Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડિલિવરી બૉય - મહાનગરની એક મધરાતે (પ્રકરણ ૨)

ડિલિવરી બૉય - મહાનગરની એક મધરાતે (પ્રકરણ ૨)

Published : 24 February, 2026 11:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીવાનખંડમાં સ્તબ્ધતા પથરાઈ રહી. નોકરને વઢનાર વૈભવ જ હોય એ બાકીના ત્રણેને પરખાઈ ગયું. એક આંબાની બેચાર કેરી માટે નોકરને છોકરાઓ પાછળ દોડાવે એ પુરુષ કેવો ગણાય?

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


હવે આ માણસ મરવો જોઈએ!

સિંહ નાજુક હરણાને ફોલવાની લિજ્જ્ત માણે એ રીતે પોતાના બદનને ચૂંથતા પતિ માટે



શર્વરીના ચિત્તમાં બીજો કોઈ ભાવ ઊઠતો નથી.


‘મારા વૈભવમાં કોઈ ખોટી આદત નથી... દારૂનો ધંધો કરે છે, પણ પોતે શરાબ પીતો નથી.’

માતાપિતા સાથે પોતે પહેલી વાર આ વિલામાં ‘છોકરો જોવા’ આવી ત્યારે વૈભવનાં માતુશ્રીએ બહુ પોરસથી કહેલું... શર્વરીએ વાગોળ્યું :


વૈભવ માટે પોતે મન મનાવી

જ લીધું હતું, હવે પોતે તેને પસંદ પડી જાય તો રંગ રહી જાય! પણ તે છે ક્યાં?

શર્વરીએ વિલામાં નજર દોડાવતાં સમજી ગયાં હોય એમ નીરુબહેન મલક્યાં : શું છે કે મારો વૈભવ બહુ કામગરો છે. તમે તો જાણો છો, જાતમહેનતે તેણે ડિસ્ટિલરીનો ધંધો જમાવ્યો છે. આજે તેની બ્રૅન્ડનું નામ છે. એમાં ઘસરકો ન પહોંચે એ માટે પણ તે સચેત રહે છે, પણ હવે તે આવતો જ હશે...

હાસ્તો. પુરુષો ધંધો લઈ બેઠા હોય એટલે એવું જ! શર્વરી મન મનાવે છે કે...

‘કાળુ!’

સિંહ જેવી ત્રાડે બંગલાની દીવાલો ધ્રૂજી ઊઠી.

‘આપણા આંબા પર પથ્થર ફેંકી કોઈ છોકરો કેરી તોડતો હતો... બાપનો માલ છે? તને પગાર શાનો આપું છું? જા, પકડ એ છોકરાને ને કેરી લઈ આવ.’

દીવાનખંડમાં સ્તબ્ધતા પથરાઈ રહી. નોકરને વઢનાર વૈભવ જ હોય એ બાકીના ત્રણેને પરખાઈ ગયું. એક આંબાની બેચાર કેરી માટે નોકરને છોકરાઓ પાછળ દોડાવે એ પુરુષ કેવો ગણાય? શર્વરીએ જોયું તો નીરુબહેન પણ થોડાં ઓછપાઈ ગયાં હતાં.

અને તેણે દેખા દીધી. સફેદીથી ઓપતો ઇસ્ત્રીબદ્ધ સુતરાઉ પોશાક, આંખે બ્રૅન્ડેડ સનગ્લાસ, ગળામાં સોનાની હાંસડી, હાથમાં જાડું ગોલ્ડન બ્રેસલેટ અને આંગળીઓમાં ભૂરા, લીલા નંગની ચારેક વીંટી... જોતાં જ હૈયું ધબકારો ચૂકી જાય એવો સ્ટાઇલિશ જુવાન કોડીલી કન્યાના કુંવારા અરમાન જેવો છે!

અને શર્વરીએ જ વૈભવનો બચાવ ઉપજાવી કાઢ્યો : આંબાની કેરી માટે આટલી કન્સર્ન દાખવાનારો પત્નીને તો ફૂલની જેમ રાખશે!

‘મને કન્યા પસંદ છે.’ બીજી બાર-પંદર મિનિટ અહીંતહીંની વાતો કરી ઘડિયાળના અલાર્મે તે ઊભો થઈ ગયો, ‘મારે મીટિંગ છે. આગળની વાત તમે મા સાથે કરી લો.’

ન એકાંત મુલાકાતની ઇચ્છા, ન સામી વ્યક્તિને જાણવા-ઓળખવાની ચેષ્ટા. આ પુરુષ લગ્નને શું સમજતો હશે? મનના મૂંઝારાને શર્વરીએ દબાવી દીધો : તેણે હા પાડી એ જોને મારી બાઈ!

મોહવશ હું તેને મૂલવી જ ન શકી...

‘વહુ, કુમળી વયથી બહારની દુનિયા સાથે બાથ ભીડતાં તે થોડો આકરો બની ગયો છે. ઉગ્ર છે, બાકી તેના મનમાં મેલ નથી....’નીરુબહેને આશિષ દેતાં હળવેથી ઉમેરેલું, ‘બાકી તો પરણ્યા પછી પતિને પોતાના રંગમાં રંગવાનું કોઈ સ્ત્રીને શીખવવું પડ્યું છે!’

એ તો છે જને! શર્વરીને દ્વિધા ન રહી. લગ્ન રંગેચંગે પાર પડ્યાં. જમણવારમાં પિરસણિયાથી થોડું આમતેમ થયું એ ચૂક વૈભવે ચલાવી લીધી એટલે શર્વરીને ટાઢક થઈ, પણ...

‘તારા બાપથી ઢંગનું કેટરિંગ ન રખાયું? પૈસા હું આપત.’

હજી તો દમણના ઘરે વરઘોડિયું એકલું પડતાં જ વૈભવનો ધરબાયેલો ગુસ્સો ફાટ્યો. ધ્રૂજી ગયેલી શર્વરી પપ્પાનો બચાવ કરવા ગઈ એથી તો તે કાળઝાળ થયો, ‘મારી સામે મોં ફાડે છે! તો હવે એની સજા ભોગવ!’ 

અને મનનો આઘાત ઓસરે એ પહેલાં તનનો અત્યાચાર શરૂ થયો...

એની યાદે અત્યારે પણ શર્વરી થથરી ગઈ. વૈભવમાં ભલે બીજી કોઈ જ બદી નહીં હોય, પણ શૈયામાં તે શેતાન બની તોબા પોકારાવી દેતો. તેની વિકૃતિને થોભ નહોતો. ચીસ પડાવી દેતી તેની અકુદરતી હરકતોને લાજશરમ નડતાં નહીં.

‘દીકરી, તું સુખી છેને?’ માબાપ પૂછતાં અને લગ્નનાં કેટલાંય વર્ષો શર્વરીને સમજાયેલું જ નહીં કે પોતે સુખી ગણાય કે દુખી? વૈભવના કહ્યામાં રહો તો તે તમને વતાવે નહીં. કોઈ લફરાં નહીં, કોઈ વ્યસન નહીં. ચાર વસ્તુ પિયર માટે લેવી હોય તોય મના નહીં. તેને હરવાફરવાની ફુરસદ નથી, પણ વારતહેવારે હીરામોતીથી મઢી દે - એ સુખ ગણાય, પણ પછી ફૅક્ટરીએ જતા તેના ટિફિનમાં ભૂલેચૂકે દાળ કે શાક વધારે-ઓછું થયું તો આવી બન્યું. ઘરે આવીને તે ચોટલો ઝાલે કે પછી સજારૂપે રૂમમાં વિકૃત હરકતો આદરે એ દુખ સો સુખ પર ભારે ન ગણાય?

‘આવું તો તમે જ સહન કરો!’

અત્યારે રહેમતના શબ્દો પડઘાતાં ઘડીભર શર્વરી પોતાની પીડા વીસરી ગઈ.

ત્રણેક વર્ષ અગાઉ વૈભવને વેપારમાં મોટી હરણફાળની તક મળી. લંડનની જાણીતી લિકર બ્રાન્ડ સાથે ટાઇ-અપ કરી બિઝનેસ વધારવાનો અવસર વૈભવે ઝડપી લીધો. અહીં ડિસ્ટિલરીના નવા યુનિટ સ્થાપ્યા એમ વૈભવે મહિને બે વાર ચાર-છ દિવસ માટે લંડનનું પ્રોડક્શન યુનિટ જોવા પણ જવું પડતું. પહેલી વાર જવાનું થયું ત્યારે શર્વરીને લઈને ગયેલો, પણ ત્યાં પણ બંધ રૂમમાં એ જ વહેશીપણું ઝેલવાનું થતાં શર્વરીને વિદેશ આવ્યાનો હરખ જ શોષાઈ

ગયેલો : આના કરતાં હું દમણમાં એકલી સારી! 

ખેર, અત્યાર સુધી દમણની પોતાની ફૅક્ટરીમાં વૈભવ કોઈને ચંચુપાત કરવા દેતો નહીં, સ્ટાફને

તે જ કન્ટ્રોલ કરતો. પણ હવે બે ઘોડે દોડવાનું થતાં અહીંની જવાબદારી માટે તેણે મૅનેજરની ભરતી કરવી પડી.

અને એ રહેમત અલીએ બહુ ઝડપભેર કામકાજ પર પકડ જમાવી વૈભવને ખુશ કરી દીધો. રહેમત સેટ થયા પછી વેપારના વિસ્તારમાં માનતા વૈભવે મુંબઈમાં પગપેસારો કરવા માંડ્યો. લંડન આવતાં-જતાં તે બિઝનેસના વ્યાપ માટે મોટા ભાગે બેચાર દિવસ મુંબઈ રોકાઈ જતો. એટલા માટે તો તેણે વરલી ખાતે જૂના અપાર્ટમેન્ટમાં ચોથા માળે ફ્લૅટ પણ લઈ રાખ્યો છે. એમાં તડપ બહુ વધી ગઈ હોય તો શર્વરીને વરલી તેડાવી લે એ જાણે કોઈ ગ્રાહક પાસે જતી હોય એવું અપમાનજનક લાગતું.

આમ તો મુંબઈમાં પાડોશમાં કોણ છે એનીયે ખેરખબર રહેતી નથી, એમાં ચોથા માળના બે ફ્લૅટમાંથી બીજો તો કાયમી બંધ હોય છે પણ વૈભવ જેવી વ્યક્તિ છૂપી રહે?

બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં કોઈ ગાડી આડી કરી કશા કામ માટે બે મિનિટ પૂરતું ઘરે ગયું હોય ને વૈભવની પ્રાઇવેટ ટૅક્સી એથી અટકી તો ખલાસ. તે વૉચમૅન સહિત કાર ઓનરનોય ઊધડો લઈ લે. વૈભવી વિસ્તારમાં આવેલા બિલ્ડિંગના આઠેય ફ્લૅટવાળા પામતા-પહોંચેલા જ હોવાના, તોય વૈભવથી આઘા રહેતા અને એક વાર પોતાની હાજરીમાં વૈભવે વૉચમૅનને ખંખેરવાનું બન્યા પછી શર્વરી પણ બિલ્ડિંગમાં કોઈ જોડે ભળવાનું ટાળતી. ચાર માળના બિલ્ડિંગમાં લિફ્ટ નહોતી. દાદર ચડતાં-ઊતરતાં પાડોશીઓની ટિપ્પણી કાને પડે ખરી : બિચારી. પેલા સાયકો વૈભવની બૈરી છે. કેવી રીતે નભતું હશે માથાફરેલ વર જોડે! 

શર્વરી વણસાંભળ્યું કરતી. વૈભવ એવો જ રહ્યો. લંડન જતી વેળા શર્વરીને કહેતો: મારી ગેરહાજરીમાં કંઈ પણ કામ હોય તો રહેમતને દોડાવાનો. તેને કેટલો પગાર આપું છું, ખબર છે?

રહેમતને પણ કહીને જતો: મૅડમ કા ધ્યાન રખને કા...

સાસરે સાસુ કે પિયરમાં માબાપ રહ્યાં નહોતાં, ઘરના કોઈ કામે કે પછી ફૅક્ટરીથી નીકળી પોતાના ઘરે જતા પહેલાં ડોકિયું કરતા રહેમત સાથે બેઠક વધતી ગઈ એમ શર્વરી અનાયાસ ખૂલતી ગઈ. એ સમયે નોકરવર્ગ વિલા પાછળના તેમના ક્વૉર્ટરમાં હોય એટલે કોઈની નજર કે કાનની ચોકી પણ ન હોય. અઠ્ઠાવીસ-ઓગણત્રીસનો રહેમત સરખી વયનો લાગતો. સંસારમાં એકલવાયો રહેમત મારું અંગત જાણી તેના બૉસ સમક્ષ કાલો નથી થતો એ ગુણ શર્વરીને સ્પર્શી ગયો : રહેમતમાં સ્ત્રીને સમજવાનું કલેજું છે. તે કહેતો: આવું તો તમે જ સહન કરો!

શર્વરીને સારું લાગતું. હૈયું ઠાલવવાનું એક ઠેકાણું થઈ ગયું. પગારવસૂલીના ઇરાદે પોતે પત્ની-મૅનેજરને કેટલાં નિકટ આણી મૂક્યાં છે એની બિચારા વૈભવને ભનક પણ નથી!

એ નિકટતામાં છેવટે નિરાવૃત્ત થવાનો તબક્કો પણ આવ્યો...

વરસાદની એ સાંજે શર્વરી ઉદાસ હતી: કાલે વૈભવ લંડનથી આવી જવાનો, પછી જાણે છે મારા શરીર પર શું વીતશે?

રહેમતને રૂમમાં તાણી જઈ શર્વરીએ અંગ પરના જખમ ઉઘાડા કરી દીધા...

અને જાણે સળગતા અંગાર પર કોઈ શીતળ જળ છાંટે એમ રહેમત એ દરેક જખમને હોઠોથી ચૂમતો ગયો. ચૂમીને સરકી જવા માગતા જુવાનને શર્વરીએ જકડી લીધો...

બેશક, રહેમત પણ મર્દાનગીથી ઓપતો હતો. તેના આક્રમણમાં પણ કઠોરતા હતી અને છતાં એ અનુભવ વૈભવના અત્યાચારથી તદન વિપરીત નીવડ્યો. 

પછી તો પ્યાસી નદીની જેમ શર્વરી રહેમતમાં સમાવા આતુર થઈ ઊઠતી. રહેમતને કહેતી: હું વૈભવને છોડી દઉં, તું તેની નોકરી છોડી દે. ચાલ, કોઈ અજાણ્યા શહેરમાં વસી જઈએ...

રહેમત ડોક ધુણાવતો : ‘આ વિચાર મને નહીં આવ્યો હોય? પણ હું જેટલો વૈભવને જાણું છું, તે ડંખીલો છે. આપણા સંબંધમાં તે પોતાનો વાંક જોવાને બદલે આપણને બેવફા સ્વીકારી લેશે. પછી એની સજા આપ્યા વિના રહેશે?’

સજા. શર્વરીને વૈભવની વિકૃત હરકતો સાંભરી ગઈ. નાની, ક્ષુલ્લક ચૂકમાં સજા ફરમવાનાર સંબંધ કાપવાનો ગુનો બક્ષતો હશે! તેની પાસે પૈસો છે. ભાડાનો માણસ રોકી અમને મારી નાખવાને બદલે તે રહેમતના હાથ-પગ ભંગાવી કાયમ માટે અક્ષમ બનાવી શકે, મારા પર ઍસિડ-અટૅક કરાવી શકે...

ધ્રૂજી જતી શર્વરીથી પ્રાર્થના થઈ જતી : કાશ, એના કરતાં મુંબઈ જતા વૈભવની કાર પલટી મારી જાય... કે તેનું પ્લેન તૂટી પડે!

‘ઈશ્વર પણ મારું સાંભળતો નથી તો શું કરવું?’ શર્વરી ભાંગી પડતી, ‘આપઘાત કરીને છૂટી જઈએ?’

અને તેને આગોશમાં લેતો રહેમત બોલી ગયો: મૃત્યુમાં જ આપણી સમસ્યાનું સમાધાન હોય તો આપણે બે મરીએ એના કરતાં એ એકને મારી નાખીએ તો...

હજી મહિના પહેલાંના એકાંતમાં કહેવાયેલા આ શબ્દો અત્યારે પણ શર્વરીને કંપાવી ગયા.

ના, આમાં ફેરબદલનો અવકાશ હવે નથી. રહેમત મર્ડરની ફૂલપ્રૂફ યોજના ઘડી કાઢે એટલી વાર!

lll

એ જ વખતે...

મુંબઈમાં ઔચિત્યને ડિલિવરીનો મેસેજ મળ્યો : સમવન મિસ રાજાણીને ત્યાં પીત્ઝા ડિલિવર કરવાના હતા.

મોબાઇલમાં લોકેશન મૂકી તેણે બાઇકને કિક મારી.

lll

ઑલ સેટ!

ડ્રેસિંગ મિરર સામે ઊભી રહી પરફ્યુમનો મઘમઘાટ કરતી રિયાએ આડાતેડા ફરી ખાતરી કરી: સિલ્કનું સ્કિન કલરનું ગાઉન ઢાંકવા કરતાં મારાં અંગોને ઉજાગર વધુ કરે છે! ધ વે શેખર લાઇક્સ ઇટ!

ઉફ્ફ. શેખરનો ઉલ્લેખ પણ મને કેટલી ધગાવી દે છે! આમ તો તે એસ્કોર્ટ છે, એક રાતનો મોંઘો ભાવ હું તેને ચૂકવું છું, બટ ઇટ્સ વર્થ. મારી અખૂટ પ્યાસને પહોંચી વળે એવો તે મરદ છે!  

પણ તે હજી આવ્યો કેમ નહીં!

અને રિયાનો ફોન રણક્યો. સામે શેખર જ હતો: સૉરી યાર, ખંડાલાથી બપોરનો નીકળેલો પણ હાઇવે પર અભૂતપૂર્વ ટ્રાફિકમાં અટવાયો છું... અત્યારે માંડ નેટવર્ક મળતાં ફોન થઈ શક્યો. મે બી, નેક્સ્ટ વીક મળીએ!

આમાં બનાવટ નહોતી. શેખરે બહાનું બનાવવાની જરૂર પણ ન હોય. પણ હવે શું?

રિયાની હાલત ડ્રગ-ઍડિક્ટ જેવી હતી. કદાચ સેક્સનું ઍડિક્શન ડ્રગ કરતાંય વધુ ડેન્જરસ હોતું હશે.

અને ડોરબેલના રણકારે રિયાને ચમકાવી દીધી. પછી સાંભર્યું : શેખર માટે તેને બહુ ભાવતા પીત્ઝા ઑર્ડર કર્યા હતા એટલે ડિલિવરી બૉય હોવો જોઈએ!

તેણે દરવાજાના આઇ-હોલમાંથી નજર નાખી.

યસ, પીત્ઝાનું પાર્સલ લઈ ઊભો ડિલિવરી બૉય જ હતો... પણ કેટલો હૅન્ડસમ ડિલિવરી બૉય!

શિકારની તલપે રિયાની કીકી ચમકી ઊઠી.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK