° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


એકરાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

29 December, 2021 04:25 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘બિચારી લાવણ્યા. તેને કલ્પના સુધ્ધાં નહીં હોય કે પોતે જેને પરણવાની છે એ શખ્સે તેના પિતાનું ખૂન કરાવ્યું છે!’

એકરાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

એકરાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

સદ્ગત પિતાની છબિને હાર ચડાવી ગતખંડ વાગોળતી લાવણ્યાએ નિશ્વાસ નાખ્યો : 
‘કુદરતે મને પ્રણય કન્ફેસ કરવાનો અવસર જ ન આપ્યો. ઈગતપુરી જવા નીકળેલા પપ્પા ટ્રૅજિક ઍક્સિડન્ટનો ભોગ બન્યા. આઘાતની એ પળોમાં એરન અમારા પડખે રહ્યો. પપ્પાના ક્રિયાપાણીમાં આવેલાં સગાંસ્નેહીઓ પણ તેને વખાણી ગયાં - ‘કહેવું પડે, તમારા પાડોશનો છોકરો, બહુ હેલ્પફુલ છે!’
એરનની સંભાળે ધીરે-ધીરે સ્વસ્થતા પ્રેરી. બચતમૂડી, વીમા-પેન્શન વગેરેને કારણે આર્થિક નિશ્ચિંતતા હતી છતાં લાગણીનો આધાર બનેલા એરન પ્રત્યે વીરમતીબહેનનો અભિપ્રાય બદલાવા માંડ્યો. તે દીકરીને કહેતાં પણ ખરાં - ‘તારા પિતાએ એરનનું આ રૂપ જોયું હોત તો જરૂર ગર્વ કરત!’
લાવણ્યાએ એ જાણ્યા પછી એરને તેમની સમક્ષ અંતર ખોલવામાં દેર ન કરી. દીકરી પણ એરનને ચાહતી હોવાનું જાણી વીરમતીબહેન થોડાં ડઘાયેલાં, પછી બોલી ગયાં - 
‘એ સમયે આ સંબંધમાં અમે રાજી ન હોત, પણ હવે તારી યોગ્યતામાં સંદેહ નથી. કરો કંકુનાં!’ એ સાંભળીને એરન ઊછળ્યો, પણ લાવણ્યા સ્થિતપ્રજ્ઞ રહી. કારણ? 
‘કારણ હું સરખી રીતે કદાચ સમજાવી પણ ન શકું. એને માટે તમારે દીકરી થવું પડે. મેં કહેલુંને એરન કે પપ્પાના આશીર્વાદ વિના હું તારા ઘરે કંકુપગલાં નહીં પાડું... તેમની અંતિમ ક્ષણ સુધી તારા માટે તેમના હૈયે નફરતનો-અણગમાનો ભાવ હતો. જીવતેજીવ તેમને જે નાપસંદ હતો તેની સાથે હું તેમના મૃત્યુ પછી પણ કઈ રીતે પરણી શકું?’
એરન મૂંઝાયો, અકળાયો - ‘મતલબ, આપણે પરણવાનાં જ નહીં?’
‘નહીં સાવ એવું પણ નથી.’ લાવણ્યાએ દીવાનખંડમાં લટકતી પિતાની વિશાળ છબિને તાકતાં કહેલું, ‘જ્યારે, જે ક્ષણે મને એવો ઇશારો મળશે કે પપ્પા મારી પસંદગીમાં રાજી છે, હું આજની કાલ નહીં કરું.’
‘ધિસ ઇઝ રેડિક્યુલસ.’ એરન ઊકળી ઊઠેલો, ‘મરેલો માણસ કયો ઇશારો આપવાનો તને?’
‘આ શ્રદ્ધાની વાત છે એરન, દીકરીના પિતા પરના વિશ્વાસની વાત છે.’ લાવણ્યા સ્પષ્ટ હતી, ‘પિતાના મૃત્યુથી તેમની મરજીનું કે માન્યતાનું મહત્ત્વ ઘટતું નથી અને મને તેમની મરજી જોઈએ, એરન. તેનો પડઘો મારા હૈયે ઊઠવો જોઈએ. મા ભલે રાજી થઈ એરન, આ ક્ષણ સુધી મને નથી લાગતું કે મારા પપ્પા આટલી સરળતાથી રીઝ્‍યા હોત. આમાં તેમને અણગમતા જુવાનને ગુપચુપ ચાહવાની ગિલ્ટ હોય તો એ સહી, તેમના અણધાર્યા અંતને કારણે પણ આ જીદ હોય તો હોય.’
 ‘ઠીક, તો હવે મારે શું કરવાનું છે એ પણ કહી દે.’ 
‘રાહ જુઓ એરન. મને ખાતરી છે કે ક્યાંક કોઈક સંકેત વહેલોમોડો જરૂર સાંપડવાનો...’ 
- આટલું કહ્યા પછી બબ્બે નાતાલ વહી અને ત્રીજી આવીને ઊભી. લાવણ્યાએ હળવો નિ:શ્વાસ નાખ્યો,
‘રોજ પપ્પાની છબિને હાર ચડાવતી વેળા પૂછું છું : પપ્પા, હવે તો એરન બાબતે તમે રાજીને?’
‘પૂછીને આંખ મીંચી જાઉં, પણ ભીતર કોઈ સ્પંદન પ્રસરે નહીં. કોઈ ઇશારો સાંપડે નહીં. શું કામ! તમારા ગયા એનાં ત્રણ-ત્રણ વર્ષમાં એરને અમારી કાળજી રાખી, મારા એક હકાર માટે ઇન્તેજાર વેઠે છે, હજીય તેના પર તમે રીઝ્‍યા નહીં?’
‘તમે હયાત હોત તો તમારા ખોળામાં માથું મૂકીને મેં પ્રણયભેદ ખોલ્યો હોત. નાનપણમાં આઇસક્રીમ માટે રડતી ને તમે પીગળી જતા. મારાં અશ્રુથી તમને એરન માટે પણ મનાવી શકી હોત એવું પહેલાં કેમ સૂઝ્‍યું નહીં! તમારા કાળઝાળ રૂપની કલ્પના કરતી રહી, પણ નાનપણમાં કેટલાંય તોફાન કર્યા છતાં તમે કદી મને ઊંચા સાદે બોલ્યા નથી એ કેમ સાંભર્યું નહીં! કાશ, તમારા જતાં પહેલાં બધું કહી શકી હોત, તમને મનાવી લીધા હોત તો આ દુવિધા ન હોત! બોલો, પપ્પા હજી કેટલો ઇન્તેજાર?’
અને અત્યારે, મનોમન આ પૂછતી લાવણ્યાના હાથમાં નરોત્તમભાઈની છબિ પરથી હાર સરક્યો. લાવણ્યાનું હૈયું ધડકી ગયું.
‘મા, મા! મને પપ્પાનો સંકેત મળી ગયો!’
‘હેં.’ વીરમતીબહેન હરખાયાં. એરન પણ દોડી આવ્યો. 
‘પપ્પાની છબિ પરથી હાર મારી હથેળીમાં પડ્યો, પપ્પાએ દીકરીને આશિષ દઈ દીધા!’ લાવણ્યાની આંખો હરખથી વરસી પડી. 
એરને નરોત્તમભાઈની છબિ પર નજર ટેકવી, ‘તમારી તો અમારા સંબંધમાં મરજી શાની હોય શ્વશૂરજી, પણ છેવટે તો કાગનું બેસવું ને ડાળનું પડવું એ ન્યાયે બરાબર નહીં લટકાવાયેલો હાર સરક્યો એમાં લાવણ્યાના મનનું સમાધાન થઈ ગયું એ પૂરતું છે!’
જોકે હવે શું થવાનું છે એની એરનને ક્યાં ખબર હતી?
lll
‘હું મારા ગુનાનો એકરાર કરવા માગું છું, ફાધર...’
બપોરની વેળા વરલીનું ચર્ચ સૂમસામ છે. બોજમુક્ત થવાના ઇરાદાથી ચર્ચમાં આવી, પ્રે કરી એલ્વિસ કન્ફેશન માટે ગોઠવાયો એટલે પાર્ટિશનની બીજી બાજુ ફાધર ડિસિલ્વાએ તેમનું સ્થળ ગ્રહણ કર્યું. ઉપદેશના બે બોલ કહીને તેમણે કબૂલાત માટે પ્રેરણા આપી.
‘મારે કહેવું છે ફાધર કે... ’  એલ્વિસ આટલું કહે છે ત્યાં...
‘ફાધર! ફાધર ડિસિલ્વા!’
કોઈના હરખભર્યા સાદે તે અટક્યો. જમણી બાજુના દ્વારમાંથી પ્રવેશીને ફાધર તરફ વળતા જુવાનને તે પાર્ટિશનનાં નાનાં છિદ્રોમાંથી નિહાળી રહ્યો. જુવાનનું તેના પર ધ્યાન નહોતું. તેની નજર પાદરી પર હતી.
‘સૉરી ટુ ડિસ્ટર્બ ટુ યુ ફાધર, પણ શું કરું વાત જ એવી છે કે... ફાઇનલી ઇટ્સ ડન. મારો પ્રેમ જીત્યો, ફાધર. લાવણ્યા મૅરેજ માટે માની ગઈ!’
‘ઓહો, છોકરી માની ગઈ એમાં તો આ જુવાન કેવો ઘેલો-ઘેલો થઈ ગયો!’ 
‘ત્રણ વર્ષ... આઇ વેઇટેડ ફૉર હર યસ’...’
અને એલ્વિસના કાન સરવા થયા. ‘આ અવાજ...’ 
‘નાઉ શી ઇઝ રેડી ટુ મૅરી. બે દિવસ પછી અમારી સગાઈ ઘરમેળે હિન્દુ વિધિથી છે અને આવતા રવિવારે આપણા આ ચર્ચમાં મૅરેજની ડેટ નોંધાવવા જ આવ્યો છું.’
‘ન હોય.’ એલ્વિસના ચિત્તમાં ખળભળાટ સર્જાયો. ‘આ તો એ જ... મિસ્ટર એક્સ! જેણે ૨૦ લાખ રૂપિયાના બદલામાં મારી પાસે મર્ડર કરાવ્યું! આ અવાજ હું ભૂલ્યો નથી. તેને પારખવામાં હું થાપ ન ખાઉં!’
ફાધર સાથેની તેની વાતચીતમાં ખાતરી થઈ ગઈ અને એક તબક્કે એલ્વિસ ચમક્યો : 
જુવાન કહેતો સંભળાયો,
‘યા, પ્લીઝ નૉટ ડાઉન. હું એરન જોસેફ ગોન્ઝાલ્વિસ. બ્રાઇડ નેઇમ : લાવણ્યા નરોત્તમ વસાણી.
અને એલ્વિસની કમરમાં સટાકો બોલ્યો : ‘નરોત્તમ વસાણી! આ તો એ જ જેની કારની મેં બ્રેક ફેલ કરી હતી!’
એરનની નજરે ન ચડવાની સાવચેતી સાથે તેણે ઈસુની મૂર્તિ સમક્ષ ગરદન ઘુમાવી : ‘આ કેવો જોગ, પ્રભુ! ત્રણ-ત્રણ વર્ષથી મને ખટકતા પાપનું કન્ફેશન કરવાનું સૂઝ્‍યું ને એ જ ઘડીએ તમે મારા પાપના ભાગીદારને પ્રગટ પણ કરી દીધો!’
‘બિચારી લાવણ્યા. તેને કલ્પના સુધ્ધાં નહીં હોય કે પોતે જેને પરણવાની છે એ શખ્સે તેના પિતાનું ખૂન કરાવ્યું છે!’
- ‘તો તો મારે તેને ચેતવવી જ રહી. અત્યારના આ જોગનો એ જ સંકેત!’
એલ્વિસના મૃત:પાય થયેલા મનને સંકલ્પબળ મળ્યું. એરન ગયા બાદ તેણે પાદરીને થોડીઘણી પૂછપરછ કરીને જાણી લીધું : એરનનો લિકરનો બિઝનેસ છે અને શિવાજી પાર્કમાં ‘શ્રીનાથ રેસિડેન્સી’માં પાડોશમાં રહેતી યુવતી સાથે આ રવિવારે પરણવાનો... ફાધરે ઉમેર્યું પણ ખરું, ‘હી ઇઝ વેરી કાઇન્ડ. તેના પેરન્ટ્સ પાછળ વર્ષે લાખો રૂપિયાનું દાન કરે છે છોકરો.’
- ‘એથી એનું પાપ સરભર નથી થતું! પોતાના ગુનાનો પસ્તાવો એરનને નથી એ તો દેખીતું છે, પણ એની જાણ લાવણ્યાને તો હોવી ઘટે. પિતાના હત્યારાને કોઈ યુવતી પરણી કેમ શકે? આ અનર્થ મારે ટાળવો રહ્યો...’
ઉતાવળે તેને બહાર નીકળતો જોઈને ફાધરને યાદ આવ્યું, ‘તમારે કંઈ કન્ફેસ કરવાનું હતુંને...’
એલ્વિસ અટક્યો, ઊલટો ફર્યો, ‘સમ અધર ટાઇમ, ફાધર.’
તે ચર્ચમાંથી નીકળી ગયો. ઈસુની મૂર્તિ ત્યારે પણ હંમેશની જેમ કરુણા જ વરસાવતી હતી.
lll
ચર્ચમાં બુકિંગ કરાવી ઘરે ફરતા એરનનો ઉમંગ માતો નહોતો.
લાવણ્યાને જોતાં જ તે પ્રેમમાં પડી ગયેલો. હૈયાની કોરી પાટી પર લાવણ્યાની મુરત અંકાઈ એ અંકાઈ. પ્રેમનો તણખો લાવણ્યાએ પણ અનુભવ્યો, પછી પૂછવું જ શું! હવે લગ્ન, સુહાગરાત, સ્વર્ગ જ સ્વર્ગ!
પણ ના. સ્વર્ગ આડે એક અડચણ હતી. આ બિગ બિગ હર્ડલ.
શ્રીમાન નરોત્તમ વસાણી.
મારા ધંધાને કારણે, મારા દાદાના ભૂતકાળને કારણે ખાસ તો જુવાન દીકરીના પિતા તરીકે તેમણે મને નફરતથી જ નિહાળ્યો. અમારા પ્રેમને તેમના આશિષ મળે એ સંભવ જ નહોતું.
હર્ડલને તાકતા રહી બેસી રહેવાનું પોતાના સ્વભાવમાં નહોતું. હર્ડલ એની મેળે હટવાનું નહીં, એને તો દૂર જ કરવું પડે. પિતાને મનાવવાનો નુસખો લાવણ્યાને સૂઝતો નહોતો, પછી શું, ‘એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ’નું સૂત્ર સાંભરી પોતે નરોત્તમભાઈને જ હટાવી દેવાનું નક્કી કરી દીધું.
એક નિર્ણય પર વારંવાર વિચાર એ જ કરે જેનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય. પોતાને એવી ટેવ નહોતી. બે-ચાર પ્લાન્સ વિચાર્યા પછી બ્રેક ફેલની યોજના મગજમાં બેઠી, ‘આમેય મહિનામાં અમુકતમુક દિવસ તેમની ફિક્સ ટ્રિપ હોય છે, એનું શેડ્યુલ પણ ફિક્સ. આનો લાભ લઈ, ઈગતપુરીના ઢોળાવ ચડતાં પહેલાં તેમની કારની બ્રેક ફેલ કરાવી હોય તો તેમના ઊગરવાના નહીંવત્ ચાન્સિસ રહે. આટલું રિસ્ક તો કોઈ પણ પ્લાનમાં રહેવાનું. બેટર યુ ગો વિથ ધિસ! 
બ્રેક ફેલ કરવાનું સ્થળ નક્કી હતું. ‘ઓનેસ્ટમાં બ્રેકફાસ્ટ કરવો નરોત્તમભાઈનો નિયમ છે, પણ ત્યાં આ કામ કરશે કોણ?’ આઇ મસ્ટ હાયર અ મેકૅનિક! એની તલાશમાં પોતે શહેરના વિવિધ ગૅરેજમાં ચક્કર કાપતો હતો.
- એ મળ્યો ડિસિલ્વાના ગૅરેજમાં! ત્યાં પેલા એલ્વિસ વિશે જાણ્યું. પોતાનો ધંધો શરૂ કરવાની તેને ચળ છે.તેની સાથે ડીલ થઈ, ઍન્ડ ઑલ વેન્ટ એઝ પર પ્લાન! આખા કાવતરામાં પોતે ઓઝલ જ રહ્યો.
‘પેલા મેકૅનિક એલ્વિસનું પછી શું થયું એય કોણે જાણ્યું! નરોત્તમભાઈના અકસ્માતમાં કોઈને ક્યાંય મર્ડર ગંધાયું નહીં, અણધાર્યું રહ્યું લાવણ્યાનું વલણ. પિતાના મૃત્યુ પછી પણ તે લગ્ન માટે તૈયાર ન થઈ એની અકળામણ હૈયે હતી. ગમે તેમ તોય હું તેના પિતાનો હત્યારો. મારી સાથે પરણતાં તેને કોઈ અગમ્ય તત્ત્વ રોકતું હશે!’
બટ ઍટ લાસ્ટ, એનો પણ અંત આવ્યો. લાવણ્યાને જોઈતો સંકેત સાંપડ્યો અને આવતા રવિવારે અમે પરણી જવાનાં!
‘જાણું છું લાવણ્યા. તારા પિતાને મારવાનો ગુનો મેં કર્યો છે, તું કદાચ જાણે તો એનો ખટકો રાખે અને મને માફ ન કરી શકે એ ચલાવી લઈશ, પણ મારી મોહબ્બતમાં શક ન રાખીશ. એટલું માનજે કે પ્રેમિકાને પામવા છેવટની હદ સુધી જવાનો પ્રેમીને તો હક હોયને!’ 
‘બસ, હવે તો તારાં કંકુપગલાંનો ઇન્તેજાર છે!’
lll
વીરમતીબહેનનો હરખ માતો નથી. ‘ગઈ કાલે સગાઈનું ફંક્શન પત્યું, ત્રણ દિવસ પછી રવિવારે દીકરીનાં લગ્ન ભલે ખ્રિસ્તી વિધિ મુજબ કરીએ, ઉજવણી તો ધામધૂમથી થવી ઘટે. કમુરતાં બેસે એ પહેલાં લગ્ન લઈ લેવાં છે એટલે તો શૉર્ટ નોટિસમાં કેટલી તૈયારી કરવાની છે!’
પિતાનો સંકેત સાંપડ્યા પછી લાવણ્યા પણ ઉમંગમાં છે. પાર્લરવાળીની ડેટ ફિક્સ કરીને તે નવરી થઈ કે સેલફોન રણક્યો. નંબર અજાણ્યો હતો.
‘મિસ લાવણ્યા? મારે તમને મળવું છે. ઇટ્સ અર્જન્ટ.’ સામેથી એલ્વિસ પોતાની ઓળખ આપ્યા વિના કહેતો ગયો, ‘ઇટ્સ અબાઉટ યૉર ફાધર્સ ઍક્સિડન્ટ. બાકીનું રૂબરૂમાં અને હા, મારા ફોન વિશે કોઈને કહેશો નહીં - એરનને તો બિલ્કુલ ગંધ ન આવવી જોઈએ. તમને તમારા મૃત ફાધરના સોગંદ છે.’
લાવણ્યા અકળાઈ. ‘આમ કોઈ અજાણ્યો ફોન કરે, એરનથી ગુપ્ત રાખવાનું કહે અને વાત પાછી પપ્પાના અકસ્માતને લગતી હોય! શું અર્થ થાય એ બધાનો?’
‘તમે મને મળશો એટલે સઘળું જાણી જશો. હું તમારી રાહ જોઉં છું. તમારા ઘરેથી વરલીના કબ્રસ્તાન પહોંચતાં ૩૦ મિનિટથી વધુ સમય નહીં લાગે.’
‘કબ્રસ્તાન!’ લાવણ્યા થથરી.
‘જી.’ એલ્વિસનો કંઠ ભીંજાયો, ‘મારે તમને જે કહેવું છે એના સાક્ષી ત્યાં જ મળી શકે એમ છે. પ્લીઝ જરૂર આવજો.’
અને કૉલ કટ થયો.

આવતી કાલે સમાપ્ત

29 December, 2021 04:25 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

અન્ય લેખો

મજબૂર (પ્રકરણ 3)

‘મોહિની આટલાં વર્ષે શું કામ વેર ઉખેળે! આપણે તેના માટે ક્લુલેસ છીએ.’ સીમાની દલીલમાં આમ જુઓ તો વજન હતું. મોહિનીને અમારી સાથે હવે શું લેવાદેવા! તે પણ પરણી ગઈ હશે અને અમને ભૂલી પણ ગઈ હશે...’

18 May, 2022 07:06 IST | Mumbai | Samit (Purvesh) Shroff

મજબૂર (પ્રકરણ 2)

આગળના પ્લાન માટે શેઠજીની જરૂર નહોતી. મોહિનીએ પ્રાઇવેટ એજન્સીને અનુરાગનો ટ્રૅક રાખવા કામે લગાડી : ‘તે શું કરે છે, તેનું બૅન્ક-બૅલેન્સ, તેની ફૅમિલી... આઇ નીડ ઇચ ઇન્ફર્મેશન’

17 May, 2022 10:13 IST | Mumbai | Samit (Purvesh) Shroff

મજબૂર (પ્રકરણ 1)

‘યુ મીન, વેજ પાર્ટી!’ મોહિનીએ જીભ કચરી, ‘અમારે એવું નહીં હોય, હં. વી ગર્લ્સ આર ગોઇંગ બૅન્ગકૉક. ત્યાંની વિલામાં અમે તો ખુલ્લેઆમ સ્ટ્રિપ-શો પણ માણવાનાં’

16 May, 2022 12:53 IST | Mumbai | Samit (Purvesh) Shroff

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK