રમેશભાઈએ કહ્યું, ‘સોનિયાકુમારીના નામે તે સોશ્યલ મીડિયા પર વિડિયોઝ બનાવે છે’
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘સાહેબ, અમે તેને ચાર દિવસથી ફોન કરીએ છીએ, પણ અમારી વાત જ નથી થતી...’ રમેશભાઈએ કરગરતાં કહ્યું, ‘પેલાને કહીએ છીએ તો તે અમને વાત નથી કરાવતો.’
૭૨ કલાકમાં એક જ પ્રકારનો કહેવાય એવો આ ત્રીજો કેસ હતો. એકસરખી વાત અને દરેક વાતમાં એક જ ફરિયાદ. છોકરી એવા છોકરા સાથે ભાગી ગઈ છે જે અમને નથી ગમતો.
ADVERTISEMENT
ઇન્સ્પેક્ટર રાણેએ બગાસું ખાધું, જે ઊંઘને કારણે નહીં, કંટાળાને કારણે આવ્યું હતું.
‘જુઓ...’ સામે બેઠેલી વ્યક્તિનું નામ ખબર નહોતી એટલે રાણેએ ટેબલ પર પડેલું આધાર કાર્ડ હાથમાં લઈ નામ વાંચી લીધું, ‘રમેશભાઈ... હવે આ છોકરાઓ મોટાં થઈ ગયાં છે. એ કંઈ આપણું માને નહીં. તમારી દીકરી એમ છતાં સારી કહેવાય કે તે પોતાના બૉયફ્રેન્ડ સાથે ફરવા ગઈ એ વાત ઘરમાં કરીને ગઈ... કાલે જ એક કેસ આવ્યો.’
રાણેએ કૉન્સ્ટેબલ સામે જોયું.
‘એય મિશ્રા, વાત કર કાલવાળા કેસની...’
મિશ્રા પણ જાણે આ જ ક્ષણની રાહ જોતો હોય એમ ઊભો થઈને સીધો ઇન્સ્પેક્ટર રાણેના ટેબલ પર આવી ગયો.
‘અહીં બોરીવલીમાં જ રહે છે, શું નામ હતું તેનું... હા, કમલેશભાઈ મહેતા.’ નામ યાદ આવ્યું એટલે મિશ્રાએ વાત આગળ વધારી, ‘પોતાની દીકરીની ફરિયાદ લખાવવા આવ્યા કે મારી દીકરી બે દિવસથી ગુમ છે. ફોન પણ નથી ઉપાડતી. અમે ફોન કર્યો તો છોકરી કહે છે...’
‘અમારા બાપની દલાલી કરવા મને ફોન નહીં કરતા...’
છોકરીએ આપેલો જવાબ ઇન્સ્પેક્ટર રાણેએ રિપીટ કર્યો.
‘હા, પણ સાહેબ, હું તમને કહું છુંને કે પહેલાં અમારે સોનુ સાથે વાત થઈ પણ હવે, ચાર દિવસથી વાત નથી થતી. પેલો છોકરો એમ જ કહે છે કે સોનુને તમારી સાથે વાત નથી કરવી...’
‘છોકરીની ઇચ્છા... કેટલાં વર્ષ થયાં તમારી સોનુને?’
‘ઓગણીસ... હા, ૧૯ વર્ષ થયાં...’
આધાર કાર્ડ હાથમાં લઈને મનોમન ગણતરી કરી લેનારા ઇન્સ્પેક્ટર રાણેએ સુધારો કરતાં કહ્યું, ‘મિસ્ટર રમેશ, ૧૯ પૂરાં થયાં.’
રાણે હવે રમેશ સોનીની બાજુમાં બેઠેલાં લેડી તરફ ફર્યા. એ લેડી આવ્યાં ત્યારથી ચૂપ જ બેઠાં હતાં.
‘તમે શું થાવ આ સોનુનાં?’
ઇન્સ્પેક્ટર રાણે નામ દાઢમાંથી લેતા હતા એ બધાને ખબર પડતી હતી.
‘તેની મમ્મી છું...’
‘માને તો દીકરીની બધી ખબર હોય, તમને ખબર નહોતી?’
‘ના, અમને કંઈ કહેતી જ નહોતી. પૂછીએ તો અમને વડચકાં ભરે કે તમે કચકચ બહુ કરો છો.’
‘તો હવે મૂકી દો કચકચ, સોનુને તેની રીતે રહેવા દો અને તમે પણ શાંતિથી રહો.’ કૅપ હાથમાં લઈને પોતે જવા માગે છે એવો અણસાર ઇન્સ્પેક્ટર રાણેએ આપી દીધો, ‘ઘરે જાઓ અને ટેન્શન વિના સૂઈ જાઓ.’
‘દીકરીનો પત્તો મળતો ન હોય ત્યારે શાંતિથી કેમ રહી શકાય સાહેબ?’
‘તમે સમજતાં કેમ નથી...’ રાણે રમેશભાઈ પર અકળાયા, ‘પત્તો કોનો મળ્યો ન કહેવાય જેને પોતાને કંઈ ખબર ન પડતી હોય. તમારી દીકરી ૨૦ વર્ષની છે, મૅચ્યોર્ડ છે. સરકાર પણ એ ઉંમરનનાં બાળકોની પૂછપરછ કરવાની અમને ના પાડે છે. હવે આમાં અમે શું કરીએ, તમે જરા તો સમજો?’
‘એક વાર, એક વાર તેના નંબર પર ટ્રાય કરોને. વાત કરો એટલે અમારી વાત પૂરી. અમને શાંતિ...’
‘આ ગુજરાતીઓ પણ ખરાં છે!’ રાણેએ મિશ્રા સામે જોયું, ‘વાત પડતી મૂકતાં નથી.’
કૉન્સ્ટેબલ મિશ્રાને સમજાઈ ગયું હતું એટલે તે તરત પાસે આવ્યો અને સોનુના પેરન્ટ્સને લઈને પોતાના ટેબલ પર આવી ગયો.
‘તમે મારે ત્યાં આવો... આપણે વાત કરીએ. સાહેબ, થાક્યા છે. સવારથી બહારના કામમાં હતા.’
‘આ પણ કામ જ કહેવાયને...’
‘ના, ઇલેક્શન સમયે આ કામની કોઈ વૅલ્યુ ન કહેવાય હં...’ મિશ્રાએ તોછડાઈ સાથે કહ્યું, ‘ચાલો, ત્યાં જઈને બેસો...’
lll
‘પપ્પા, આ સોનિયાકુમારી કેમ હવે રીલ્સ નહીં મૂકતી હોય.’
સવારે ડાઇનિંગ ટેબલ પર ૧૨ વર્ષની દીક્ષિતાએ ઇન્સ્પેક્ટર રાણેને સવાલ કર્યો અને રાણેની કમાન છટકી.
‘બેટા, સવારમાં તું મોબાઇલ લઈને બેસશે એ મને નહીં ચાલે.’
‘અરે, મેં હમણાં પાંચ મિનિટ પહેલાં જ મોબાઇલ હાથમાં લીધો... પૂછો મમ્મીને.’
મમ્મીએ પણ હકારમાં જવાબ આપ્યો એટલે પરીક્ષિત રાણેએ ગુસ્સો કાબૂમાં કર્યો, પણ દીકરીની પૃચ્છા અકબંધ હતી.
‘પાંચ દિવસ થયા, અગાઉ આવું ક્યારેય બન્યું નથી કે તે વિડિયો અપલોડ ન કરે.’
‘કામમાં હશે બેટા, તેઓ કંઈ આપણાં સર્વન્ટ થોડાં છે કે રોજ આપણને એન્ટરટેઇન કરવા મોબાઇલની સ્ક્રીન પર આવી જાય.’
‘હંઅઅઅ...’
દીકરીએ મોબાઇલ સાઇડ પર મૂક્યો, પણ તેના ચહેરા પર આવી ગયેલી માયૂસી રાણેના ધ્યાનમાં આવ્યા વિના રહી નહોતી.
lll
‘હેલો...’
‘હા બોલો...’ લિફ્ટમાં નીચે ઊતરેલા ઇન્સ્પેક્ટર રાણેએ પાર્કિંગમાંથી ફોન કર્યો એટલે વાઇફે અનુમાન લગાવ્યું, ‘શું ભૂલી ગયા?’
‘કંઈ નહીં, દીક્ષિતાને ફોન આપ...’
‘હા, પણ તમે ખિજાતા નહીં... હવે તે એટલો મોબાઇલ નથી વાપરતી.’
‘તું ફોન આપને...’
દસેક સેકન્ડ પછી ફોનના સામે છેડે દીકરીનો અવાજ આવ્યો.
‘બેટા, આ સોનિયાકુમારી ક્યાંની છે?’
‘આપણી મુંબઈની જ છે... બોરીવલીમાં જ રહે છે.’ દીકરીને પપ્પાના સવાલથી નવાઈ લાગી, ‘કેમ, શું થયું?’
‘ના, કંઈ નહીં...’ રાણેએ ગાડી ગેટની બહાર કાઢતાં પૂછ્યું, ‘કેટલા દિવસથી વિડિયો નથી આવ્યા?’
‘પાંચ દિવસથી...’ દીકરીએ ઉત્સાહથી જવાબ આપ્યો, ‘એ પહેલાં તો એ ફરવા ગઈ ત્યાંના રોજ રીલ્સ મૂકતી હતી... પછી બંધ થઈ ગયું.’
‘ઓકે... ઠીક છે, બાય...’
ઇન્સ્પેક્ટર રાણેએ ફોન કટ કરીને તરત જ બીજો ફોન લગાડ્યો અને ચીકુવાડી પોલીસ-સ્ટેશનમાંથી રમેશ સોનીનો નંબર લીધો.
lll
‘ઇન્સ્પેક્ટર રાણે વાત કરું છું, તમારી ડૉટરનું નામ શું હતું?’
‘સોનુ...’ રમેશભાઈએ જવાબ આપ્યો, ‘સાચું નામ સપના...’
‘ઓહ... મને એમ કે સોનિયા...’
‘હા, સોનિયા નામ તેનું સોશ્યલ મીડિયા પર છે. સોનિયાકુમારી...’ રમેશભાઈએ વાત યાદ પણ કરાવી, ‘તમને કહ્યું હતુંને કે સોનિયાકુમારીના નામે તે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર વિડિયોઝ બનાવે છે.’
‘ઓહ... ઓકે...’ રાણેએ અચરજને દબાવતાં કહ્યું, ‘શું થયું, વાત થઈ તમારી?’
‘ના સર, હવે તેનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ આવે છે...’
‘હંઅઅઅ... તમે એક કામ કરોને, પોલીસ-સ્ટેશન આવોને...’
‘જી સર, પંદર મિનિટમાં આવું છું...’
lll
‘અમે તેને એવું બધું કરવાની ના પાડતાં એટલે તેણે જ નક્કી કર્યું કે હવે પોતે રિયલ નામથી નહીં, પણ રીલ માટે બીજું નામ રાખશે અને એ નામે વિડિયો અપલોડ કરશે. પછી તેણે પોતાનું નામ સોનિયા કરી નાખ્યું.’ પોલીસ-સ્ટેશનમાં બેઠેલા રમેશભાઈએ ચોખવટ કરતાં કહ્યું, ‘પછી કોઈ ન્યુમરોલૉજીવાળા ભાઈ મળ્યા તેણે કહ્યું કે સોનિયાકુમારીના નામથી વિડિયો બનાવશે તો એ વધારે પૉપ્યુલર થશે એટલે તેણે નામ સોનિયાકુમારી કરી નાખ્યું, પણ અમે કોઈ એનામાં બહુ ઇન્ટરેસ્ટ લેતાં નહીં. તેની મમ્મી ટિફિન-સર્વિસ ચાલે છે એ જગ્યાએ કામે જાય છે એટલે તે ઘરેથી નીકળી જાય. હું મારા કામે નીકળી ગયો હોઉં... તે ઘરમાં રહીને પોતાની રીતે વિડિયો બનાવ્યા કરે.’
‘તમે તેને રિયલ નામથી વિડિયો બનાવવાની ના કેમ પાડી હતી?’
રમેશભાઈએ વાઇફની સામે જોયું અને વાઇફે હસબન્ડ સામે.
‘શરૂઆતમાં તે અમને ગમે નહીં એવા વિડિયો બનાવતી હતી...’ રમેશભાઈએ ખુલાસાવાર કહ્યું, ‘પેલા જે હોયને, જેમાં ખરાબ ગાળો હોય અને એમાં લિપ્સિંગ કરવાનું હોય એવા... અમારા સમાજમાં બીજાં સગાંસંબંધીઓ જુએ તો કેવું ખરાબ લાગે.’
‘હંઅઅઅ... તેણે નામ બદલી નાખ્યું પછી તમે તેના વિડિયો જોતા?’
‘ના, એ અમને કોઈને પોતાના એ અકાઉન્ટમાં ઍડ નહોતી કરતી.’
‘મારે અત્યારે તેનું એ અકાઉન્ટ જોવું હોય તો...’
‘અમારા મોબાઇલમાં તો નથી... બીજા કોઈના મોબાઇલમાં હોય તો એમાંથી...’
રમેશભાઈ વાત પૂરી કરે એ પહેલાં તો ઇન્સ્પેક્ટર રાણેએ ફરી ઘરે ફોન લગાડી દીધો હતો.
lll
‘બેટા, બીજા કોઈ રિઝનથી નહીં, એક કેસ માટે મને તારા આઇડી-પાસવર્ડ જોઈએ છે, પ્લીઝ...’
‘મારા આઇડી-પાસવર્ડથી તમે શું કરશો?’ દીકરી દીક્ષિતાએ દલીલ કરી, ‘તમે પોતે અકાઉન્ટ ઓપન કરીને એ વ્યક્તિને શોધી લોને...’
‘આઇ નો બટ એક પ્રૉબ્લેમ છે...’ રાણેએ ઊંડો શ્વાસ લીધો, ‘મારે સોનિયાકુમારીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોવું છે, જે તેણે મેમ્બર્સ પૂરતું જ ઓપન રાખ્યું છે. મેં તેને રિક્વેસ્ટ મોકલી છે, પણ તે એક્સેપ્ટ કરે એટલી રાહ હું જોઈ શકું એમ નથી...’
‘ના, હું નહીં આપું...’
‘આઇ પ્રૉમિસ... હું બીજું કશું નહીં કરું.’ રાણેમાં રહેલા પપ્પાએ રિક્વેસ્ટ કરી, ‘તું ૧૦ મિનિટ પછી ચેન્જ કરી નાખીશ તો ચાલશે, બસ?’
થોડી વધુ દલીલ થઈ અને પછી દીકરીએ પોતાના આઇડી-પાસવર્ડ મોકલ્યા.
lll
સોનિયાકુમારીની ઉંમર ભલે ૨૦ વર્ષની હોય પણ સ્ક્રીન પર તે સહેજેય પચીસ વર્ષની લાગતી હતી. સોશ્યલ મીડિયા પર તેણે જે રીલ અપલોડ કરી હતી એ રીલ જોતાં કોઈ માને નહીં કે આ છોકરી સીધાસાદા વૈષ્ણવ પરિવારની દીકરી હશે. માંસલ દેહની સોનિયાએ ભોજપુરી ગીતો પર ડાન્સ કરતા વિડિયોઝ પણ મૂક્યા હતા અને ડબલ મીનિંગ કહેવાય એવા વિડિયો પણ તે છોકરાઓ સાથે બનાવતી હતી. અમુક વિડિયોમાં તો તે વિનાસંકોચ ગાળો પણ બોલતી હતી.
ઇન્સ્પેક્ટર રાણેનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું.
જે કેસ માટે તેણે સોનિયાકુમારીનું અકાઉન્ટ ચેક કરવાનું નક્કી કર્યું હતું એ કેસ થોડી ક્ષણ માટે સાઇડ પર રહી ગયો અને રાણેના મનમાં પોતાની દીકરીને કેવી રીલ્સ જોવાની લત લાગી છે એની ચિંતા થવા માંડી. અલબત્ત, એ ચિંતા બાજુ પર મૂકીને તેમણે તરત જ સોનિયાકુમારીના કેસ પર કામ શરૂ કર્યું.
lll
‘તમે એક કામ કરો, મિશ્રાને એક ફરિયાદ લખાવી દો... આપણે કાર્યવાહી ચાલુ કરીએ છીએ...’
સોનિયાના નંબર પર કૉલ કરવાની ટ્રાય કર્યા પછી રાણેએ નિર્ણય લીધો હતો. સોનિયાનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ આવતો હતો.
સોનિયાના પેરન્ટ્સ મિશ્રા પાસે જઈને ફરિયાદ લખાવતા હતા એ દરમ્યાન રાણેએ ફરી એક વાર સોનિયાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર નજર કરવાની શરૂ કરી. છોકરીના એક મિલ્યનથી વધારે સબસ્ક્રાઇબર થઈ ગયા હતા. પહેલાંના સમયમાં તમારી બૅન્ક-બૅલૅન્સ કેવી તોતિંગ છે એના આધારે તમને માન-સન્માન મળતાં પણ હવે, હવે તમારા કેટલા સબસ્ક્રાઇબર છે અને તમને કેટલી લાઇક્સ મળે છે એ મહત્ત્વનો મુદ્દો બની ગયો છે અને એના આધારે તમારું સોશ્યલ સ્ટેટસ નક્કી થાય છે.
lll
‘આ રીલ્સમાં જે છોકરાઓ છે તેને તમે ઓળખો છો?’
બધી રીલ્સમાં પેરન્ટ્સની ના આવી એટલે લાચારી સાથે ઇન્સ્પેક્ટર રાણેએ ફરી સોનિયાએ અપલોડ કરેલી ડિટેઇલ્સ પર નજર કરવાનું શરૂ કર્યું. અકાઉન્ટનું નામ સોનિયાકુમારી હતું તો બર્થ-ડેની જગ્યાએ લખ્યું હતુંઃ ‘કેક મર્ડર ઑન ટ્વેન્ટી સેકન્ડ એપ્રિલ...’
પોતાને પાપા’ઝ પરી ગણાવનારી છોકરીએ અત્યારે બાપનો જીવ અધ્ધર કરી દીધો હતો એ પણ ઇન્સ્પેક્ટર રાણેને સ્પષ્ટ સમજાતું હતું. ડિટેઇલ સ્ક્રૉલ કરતાં એક જગ્યાએ રાણેની આંખો ચોંટી ગઈ. સોનિયાકુમારીએ લખ્યું હતુંઃ ‘આઇ લવ ભૂત.’
આ વળી શું છે, આવું કેમ લખ્યું હશે?
ઇન્સ્પેક્ટર રાણેનાં બન્ને નેણ આજ્ઞાચક્ર પાસે જોડાયાં.
(વધુ આવતી કાલે)