અતુલ્યને છેવાડાનું ઉપરનું ઘર મળ્યું હતું. નીચે ફિઝિક્સનાં પ્રોફેસર વિભાદેવી રહેતાં. ચાલીસેક વરસનાં વિભાદેવી જાજરમાન હતાં, પરણ્યાં નહોતાં અને સંસારમાં એકલાં હતાં.
ઇલસ્ટ્રેશન
દિલ દીવાના...
કૅસેટમાં ગુંજતા લતાના ચિરંજીવ કંઠે તેની આંખોમાં ઊર્મિઓ અંજાઈ. નજર બારીની બહાર જતાં ચંદ્ર દીઠો. આજે નહોતી પૂનમ, નહોતી બીજ તોય ચાંદો કેવો સોહામણો લાગ્યો... જાણે ઘૂંઘટમાંથી અડધુંપડધું ડોકાતું પ્રિયતમાનું મુખ!
ADVERTISEMENT
ભીતર કશોક સળવળાટ થતો હોય એમ તેણે પેન ઉઠાવી અને ડાયરીના કાગળ પર ઊર્મિનો ઉતારો આપમેળે થતો રહ્યો:
જાણે કેમ આજકાલ આવું થતું જાય છે
જોઉં છું ચાંદ ને તું સાંભરી જાય છે...
આ શબ્દો ‘તેને’ કહ્યા હોય તો!
પોતાના વિચારે હળવું સ્મિત પ્રસરી ગયું અતુલ્યના ચહેરા પર.
આમ જુઓ તો ક્યાં પોતે રસાયણશાસ્ત્રનો અધ્યાપક અને ક્યાં શેર-શાયરીની દુનિયા!
ઘડીભર પેન બાજુએ મૂકીને અતુલ્ય વાગોળી રહ્યો:
સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં ઊછરેલો અતુલ્ય માબાપનો એકનો એક એટલે લાડની અછત ક્યારેય વર્તાઈ નહોતી. પિતા દિવાકરભાઈ ગામની સ્કૂલમાં ભાષાના શિક્ષક, નીતિમત્તાના આગ્રહી, શિસ્તપાલનમાં ચુસ્ત. પરિણામે આ ગુણો અતુલ્યના ઘડતરમાં આપોઆપ વણાતા ગયા. રવિવારની સવારે પિતા સાથે તાલુકાની મોટી લાઇબ્રેરીમાં જવાનું. પાછા ફરી, જમી-પરવારી દિવાકરભાઈ સાહિત્યનું પુસ્તક લઈને આંગણાના હીંચકે આડા પડે અને અતુલ્ય તેમના પડખે ભરાઈને મિયાં ફુસકી કે છકોમકોની બાળવાર્તા વાંચતો હોય!
‘મારું તો આ જ સુખ...’ મા મંગળાબહેન પતિ-પુત્રનાં ઓવારણાં લે.
અતુલ્યને વિજ્ઞાનમાં પણ એટલો જ રસ એટલે રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટ કરવા સાથે સાહિત્ય તો સમાંતરે સતત સાથે રહ્યું જ... વાંચનમાંથી પોતે ક્યારે કલમ ઉપાડીને લખતો થઈ ગયો એની તો તેને પણ ગત ન રહી. ખાસ તો તેને કાવ્યરચના ગમતી. રાજકોટની સાયન્સ કૉલેજમાં ભણતો ત્યારે વાર્ષિકોત્સવમાં કવિતાપઠન પણ કરતો અને તેની પ્રસ્તુતિને દાદ પણ બહુ મળતી. કૉલેજના ફંક્શનમાં અતુલ્યની ‘આઇટમ’ હોય જ એવો ધારો થઈ ગયો.
આમાં આગળનો મુકામ ત્રીજા વરસે આવ્યો.
આર્ટ્સના પ્રોફેસરસાહેબે તેને ઑફિસમાં તેડાવીને દિશા ચીંધી હતી : આવતા મહિને આપણા શહેરમાં કવિ સંમેલન છે. આયોજકો મારા ઓળખીતા છે. તું કહેતો હોય તો તેમને ભલામણ કરીને કૃતિ રજૂકર્તા તરીકે તારું નામ નોંધાવી દઉં?
અતુલ્ય સ્તબ્ધ બનેલો. કાવ્યસર્જન પોતે નિજાનંદ માટે કરતો. કૉલેજના ફંક્શનમાં કાવ્યપઠન કરી લઉં એ અલગ વાત છે. એમાં આ મુશાયરામાં તો મુંબઈથી લોકપ્રિય ગણાતા કવિઓ આવવાના છે. તેમની હાજરીમાં કલા દેખાડવાનો અવસર મળે છે એ વધાવી જ લેવાનો હોયને!
અલબત્ત, શોના જાણીતા સંચાલકથી માંડીને શાયરો સુધીમાં કોઈએ શરૂમાં તો અતુલ્યને ગણકાર્યો નહોતો. નીવડેલા કવિઓ વચ્ચે આવા લાગવગિયા ઘૂસી જતા હોય તેમને જુદાં કારણોસર સાચવી લેવા પડે એટલી જ ગણતરીએ સંચાલકે સાવ છેલ્લે અતુલ્યને રજૂ કર્યો ત્યારે મહાનુભાવો ગાદીતકિયા પરથી ઊઠવાની તૈયારી કરતા હતા અને...
શું વીત્યું હશે આ આભ પર,
શીદ એ ચોધાર રડતું હશે?
મારા હૈયાની માફક કો’ દર્દ
એને પણ કનડતું હશે!
આત્મવિશ્વાસભેર ઊભો અત્યંત સોહામણો જુવાન ભાવના આરોહ-અવરોહ સાથે પોતાનું પઠન શરૂ કરે છે કે ઊઠનારા બેસી ગયા.
અતુલ્યની રજૂઆતને સૌથી વધુ
દાદ મળી.
તાળીઓનું એવું છે કે એ બીજાના માટે પડે ત્યારે વધુ વાગે છે. અમારી હાજરીમાં સાવ નવો નિશાળિયો તારીફ ઉસરડી જાય એ અંદરખાને ઘણા કવિઓને નહીં ગમ્યું હોય. એમાં આધેડ વયના સુબોધ શાહ જેવા મુશાયરાના ‘ક્રાઉડપુલર’ ગણાતા કવિએ અતુલ્યને કંઈક એ જ મતલબની શીખ આપી : આ બધું તો ફરમાઇશિયું ટાઇપ ગણાય, તારે કાવ્યસાગરમાં હજી ઘણા ઊંડા ઊતરવાની જરૂર છે, સમંદરમાંથી મોતી એમ નથી મળતાં!
એક મુશાયરાની વાહવાહીથી પોતે મરીઝ કે બેફામની હરોળમાં નથી બેસી જતો એ સમજ અતુલ્યમાં હોય જ અને તેને તો આમ પણ ક્યાં પ્રોફેશનલ રાઇટર થવું હતું? છતાં સુબોધ શાહ જેવા ધુરંધરની સલાહ અતુલ્યએ તો સાચા અર્થમાં જ લીધી.
હવે તે કાચા લખાણ પર મનન
કરતો, એને મઠારતો, વ્યાકરણ અને માત્રામેળમાં ચોક્કસ રહેતો. ફરી ક્યારેય મુશાયરામાં ભાગ લેવાનું ન બન્યું, પણ અતુલ્યએ PhDની થિસિસ પબ્લિશ કરી ત્યારે તેની પાસે કવિતાની ડાયરીના ૪ વૉલ્યુમ રેડી હતા!
બે વરસ અગાઉ છવ્વીસની વયે PhD થઈને અતુલ્ય સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની વિજ્ઞાન કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયો.
સુરત શહેરથી દૂર આવેલું યુનિવર્સિટીનું ગ્રીન કૅમ્પસ એકરોમાં ફેલાયું હતું. આર્ટ્સ, કૉમર્સ, સાયન્સની ત્રણ મુખ્ય સ્ટ્રીમ ઉપરાંત અન્ય કોર્સની કૉલેજો, દરેકની અલાયદી લાઇબ્રેરી, ઍડ્મિન બિલ્ડિંગ અને ખુલ્લાં મેદાનો. બહુ જલદી તે નવા પરિસરમાં ગોઠવાઈ ગયો, સ્ટુડન્ટ્સનો ફેવરિટ બની ગયો. ગર્લ્સમાં એવું પણ ચર્ચાતું કે કેમિસ્ટ્રીમાં વળી શું દાટ્યું છે, પણ એનો પ્રોફેસર એટલો હૅન્ડસમ છે કે હું તો તેને જોવા જ ક્લાસ અટેન્ડ કરતી હોઉં છું! પાછો તે શાયર પણ છે, બોલો!
પરિણામે વિદ્યાર્થિનીઓ સાથે અતુલ્ય સભાનતાથી વર્તતો.
વીક-ડેઝમાં ધમધમતું કૅમ્પસ સાંજ ઢળે કે પછી રજાના દિવસે સાવ સૂનું લાગતું. યુનિવર્સિટીને અડીને, સહેજ અંતરિયાળ આવેલાં સ્ટાફ-ક્વૉર્ટર્સમાં અતુલ્યને ઘર મળ્યું હતું અને તેને તો એવી શાંતિ ગમતી.
‘તમને પણ એકલતા ગમતી લાગે છે.’
યુનિવર્સિટીના કૅમ્પસને અડીને આવેલાં સ્ટાફ-ક્વૉર્ટર્સ રળિયામણાં હતાં. જૂની ઢબનાં માથે નળિયાંવાળાં એક માળના સામસામા આવેલાં હારબંધ મકાનોમાં યુનિવર્સિટીની કમિટીના નિયમ પ્રમાણે ઉપર-નીચે એમ બે જણ વચ્ચે એક મકાન અલૉટ થતું. ઉપલા માળની સીડી આંગણામાંથી જ જતી એટલે ઉપર-નીચે રહેનારાને સ્વતંત્ર વસવાટ જેવું જ થઈ રહેતું. જૂનું મકાન મેઇન્ટેનન્સ માગતું એટલે રહેનારા ઓછા અને એમાંથીયે રજામાં તો ભાગ્યે જ કોઈ રોકાતું હોય.
અતુલ્યને છેવાડાનું ઉપરનું ઘર મળ્યું હતું. નીચે ફિઝિક્સનાં પ્રોફેસર વિભાદેવી રહેતાં. ચાલીસેક વરસનાં વિભાદેવી જાજરમાન હતાં, પરણ્યાં નહોતાં અને સંસારમાં એકલાં હતાં.
શરૂ-શરૂમાં અતુલ્યને લાગ્યું કે મૅડમ બહુ ઈગોવાળાં હોવાં જોઈએ. બોલવાનું તો દૂર, આવતાં-જતાં હાય-હલો પણ નહીં! તે ભલા, તેમનો આંગણાનો હીંચકો ભલો, ફૂલોના ક્યારા ભલા અને ગ્રામોફોન પર લતાનાં ગીતો કે પછી હાથમાં પુસ્તકો ભલાં. કૉલેજમાં પણ તેમની છાપ ધીરગંભીરની હતી. કોઈ-કોઈ તો તેમને અતડાં ને અભિમાની પણ ગણાવી દેતું.
હોય, જેવી જેની ફિતરત. એવું પણ બને કે ઘરમાં જુવાન પુરુષ રહેવા આવ્યો એ તેમને ગમ્યું ન હોય... આખરે ચાલીસની તેમની વય તેમને લોકનજરથી અળગાં રાખે એવીયે નથી. એનો ભાર પણ હોય, કોણે જાણ્યું!
રોકાણના બીજા મહિને અતુલ્યના સઘળા ભ્રમ ભાંગી ગયા.
બુધની એ સવારે અતુલ્ય કૉલેજ જવા સીડી ઊતરતો હતો કે છીંક આવી.
‘ગૉડ બ્લેસ યુ.’ તરત જ કોઈ બોલ્યું.
જોયું તો કઠેડા આગળ ઊભાં વિભાદેવી! અતુલ્ય અટક્યો, તેમને નિહાળ્યાં : થૅન્ક્સ.
સામે હસવું, બોલવું કે જતા રહેવું એ નક્કી ન થઈ શકતું હોય એમ વિભાદેવી અનિર્ણીત દશામાં ઊભાં રહ્યાં.
કોઈ છીંક ખાય ને આપણે ગૉડ બ્લેસ યુ બોલી ઊઠીએ એવી સ્વાભાવિક પ્રતિક્રિયામાં આટલું શું વિચારવાનું! અતુલ્યને સમજાયું નહીં, છતાં વિભાદેવી હજી કૉલેજ જવા તૈયાર નહોતાં થયાં એ જોઈને પૂછી બેઠો : તમારે આજે લેક્ચર નથી?
ત્યારે તે થોડાં સ્વસ્થ થયાં, ‘બપોરે છે. કલાકેક પછી જઈશ.’
કહીને પાછાં વળતાં તે અટક્યાં, ‘તમને ફાવી ગયુંને? મારી કંઈ મદદ જોઈતી હોય તો કહેજો. આઇ ઍમ સૉરી, આટલા દિવસે પૂછું છું; પણ શું છે કે હું મારા વિશ્વમાં જ ગૂંથાયેલી હોઉં છું.’ ફિક્કું હસીને તેમણે ઉમેર્યું, ‘બાકી કૉલેજમાં તમારાં ઘણાં વખાણ થાય છે – છોકરીઓમાં ખાસ.’
અતુલ્ય સહેજ શરમાયો.
વિભાદેવીએ પણ તરત વિષયાંતર કર્યું, ‘જમવાનું શું કરો છો?’
‘ઉષાઆન્ટીનુ ટિફિન બંધાવ્યું છે.’
યુનિવર્સિટીની નજીકના અપાર્ટમેન્ટમાં રહેતાં ઉષાબહેનની ટિફિન-સર્વિસ હૉસ્ટેલમાં ફેમસ હતી. અતુલ્યને પણ ભાવ્યું એટલે સવાર-સાંજનું ટિફિન બંધાવી દીધેલું. ઉષાબહેનનો માણસ સીડી ચડી ઘરના દરવાજે ટિફિન મૂકી જાય. આ મકાનમાં બહારની વ્યક્તિની આટલી જ એક અવરજવર, એ પણ વિભાદેવીના ધ્યાનમાં નથી? એવું પણ શું પોતાના કોશેટામાં પુરાઈ રહેવાનું!
‘ચા-કૉફી તો જાતે બનાવી લેતા હશો. ક્યારેક એમાં આળસ આવે તો મને કહેજો.’
આટલો સંવાદ બોલચાલની ધરી રચવા પૂરતો હોય એમ પછી તો આવતા-જતા ‘કેમ છો - કેવો રહ્યો દિવસ’ જેવાં બે-ચાર વાક્યોની આપ-લે થતી રહી. પહેલા દિવાળી વેકેશનમાં ગામ જતી વેળા અતુલ્યએ પૂછ્યું : તમે ક્યાંય નથી જવાનાં?
‘ના, મમ્મી-પપ્પાના દેહાંત પછી જૂનાગઢનું ઘર કાઢી નાખ્યું છે... સગાંવહાલાં પંચાતિયાં રહ્યાં એટલે આપણે તો અહીં જ સારાં.’
આમાં કોઈ અફસોસ કે એકલા પડી ગયાની દયાભાવના નહોતી. છતાં દર્દનો આછેરો લસરકો અનુભવાયો, જે કદાચ વિભાદેવીના વ્યક્તિત્વમાં જ વણાઈ ગયો છે.
ગામથી પરત થવાની સાંજે અતુલ્યએ ઉપરથી સાદ પાડ્યો : મૅડમ, કૉફી મળશે?
આની થોડી મિનિટ પછી બેઉ આંગણાની બેઠકે ગોઠવાયાં હતાં. વિભાદેવીએ ધરેલા કૉફીના મગ સામે અતુલ્યએ થેલી ધરી, ‘આ તમારા માટે - દિવાળી ગિફ્ટ.’
જોયું તો લતા મંગેશકરની લૉન્ગ-પ્લે ડિસ્ક!
‘તમે તો ગિફ્ટ પણ એવી લાવ્યા અતુલ્ય કે પાછી ન વળાય. બટ પ્લીઝ, ફરી આવી હરકત ન કરતા.’
વિભાદેવીના સ્વરમાં થોડી રૂક્ષતા લાગતાં અતુલ્ય સહેજ ઝંખવાયો.
‘હું તમને રુડ લાગીશ અતુલ્ય; પણ મારા વિશ્વમાં ભેટસોગાદનો, મેલઝોલનો અવકાશ મેં રાખ્યો નથી.’
કોઈ વ્યક્તિ આટલી હદે કટ-ઑફ કઈ રીતે થઈ શકે? અને શું કામ?
આ સવાલે અતુલ્યને વિચારતો કરી મૂક્યો : પોતાની આસપાસ આવરણ રચી રાખવા પાછળ વિભાદેવીનો ભૂતકાળ કારણભૂત હશે? કોઈ પ્રેમપ્રકરણ... કે પછી માવતરનાં જતાં તેમને દુનિયા અસાર લાગવા માંડી હોય!
કારણ જે હોય એ, વિભાદેવી એનો ફોડ પાડવાના નથી અને મારે તો તેમની પ્રાઇવસીની રિસ્પેક્ટ કરવાની હોય એટલું જ.
આટલા સ્વયં સ્વીકાર પછી વિભાદેવી સાથે ક્યારેક કૉફી પીવાની બને ત્યારે અતુલ્ય સભાનપણે આવરણની મર્યાદા જાળવતો ને પોતાનો કમ્ફર્ટ ઝોન સેફ હોવાનું ફીલ કરતાં વિભાદેવી સહજપણે અતુલ્યને પૂછતાં : તમને પણ એકલતા ગમતી લાગે છે...
‘જેને પોતાની જાત સાથે રહેતાં આવડતું હોય તે આદમી ક્યારેય એકલો હોવાનું મહેસૂસ નથી કરતો...’
‘વાહ, તમે તો લેખક જેવું બોલો છો.’
‘વેલ, મને લખવાનો શોખ છે
– કવિતા.’
‘કેમિસ્ટ્રીના પ્રોફેસર કવિતા લખે છે!’ વિભાદેવીના અચરજમાં આદરભાવ ભળ્યો : ત્યારે તો તમે આર્ટિસ્ટ થયા... જોકે મારા જેવી ફિઝિક્સવાળીને શેરશાયરીમાં બહુ ગતાગમ નહીં પડે...
ખરેખર તો એ શાયરીના બહાને તેમના કોચલામાં તિરાડ ન પડે એ માટેની સાવધાની હતી. અતુલ્યને એનો વાંધો પણ ક્યાં હતો?
ગામથી ક્યારેક મા-બાપ બે દહાડા પૂરતા આવે ત્યારે પણ વિભાદેવી ખપપૂરતું જ બોલે.
મંગળામા આનો દાખલો જુદી રીતે આપતાં : લગનની વયે ન પરણીએ તો આવા અતડા જ રહી જઈએ... મારે તને તો વેળાસર પરણાવી જ દેવો છે, શું સમજ્યો!
લગ્નની વાતે અતુલ્ય મહોરી ઊઠતો. હૈયે મીઠાં સ્પંદન જાગતાં ને કોઈ એક અણદેખી, અજાણી છોકરી શમણામાં કેવું સતાવી જતી!
તેનો ચહેરો અચાનક જ સામે આવી ગયો...
નીમાનો ચહેરો!
અત્યારે પણ એ નામની મધુરતા અતુલ્યના હૈયે પ્રસરી રહી.
- ત્યારે નીચેની રૂમમાં પલંગ પર પોઢેલાં વિભાદેવીએ તકિયા નીચે મૂકેલી તસવીર કાઢીને હૈયે ચાંપી.
પ્રિયતમને છાતીએ ચાંપવાના સુખનો અંત તો દુખમાં જ આવવાનો એ રોજનો ક્રમ વિભાદેવીથી ક્યાં છૂપો હતો!
(ક્રમશ:)

