પંદરા દિન તક હમ તેરે બેટે કો સંભાલ નહીં સકતા. જલ્દી કર શાણે, જલ્દી કર.
ઇલસ્ટ્રેશન
‘અબે ઘનશ્યામદાસ! ધ્યાન સે સુન... હમને તેરે બેટે કો કિડનૅપ કિયા હૈ!’
ઘનશ્યામદાસ મારફતિયા ફોન પર આ સાંભળતાં જ થીજી ગયા. હકીકતમાં તેમને ખબર હતી કે આવું જ કંઈક થવાનું છે. બે ઘડી તો શું બોલવું એની સૂઝ જ ન પડી. ઘનશ્યામદાસ જાણે પૂતળું બની ગયા હતા.
ADVERTISEMENT
પણ પછી તરત જ તેમણે ફોનમાં કહ્યું, ‘એક પાંચ મિનિટ પછી ફોન કરો.’
તેમણે તરત જ ફોન કાપી નાખ્યો.
પણ બીજી જ સેકન્ડે એ પાછો રણકી ઊઠ્યો. ઘનશ્યામદાસે ફોન ઉપાડીને તરત જ કહ્યું, ‘યાર, જરા સમજો, સામે માણસો બેઠા છે. બધા સામે આવી વાતો ન થાય. તમે મારો મોબાઇલ-નંબર લખી લો અને પાંચ મિનિટમાં ફોન કરો, ઓકે?’
ઘનશ્યામદાસે ફટાફટ તેમનો મોબાઇલ-નંબર લખાવીને ફોન કટ કરી નાખ્યો.
હવે તેમને ખબર હતી કે પેલો પાંચ મિનિટ પછી જ ફોન ક૨શે. એનો મતલબ એ થયો કે હવે તેમની પાસે વિચારવા માટે પૂરેપૂરી પાંચ મિનિટ છે.
ઘનશ્યામદાસ બહુ ખંધા બિઝનેસમૅન હતા. ભાવતાલ કરવામાં આખા બજારમાં તેમના જેવો ચીકણો વેપારી કોઈ નહોતો. સામેવાળાની ગરજ એક જ ક્ષણમાં માપી લેવાની તેમની માસ્ટરી હતી. આટલાં વરસોમાં ઘનશ્યામદાસે ક્યારેય એક નવા પૈસાની ખોટનો સોદો કર્યો નહોતો.
પણ આજે મામલો જુદો હતો. ઘનશ્યામદાસે ફોનમાં કહી દીધું કે સામે માણસો બેઠા છે, પણ હકીકતમાં તેમની કૅબિનમાં તેઓ બિલકુલ એકલા જ હતા.
સોદાની રકઝક માટે તેમણે પોતાની જાતને તૈયાર કરવાની હતી. તેમણે વિચાર્યું, માગી-માગીને પૈસા કેટલા માગશે? ૫૦ લાખ? ૬૦ લાખ?
પછી તેમને થયું, ‘છટ.. આવી રીતે વિચારવાનું ન હોય. મારે એમ વિચારવું જોઈએ કે મારા છેલબટાઉ, ઉડાઉ અને છીછરા સંસ્કારવાળા દીકરાની ખરેખર કિંમત કેટલી કહેવાય?’
પોતાના દીકરાની કિંમત માંડી શકે, અરે, માંડવાનું વિચારી શકે અને તેની સાચી કિંમત આંકી પણ શકે એવા ગણતરીબાજ ઘનશ્યામદાસ તો હતા જ; પણ તેમણે વિચાર્યું, ‘આ મારો એકનો એક દીકરો છે. ૫૦ લાખ આપતાં પણ બીજો નથી મળવાનો.’
બસ, આ જ વિચારે ઘનશ્યામદાસના પગ ઢીલા થઈ ગયા.
બન્ટી માંડ ૭ વરસનો હતો ત્યારે તેની મા એક ટૂંકી માંદગીમાં ગુજરી ગઈ હતી. પછી ઘનશ્યામદાસે ક્યારેય બીજાં લગ્નનો વિચાર નહોતો કર્યો. ઊલટું ઉદાસીને દૂર કરવા માટે તેઓ વધુ ને વધુ સમય ધંધામાં ગાળવા લાગ્યા. નાનો બન્ટી નોકરાણીઓ, આયાઓ, ડ્રાઇવરો અને નોકરોના આશરે જ મોટો થયો હતો.
અને એટલે જ તે સાવ વંઠેલ નીકળ્યો હતો. કૉલેજમાં સળંગ બે વરસથી ફેલ થતો હતો છતાં તેના મોજશોખમાં જરાય ઓટ નહોતી આવી.
ઘનશ્યામદાસ તેને કહી-કહીને થાકી જતા, પણ બન્ટીને એની કોઈ અસર થતી નહીં. બાપની કમાણી જ એટલી બધી હતી કે બન્ટી સાત જન્મ સુધી ફૂંક્યા કરે તો પણ ઓછી ન થાય.
‘પણ એટલે શું તે અક્કલ વગરના ઉડાઉ નબીરાને બધી મિલકત સોંપી દેવાની?’
ઘનશ્યામદાસના દિમાગમાં ગુસ્સો ફાટ-ફાટ થઈ રહ્યો હતો. તે જાણતા હતા કે આ બન્ટીના હાથમાં જો રૂપિયા આપે તો લાખના બાર હજાર કરતાં તેને બે સેકન્ડ પણ ન લાગે.
‘તે ગધેડો ઑનલાઇન ગેમમાં ફૂંકી મારે... ઑનલાઇન જ શું કામ? ક્રિકેટના સટ્ટામાં પણ ઉડાડી મારે... આજકાલ તો નાઇજીરિયા અને ચાઇનાની ગૅન્ગવાળા એવાં-એવાં સ્કૅમ ચલાવે છે કે...’
ઘનશ્યામદાસ એ પણ જાણતા હતા કે તેમના દીકરાને મહેનત કરવામાં જરાય રસ નહોતો.
‘હરામખોર, જનમથી જ તેણે કુંડળીમાં પૈસો લખેલો જોયો છે એટલે તેને એમ જ છે કે મને તો રૂપિયા નસીબથી જ મળવાના છે... પછી તો લોભિયા હોય ત્યાં ધુતારા પહોંચી જ જાયને?’
ઘનશ્યામદાસને યાદ આવ્યું કે એક વાર તો બન્ટી રશિયાની કોઈ ગૅન્ગની ચાલમાં એવી સ્ટુપિડ સ્કીમમાં ફસાયો હતો કે... એ લોકો તમને ઑનલાઇન રશિયન છોકરીઓના ફોટો અને વિડિયો મોકલીને એવી લાલચ આપે કે આ છોકરીઓને તમે આજે ‘ખરીદી’ લો... પછી અમુક-અમુક તારીખોમાં તેમનું ‘વર્લ્ડ લેવલ’ ઑનલાઇન ‘ઑક્શન’ થશે! એમાં ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા ભાવ બોલાશે! જે નફો થાય એ તમારો... અમારું માત્ર કમિશન!
બન્ટીએ એમાં લગભગ ૫૦ લાખ ફૂંકી માર્યા હતા!
‘અને પેલી ઍક્સિડન્ટની ઘટના?’ ઘનશ્યામદાસ એ યાદ કરતાં જ સમસમી ઊઠ્યા. ‘હરામખોરે ફુટપાથ પર સૂતેલા લોકો પર કાર ચડાવી દીધી હતી... ૩ જણ મરી ગયા હતા. બધું સેટલમેન્ટ કરવામાં અને પોલીસને ખવડાવવામાં ૭૫ લાખ ઘૂસી ગયા હતા...’
‘તેને કોઈ જવાબદારી સોંપવામાં પણ જોખમ...’ ઘનશ્યામદાસને યાદ આવ્યું, ‘એક પ્રૉપર્ટી પર કબજો જમાવીને બેઠેલા લોકોને ખાલી કરાવવા માટે તે ગુંડાને લઈ ગયો હતો. પેલા ગુંડાએ કબજેદારની સતત કચકચથી અકળાઈને તેના પેટમાં ચાકુ મારી દીધું હતું... એ કેસમાં બન્ટી અને મારું નામ બચાવવામાં બીજા ૫૦ લાખ ઘૂસી ગયા હતા..’
આ જ કારણસર ઘનશ્યામદાસ તેને પૈસા આપવાની બાબતમાં બહુ કડક થઈ ગયા હતા. બન્ટીએ બહુ ધમપછાડા કર્યા હતા. બે દિવસ ખાવાનું પણ નહોતું ખાધું... છતાં ઘનશ્યામદાસનું રૂંવાડું પણ ફરક્યું નહોતું.
પણ આમ અચાનક તેનું અપહરણ થઈ જશે એવું તો...
અચાનક તેમનો મોબાઇલ રણકી ઊઠ્યો. ઘનશ્યામદાસ ઝબકી ગયા. વિચારોમાં ને વિચારોમાં પોતે ભૂલી જ ગયા હતા કે તેમણે ખરેખર તો વિચાર કરવાનો સમય મળે એટલા માટે પાંચ મિનિટ માગી હતી, પણ... તેમણે ફોન ઉપાડ્યો, ‘હલો?’
‘ક્યૂં બે મારફતિયા?’ સામેથી અત્યંત તોછડો અવાજ આવ્યો, ‘બહુત પૈસા બના રહા હૈ? ક્યા કર રહા થા પાંચ મિનિટ તક? દો-ચાર સૌદા નિપટાયા ક્યા?’
‘મારી વાત છોડો, તમારી વાત કરો.’ ઘનશ્યામદાસે ટૂંકો જવાબ આપ્યો. ‘કેટલા રૂપિયા જોઈએ છે?’
‘૫૦ લાખ...’
ઘનશ્યામદાસના ચહેરા પર આછું સ્મિત આવ્યું. તેમનો અંદાજ સાચો નીકળ્યો હતો. તેમણે તરત જ કહ્યું, ‘મિલ જાએગા.’
‘કબ?’
‘થોડા ટાઇમ લગેગા.’
‘કિતના?’
‘યે કુછ... ૧૫ દિન હોગા.’ ઘનશ્યામદાસે કહ્યું.
‘એય... શાણે!’ સામેથી પેલો તાડૂક્યો. ‘પંદરા દિન તક હમ તેરે બેટે કો સંભાલ નહીં સકતા. જલ્દી કર શાણે, જલ્દી કર.’
‘જલ્દી તો થાય એવું નથી, તમે જરા સમજો.’ ઘનશ્યામદાસે હવે ભાવતાલ શરૂ કર્યા. ‘મારી પાસે બહુ પૈસા છે એ વાત સાચી; પણ યાર, બધા પૈસા ધંધામાં ફરતા હોય. આમ અચાનક ૫૦ લાખ કાઢવા મુશ્કેલ છે.’
‘મુશ્કિલ-બુશ્કિલ કુછ નહીં. તૂ કુછ ભી કર.’ સામેથી તોછડો અવાજ આવ્યો, ‘અપના ગાડી બેચ ડાલ, બંગલા બેચ ડાલ... તેરે પાસ વો... શૅર હોગા ના? બડી-બડી કંપની કા? વો બેચ ડાલ ના?’
‘યાર, તમે સમજતા કેમ નથી? કાર કંઈ રાતોરાત થોડી વેચાઈ જાય? ખરીદનાર એની ટ્રાયલ લે, એનાં પેપર્સ ચેક કરે... નામ ટ્રાન્સફર કરાવવું પડે...’
‘અબે સાલે...’
‘અને બંગલો વેચતાં તો મારા ભાઈ પંદર દહાડા પણ લાગી જાય અને મહિનો પણ લાગી જાય! આ કંઈ ચણા-મમરા થોડા છે કે વેચીને હાથ ખંખેરતાં ચાલવા માંડીએ? પ્રૉપર્ટી છે ભાઈ પ્રૉપર્ટી... એમાં પણ નામ ટ્રાન્સફરની આખી પ્રોસીજર છે... સ્ટૅમ્પ-ડ્યુટી લાગે છે, દલાલને કમિશન આપવું પડે... કેટલા બધા પૈસા વાઇટમાં થાય... એ બધા રૂપિયા પછી મારે હિસાબમાં દેખાડવાના ક્યાં?’
ઘનશ્યામદાસ જાણતા હતા કે સામેવાળો હવે ઊંચોનીચો થઈ રહ્યો હશે! છતાં તેમણે વાતને ખેંચ્યે રાખી:
‘તમે તો જાણો છો કે મારી વાઇફ ગુજરી ગઈ છે એટલે ઘરમાં કોઈ સોના-ચાંદીનાં ઘરેણાં પણ નથી અને મને તો એવો કોઈ શોખ પણ નથી. બસ, એક વીંટી પહેરેલી છે અને એક સોનાની ચેઇન છે, એ પણ દસ તોલાની...’
‘અબેએએ...’ પેલાએ દાંત કચકચાવ્યા.
‘જુઓ ભાઈ...’ ઘનશ્યામદાસે કહ્યું, ‘હું કંઈ શૅરબજા૨માં સટ્ટો નથી કરતો. નાનો-મોટો કમિશન એજન્ટ છું. માલના સોદા થાય એમાંથી બે-પાંચ ટકા કમિશન મળી જાય છે. અને તમે તો જાણો જ છો કે ધંધામાં આજકાલ કેટલી મંદી ચાલે છે... ઉપરથી...’
‘એ...ય!’ સામેવાળો બરાડ્યો, ‘યે તેરે ધંધેવાલી બાત અપને પાસ રખ! મેરે કો બોર મત કર! અબી ફટાફટ બોલ પચાસ પેટી કબ દેતા હૈ?’
‘કહ્યુંને યાર? પંદર દિવસ તો લાગી જ જાય.’ ઘનશ્યામદાસે પેલાને ફરી બોર કરવા માંડ્યો. ‘જુઓને, કાલે મારો બહારગામનો સવા લાખનો એક ચેક ડ્યુ છે અને ૫૨મ દિવસે પંચોતેર હજારનું એક પેમેન્ટ આવે એમ છે. ચાર દિવસ પછી મારી બૅન્કમાંથી દોઢ લાખની એક એફડી મૅચ્યોર થાય છે. એટલે જુઓને, કેટલા થયા? સવા અને પંચોતેર અને દોઢ...’
‘એ...!’ પેલો બરાડી ઊઠ્યો, ‘મેરે કો મૅથ્સ નંઈ સીખનેકા સમઝા? અભી રોકડે કા બંદોબસ્ત કિતની જલ્દી કર સકતા હૈ વો બોલ...’
ઘનશ્યામદાસે જોયું કે હવે લોઢું બરાબર ગરમ છે એટલે લાગ જોઈને ચોટ મારી, ‘જુઓ, પાંચ દિવસ પછી પાંચ લાખની વ્યવસ્થા થઈ જશે. બોલો ચાલશે?’
બે ક્ષણ માટે સામેના છેડે શાંતિ છવાઈ ગઈ. ઘનશ્યામદાસને લાગ્યું કે સામેના રિસીવર ૫૨ હાથ મુકાઈ ગયો હશે. થોડી વારે અવાજ આવ્યો, ‘ચલેગા.’
ઘનશ્યામદાસ મનોમન ખુશ થઈ ગયા. પચાસ લાખ પરથી બેટાને સીધો પાંચ લાખ પર લાવી દીધો! તેમણે પૂછ્યું, ‘હવે બોલો, ડિલિવરી ક્યાં લેશો અને કેવી રીતે?’
(ક્રમશઃ)

