Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક સાગર, બે નદી: પુરુષ કરે તો લીલા... અને સ્ત્રી કરે તો... (પ્રકરણ ૫)

એક સાગર, બે નદી: પુરુષ કરે તો લીલા... અને સ્ત્રી કરે તો... (પ્રકરણ ૫)

Published : 10 October, 2025 11:07 AM | IST | Mumbai
Lalit Lad | feedbackgmd@mid-day.com

સાગર, આ વિષય એવો છે કે હકીકત માત્ર બે જ રીતે જાણી શકાતી હોય છે. એક તો એ કે બાળકની માતા પોતે હકીકત જણાવી દે અને બીજી એ કે તું DNA ટેસ્ટ કરાવી લે.’

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


મધરાત વીતી ચૂકી હતી છતાં સાગરને ઊંઘ આવતી નહોતી.

આખરે બેડમાંથી ઊભા થઈને તેણે સુનંદાનો મોબાઇલ હાથમાં લીધો. અંદરની કૉલ ડીટેલ્સ ખૂલતાં જ સાગરની આંખો પહોળી થઈ ગઈ. એમાં એક પછી એક કંઈ કેટલીય વાર અપૂર્વના નંબર પર ફોન થયેલા હતા!



આજે પણ સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાના એક જ કલાકના ગાળામાં પાંચ વાર સુનંદાએ અપૂર્વને ફોન કર્યો હતો.


સાગરને લાગ્યું કે તેના પૌરુષત્વના ગુબ્બારામાં કોઈએ ઝીણી ટાંકણી ખોસી દીધી છે.

lll


રાતના બાર વાગી ચૂક્યા હતા. સુનંદા હજી સુધી ઘરે આવી નહોતી. વારંવાર ફોન કરવા છતાં સુનંદા ફોન ઉપાડતી નહોતી.

હવે સાગર ઊભો થયો. તેણે સુનંદાનો કબાટ ખોલ્યો. અંદર રહેલી તમામ ચીજો ફેંદી નાખી. આખરે તેને એ જડ્યું જે તે શોધી રહ્યો હતો.

અહીં એક નાનકડી રેશમી ગુલાબી કાપડની પોટલી હતી!

સાગરે એ પોટલી ખોલી. અંદરથી અપૂર્વ અને સુનંદાની જૂની તસવીરો નીકળી. એક ડાયરી હતી જેમાં અપૂર્વએ લખેલી કવિતાઓ હતી. પણ એ જ ડાયરીમાં થોડી નવી પણ તસવીરો હતી!

આ તસવીરોમાં અપૂર્વ અને સુનંદા અત્યંત રોમૅન્ટિક પોઝમાં હતાં એટલું જ નહીં, તમામ તસવીરો સુનંદાએ જાતે પોતાના મોબાઇલ વડે પાડી હોય એવી લાગતી હતી!

સાગર ધ્રૂજી ગયો. તેની શંકા સાચી પડી રહી હતી.

lll

રાતના અઢી વાગી ગયા હતા. સાગર હજી સુનંદાની રાહ જોતો બેઠો હતો.

આખરે બંગલાની બહાર કાર ઊભી રહેવાનો અવાજ સંભળાયો. થોડી વારે સુનંદા આવતી દેખાઈ.

સુનંદાએ રેડ કલરની ટ્રાન્સપરન્ટ શિફોન સાડી અને લો-ક્ટ બૅકલેસ બ્લાઉઝ પહેર્યું હતું.

‘આવી ગઈ? કેવી રહી તમારી પાર્ટી?’ દારૂ પીવાને કારણે સાગરનો અવાજ લથડી રહ્યો હતો.

‘ઓહ, ઇટ વૉઝ ગ્રેટ ફન.’

‘અને હમણાં તને મૂકવા કોણ આવ્યું?’

‘મારી બહેનપણી, કેમ?’

‘બહેનપણી?’ સાગરે ખિસ્સામાં હાથ નાખીને પેલા ફોટો કાઢ્યા. ‘તો પછી આ કોણ છે?’

સુનંદા ચૂપ રહી.

‘બોલ? કોણ છે આ? બોલ... હવે કેમ નથી બોલતી?’

‘તારે જાણવું જ છેને?’ સુનંદાએ એક ફોટો હાથમાં લેતાં કહ્યું, ‘તો સાંભળ, આ અપૂર્વ છે!’

સાગર જોતો જ રહી ગયો.

‘હા સાગર, અપૂર્વ... મારો જૂનો વફાદાર પ્રેમી, તે હજી મને ભૂલ્યો નથી. તે હજી કોઈને પરણ્યો પણ નથી. ભલે તે મામૂલી નોકરી કરતો હોય પણ તેના કવિહૃદયમાં હજી મારા માટે એટલો જ પ્રેમ છે.’

‘ચાંપલો છે સાલો, વેદિયો! કવિતાઓ કરનારા બધા પ્રેમીઓ સાલા નાટકબાજ હોય છે.’

‘અને તું કેવો છે, સાગર? શું તું નાટકબાજ નથી? જે ઘડીએ મને ખબર પડી કે તું શેફાલી નામની કોઈ મુંબઈની છોકરીને પ્રેમ કરે છે એ જ ઘડીએ તારું પણ એકેએક વર્તન મને નાટક લાગવા લાગ્યું! તારો પ્રેમ, ઉમળકો, ઉત્સાહ... મારા માટેનું ગાંડપણ આ બધું જ મને ડ્રામા લાગવા લાગ્યું સાગર.’

સાગર સાંભળતો રહ્યો.

‘અને એ જ વખતે મને મારો અપૂર્વ યાદ આવ્યો. મને થયું કે અપૂર્વ આટલામાં જ ક્યાંક મારી આસપાસ હોય તો કેટલું સારું? અને મારા નસીબે મને અપૂર્વ મળી ગયો! અને હવે તો...’

‘અને હવે તો એટલે શું?’

‘એટલે એમ કે હું અપૂર્વને ‘પણ’ પ્રેમ કરું છું!’

સાગર થીજી ગયો. તેના જ

શબ્દો ઘૂમી ફરીને તેની સામે આવી પહોંચ્યા હતા.

‘સુનંદા, તું કહેવા શું માગે છે?’

‘એ જ, જે તું ઑલરેડી કરી રહ્યો છે સાગર! આખું સર્કલ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. તું મને પ્રેમ કરે છે અને શેફાલીને ‘પણ’ પ્રેમ કરે છે. હું તને પ્રેમ કરું છું અને અપૂર્વને ‘પણ’ પ્રેમ કરું છું! કેટલું વન્ડરફુલ સર્કલ છે નહીં?’

‘સુનંદા, તું...’

‘જોને સાગર, તું મુંબઈ જાય... શેફાલી સાથે તારો ‘મેટિંગ’ ટાઇમ વિતાવે. એ વખતે અપૂર્વ અહીં મારી પાસે આવશે! અમે બન્ને પણ અમારી રાતોને રંગીન બનાવીશું. એક તરફ તું અને શેફાલી, બીજી તરફ હું અને અપૂર્વ. એક અદ્ભુત ચતુષ્કોણ જે ચારે બાજુથી સંતુલિત છે.’

‘સુનંદા, બકવાસ બંધ કર!’

‘બકવાસ નથી સાગર, આ જ વાસ્તવિકતા છે!’

સુનંદા હસી રહી હતી.

‘સુનંદા, મારી વાત સાંભળ..’

‘હવે સાંભળવાનું શું? હવે તો આ આધુનિક જમાનામાં આપણે મૉડર્ન અર્બન્સની જેમ બિન્દાસ હરીશું, ફરીશું... મોજમઝાઓ કરીશું... આજે હું તારા બાળકની મા બનવાની છું તો કાલે શેફાલી તારા બાળકની મા બનશે! પછી પરમ દહાડે હું અપૂર્વના બાળકની મા બનીશ અને ક્યારેક ...’

‘શટઅપ! યુ જસ્ટ શટઅપ!’

સાગરે સુનંદાને એક લાફો

મારી દીધો.

‘બંધ કર તારો આ બકવાસ!’

‘બસ? મારી લીધું?’ સુનંદા ફીકું હસી. ‘તારી મર્દાનગી સાબિત કરી લીધી? સાગર, આથી વધારે તું બીજું કરી પણ શું શકવાનો હતો?’

‘સુનંદા, તને હું... ’ ગુસ્સામાં સાગરે દાંત કચકચાવ્યા.

‘સાગર, મારા અને અપૂર્વના આવા મામૂલી ફોટો જોઈને જો તારી આ હાલત છે તો જસ્ટ કલ્પના કર, તારા અને શેફાલીના ફોટો જોઈને મારા દિલ પર શું વીતી હશે?’

સાગર સમસમી ગયો.

‘પણ એ વખતે? એ વખતે તો તું આમ ઊંચા કૉલર કરીને સ્ટાઇલથી બોલ્યો હતો, આ જ તો મારી માસ્ટરી છે! હવે ક્યાં ગઈ એ તારી માસ્ટરી, બોલ?’

સાગર શું બોલે?

‘સાગર, દુનિયા ગમે એટલી સિવિલાઇઝ્ડ અને મૉડર્ન થઈ ગઈ હોય પણ પ્રી-હિસ્ટોરિક જંગલી પુરુષ અને આજના અર્બન પુરુષમાં કોઈ જ ફે૨ પડ્યો નથી. પુરુષ જ્યારે એકથી વધુ સ્ત્રી સાથે સંબંધ રાખે છે ત્યારે તે એને પોતાની મર્દાનગીની નિશાની માને છે પણ તેની જ સ્ત્રી જ્યારે કોઈ બીજા પુરુષ સાથે ફરતી હોવાની શંકા પણ જાય છે ત્યારે તેનું ભેજું કેમ ફરી જાય છે? સાગર, તારા દંભનો પડદો ચિરાઈ ગયો છે! તારી જૂઠી મર્દાનગીના મિનારા તૂટીને કાંકરા થઈ ગયા છે. મારા અને અપૂર્વના સંબંધો પણ જેમ છે એમ જ રહેશે. હવે વિચાર તારે કરવાનો છે.’

સુનંદા સડસડાટ સીડીનાં પગથિયાં ચડી ગઈ.

સાગરને થયું, ‘હવે એક વાર આ અપૂર્વને મળવું પડશે.’

lll

ફુલ સ્પીડે આવીને બ્રેક મારતાં જ સાગર કારમાંથી ઝપાટાબંધ ઊતર્યો અને સીધો બંગલામાં દાખલ થયો. ‘સુનંદા... ! સુનંદા...!’

સાગર ઝડપથી દાદરા ચડતો સુનંદા પાસે આવીને બોલી ઊઠ્યો, ‘સાચું બોલજે સુનંદા, તારા પેટમાં જે બાળક છે એ કોનું છે?’

સુનંદા હસી. ‘મારું છે, કેમ?’

‘તારું છે એ મને ખબર છે, પણ તેનો બાપ કોણ છે?’

‘લે, ઑફિશ્યલી બાપ તરીકે તો તારું જ નામ લખાશેને? એ જ તો રિવાજ છે દુનિયાનો!’

‘મને રિવાજ-ફિવાજ ન શીખવાડ સુનંદા, સીધોસાદો જવાબ આપ, શું આ બાળક અપૂર્વનું છે?’

‘એવું તને કોણે કહ્યું?’

‘ખુદ અપૂર્વએ!’

‘ઓહ આઇ સી...’ સુનંદાના ચહેરા ૫૨ ૨મતિયાળ સ્મિત

આવી ગયું.

‘સાગર, આ વિષય એવો છે કે હકીકત માત્ર બે જ રીતે જાણી શકાતી હોય છે. એક તો એ કે બાળકની માતા પોતે હકીકત જણાવી દે અને બીજી એ કે તું DNA ટેસ્ટ કરાવી લે.’

‘સુનંદા, મારી સાથે આટાપાટા રમવાનું બંધ ક૨ અને સીધો જવાબ આપ કે એ બાળક અપૂર્વનું છે કે નહીં?’

‘ધારો કે હોય તો?’

‘તો સુનંદા, હું તને મારી નાખીશ! સાચું કહું છું, મારી નાખીશ તને!’

‘અને ધારો કે એ બાળક અપૂર્વનું ન હોય તો?’

સાગરની મુઠ્ઠી ઢીલી પડી ગઈ.

‘સુનંદા, મારી ધીરજની કસોટી કરવાની રહેવા દે. આઇ ઍમ ગોઇંગ ક્રેઝી.’

સુનંદા હસવા લાગી.

‘સાગર, ફ્રૅન્ક્લી કહું તો મને જ ખબર નથી! ઇઝન્ટ ઇટ સો ફની? વાઓ! આઇ જસ્ટ ડોન્ટ નો...’

સુનંદા ખડખડાટ હસી રહી હતી. તેના હાસ્યના પડઘા આખા બંગલામાં પડી રહ્યા હતા. સાગર અચાનક સુનંદા તરફ ધસી ગયો.

‘સુનંદા, હું તને મારી નાખીશ ! મારી નાખીશ હું તને !!’

સાગરે સુનંદાને ફર્શ પર ગબડાવી પાડી. એ તેની છાતી પર ચડી ગયો. એના બન્ને હાથ સુનંદાના ગળા ફરતે વીંટળાઈ ગયા.

‘સુનંદા, સાચું બોલ નહીંતર હું તને મારી નાખીશ!’

‘ઓકે. તારે સાચું સાંભળવું છેને? તો તારા આ હાથ દૂર કર.’

સાગરે તેના હાથ હટાવ્યા. તે ઊભો થઈ ગયો. સુનંદા ઊભી થઈને જરા સ્વસ્થ થઈ. પછી તેણે ગંભીર અવાજે કહ્યું :

‘સાગર, આ બધું નાટક હતું.’

સાગર સ્તબ્ધ થઈ ગયો.

‘વૉટ નૉન્સેન્સ? આ બધું

નાટક હતું?’

‘હા, નાટક. જ્યારે પોતાની સૌથી વહાલી વ્યક્તિ બેવફા નીકળે ત્યારે કોઈના દિલ પર શું વીતે છે એનો થોડોક અહેસાસ મારે તને કરાવવો હતો. તું મારો પતિ થઈને શેફાલી સાથે જો બેશરમીથી સંબંધો ચાલુ રાખી શકતો હોય તો આ સુનંદા પણ શું-શું કરી શકે એ મારે તો બતાડવું હતું! આ તો માત્ર એનું નાનકડું ટ્રેલર હતું. પણ સાગર, સાંભળી લે...’

સુનંદા સ્પષ્ટ અવાજે બોલી,

‘હવે ફરી આવું થશે તો એ નાટક ન પણ હોય.’

સાગરના પગ તળેથી જમીન ખસી રહી હતી...

 

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2025 11:07 AM IST | Mumbai | Lalit Lad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK