PG તરીકે રહેતો ભાવિન બડે બાપ કી બિગડી ઓલાદ જેવો છે. તેના પિતા રૂલિંગ પાર્ટીના વહીવટમાં ઊંચી પોસ્ટ પર છે, દક્ષિણ ગુજરાતના રાજકારણમાં મોટું માથું ગણાય છે
ઇલસ્ટ્રેશન
માયેની માયે...
PG (પેઇંગ ગેસ્ટ) બિલ્ડિંગના વૉચમૅનના ફોનમાં વાગતા લતાના ગીતે નીમાને અતુલ્ય સાંભરી ગયો: ચાહું છું હું તમને, અતુલ્ય! જાણું છું, તમારા હૈયે હું છું... આજે નહીં તો કાલે તમે પ્રણયની કબૂલાત કરવાના, પણ મારે તો હૈયે પથ્થર મૂકી તમને ઇનકાર જ કરવાનો છે. તમે જ કહો, પથારીવશ બીમાર માને કોના ભરોસે છોડી હું સાસરે સિધાવું? મારું પ્રથમ કર્તવ્ય મારી માને સાજી કરવાનું છે... જાણું છું, તમે આમાં સહભાગી થવા રાજી જ હો, પણ માની માંદગીના ઇલાજમાં એય પૂરતું થઈ રહે એમ નથી. પૈસાનો જોગ ક્યારે-કેમ પડશે એ ખબર નથી, પણ મારી પ્રાયોરિટી તો એ જ રહેવાની!
ADVERTISEMENT
મનોવિહારમાં અપાર્ટમેન્ટના દાદર ચડતી નીમાને ધ્યાન ન રહ્યું ને ત્રીજા માળના વળાંકે કોઈ જોડે તે અથડાઈ પડી.
‘અરે! સૉરી!’
‘વાય સૉરી!’ તે હસ્યો, નજીક આવ્યો. ‘મને તો તું ટકરાઈ એ ગમ્યું, નીમા.’
નીમાએ હોઠ કરડ્યો. હું ક્યાં આ વંઠેલ સાથે ટકરાવાની થઈ!
PG તરીકે રહેતો ભાવિન બડે બાપ કી બિગડી ઓલાદ જેવો છે. તેના પિતા રૂલિંગ પાર્ટીના વહીવટમાં ઊંચી પોસ્ટ પર છે, દક્ષિણ ગુજરાતના રાજકારણમાં મોટું માથું ગણાય છે, કંઈકેટલાં વીઘાંની ખેતી છે એટલે બાપના પૈસા-પાવરના જોરે એકનો એક દીકરો ગામથી દૂર શહેરમાં ભણવાના નામે જલસા કરે છે. એસ્કોર્ટ તેડાવવી, દારૂની પાર્ટી કરવી, મોંઘી કારને સ્પીડ લિમિટથી વધુ ભગાવી રીલ ઉતારવી... આવું જ આવડે છે તેને. ચાર વર્ષથી BComના એક જ ક્લાસમાં ફેલ થયા કરે છે તે, પણ તેની મરજીથી. આવાને જીહજૂરિયા મળી જ રહેતા હોય છે. કૉલેજમાં ભણતી ત્યારનું આનું ચરિત્ર જાણું છું. છોકરીઓ કહેતી: ભાવિનની કે તેની ટોળીની આંખે ચડવા જેવું નથી!
પોતે અહીં છ જેટલા ફ્લૅટમાં ટિફિન આપવાનાં થતાં હોય એટલે સવાર-સાંજ આવવા-જવાનું બને એમાં તેની નજરે તો ચડી જ હોઉં, ક્યારેક તે કે તેના મિત્રો સીટી મારે કે દ્વિઅર્થી કમેન્ટ કરે એ જતી કરું, પણ આજે તો અથડામણ જ થઈ ગઈ!
‘આમે તારા આ ફૂલગુલાબી બદનને ટચ કરવાની બહુ ઇચ્છા હતી. એમાં આજે તો તારી છાતી...’
સટાક.
નીમાએ એવો કચકચાવીને તમાચો વીંઝ્યો કે બે ઘડી તો પેલાને તમ્મર આવી ગયાં. દાદર ચડતા-ઊતરતા આજુબાજુવાળા અટકીને જોતા હતા એ વધુ વસમું લાગ્યું.
‘તુ તો મારા તમાચાને જ લાયક છે, હવે હટ આઘો!’
હડસેલો દઈ નીમા આગળ વધી ગઈ ને ગાલ પંપાળતો ભાવિન વેર ઘૂંટવા લાગ્યો: આ તમાચો તને બહુ મોંઘો પડવાનો નીમા, લખી રાખ!
lll
‘શાબાશ.’
‘શું શાબાશ! એ ઘડીએ તો જાણે મારામાં સ્નેહલતા કે અરુણા ઈરાનીનો આત્મા આવી ગયો હોય એમ ભાવિનને ખંખેરી નાખ્યો, પણ હવે થાય છે એવા વંઠેલનો શો ભરોસો?’
ભાવિનની હરકતો કૅમ્પસમાં છૂપી નહોતી. તે ગમે એવો વગધારી હોય, તેનાથી ડર્યે કેમ ચાલે!
અતુલ્યએ નીમાનો હાથ હાથમાં લીધો, ‘તને મારા પર તો ભરોસો છેને?’
ચાર આંખો એક થઈ. અને હળવો નિશ્વાસ નાખી નીમાએ નજર વાળી લીધી, ‘તમે કંઈ ન કરશો, અતુલ્ય. મારા ખાતર તો કંઈ જ નહીં!’
હેં! આનો શું મતલબ? અતુલ્ય પૂછે એ પહેલાં પીઠ ફેરવી નીમા દાદર ઊતરી ગઈ.
વિભાદેવીએ આ જોયું અને હળવો નિશ્વાસ જ નાખી શક્યાં!
lll
ફુ..ઉ.ઊ. સ.
વાંકો વળી નીમાની સ્કૂટીના ટાયરની હવા કાઢી ભાવિન લુચ્ચું મલકે છે કે..
‘આ તું શું કરે છે?’ ટિફિન આપી પરત થતી નીમા ચિત્કારી ઊઠી.
‘તારી હવા કાઢું છું.’ તેના રોષથી કોઈ જ ફરક ન પડતો હોય એમ તેણે બીજા ટાયરની હવા કાઢી, ‘બોલ, શું કરી લેવાની?’
પૂછતો તે નજીક આવ્યો, ‘બાકી ફરી હાથ ઉપાડવાની ગુસ્તાખી કરી તો વિના લગ્ને તારી સાથે સુહાગરાત મનાવતાં મને કોઈ રોકી નહીં શકે એ યાદ રાખજે!’
હાઉ ડેર યુ! નીમાના કાંડામાં સળવળાટ થયો, પણ ગમ ખાઈ ગઈ : નાહક આવા વંઠેલ સાથે વાત વધારવાનો શું અર્થ!
તેણે પીઠ ફેરવી લીધી ને જાણે મીર માર્યો હોય એમ ભાવિન પોતાની BMW તરફ વળ્યો: જોઈ લે નીમા, હવે તારી સ્કૂટી રોજ પંક્ચર કરી તને હેરાન કરી મૂકવાનો!
lll
‘તમે જ કહો વિભાદીદી, મારે શું કરવું!’
નીમા ત્રસ્ત હતી. પાછલા અઠવાડિયાથી પંક્ચર-પંક્ચર રમી ભાવિને ત્રાસ વર્તાવ્યો હતો. માને કહેવાય નહીં, અતુલ્યને પોતે વચ્ચે પડવાની મનાઈ ફરમાવી ચૂકી છે...
એ ઘડી ને આજનો દી’. પોતે અતુલ્ય સાથે સરખું બેઠી પણ ક્યાં છે? તે બિચારા મૂંઝાય છે. તારે ખાતર હું કેમ કંઈ ન કરું? તેમનો સવાલ આંખોમાં વંચાય છે ને જવાબમાં મારી મજબૂરી કહી પણ દઉં તો એથી અતુલ્ય ઓછા પાછી પાની કરવાના! એટલે તેમની સાથે વાતમેળ કમ કરતી જાઉં છું...
લાગણીની આ ઊથલપાથલ વચ્ચે ભાવિનની હરકત ઉશ્કેરે છે, તેને ખોખરો કરી નાખવાની ચળ ઊપડે છે પણ વળી માનું વિચારી ગમ ખાઈ જાઉં છુ. કોઈ છોકરો મને હેરાન કરે છે જાણી મા ચિંતાના મહાસાગરમાં ડૂબી જવાની. આમેય એ બિચારી મારા ભવિષ્યનું વિચારી-વિચારી કંતાતી જાય છે. હજી બે દિવસ પહેલાં તે ભગવાનની છબી આગળ રડતી હતી કે હવે મને ઉઠાવી લે નહીંતર હું આપઘાત કરીને તારી પાસે આવતી રહીશ જેથી મારી દીકરી છૂટે ને અતુલ્ય જેવા જીવનસાથીને પામે!
મા મારું અંતર જાણી ગઈ એની નવાઈ નહોતી લાગી નીમાને, બલકે મા આપઘાતનું વિચારે એ આઘાતજનક હતું. આવામાં ભાવિનની ભનક પણ પડે તો તેને આત્મહત્યાનું બહાનું મળી જાય કે બીજું કંઈ!
શું કરવું એ સમજાતું નહોતું ત્યાં કૉલેજમાંથી નીકળી ઘર તરફ જતાં વિભાદેવીને જોઈ અનાયાસ તેનાથી કહેવાઈ ગયું : દીદી, તમારી સાથે વાત કરવી છે...
અતુલ્ય-નીમાનો મેળ વિભાદેવીથી અજાણ્યો નહોતો. વરંડાની બેઠકમાં બેઉની વાતો અનાયાસે સંભળાતી. ને એમાં છુપાયેલો બેઉનાં હૈયાંનો ટહુકારો પણ પહોંચતો. તેમના ગંઠાતા ઐક્યમાં પોતાની પ્રીત સાંભરી જતી. પરિણામે પોતે જે આવરણમાં રહેતા એમાં અતુલ્ય પછી નીમાનો અપવાદ સર્જાવો સ્વાભાવિક હતો. આવતાં-જતાં પોતે નીમાને સાદ પાડી બોલાવતાં. હીંચકે ગોઠવાઈ તેની મધરના ખબર પૂછતાં. ક્યારેક અતુલ્ય પણ જોડાતો.
આમાં થોડા દિવસ પહેલાં નીમા ‘તમે મારા માટે કંઈ ન કરતા’ કહી દાદર ઊતરી ગઈ એ સાંભળી નિસાસો સરી ગયેલો. નીમાએ આમ નહોતું કહેવું જોઈતું. અતુલ્ય જેવો જુવાન ભાગ્યથી જીવનસાથી તરીકે મળે એમ કહી અવસર મળ્યે તેને સમજાવવી પણ હતી, કદાચ અત્યારે નીમાએ પણ એ જ વિશે વાત કરવી હોય તો અતુલ્યની વકીલાતમાં હું પાછી નહીં પડું...
એટલે તેને ઘરે લઈ આવ્યાં : અતુલ્ય હજી છૂટ્યો નહીં હોય એટલે તેની ગેરહાજરીમાં નીમાનું મન ટટોલી શકાશે...
પણ વાત જરા જુદી નીકળી. કૅમ્પસમાં બધાં લક્ષણે પૂરો ગણાતો ભાવિન ક્યાં નીમાની પેધો પડ્યો!
‘હવે ફરી તે હવા કાઢે એનો વિડિયો ઉતારી દેજે નીમા, એના આધારે હું તેને કૉલેજમાંથી રસ્ટિગેટ કરવા લડત આપીશ.’
વિભાદેવીએ હળવેથી ખોતરણી શરૂ કરી : પણ આ મામલે તું અતુલ્યની મદદ કેમ નથી માગતી? મને તો હતું તમે એકબીજાને ચાહવા લાગ્યાં છો.’
પળવાર નીમાના ચહેરા પર પ્રણયની રતાશ ફરી વળી. એ જ ક્ષણે કૉલેજથી આજે વહેલો છૂટેલો અતુલ્ય આંગણે આવી પહોંચ્યો છે એથી બેઉ સ્ત્રી બેખબર રહી.
‘સાચો પ્રેમ બહુ નસીબવાળાને સાંપડે છે નીમા, મારા જેવા કોઈ તેને જાળવી નથી શકતા એવા માટે પછી જીવનભરની એકલતા અને પસ્તાવો જ રહે છે...’
ઓ..હ! ત્યારે તો વિભાદેવી પ્રેમમાં નાસીપાસ થયેલાં છે! તેમનું એકાકીપણું હવે સમજાય છે...
‘તમે નસીબનું કહો છો દીદી, પણ અતુલ્ય મારા ભાગ્યમાં ક્યાંથી!’ નીમાએ પોતાની પરિસ્થિતિ વર્ણવી.
દૂર ઊભા અતુલ્યને થયું, મનને મૂંઝવતા પ્રશ્નોનો આજે ખુલાસો થયો.
‘તું મને ચાહે છે નીમા, એ સત્ય સાથે હું આપોઆપ તારી દરેક પરિસ્થિતિનો સહભાગી થયો...’
અતુલ્યના સાદે બેઉ ચમક્યાં. નીમાના કાળજે થડકો થયો: અતુલ્યને નહોતું કહેવું ને એ જ સાંભળી ગયા!
‘હું તને ચાહું છું નીમા.’ અતુલ્ય ઘૂંટણિયે ગોઠવાયો. તેણે હાથ હાથમાં લેતાં નીમા આંખો મીંચી ગઈ.
‘સદનસીબીનો ખુલ્લી આંખે સ્વીકાર કરાય, નીમા!’ વિભાદેવીના વાક્યે નીમાની પાંપણના પડદા ઊંચકાયા એવો જ અતુલ્ય કીકીમાં છલકાઈ ગયો.
‘આ પ્રસંગે મોં મીઠું કરવું જોઈએ અને મીઠાઈ બજારમાં પડી છે, એ લઈને હું હમણાં આવી.’
જુવાન હૈયાંને એકાંત આપવા વિભાદેવી સરકી ગયાં ને નીમા અતુલ્યની બાંહોમાં સમાઈ ગઈ.
lll
ધમ ધમ ધમ.
ચોથી બપોરે નીમાની સ્કૂટીની હવા કાઢતો ભાવિન લોખંડ પિટાવાના અવાજે ચમક્યો.
જોયું તો પાર્કિંગમાં અતુલ્યસર
તેની BMWના બોનેટ પર હથોડો વીંઝી રહ્યા છે...
અતુલ્ય આમ તો સાયન્સનો પ્રાધ્યાપક, પણ પોતાના દેખાવ અને કવિતાને કારણે કૅમ્પસમાં ફેમસ હતો. કવિના હાથમાં આજે કલમને બદલે હથોડો ક્યાંથી?
‘એ...ય..’ ગાળ દેતો તે પાર્કિંગ તરફ ધસ્યો: આ શું કરો છો સાહેબ?’
‘તારામાં સ્ત્રીદાક્ષિણ્ય તો નથી જ ભાવિન, ગુરુજનની આમન્યાનો પણ અભાવ છે.’ જરાય ખચકાયા વિના અતુલ્ય હથોડો વીંઝતો રહ્યો, ‘બીજાને હેરાન કરનારે પોતે પણ નુકસાન ભોગવવાનું થાય એ પાઠ પણ તું ભણ્યો નથી.’
‘સ્ટૉ..પ.’ ભાવિને રાડ નાખી, અતુલ્યનો હાથ પકડ્યો, ‘નીમાને હેરાન કરું એમાં...’
‘નીમા મારી વાગ્દત્તા છે, ભાવિન.’ તેનો હાથ તરછોડી અતુલ્યએ હથોડો દેખાડ્યો, ‘ફરી તેની આડે ઊતરવાનો થયો તો એવી જગ્યાએ હથોડો વીંઝીશ કે પોતાની બૈરી સાથે પણ સુહાગરાત મનાવવા કાબેલ નહીં રહે, સમજ્યો?’
અતુલ્યમાં સાક્ષાત કાળ લાગ્યો. પસીને રેબઝેબ થતા ભાવિનને નીમાનો રણકો સંભળાયો: ચાલો, અતુલ્ય!
કહી ભાવિન પર નજર ફેંકી: બોલ, હવે કોની હવા નીકળી!
‘ભાવિન, સ્કૂટીમાં હવા ભરાવી મારા ક્વૉર્ટર પર મૂકી જજે.’
ડારો આપી અતુલ્ય નીમાના હાથમાં હાથ પરોવી નીકળી ગયો.
ડઘાયેલો ભાવિન ત્યાં જ ખોડાઈ રહ્યો.
આ બેઉનો મેળ કેમનો બેઠો હશે! બીજું કોઈ હોત તો ઘડોલાડવો કરી નાખ્યો હોત, પણ અતુલ્ય ભલે કવિજીવ રહ્યો, કસરતથી તેનું બદન કસાયેલું છે. પાછો વિદ્યાર્થીઓનો પ્રિય એટલે તેને કંઈ કરવામાં આખું કૅમ્પસ મારી વિરુદ્ધ થઈ જાય...
અંહ, તેને પલટવાર બળથી નહીં, કળથી કરવો પડશે; લાગ જોઈને!
તેણે દાઝ ઘૂંટી. વેરની વસૂલાતની નવી જ સ્કીમ આ વીક-એન્ડની મુંબઈ મુલાકાતમાં મળી આવવાની હતી એની તેને ત્યારે ક્યાં ખબર હતી?
lll
‘મુંબઈમાં મહામુશાયરાનું આયોજન...’
ગુજરાતી અખબારની બૉક્સ આઇટમને તે કેટલીય વાર વાંચી ગયા.
મુંબઈમાં દિવાળીની આસપાસ ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે દર વર્ષે બેદિવસીય મહા મુશાયરાનો જાહેર કાર્યક્ર્મ યોજાતો, જેમાં દેશભરમાંથી વિવિધ ભાષાના ઉચ્ચ કવિઓ પોતાની કૃતિ રજૂ કરવા આવે, રાધર, જેને આ મેળાવડામાં કૃતિ રજૂ કરવાનું બહુમાન મળે તે આપોઆપ અલગ વર્તુળમાં આવી જાય. કવિતામાં લોકોને શું રસ પડે એ ભ્રમ આવા મેળાવડામાં જામેલી ભીડને જોઈ ભાંગી જાય.
અને પોતે તો ગુજરાતી મુશાયરાની જાન તરીકે પંકાયેલા અને મહામુશાયરામાં પણ છવાઈ જનારા.
વિચારતાં સુબોધ શાહે દમ ભીડ્યો: આમાં આ વખતનો મહામુશાયરો પણ અપવાદ નહીં હોય!
(વધુ આવતી કાલે)

