમેરાયો. જો હવે પોતે વાર કરશે તો પેલો માણસ રૂમમાં દાખલ થઈ જશે અને જો તે એક વાર દાખલ થઈ ગયો તો પછી તેને પકડવો અઘરો થઈ જશે.
શ્રુતિના મનમાં ગભરાટ હતો, પરંતુ એ ગભરાટ વચ્ચે પણ તેણે હિંમત દેખાડી અને પોતાના રૂમનો દરવાજો ખોલીને તે બહાર આવી ગઈ.
‘ચોર... ચોર... સિક્યૉરિટી...’
પેલો માણસ કંઈ સમજે કે કરે એ પહેલાં જ શ્રુતિએ હૉલની લાઇટ ચાલુ કરી નાખી.
લાઇટ થતાં જ પેલો માણસ
ચોંકી ગયો.
શ્રુતિએ આજુબાજુમાં નજર કરી અને તેની નજર ડ્રૉઇંગરૂમમાં પડેલા ફ્લાવરવાઝ પર ગઈ. તેણે તરત જ ફ્લાવરવાઝ હાથમાં લીધું અને સીધો પેલા માણસ તરફ ઘા કર્યો. પેલા માણસે ચપળતા સાથે એ ઘા નિષ્ફળ કર્યો અને દોડતા સામે આવી તેણે શ્રુતિને જોરથી ધક્કો માર્યો.
શ્રુતિ જમીન પર પડી અને તે માણસ જે બારીમાંથી અંદર આવ્યો હતો એ જ બારીના રસ્તે બહારની તરફ પલાયન થઈ ગયો.
શ્રુતિ ઊભી થઈ અને દોડતી બારી પાસે આવી.
સેકન્ડ ફ્લોરની વિન્ડોમાંથી
તેણે જોયું.
પેલો માણસ ભાગતો હતો.
તેને જતો જોઈને શ્રુતિના હૈયે રાહત થઈ. જોકે તેના ધબકારા તો વધી જ ગયા હતા. શ્રુતિએ બારી બંધ કરી અને પાછળ ફરી કે તેનું ધ્યાન ડ્રૉઇંગરૂમમાં પાથરેલી કાર્પેટ પર ગયું. કાર્પેટ પર એક ચિઠ્ઠી પડી હતી. ઝપાઝપી દરમ્યાન તે માણસના ખિસ્સામાંથી કાગળ જમીન પર પડી ગયો હતો. શ્રુતિએ ધ્રૂજતા હાથે એ કાગળ ઉઠાવ્યો અને ખોલ્યો.
એ કાગળ મહાલક્ષ્મી કો-ઑપરેટિવ બૅન્કના લેટરહેડની પાછળનો ભાગ હતો જેના પર મનસુખલાલ શાહની ઓરિજિનલ સહીની ઝેરૉક્સ હતી અને એ ઓરિજિનલ સહીની બાજુમાં કોઈકે પેનથી પચાસ વખત મનસુખલાલની સહી હૂબહૂ કરવાની પ્રૅક્ટિસ કરી હતી. શ્રુતિની આંખો પહોળી થઈ. તેના હાથમાં અનાયાસ જ એવો પુરાવો આવી ગયો હતો કે તે નાના સાથે થયેલી છેતરપિંડીની દિશામાં આગળ વધી શકે.
શ્રુતિએ ફરીથી પેપર પર નજર કરી અને તેનું ધ્યાન એ કાગળની નીચેના ભાગ પર ગયું. એ પેપરની નીચે પેન્સિલથી ઍડ્રેસ લખ્યું હતું...
‘ઑફિસ-નંબર ૪, ગોકુલધામ ચેમ્બર્સ, અંધેરી-વેસ્ટ.’
ઍડ્રેસની નીચે નામ લખ્યું હતું : સોમચંદ શાહ.
‘સોમચંદ શાહ... આ કોણ?’
શું આ એ જ પ્રાઇવેટ ડિટેક્ટિવ છે જેના ઇન્ટરવ્યુ પોતે ટીવી પર જોયા છે? એનો મતલબ, શું તે જ માણસ અત્યારે ઘરમાં આવ્યો હતો કે પછી તે સોમચંદનો માણસ હતો?
જો એવું હોય તો એનો એક અર્થ એ પણ થાય કે ડિટેક્ટિવ સોમચંદ પણ આ કૌભાંડમાં સામેલ છે. શું એવું બને ખરું?
શ્રુતિ માટે આ ઘટનાએ અનેક નવા પ્રશ્નો ઊભા કરી દીધા અને એ પ્રશ્નો વચ્ચે તેના મનમાં એક જ જવાબ આવતો હતો...
‘સૌથી પહેલાં હવે સોમચંદ શાહને મળવું.’
એ રાતે શ્રુતિએ સૂવાની પૂરતી કોશિશ કરી, પણ અડધી મિનિટ માટે પણ તેને ઊંઘ આવી નહીં. તેને ખબર હતી કે અજાણતાં જ તે એવી જાળને ખોલવા માટે ઊંડી ઊતરવાની છે જે જાળની કલ્પના કરવી પણ અસંભવ છે.
lll
સવારે શ્રુતિ અંધેરી ડિટેક્ટિવ સોમચંદની ઑફિસે પહોંચી ગઈ.
તેના હૃદયના ધબકારા તેજ હતા.
ઠક... ઠક...
‘કમ ઇન...’
શ્રુતિ ચેમ્બરમાં દાખલ થઈ. તેની સામે અને ટેબલ પાછળ આંખો પર ચશ્માં સાથે એક વ્યક્તિ બેઠી હતી. તેના હાથમાં મંગળવારનું ‘મિડ-ડે’ હતું અને સામે ટેબલ પર ચાનો મોટો મગ ભર્યો હતો, જેમાં ચા નહીં પણ બિઅર ભર્યો હતો.
‘આવો...’ સોમચંદે ફરી પેપર પર નજર કરી, ‘બેસો, હું વાર્તાનો એપિસોડ પૂરો કરી લઉં.’
‘હું...’
‘કહું છુંને, બે મિનિટ બેસો. છેલ્લો પૅરૅગ્રાફ જ બાકી છે.’
પેપરમાંથી નજર ઊંચી કર્યા વિના જ સોમચંદે જવાબ આપ્યો અને પછી વાર્તા વાંચવાનું શરૂ કરી દીધું. વાર્તા પૂરી કરવામાં ત્રણેક મિનિટ લાગી અને સોમચંદે પેપર ટેબલ પર મૂકીને શ્રુતિ સામે નજર કરી.
‘આવવામાં મોડું કર્યું શ્રુતિ...’ સોમચંદની આંખોમાં ધાર હતી, ‘હું બે દિવસથી તારી રાહ જોતો હતો. મનસુખલાલ શાહનો ઍક્સિડન્ટ થયો એ રાતથી મને હતું કે તેમની દોહિત્રી મને મળવા આવવી જોઈએ.’
શ્રુતિ જડ થઈ ગઈ.
તે કંઈ કહે કે બોલે એ પહેલાં સોમચંદે ટેબલ પર ફોટો મૂક્યો.
ફોટો એ બ્લુ વૅગનઆર કારનો હતો જેની સાથે મનસુખલાલ શાહનો ઍક્સિડન્ટ થયો હતો; પણ કારની ડ્રાઇવિંગ-સીટ પર જગ્ગુ કાણા નહીં, કોઈ બીજો ચહેરો દેખાતો હતો!
(ક્રમશ:)
