‘મા બીમાર છે એટલે ટિફિનનાં કામ હું જ જોઉં છું.’ તે જમીન ખોતરતાં બોલી ગઈ, ‘અમારે બીજું છે પણ કોણ! માની બીમારી મોંઘી છે એટલે ટિફિન પહોંચાડવા માણસ રાખવાની સાહેબી પરવડે એમ નથી...’
ઇલસ્ટ્રેશન
ની...મા.
રાત્રિ વેળા ચાંદને નિહાળતાં અત્યારે પણ એ નામની મધુરતા અંતરમાં પ્રસરાવતો અતુલ્ય વાગોળી રહ્યો-
ADVERTISEMENT
‘અરે શામજીભાઈ, ઊભા રહો!’
ચારેક મહિના ગાઉની વાત. રવિવારની એ સવારે દરવાજે ટિફિન મુકાયાનો સંચાર વર્તાતાં અતુલ્ય કિચનમાંથી સાદ નાખતો દોડ્યો. પાછલા થોડા દિવસથી ટિફિન વધુ સ્વાદિષ્ટ બન્યું હતું પણ ક્વૉન્ટિટીનુ સાતત્ય ખોરવાયું હતું, ક્યારેક રોટલી વધુ હોય તો શાક ઓછું. ઉષાબહેન સાથે સીધો સંપર્ક નહોતો એટલે ટિફિન મૂકવા આવતા શામજીને જ પકડવાનો હોય...
પણ આ શું?
દરવાજો ખોલતાં અતુલ્ય આભો બન્યો. ટિફિન મૂકવા શામજી નહીં, કોઈ છોકરી આવી છે!
પીળા રંગના સુતરાઉ ચૂડીદાર પર આભલાવાળી લીલા રંગની ઓઢણી, જમણા ખભે લાંબા કેશનો છાતી પર સવાર થઈ કમર સુધી પહોંચતો ઢીલો ચોટલો, કાનમાં નાનાં લટકણિયાં, ગોરા મુખની કાજળઘેરી આંખો... સાવ સાદી સજાવટમાં પણ અપ્સરાનેય ઝાંખી પાડી દે એવી આ કન્યા!
‘શામજી હવે નહીં આવે.’
તેના રણકારે અતુલ્ય જાગ્રત બન્યો. પેલીને ઓઢણી સરખી કરતી જોઈ જાત સાથે ઝઘડવાનું મન થયું : ભોટની જેમ તેને તાકી રહેવાની શી જરૂર હતી?
‘મા બીમાર છે એટલે ટિફિનનાં કામ હું જ જોઉં છું.’ તે જમીન ખોતરતાં બોલી ગઈ, ‘અમારે બીજું છે પણ કોણ! માની બીમારી મોંઘી છે એટલે ટિફિન પહોંચાડવા માણસ રાખવાની સાહેબી પરવડે એમ નથી...’
અતુલ્ય સમજી ગયો: વિધવામાની એકની એક દીકરી તરીકે આણે બધો ભાર ઉપાડી લીધો છે.
‘તમને ટિફિનની તો કોઈ ફરિયાદ નથીને?’
‘ના રે. બલકે ઉષાઆન્ટીને કહેવડાવવું હતું કે થોડા દિવસથી ખાણું વધુ ટેસ્ટી લાગે છે.’
‘ઓ..હ!’ તે રિલૅક્સ થઈ, દુપટ્ટાથી ચહેરાનો પસીનો લૂછતી મલકી, ‘આજે ફરસાણમાં કચોરી બનાવી છે. હોપ, મમ્મી જેવી બની હોય.’
‘આયૅમ શ્યૉર ફૉર ધૅટ!’ અતુલ્ય મલક્યો. તેના તરફ આભારની નજર નાખી તેણે પીઠ ફેરવી, ચાર પગથિયાં ઊતરી કે અતુલ્યથી ન રહેવાયું : તમારું નામ તો કહેતા જાઓ...
તે અટકી, ઊલટી ફરી, આ વખતે નજર સીધી અતુલ્ય સાથે ટકરાઈ. ના, તેની પૂછપરછ સહજ છે, તેની પારદર્શક કીકીમાં બદઇરાદો નથી.
નજર સહેજ વાળી ચોટલાની લટ રમાડતાં તે બોલી ગઈ : નીમા.
પછી તો દર સાંજે અતુલ્ય ઝરૂખે ઊભો રહી જાણે નીમાની વાટ જોતો હોય. તેની સ્કુટી આંગણે અટકે કે આંખોમાં ચમક આવી જાય. ટિફિન લેતી નીમા પણ ઉપર જોઈ આછું મલકે ને સ્મિતની આપ-લે નીચે આંગણાના હીંચકે ઝૂલતાં વિભાદેવી ઘડીક ઉપર ડોક ઉઠાવી ઘડીક નીમાને નિહાળી ઝીલતાં હોય છે એની જુવાન હૈયાંને સૂધ ક્યાં હતી?
‘તારાં મધરને કેવું છે?’
‘એવું જ. સુરતના બેસ્ટ ડૉક્ટરની દવા ચાલુ છે. જોઈએ!’ તે સામું પૂછતી : સવારની સબ્જી ભાવી’તી?
ધીરે-ધીરે તેમના સંવાદો કૉલેજના કામથી પાકકલાના અખતરાના વિષયોથી ફંટાતાં હૈયાના અંગત ખૂણાને સ્પર્શતા થયા, કોરી હૃદયપાટી પર આત્મીયતા ઘૂંટાવા લાગી. અતુલ્ય કવિ પણ છે જાણી નીમાને નવાઈ પણ લાગેલી: જાઓ હવે, રસાયણશાસ્ત્રના પ્રોફેસરને ભાષા સાથે શું લાગેવળગે!
જવાબમાં અતુલ્યએ તેની ડાયરી ધરી દીધેલી: વાંચીને કહેજે, કેવું લખું છું!
નીમાએ મલકીને ઇનકાર જતાવ્યો: મારે તમારી કવિતા વાંચવી નથી, સાંભળવી છે – તમારા મોંએ. કહેશોને?
અતુલ્યને તો ઇનકાર હોય જ કેમ?
પછી તો બેઉ ઝરૂખે સામસામી ખુરશીમાં ગોઠવાય ને અતુલ્યની કલમ ઊઘડતી જાય. પાંચ-પંદર મિનિટની મુલાકાત ક્યારેક અડધો-પોણો કલાકની બેઠકમાં ફેરવાઈ જાય:
તારા સહવાસની જ આ અસર છે,
કે મન મારું તરબતર છે;
હૈયે એવો ટહુકે છે મોર જાણે
વધામણાંના કોઈ ખુશખબર છે!
ખુશીના કયા ખબર છે એ બેઉને સમજાતું હોય એમ મુગ્ધતા છવાતી.
‘તમે ખરેખર બહુ સરસ લખો છો...’
એક સાંજે નીચેથી વિભાદેવીનો સાદ આવતાં બેઉને ભાન થયું કે ત્યારે તો અમારા મેળ પર પણ તેમની નજર હોવી જોઈએ!
બેઉ સહેજ સંકોચાયાં.
‘નીમા, તારાં મધરને શું તકલીફ છે?’ વિભાદેવીએ સહજતા દાખવી એથી સંકોચ ઓસર્યો. પછી તો ક્યારેક નીમા તેમની સાથે હીંચકે બેસતી. ક્યારેક પોતે પણ ગોઠવાઈ જતો.
‘હું તને ચાહવા લાગ્યો છું નીમા, તું પણ મને ચાહે છેને?’
આમ તો આટલું કહેવા-પૂછવાનું જ રહે છે હવે. રોજ ઇરાદો ઘૂંટું ને રોજ જીભ નથી ઊપડતી. કદાચ પહેલી પ્રીતમાં કબૂલાતનો મૂંઝારો રહેતો જ હશે અને એને માણવાની પણ મઝા જ છેને!
બોલ નીમા, તું પણ એ જ અવસ્થા માણી રહી છેને?
અને નીમાનો જવાબ જાણતો હોય એમ અતુલ્યની આંખો મીઠા સમણાથી ઘેરાવા માંડી.
lll
‘મા, હું નીકળું.’
દીકરીને ટિફિનના થેલા લઈ નીકળતી જોઈ ઉષાબહેનથી નિશ્વાસ નખાઈ ગયો: જાણે મને સુખ સદતું કેમ નહીં હોય! પિયરમાં સાંકડમાંકડ રહી, સાસરે આ ભાડાના ઘરમાં સુખનો અનુભવ ઘૂંટાય એ પહેલાં ખોળામાં દીકરી રમતી મૂકી પતિ સ્વર્ગે સિધાવ્યા. પછી કંઈ ઓછો સંઘર્ષ રહ્યો? એ તો નીમા દસમામાં આવી ત્યારથી વળી ટિફિન સર્વિસનો ચાન્સ મળતાં બે પૈસા બચવા માંડ્યા, ‘ઉષાઆન્ટીની ટિફિન સર્વિસ’ જામી ગઈ. BA થયેલી દીકરીને સારા ઠેકાણે સારી રીતે પરણાવાની ઉમ્મીદ હતી ત્યાં દુખે એનું રામબાણ ચલાવ્યું. મને એવી મલ્ટિપલ બીમારી આપી કે ન હું કામ કરી શકું ને સારવાર એટલી મોંઘી કે... રે રામ!
જોકે મારી નીમા હોશિયાર. આજકાલ કરતાં ચાર-છ માસથી કરિયાણાથી માંડી ડિલિવરી સુધીનાં કામ જાતે સંભાળી લીધાં. એમ તો તે ખબરદાર પણ ખરી, તોય શામજી કહેતો એમ PGના બેચાર છોકરા માથાભારે છે, એવાની દાનત ટિફિન આપવા જતી નીમા પર બગડે નહીંને એનો ફડકો રહે છે. સર્જનહારે નીમાને રૂપની દોલત દેવામાં ક્યાં કંજૂસાઈ કરી છે!
મને સાજી કરી મારી નીમાને યોગ્ય મુરતિયો મળી રહે કે તેના હાથ પીળા કરી દઉં એટલી મહેર કરજો, દીનાનાથ!
મનોમન પ્રાર્થના કરતાં ઉષાબહેનના હોઠ જરાતરા મલકી ગયા:
ત્રણેક મહિના અગાઉ રવિવારની સવારે રસોડામાંથી જુદી સુવાસ આવતાં પોતે નીમાને સાદ પાડેલો: તેં કંદ તળવા મૂક્યું કે શું!
રવિવારે ટિફિનમાં એક ફરસાણ રહેતું, એ હિસાબે નીમાએ પાતરાં તો બનાવ્યાં...
‘હા, મા. થોડી કંદની પૅટીસ કરું છું.... અતુલ્યને, અતુલ્ય સાહેબને પાતરાં નથી ભાવતાં.’
લો, એમ બધાને ભાવતું ને ફાવતું અલગ-અલગ બનાવવા જાઓ તો-તો થઈ રહ્યું!
પણ અતુલ્ય ક્યાં ‘બધા’માં આવે એમ છે? એ એક જ વ્યક્તિ એવી છે જેના વિશે નીમા ઘણી વાર વાતો કરતી હોય છે: શિક્ષક પિતાના ગુણ તેનામાં છે, વાંચનના રસિયા છે, કવિતા લખે છે...
નીમાની વાત પરથી તો છોકરો ડાહ્યો, ઉર્મિશીલ જણાય છે ને કુંવારોય છે. નીમાને તે પસંદ છે એટલું મા તરીકે મને તો પરખાય છે. એકાદબે વાર પોતે તેને ઘરે તેડાવવાનું કહ્યું તો નીમા ટાળી ગઈ. શા માટે તે વાત આગળ કેમ વધારવા નહીં માગતી હોય?
અને ઉષાબહેનને આ પળે ઝબકારો થયો: નીમા ક્યાંક મારું વિચારીને તો પાછી નહીં પડતી હોયને! હું પરણી જાઉં પછી માની સંભાળ લેનારું કોણ? હે ભગવાન. હા, મારી લાડો આ જ વિચારે હૈયાને તાળાબંધી મારી દેતી હશે...
નહીં, મારે મારી દીકરીના સુખમાં આડે આવે એવું આયખું નથી જોઈતું... ઓ મારા પ્રભુ, ભલો થઈ મને ઉપાડી મારી દીકરીનો ભવ સુધારી દે!
તેમની આંખો વરસી પડી.
lll
માય લવ!
રોજની જેમ વિભાદેવીએ તકિયા નીચેથી તસવીર કાઢી છાતીસરસી ચાંપી.
ને રોજની જેમ મન દૂરના ભૂતકાળની ગલીઓમાં પહોંચી ગયું.
આ રહ્યું સૌરાષ્ટ્રની યુનિવર્સિટીનુ કૉલેજ કૅમ્પસ... સાંજનો સમય. ચોપાસ નીરવતા અને ઘટાદાર વૃક્ષની ઓથમાં પ્રણયમગ્ન હું અને તન્મય...
ફિઝિક્સનો તે જીનિયસ. મારાથી પાંચ વર્ષ મોટો, ખરેખર તો ભાભાના ઍટમિક રિસર્ચ સાથે સંકળાયેલો તે હોમટાઉનની કૉલેજમાં ભણ્યાનું ઋણ ફેડવા મુંબઈથી ખાસ મહિને એક વાર લેક્ચર આપવા આવતો, હું ત્યારે માસ્ટર્સ કરી કૉલેજમાં સહાયક તરીકે નવી-નવી જોડાઈ હતી અને PhD માટે ટ્રાય કરતી હતી.
સ્ટાફ રૂમમાં તન્મયને પહેલી વાર મળવાનું થયું ને હૈયે જાણે મીઠાં અજાણ્યાં સ્પંદનો વાંસની જેમ ફૂટી નીકળ્યાં. દેખાવમાં તો તે આકર્ષક હતા જ, તેમની બુદ્ધિમત્તા વધુ પ્રભાવિત કરનારી હતી. અને તોય કેટલા સરળ, સહજ!
મારા સદનસીબે તેમનેય મારો નેડો લાગ્યો ને પૂરબહાર પ્રણય પાંગર્યો. માતાપિતાના દેહાંત બાદ સંસારમાં એ એકલા હતા. યુનિવર્સિટીના મારા ક્વૉર્ટરમાં કે મુંબઈના તેમના સ્ટાફ ક્વૉર્ટરમાં બહેકી જવાની અમને પૂરી સવલત હતી, પણ એમ ડગે તો એ મેરુ શાનો!
મારા માવતરને પણ તે પસંદ હતા, તેમની ઇચ્છા અમને વહેલી તકે પરણાવી દેવાની. તન્મય તો રાજી હોય જ, પણ હું ટાળી જતી: મારે પહેલાં PhD કરવું છે...
એ સમયે ડૉક્ટરેટનું ઍડ્મિશન જે-તે વિષયના નિષ્ણાત પ્રોફેસર ગાઇડ તરીકે સિલેક્ટ થયા હોય તેમની મહેરબાનીથી જ થતું અને દરેક ગાઇડ નિર્ધારિત સંખ્યાથી વધુ સ્ટુડન્ટ રાખી ન શકે એવો નિયમ હતો. અમારી કૉલેજના ગાઇડ્સ ઑક્યુપાઇડ હતા એટલે તન્મયની ભલામણ છતાં મારો નંબર ત્યાં લાગે એમ નહોતો. એ લોકો ફ્રી થાય એ માટે ચાર-પાંચ વર્ષ રાહ જોવાને બદલે હું અન્ય યુનિવર્સિટીના ગાઇડ સાથે મેળ પાડવા મથતી હતી, પણ પોકળ વાયદા સિવાય વાત આગળ વધતી નથી...
‘ક્યાંથી વધે? તને તારો સ્વભાવ નડે છે. કમનસીબે આપણે ત્યાં ગાઇડ વિદ્યાર્થીના IQ કરતાં તે ગૅસનો બાટલો લાવી આપશે કે નહીં, મૅડમને આદું-મરચાં આણવામાં કેવો રહેશે એની મેરિટને ગણતરીમાં લેતા હોય છે! આપસાહેબા એવું કરવાથી રહ્યાં અને વળી મારો રેફરન્સ આપો એટલે તને આવાં કામ ચીંધાશે નહીં એમ માની તને ટાળી દેતા હોય છે. ઇટ્સ ધૅટ સિમ્પલ!’
‘હાઉ મીન!’ હું તન્મયને નિહાળતી, ‘એટલે તમે પણ ગાઇડને ત્યાં ગૅસનો બાટલો આપવા જતા?’
‘નૉટ ગૅસનો બાટલો...’ તન્મય ભેદભર્યું હસેલા, ‘સરને છાંટાપાણીની ટેવ હતી એટલે મહિને બે વાર એનો બંદોબસ્ત કરવો પડતો.’
‘ડોન્ટ ટેલ મી! પણ ગુજરાતમાં તો દારૂબંધી છે. એટલે તમે PhD થવા ગેરકાનૂની કામ કરેલું?’
અલબત્ત, ગુજરાતની દારૂબંધીની પોકળતા હું જાણતી, છતાં તન્મયને ટીઝ કરવા પૂછતી.
‘એવરીથિંગ ઇઝ ફેર ઇન ગેટિંગ PhD ગાઇડ!’ આંખ મિંચકારતા તન્મય એવા નટખટ લાગતા કે હું તેમને આવેશમાં ભીંસી દેતી: એમ? તો પછી એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ કહી હું તમને...
અને મારી પહેલે તે કેવા શરમાઈ જતા, ગભરાઈ જતા! પરાણે મારાથી છૂટા થઈ ઠપકાની ઢબે કહેતા: યુ આર ઇમ્પૉસિબલ! બટ હેય, હવે મારાથી વધુ રાહ નહીં જોવાય... તારી પાસે છ મહિના છે. ત્યાં સુધીમાં ગાઇડનો મેળ પડે તો ઠીક, અધરવાઇઝ આપણે પરણી જવાનાં... PhD તો પછીયે ક્યાં નથી થતું!
બેશક, તન્મયમાં પત્નીને ઉડાનનો અવકાશ આપવાની સમજદારી હોય જ, પણ લગ્ન પછી તન્મયમય બની હું મારું PhDનું ડ્રીમ ભૂલી જાઉં એ શક્યતા વધુ હતી.
એટલે પછી જે બન્યુ એમાં હું PhDનું ડ્રીમ તો જાળવી શકી, પણ તન્મયને હંમેશ માટે ગુમાવી બેઠી!
વિચારમેળો સમેટતાં વિભાદેવીએ ભીનો નિશ્વાસ નાખ્યો અને રોજની જેમ તન્મયની તસવીર પર અશ્રુનો અભિષેક થતો રહ્યો.
(ક્રમશ:)

