Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મનડું મહોબતભર્યું...દો દિલોં કી દાસ્તાન (પ્રકરણ ૪)

મનડું મહોબતભર્યું...દો દિલોં કી દાસ્તાન (પ્રકરણ ૪)

Published : 16 October, 2025 02:51 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

ભાવિનને આમાં પોતાની માનસિકતાનો પડઘો વર્તાયો. ઘરે રાજકારણી પિતાને પણ ભ્રષ્ટાચારનો, ઐયાશીનો લાભ ઉઠાવતા જોયા જ છેને. ઘરની સ્ત્રીઓ પડદા પાછળ ભલે આંસુ સારી લે, જાહેરમાં તો પતિપરાયણતા જ દાખવવાની હોય છે – શું મા કે શું ફોઈ.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘ફુવાજી, કોઈ ભડકતી ચીજ સંભળાવોને!’

સુબોધ શાહ હસ્યા. પત્નીના નાતે ભાવિન આમ તો તેમનો ભત્રીજો – સાળાનો દીકરો, પણ લક્ષણ (કે અપલક્ષણ)ના મેળે બેઉને ભળતું.



પોતાને ઓલાદ નહોતી એટલે સુમિત્રાફોઈને ભાવિન લાડકો હતો. વેકેશન શું, બેચાર દહાડાની છુટ્ટીના અવકાશમાં તેના મુંબઈ જ ધામા હોય. ભક્તિભાવમાં માનનારાં ફોઈ તેને સંન્યાસ આશ્રમ કે બાબુલનાથ દર્શને લઈ જાય, પણ તેને વધુ મજા ફુવા સાથેની રખડપટ્ટીમાં આવે.


ફુવા જાણીતા કવિ છે, મુશાયરામાં તેમની આગવી છટાથી છવાઈ જતા જોવા પણ લહાવો છે.

‘તારા ફુવા હતા ત્યારે ખરેખર ઉમદા કવિ હતા, પણ પછી...’ ફોઈ નિસાસો નાખી અટકી જતાં.


તેમની અધૂરી વાત જુવાનીમાં ડગ મૂકતા ભાવિનને વિના પૂછ્યે સમજાઈ હતી. ફુવા મુંબઈની ગુજરાતીની પ્રથમ નંબરની ગણાતી કૉલેજના પ્રિન્સિપાલ હતા, ઍકૅડેમીમાં તેમની પહોંચનાં મૂળિયાં હદબહાર વિસ્તર્યાં હતાં. પોતાના પદ અને પહોંચથી તે ધારે તેને પાસ યા ફેલ કરી શકતા, ધારે તેને ડૉક્ટરેટમાં પ્રવેશ ફાળવી શકતા. એટલે તેમની ગુડબુકમાં રહેવા સ્ટુડન્ટ્સ સર કહે એ કરવા તૈયાર રહેતા. છોકરાઓ સિગારેટ-શરાબનો બંદોબસ્ત કરી આપે ને છોકરીઓ પાસેથી ફુવા કેવો લાભ લે છે એ તો ફોઈ જાત્રાએ ગયેલાં એ દરમ્યાન મુંબઈ આવેલા ભાવિને લાઇવ જોયું.

ફુવા એથી ગભરાયા કે લજાયા નહોતા: તારી ફોઈથી કશું છૂપું નથી. એ ભક્તાણી કામ-મોહથી વહેલી પરવારી ગઈ એટલે શું મારે પણ વૃત્તિને કચડતા રહેવી? વગનો ફાયદો ન ઉઠાવીએ તો પથારો ફેલાવવાનો ફાયદો શું?

ભાવિનને આમાં પોતાની માનસિકતાનો પડઘો વર્તાયો. ઘરે રાજકારણી પિતાને પણ ભ્રષ્ટાચારનો, ઐયાશીનો લાભ ઉઠાવતા જોયા જ છેને. ઘરની સ્ત્રીઓ પડદા પાછળ ભલે આંસુ સારી લે, જાહેરમાં તો પતિપરાયણતા જ દાખવવાની હોય છે – શું મા કે શું ફોઈ.

ફોઈને જોકે ફુવાની રંગીનિયતથી વધુ પજવતું તત્ત્વ હતું, ઉઠાંતરી!

ભાષાના પ્રોફેસર, કૉલેજના પ્રિન્સિપાલ ઉપરાંત સાહિત્ય જગતમાં શ્રેષ્ઠ કવિ તરીકે પંકાયેલા ફુવા પાસે વિદ્યાર્થીઓ, નવકવિઓ પોતાની રચનાના મૂલ્યાંકન માટે આવતા હોય, એમાંથી કંઈ ગમતું લાગે તો ફુવા બેધડક પોતાના નામે ચડાવી દે. 

ફોઈને આ બિલકુલ નહોતું ગમતું : તમે ક્યારેક બહુ જ સરસ લખતા, પણ હવે જે વાહવાહી મળે છે એ બીજાના ભાગની છે... અને ઉછીનું લીધેલું ક્યારેક ને ક્યારેક વ્યાજ સાથે પરત કરવું જ પડતું હોય છે!

બિચારાં ફોઈ. ભક્તિમાં મન વાળી લેનારાં તે પોતે ગયા વર્ષે માંડ ચોપનની ઉંમરે કૅન્સરમાં ગુજરી ગયાં ને ફુવા આજેય અડીખમ છે! બોલો, પછી નીતિનિયમના ધારાધોરણને શું ધોઈ પીવાં! સીધી વાત છે : માણસનો સિક્કો ચાલતો હોય ત્યારે તેના સો ગુના માફ છે.

ખરેખર તો ફોઈના ગયા બાદ મુંબઈની મુલાકાતો વધુ ગમતીલી બની ગઈ છે. વરલી સી-ફેસની ૧૪મા માળની બાલ્કનીમાં સાંજે ફુવા-ભત્રીજાની બેઠક જામે છે.

અત્યારે પણ શનિવારની સાંજે ભત્રીજાની ફરમાઈશ પર રંગમાં આવવાને બદલે ફુવાએ ડોક ધુણાવી: જવા દેને યાર, દિવાળી પર મુંબઈમાં મહામુશાયરો છે ને ત્યાં રજૂઆત માટેનાં કાવ્ય, ગઝલનો કોઈ મેળ નથી પડતો. કેટલાય પાસે લખાવડાવ્યું, પણ જો કોઈમાં ભલીવાર હોય. ખરેખર કવિઓનું એ સ્તર જ નથી રહ્યું.

આમાં તમે પણ આવી ગયાને ફુવા! ભાવિન મનમાં જ હસ્યો. તેને સાહિત્ય સાથે ઝાઝી ગતાગમ નહોતી, પણ ફુવાના પ્રતાપે પુસ્તકની છપાઈથી અવૉર્ડ સુધીની યાત્રામાં ચાલતા રાજકારણથી તે માહિતગાર હતો. મુંબઈમાં મહામુશાયરામાં તો પોતે ઘણી વાર ગયો છે. ધુરંધર કવિઓ વચ્ચે સુબોધ શાહ માઇક પર આવે ને પછી એવું વરસે કે તાળીઓનો ગડગડાટ ક્યાંય સુધી ગુંજતો રહે.

એ આમ જુઓ તો તફડંચીની જ તાળીઓને? ભાવિન જેવાને જોકે આનો વસવસો ન હોય. 

‘મને શાયરી કરતાં કેમ ન શીખવ્યું ફુવા? તમને જ કામ લાગતને! મારો કોઈ મિત્ર પણ નથી...’ બોલતાં ભાવિનને ઝબકારો થયો, ‘અમારો એક પ્રોફેસર છે જે કવિતાઓ લખે છે.’ તેની જીભમાં કડવાશ ઘુંટાઈ, ‘પણ મારો બેટો બહુ જબરો છે. સામો થાય તો માથું ભાંગી નાખે એવો. જાણો છો તેણે મારી નવી BMWને...’

‘એમ!’ કિસ્સો જાણી ફુવા હસ્યા, ‘ત્યારે તો એ તને માથાનો મળ્યો! શું નામ કહ્યુ તેં? અતુલ્ય...મ..હે..તા.’

ફુવાનો ગ્લાસવાળો હાથ અડધે અટકી ગયો. સ્મૃતિઓમાં સળવળાટ જાગ્યો: આ નામ ક્યાંક સાંભળ્યુ છે, અરે, આ શાયરને સાંભળ્યો છે. આહા, વર્ષો અગાઉ, રાજકોટમાં! મારી હાજરી છતાં મારા કરતાં વધુ તાળીઓ તે ઉસરડી ગયેલો. એની દાઝમાં પોતે તેને કહેલું પણ ખરું કે આ બધું તો ફરમાઈશિયું ગણાય!

પછીથી પોતે તેને મુશાયરામાં ભાળ્યો નથી, તેની બુક છપાયાનું પણ ધ્યાનમાં નથી. તે કૉલેજમાં છૂટકપુટક રજૂઆત કરતો રહેતો હશે, તો ભલે. ભાવિન કહે છે એમ તેણે લખવાનું બંધ નથી કર્યું અને જે બેચાર શેર ભાવિને કહ્યા એ વાસ્તવમાં ઉમદા છે.

અને સુબોધભાઈની ખંધાઈ ઊઘડી: એક મામૂલી ટિફિનવાળી માટે થઈ અતુલ્યએ તારી કાર સાથે જે કર્યું એનું વેર તો આપણે વાળવું રહ્યું. અ પોએટિક રિવેન્જ!

ને ચિયર્સ કરતાં ફુવા ખડખડાટ હસી પડ્યા. 

lll

‘મા, હું નીકળું.’

દીકરીના સાદે મા મલક્યાં : ભલે, આવવાની ઉતાવળ ન કરીશ. અતુલ્યકુમારને મારી યાદ આપજે!

નીમાના વદન પર સુરખી ફરી વળી. પખવાડિયા અગાઉ અમારાં હૈયાં ઊઘડ્યાં, વિભાદીદીએ વડીલો સમક્ષ વાત મૂકી, બન્નેનાં માવતરનો રાજીપો ભળ્યો, સવારૂપિયાના શુકન સાથે સગપણ પાકું થયું. અતુલ્યનાં મા કેવાં સમજદાર નીકળ્યાં : ઉષાબહેનની સંભાળની જવાબદારી આજથી આપણા સહુની સહિયારી. તેમની આંતરડી ઠારવાનો હક તારા જેટલો જ હવે અતુલ્યનો.

બે જ વાક્યોમાં તેમણે મને નિશ્ચિંત કરી દીધેલી. પછી અતુલ્યએ ભાવિનને પાઠ ભણાવ્યો ત્યારથી તે સ્કૂટીની આસપાસ ફરકતો પણ નથી, બિચારો!

અને ભાવિનના અપાર્ટમેન્ટમાં ટિફિન પહોંચાડવા સીડીનાં પગથિયાં ચડતી નીમા સામે અચાનક આવી તેને કંઈ સમજાય એ પહેલા કોઈ તેને બાઝી હોઠ પર હોઠ મૂકી દે છે ને એ જ સમયે તેનો ફોટો ક્લિકની ફ્લૅશ ઝબકે છે!

જોયું તો ભા..વિ..ન! ફોટો ખેંચનાર તેના ચમચા પાસેથી કૅમેરા લઈ તેને રવાના કરી તે ખંધું હસ્યો: દાદરના આ જ વળાંકે તેં મને તમાચો મારેલોને!

નીમા હજીયે જે બન્યું એના આઘાતમાં હતી. હું બેધ્યાન હતી એમાં બદમાશ કેવું કરી ગયો! કડવાશનો આફરો ચડતો હોય એમ તે થૂંકી : તેં તમાચો યાદ રાખ્યો, પણ અતુલ્યનો હથોડો ભૂલી ગયો લાગે છે!

‘તેના હથોડા સામેનું મારું બ્રહ્માસ્ત્ર જોઈ લે...’ તેણે કૅમેરામાં ઝિલાયેલી તસવીર દેખાડી, ‘છેને હૉટ કિસ! બોલ, એને તારી સાસુને મોકલી આપું તો...’

નીમા ધ્રૂજી ગઈ.

‘કહેતી હો તો પ્રિન્ટ કઢાવી તારા સાસરાની ગલીઓમાં ચીપકાવી દઉં, કૅમ્પસમાં તોરણની જેમ લટકાવી દઉં, તારી બીમાર માને દેખાડું તો આઘાતથી બિચારીનું રામનામ સત્ય થઈ જાય કે નહીં!’

બસ, બસ! નીમા હાંફી ગઈ.

‘તું જાણે છે, આ તસવીર તારી બરબાદીનો પરવાનો છે. હા, તું એની કિંમત ચૂકવી દે તો...’

કિંમત! નીમાના કપાળે કરચલી ઊપસી.

‘મને તારા અતુલ્યની એક ચીજ જોઈએ છે...’ ભાવિનનું સ્મિત પહોળું થયું. 

હેં!

lll

‘શું વાત છે નીમા? ત્રણ દિવસથી જોઉં છું, તું કશુંક લેવા આવી હોય એમ ઉપરથી ખાંખાંખોળાના અવાજ આવે છે ને મુરઝાયેલી તું ખા...લી હા...થે પાછી ફરે છે...’

સીડી ઊતરતી નીમાને રોકતાં વિભાદેવી અટકી ગયાં. ના, આજે નીમા ખાલી હાથ નથી, બલકે દુપટ્ટા આડે તેણે કંઈક છુપાવ્યું છે.

આમ તો સગપણ થયા પછી નીમા ઘણી વાર અતુલ્યની ગેરહાજરીમાં બપોરે આવી સાફસફાઈ, ઇસ્ત્રીનાં કામ કરી જતી. વિભાદેવી હસતાં પણ : તેં તો લગ્ન પહેલાં જ ઘર સંભાળી લીધું!

ત્યારે નીમાના હોઠે આવી જતું કે તમે અમારી ખબર રાખો છો, પણ તમારી પ્રણયકથાનું પાનું ખોલતાં નથી. પણ પછી એમ વિચારીને ચૂપ રહેતી કે તેમની સ્ટોરીમાં દુઃખ હોવાનો અણસાર તેમણે આપ્યો છે અને કોઈના દુઃખને શું ખોતરવું?

પણ પાછલા ત્રણ દિવસથી નીમા મૂંઝવણમાં હોય એમ ઝાઝું બોલતી નથી, ઉદાસ લાગે છે. એટલે આજે વિભાદેવીથી ન રહેવાયું અને રંગે હાથ ઝડપાઈ હોય એમ નીમા ઝંખવાઈ.

‘અતુલ્યની સૌથી મોંઘેરી જણસ મારે ચોરવી પડી છે, દીદી.’

બાકીનાં પગથિયાં ઊતરતી નીમાના અવાજમાં પહાડ ચડવાનો થાક હતો. તેણે દુપટ્ટો હટાવતાં વિભાદેવી ચોંક્યાં : આ તો અતુલ્યની કવિતાની ડાયરીઓ, તેના સર્જનની મિરાત! એની ચોરી?

વિભાદેવી ફાટી આંખે નીમાને તાકી રહ્યાં, ‘આજે વર્ષો પછી ફરી એવો જ પ્રણય, ફરી એવી જ એક પ્રિયતમા અને ફરી એવો જ એક ધોકો!’ 

ક્યાંય સુધી તેમના શબ્દો હવામાં ઘુમરાતા રહ્યા.

lll

‘નામ તેનું તન્મય.’

વરંડાની બેઠકે ગોઠવાઈ વિભાદેવીએ એમની પ્રણયગાથા ઉખેળી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાંગરેલો પ્રણય, મુંબઈ-જૂનાગઢના સહવાસની સ્મૃતિઓ, ભાભા ઍટમિક રિસર્ચર તરીકેની તન્મયની જૉબ અને PhDમાં રજિસ્ટ્રેશન માટેની તન્મયે આપેલી છ મહિનાની મુદત વિશે કહી તે છેવટના વળાંકે આવ્યાં :

‘તન્મયને હું ઉત્કટપણે ચાહતી, તેનો બોલ ઉથાપવો નહોતો એમ લગ્ન પછી તન્મયમય બનેલી હું ડૉક્ટરેટનું સપનું વિસારે પાડું એવી ધાસ્તી મને વધુ હતી એટલે પણ PhDનું મારું ડ્રીમ અચીવ કરવા કોઈ પણ કિંમત ચૂકવવાની મારી તૈયારી હતી.’

કિંમત. નીમાની નજર અતુલ્યની ડાયરી પર ગઈ.

‘PhDના પ્રવેશનો આધાર ત્યારે ગાઇડની મહેરબાની પર રહેતો એ તો મેં તને સમજાવ્યું. હું તો ગુજરાત, મુંબઈ, અરે, હરિયાણા સુધીના ગાઇડને ટહેલ નાખતી રહી. એમાં છેક પાંચમા મહિને સાઉથ મુંબઈની કૉલેજના ડીને સામેથી મારો સંપર્ક કર્યો: મને તમારા જેવા ધગશવાળા રિસર્ચ સ્ટુડન્ટની જરૂર છે...’

‘થૅન્ક ગૉડ. આખરે પત્તો લાગ્યો ખરો.’

નીમાના અનુમાને વિભાદેવીએ ડોક ધુણાવી,

‘આમાં ઈશ્વરનો આભાર માનવો પડે એવું નહોતું. હું તેમને મળી ત્યારે ડીને માગ મૂકી: એક શરતે તમને પ્રવેશ મળી શકે. મને મારા અન્ય રિસર્ચ માટે ભાભા ઍટમિકના ડેટાની જરૂર છે, જે તમારા મંગેતર કરી રહ્યા છે.’

નીમાનાં નેત્રો પહોળાં થયાં: મતલબ જે કામ તન્મયભાઈ કરી રહ્યા હતા એ જ વિષય પર રિસર્ચ કરતા ડીને રેડીમેડ ડેટા માગ્યા!

‘અને મેં આપ્યા. ડીનને તન્મયના રિસર્ચ બાબત કેવી રીતે ખબર પડી કે તે મારા સુધી કેમ કરતાં પહોંચ્યા એ હું નથી જાણતી, કદાચ તરસ્યો આદમી કૂવાકાંઠો શોધી જ લે એમ આ બન્યું હોય. તન્મય રિસર્ચમાં એટલા મગ્ન રહેતા કે તેમના ક્વૉર્ટરમાં પણ નાની લૅબ ઊભી કરી હતી, તેમના કામની અગત્ય એ હતી કે સ્પેશ્યલ પરમિશનથી તેઓ ભાભાના જર્નલની કૉપી ઘરે પણ રાખતા.’

શ્વાસ લેવા પૂરતું રોકાઈ વિભાદેવીએ કડી સાંધી,

‘હું PhDમાં પ્રવેશ માટે આંધળી બની ગઈ હતી. મને ન તન્મયનો ભરોસો દેખાયો, ન રિસર્ચ પાછળની તેની મહેનત... આમ જ તન્મયની ગેરહાજરીમાં તેના ઘરે જઈ મેં તેની જર્નલ તફડાવી ઝેરોક્સ ડીનને પહોંચાડી PhDનું પાકું કરી લીધું!’  

આ તો ધોકો થયો... બોલવા જતી નીમા ખચકાઈ. પોતે પણ તો અતુલ્ય સાથે આવું જ કંઈક કરી રહી હતી! એટલે તો વિભાદીદી બોલી ગયાં : ફરી એવો જ પ્રણય, ફરી એવી જ પ્રિયતમા અને ફરી એવો જ ધોકો!

તે હેબતાયેલા ભાવે વિભાદેવીને તાકી રહી, કથાના અંજામ માટે ટાંપી રહી, કેમ જાણે વિભાદેવીની ગતમાં પોતાના પ્રણયના અંજામનું અનાગત જોવા મળવાનું હોય!

 

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2025 02:51 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK