સુનંદાને ઇમ્પોર્ટેડ પરફ્યુમની ગિફ્ટો આપનાર કોણ છે? પરફ્યુમનું બૉક્સ હાથમાં લઈને જોતાં ત્રીજી ચીજ દેખાઈ. ટીપોયની નીચે ઉપરથી સરકીને પડી ગઈ હોય એવી મલ્ટિપ્લેક્સની બે ટિકિટો હતી!
ઇલસ્ટ્રેશન
સાગર હવે ચેતી ગયો.
શું સુનંદા છેક અહીં શેફાલીના ઘર સુધી પહોંચી ગઈ હતી?
ADVERTISEMENT
એ તો ઠીક, પણ તેણે શેફાલીના દિમાગમાં એવું તે શું ભૂસું ભરી દીધું હશે કે શેફાલી આમ આડી-આડી વાતો કરી રહી હતી?
જો મામલો આટલે સુધી પહોંચી ગયો છે તો હવે બહુ ચાલાકીથી કામ લેવું પડશે.
તરત સાગરે ચહેરા પર સ્માઇલ ચડાવી લીધું.
‘યુ નો સમથિંગ? સુનંદાને મેં જ કીધેલું કે તું મળ શેફાલીને! કારણ કે આઇ ફ્રૅન્ક્લી ટોલ્ડ હર કે શેફાલીને તો તારા વિશે બધી જ ખબર છે! બટ નાઓ ઇટ્સ ટાઇમ કે યુ ઑલ્સો નો એવરીથિંગ અબાઉટ શેફાલી!’
સાગર હસતાં-હસતાં મનમાં શબ્દો ગોઠવી રહ્યો હતો.
‘ઇન ફૅક્ટ, મેં જ તેને તારું વિઝિટિંગ કાર્ડ પણ આપેલું. કેવી લાગી તને મારી સુનંદા?’
‘હેં?’
સાગરના અચાનક સવાલથી શેફાલી ચોંકી ગઈ.
‘આઇ મીન, કેવી લાગી મારી વાઇફ? એકદમ ટિપિકલ ગુજ્જુ ટ્રેડિશનલ, ઇમોશનલ, સેન્ટિમેન્ટલ અને ફુલિશ હાઉસવાઇફ છેને? આઇ ટેલ યુ, શી ઇઝ ઍબ્સલ્યુટ્લી ફની. અને જરા સ્ટુપિડ પણ છે, નહીં?’
‘મને તો જરાય સ્ટુપિડ ન લાગી. ઑન ધ કૉન્ટ્રરી તે મને સ્માર્ટ લાગી.’
શેફાલીના જવાબથી સાગર જરા વધારે અલર્ટ થઈ ગયો.
‘વેલ... સ્માર્ટ તો ખરી જને! મારી સાથે મૅરેજ કરવાની હા પાડનાર છોકરી સ્માર્ટ જ કહેવાયને? પણ હું તને શું કહું છું, શેફાલી કે તારે તેની જોડે ફ્રેન્ડશિપ કરી લેવા જેવી છે. તે એટલી ડોબી છે કે તું તો તેને ઈઝીલી પટાવી શકશે અને એક વાર તેને પટાવીને રાખી દીધી હોય પછી તો કોઈ પ્રૉબ્લેમ જ ક્યાં છે? હોહોહો...’
શેફાલી સાગરને જોતી જ રહી ગઈ. કઈ જાતનો પુરુષ હતો આ?
અને તેના મગજમાં શું ગેમ ચાલી રહી હતી?
‘સાગર, મારે તારી સાથે થોડી સિરિયસ વાતો કરવાની છે.’
‘થોડી? અરે મારી બ્લુ બર્ડ, વાતો તો પોટલાં ભરીને કરવાની હોય! બોલને ડાર્લિંગ, શું વાત છે?’
‘સાગર...’ શેફાલીએ શબ્દો ગોઠવ્યા. ‘સાગર, મને એક વાતનો જવાબ આપ. તારા અને મારા સંબંધને શું કહેવાય?’
સાગર ખડખડાટ હસવા લાગ્યો.
‘શું વાત છે? કોઈ ગુજરાતી ચિંતનાત્મક કૉલમિસ્ટની ચોપડી તો વાંચી નાખી નથીને? કે પછી આજકાલ તું પેલી ડેઇલી સોપ સિરિયલ જોવાના રવાડે ચડી છે?’
‘સાગર, મેં તને એક સવાલ પૂછ્યો છે. એનો જવાબ આપ. આપણા સંબંધને શું કહેવાય?’
‘શું કહેવાય?’ સાગર હસતો-હસતો ઊભો થયો. ‘ડાર્લિંગ, સાગર અને નદીનો શો સંબંધ છે? ચાંદ અને ચકોરીનો શું સંબંધ હોય? સૂરજ અને ધરતી કયા સંબંધના તાંતણે બંધાયેલા છે? રોમિયો-જુલિયટ અને લયલા-મજનુ વચ્ચે જે હતું એનું શું નામ હોઈ શકે? નામો અનેક છે. પ્યાર, પ્રેમ, મહોબ્બત, ઇશ્ક. લવ!’
શેફાલીએ સાગરનાં આ નાટકવેડાં પહેલી વાર નહોતાં જોયાં. કદાચ સત્તરમી વાર સાગરે આ ડાયલૉગ ફટકાર્યો હતો. આ વખતે પણ સાગર શેફાલી ત૨ફ ઝૂકીને બોલ્યો:
‘કહીએ જાનેમન! કૈસા લગા મેરા ડાયલૉગ?’
‘સાગર, આઇ ઍમ સિરિયસ.’
‘તો હું પણ સિરિયસ જ છું ને મારી બ્લુ બર્ડ?’
સાગર આવીને શેફાલીના પગ પાસે બેસી ગયો. શેફાલીના ખોળામાં પોતાના હાથ મૂકતાં જ તે ભાવુક થઈ ગયો.
‘શું દોઢ વર્ષથી હું તારી સાથે આ સિરિયસ રિલેશનશિપમાં નથી?’
‘હા, પણ એ રિલેશનશિપનો મીનિંગ શું?’
‘કમ ઑન શેફાલી. આપણે બન્ને મૉડર્ન અર્બન ઍડલ્ટ છીએ. કોઈ સોસાયટી- સમાજ-ફમાજનાં જુનવાણી બંધનોમાં માનતાં નથી. વી આર ઇન્ડિવિજ્યુઅલ્સ, ઍન્ડ લિવિંગ અવર ઇન્ડિવિજ્યુઅલ લાઇવ્સ! વૉટ્સ સો બિગ પ્રૉબ્લેમ અબાઉટ ઇટ?’
‘પ્રૉબ્લેમ છે સાગર.’ શેફાલી ગંભીર હતી. ‘હું એમ પૂછું છું કે આ રિલેશનશિપની આગળ શું?’
‘આગળ?’
સાગરના ચહેરા પર સ્માઇલ આવ્યું. ‘શેફાલી, પ્રેમની આગળ શું હોય? પ્રેમ! એનાથી પણ આગળ પ્રેમ... અને એ પછી પણ માત્ર પ્રેમ! બસ, પ્રેમ, પ્રેમ અને પ્રેમ... હું પ્રેમનો સાગર છું! આખેઆખો સાગર, શેફાલી!’
શેફાલી હવે અકળાઈ રહી હતી.
‘તારા સડેલા જોક્સ બંધ કરીશ સાગર?’ શેફાલી ઊભી થઈ ગઈ.
‘હું એમ પૂછું છું કે શું આપણે જિંદગીભર આ જ રીતે ‘પ્રેમ’ કર્યા કરવાનો છે? તું અમદાવાદથી એક-બે દિવસ માટે આવે, મારા માટે ત્રણ-ચાર કલાક કાઢે, આપણે કોઈ ભળતી-સળતી જગ્યાઓ પર મળ્યા કરીએ અને બસ, મળીને તારી ભાષામાં કહીએ તો ‘મેટિંગ’ કરીને છૂટાં પડીએ! ધૅટ્સ ઇટ? શું આપણે જિંદગીભર આવો પાર્ટટાઇમ પ્રેમ કર્યા કરવાનો છે?’
‘પાર્ટટાઇમ?’ સાગર બોલી ઊઠયો. ‘અરે, ફુલટાઇમ પ્રેમ તો હું મારી વાઇફને પણ નથી કરી શકતો, શેફાલી!’
‘અચ્છા?’ શેફાલી ભડકી. ‘એટલે તારી પત્ની મારા કરતાં વધારે અગત્યની છે એમ જને?’
‘ઑફ્ફો, તું સમજતી કેમ નથી?’
‘હું સમજવાનો જ પ્રયત્ન કરું છું સાગર કે આપણા સંબંધોનું ભવિષ્ય શું?’
‘એટલે?’
‘એટલે એમ કે...’ શેફાલીના અવાજમાં હવે ધાર આવી. ‘ધારો કે હું તારા બાળકની મા બનવાની હોઉં તો?’
‘તો બનને! બિન્દાસ બન. એમાં ડરવાનું કોનાથી? કેમ, પેલી કોઈ ઍક્ટ્રેસ નથી? તે છે જને એક છોકરીની મા.’
‘તે ઍક્ટ્રેસ છે સાગર, હું કોઈ ઍક્ટ્રેસ નથી. હું એક નામાંકિત કંપનીની રેપ્યુટેડ એક્ઝિક્યુટિવ છું.’
‘પણ શેફાલી, તું મા બને કે ન બને એ તારો પર્સનલ મામલો છે. ઇટ્સ યૉર પર્સનલ ચૉઇસ.’
‘એટલે જ હું એક પર્સનલ સવાલ પૂછી રહી છું સાગર, કે જો હું તારા બાળકની મા બનું તો તેના બાપ તરીકે તું જાહેરમાં મારી સાથે આવીશ?’
સાગર ચૂપ થઈ ગયો.
‘જવાબ આપ સાગર.’
‘જો શેફાલી, આનો જવાબ મને અત્યારે ખબર નથી. બટ આઇ નો વન થિંગ ફૉર શ્યૉર... આઇ લવ યુ...’
‘બહુ જ ઘસાઈ ગયેલા, ચવાઈ ગયેલા વાસી શબ્દો છે સાગર!’
‘તો શેફાલી, વખત આવ્યે તને ખાતરી થશે કે આ શબ્દોમાં કેટલી સચ્ચાઈ છે.’
શેફાલીએ નિશ્વાસ નાખ્યો.
‘ઓકે... તો એ વખતની હું રાહ જોઈશ.’
શેફાલી ઊભી થઈ. દરવાજા પાસે જઈને તેણે લૅચ ખોલી, સ્ટૉપર ખોલી અને પછી દરવાજો ઉઘાડો મૂકીને તે અપાર્ટમેન્ટમાં અંદર જતી રહી.
સાગરની નજર સામે એ દરવાજો એક ખુલ્લા પ્રશ્નની જેમ ઉઘાડો ઊભો હતો.
lll
એ પછીના બીજા બે દિવસ સાગર મુંબઈમાં હતો. શેફાલીએ આ બે દિવસમાં તેને એક મેસેજ સુધ્ધાં કર્યો નહોતો. આખરે અમદાવાદ પાછા જવાનો સમય આવી ગયો હતો. ફ્લાઇટમાં બેસીને સાગર વિચારી રહ્યો હતો કે હવે સુનંદાને શી રીતે મનાવવી?
‘આ વખતે કંઈક નવી અને અદ્ભુત ટેક્નિક અપનાવવી પડશે... મિસ્ટર સાગર!’
સાગરને ઍરપોર્ટ પર લેવા આવેલી કાર જ્યારે તેના બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ ત્યાં સુધીમાં સાગરના સ્માર્ટ દિમાગમાં સુનંદાને મનાવવા માટેની બે ચાર નવી યુક્તિઓ રમી રહી હતી અને એમાં મોટી ધાડ પણ શું મારવાની હતી?
આખરે સુનંદા હતી તો ‘ભોળી કબૂતરી’ જને!
‘સુનુ... આઇ ઍમ હોમ!’ સાગરે બંગલામાં દાખલ થતાં જ રણકતા અવાજે બૂમ પાડી.
પગથિયાં ચડીને તે દીવાનખંડમાં આવ્યો. બૅગ સોફા પર ફંગોળી, શૂઝની દોરીઓ છોડતાં બીજો ટહુકો કર્યો, ‘સુનંદા... જો હું તારે માટે શું લાવ્યો છું?’
પણ સુનંદા દર વખતની જેમ ઉપરના બેડરૂમમાંથી નીચે ઊતરતી દેખાઈ નહીં. શૂઝ કાઢ્યા પછી એને સાઇડમાં મૂકતાં સાગરની નજર ટીપોય પર પડી.
અહીં ઍશટ્રેમાં એક સિગારેટનું ઠૂંઠૂં હજી સળગી રહ્યું હતું!
સાગરને નવાઈ લાગી. અહીં સિગારેટ પીનારું કોણ આવ્યું હતું? ઍશ ટ્રેની બાજુમાં નવાં મોંઘાં પરફ્યુમનાં બે ગિફ્ટ પૅક થયેલાં પૅકેટો પડ્યાં હતાં. એના પર ગુલાબી રંગનાં સ્ટિકર હતાં : ‘For my lovely Sunanda.’
સાગર ચોંક્યો.
સુનંદાને ઇમ્પોર્ટેડ પરફ્યુમની ગિફ્ટો આપનાર કોણ છે? પરફ્યુમનું બૉક્સ હાથમાં લઈને જોતાં ત્રીજી ચીજ દેખાઈ. ટીપોયની નીચે ઉપરથી સરકીને પડી ગઈ હોય એવી મલ્ટિપ્લેક્સની બે ટિકિટો હતી!
સાગર હવે ચમક્યો. મારી ગેરહાજરીમાં સુનંદા કોઈ સાથે ફિલ્મ જોવા ગઈ હતી?
અને એ વ્યક્તિ સ્મોકર પણ છે? સુનંદાને પૂછવું પડશે.
‘સુનંદા...’ સાગરે ફરી બૂમ પાડી. ‘ક્યાં છે તું?’
થોડી વારે કિચનમાંથી મહારાજ આવ્યો,
‘સાહેબ, બહેન તો બહાર ગયાં છે.’
‘એમ? કોની સાથે?’
‘ખબર નહીં. કોઈ ભાઈ હતા, પાતળા સરખા.’
‘અચ્છા?’
‘સાહેબ, તમારા માટે ચા મૂકું?’
‘ના, તું જા.’
અમદાવાદમાં આવું કંઈક રંધાતું હશે એની સાગરે કલ્પના સુધ્ધાં નહોતી કરી.
કોણ હશે આ માણસ? તે કદાચ હજી હમણાં સુધી અહીં જ હતો. ઍશટ્રેમાં સળગતી સિગારેટની જે રાખ હતી એના પરથી તો એવું લાગતું હતું કે બુઝાવવાની કોશિશ છતાં નહીં બુઝાયેલી એ સિગારેટ કમ સે કમ દસેક મિનિટથી ઍશટ્રેમાં પડી હશે.
સાગર ક્યાંય લગી ડ્રૉઇંગ રૂમમાં આંટા મારતો રહ્યો. કમ સે કમ ચાર વાર સુનંદાને ફોન કર્યા પણ રિંગો જ વાગતી રહી.
સાગરને લાગ્યું કે આ બે જ દિવસમાં ઘણુંબધું બદલાઈ ગયું છે. શેફાલી અઘરા સવાલો કરી રહી છે, સુનંદા પહેલી વાર તેને કહ્યા વિના ઘરની બહાર ગઈ છે અને એ પણ કોઈ પુરુષ સાથે!
સાગરને હવે એક વિચિત્ર ફીલિંગ થઈ રહી હતી. એવી ફીલિંગ જાણે છલોછલ ઊછળતા દરિયામાં અચાનક ઓટ આવી રહી છે.
(ક્રમશઃ)

