અતુલ્યએ જાહેરમાં ઉતારેલી આબરૂ વાઇરલ થઈ હતી. કોઈકે ઇન્સ્ટા પર પેજ બનાવી મુહિમ શરૂ કરી હોય એમ મારાથી લૂંટાયેલા પોતાના કે ભળતા નામે સ્ટોરી મૂકી રહ્યા છે. કેળવણીકાર તરીકે, કવિ તરીકે હું કેટલો છીછરો છું એનો ઢોલ ચારેકોર પિટાઈ રહ્યો છે.
ઇલસ્ટ્રેશન
નીમા વિભાદેવીને ટાંપી રહી: તમે તન્મયભાઈના ડેટા ચોરી PhD પાકું કર્યું... પછી શું થયું?
‘તરત તો કંઈ નહીં. ઍડ્મિશનનું જાણી તન્મય હરખાયા, અમે પાર્ટી કરી... મેં જાતને તન્મયના શબ્દો સંભારી સમજાવી દીધેલી કે એવરીથિંગ ઇઝ ફેર ઇન ગેટિંગ PhD ગાઇડ! બૉમ્બ ત્રીજા મહિને ફાટ્યો: ડીન સરનું રિસર્ચ પેપર સાયન્સ જર્નલમાં પબ્લિશ થતાં તન્મય ડઘાયા. એક જ વિષય પરનુ રિસર્ચ ભલે હોય, ડેટામાં કૉપી ટુ કૉપી હોવું સંભવ નહોતું. મતલબ કોઈએ તેમના ડેટા ચોરી ડીનને પહોંચાડ્યા હોય તો જ આ બને. ભાભામાંથી પણ ઇન્ક્વાયરી આવી, નૅચરલી.’
ADVERTISEMENT
અરેરે.
‘આટલું થવા છતાં નીમા, તન્મયે એક પળ માટે એવું વિચાર્યું નહીં કે મને પૂછ્યું નહીં કે વિભા, આ કામ તેં તો તારા ગાઇડ માટે નથી કર્યુંને! ભાભામાં તેમને સસ્પેન્ડ થવાની નોબત આવી ત્યારે મારી ધીરજ ખૂટી ને મેં કબૂલી લીધું : મારા ઍડ્મિશન માટે મેં જ તમારા ડેટા ચોર્યા.’
નીમા આંખો મીંચી ગઈ. આ એક પળ તન્મય માટે કેવી વીતી હશે!
‘કેવી વીતી!’ વિભાદેવી કડવું હસ્યાં, ‘એ પળે મેં તન્મયને જીવતેજીવ મૂઆ જેવો જોયો. એ ડેટા ચોરાયાનું દુઃખ નહોતું, રિસર્ચમાં કોઈ પોતાની આગળ નીકળી ગયું એનો વસવસો નહોતો; જેને જીવથી વધુ ચાહીએ એ વ્યક્તિ ભરોસો તોડે ત્યારે જીવનમાંથી જીવ ઊડી જાય, નીમા...’
એટલે... આગળના વળાંકની કલ્પનાએ નીમા ધ્રૂજી ઊઠી.
‘અને એવું જ બન્યું...’ વિભાદેવીની આંખો સમક્ષ ગતખંડનાં દૃશ્યો ચીલઝડપે પસાર થઈ ગયાં.
ઝેર. તન્મયનું લીલું શરીર. નનામી. અંતિમ વિદાય. અને એક પત્ર.
lll
વિભા,
આજે તને પ્રિયા નહીં લખું. ના, હું તો આજેય તને એટલી જ ચાહું છું, પણ તું મને ચાહતી નથી એનો સાક્ષાત્કાર થયા પછી તને પ્રિયા કહેવાનો મને હક ક્યાં રહે છે?
આજે દરેક જગ્યાએ બીજાથી આગળ નીકળવાની હોડ ચાલે છે, રિસર્ચ જેવું ક્ષેત્ર પણ બાકાત કેમ હોય? હોડમાં નિયમોનું પાલન ઘણી વાર ચૂકી જવાતું હોય છે એટલે તારા ડીન સરે જે કર્યું એનો હું દોષ જોતો નથી, પણ તું, વિભા?
તું મને ચાહતી હોત વિભા તો સીધો મને ડીનનો પ્રસ્તાવ કહી ડેટા માગ્યા હોત ને મેં ખુશી-ખુશી મારું રિસર્ચ તારા ઍડ્મિશન પર ઓવારી દીધું હોત. મરતા માણસના આ શબ્દો છે એટલે લખવા ખાતર નથી લખ્યા, એને સાચા જ માનજે પણ હક જતાવવાને બદલે તેં તો પીઠમાં ઘા કરી ધાડ પાડી. આવું તો પારકા જ કરેને?
મને ડેટા ગયાનો કે ભાભાની ઇન્ક્વાયરીનો ગમ નથી, માણસ દરેક મોરચે લડી લે, જીતી લે, જો કોઈ તેનું પોતાનું તેની સાથે હોય તો.
હું તો એમાં જ પાછો પડ્યો. પછી મારું જીવવું શું ને જીતવું શું?
માટે જાઉં છુ.
તું એથી દુખી ન થઈશ. બલકે ભૂલેચૂકે ક્યારેક તેં મને સાચા દિલથી ચાહ્યો હોય તો મારું આટલું વેણ રાખજે: એ જ ગાઇડની નિગરાનીમાં તારું PhD પૂરું કરજે અને જીવજે... ઈશ્વર તને દીર્ઘાયુ બનાવે!
આવજે!
lll
‘આ તન્મયની તસવીર અને આ તેનો પત્ર.’
નીમા ઘડીભર નિહાળી રહી: કેવો સોહામણો જુવાન! અને ઉર્મિના ઘામાંથી વહેતા લોહીમાં ઝબોળાયેલો હોય એવો પત્ર!
‘તેનો શબ્દેશબ્દ આજે પણ મારા હૈયાને શારડીની જેમ વીંધે છે, છતાં હું જીવું છું. ભલે જીવતી લાશ જેવી, એકાકી, અતડી કેમ કે મારે જીવવાનું છે. તન્મયને તો હું જાળવી ન શકી, તેનો આખરી બોલ કેમ ઉથાપું? રોજ રાતે તન્મયની છબીને છાતીસરસી ચાંપી અશ્રુનો અભિષેક કરું છું, ક્યારેક તો તેને મારો પસ્તાવો સ્પર્શે ને મને તેની પાસે તેડાવી લે...’
વિભાદેવીએ આંસુ લૂછ્યાં, ‘બોલ નીમા, મારી ગત જાણ્યા પછી તારું આવું અનાગત તને મંજૂર હશે?’
‘ન..હીં..’ નીમાના હોઠ થરથર્યા, ‘પણ હું શું કરું દીદી, ડાયરી ન આપું તો ભાવિન...’
‘ભાવિનની ચિંતા તું ન કર. તેનો હવાલો અતુલ્યને સોંપી દે.’
lll
હેં!
અતુલ્ય ડઘાયો.
‘આજે વિભાદીદીએ મને રોકી ન
હોત તો મારા હાથે તમને છેતરવાનું પાપ થયું હોત...’
ધ્રુસકું ભરતી નીમાને આલિંગનમાં લઈ અતુલ્યએ શાંત પાડી: જે થયું નથી એ ભૂલીને જે કરવાનું છે એના પર ફોકસ કરીએ...
મતલબ?
‘ભાવિન જેવા વંઠેલને કવિતાનો ક સમજાતો નહીં હોય, તારા દ્વારા મને નુકસાન પહોંચાડવાના બીજા ઘણા જલદ વિકલ્પો હોય ત્યારે એ કવિતાની ડાયરીઓ માટે બ્લૅકમેલની જહેમત ઉઠાવે એ વધારે પડતું છે... એ મારી કવિતાનું શું જ કરવાનો?’
‘કોઈ બીજાને આપવાનો હોય...’ નીમાની કીકી ચમકી, ‘અરે હા, મુંબઈમાં તેના ફુવાજી જાણીતા કવિ છે એવી બડાશ તે કોઈ આગળ હાંકતો હતો એ મેં સાંભળેલું, શું નામ તેના ફુવાનું... યા, સુધીર કે સુબોધ શાહ!’
સુબોધ શાહ!
અતુલ્યને રાજકોટની તેમની પહેલી અને એકમાત્ર મુલાકાત સાંભરી ગઈ. મારી રચનાને તેમણે ફરમાઈશિયું કહી ઉતારી પાડેલી એ સાચા સાહિત્યકારનું લક્ષણ નહોતું, ને ભાવિનની હરકત પાછળ તે હોય તો તેને સાહિત્યકાર ગણવો પણ ન જોઈએ!
‘આપણે હવે કરવાનું એટલું કે...’
lll
વળી PG બિલ્ડિંગના દાદરનો એ વળાંક. પોતાની ધૂનમાં દાદર ચડતા ભાવિનને ઊતરનારી વ્યક્તિએ ઝડપ્યો, હોઠ પર હોઠ મૂકી દીધા ને ફ્લૅશના ઝબકારમાં એ કિસ કૅમેરામાં ઝિલાઈ ગઈ!
‘ગુડ જૉબ!’
અતુલ્યના શબ્દો સંભળાયા, પેલી વ્યક્તિ અળગી થઈ ત્યારે ભાવિનને ભાન થયું કે પોતાને ચૂમનારો તો છોકરો હતો!
‘આ.. આ શું હતું?’
અતુલ્યએ ધરેલી કૅશ લઈ ભાડૂતી છોકરો રવાના થતાં ભાવિને થોથવાતાં પૂછ્યું.
‘આને ટિટ ફૉર ટૅટ કહેવાય...’ અતુલ્યએ તસવીર દેખાડી, ‘બોલ, આ લિપ લૉકને કૅમ્પસમાં તોરણ બની ટિંગાડું કે તારા બાપાના ઇલાકામાં પોસ્ટર છપાવી વહેંચું?’
‘યુ...યુ...’ ભાવિન પસીને રેબઝેબ.
‘તારી ડિક્શનરી પછી ખોલજે, પહેલાં તો નીમાવાળી તસવીર ડિલીટ કર... ક્વિક!’
ઘડીના છઠ્ઠા ભાગમાં ભાવિને એ કામ પતાવી દીધું.
‘અને બીજું કામ જેના માટે તારે મારી કવિતાઓ જોઈતી હતી તેના માટે...’
ભાવિન થથરી ગયો: અતુલ્યને ઓછો આંકવામાં મેં થાપ ખાધી. બદમાશ ફુવા સુધી પહોંચી ગયો! પણ મારે તો અતુલ્ય નચાવે એમ નાચ્યા વિના છૂટકો છે? નહીંતર તે મને ગે તરીકે બદનામ કરી મૂકશે તો હું કેટલાકને ખુલાસા દેતો ફરીશ... સૉરી ફુવા!
lll
અને એ ઘડી આવી પહોંચી.
શનિવારની સાંજ છે. ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે મોટો શમિયાણો બંધાયો છે. મહામુશાયરાનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. સ્ટેજ પર કવિઓ ગાદીતકિયાની બેઠક પર ગોઠવાયા છે. જેની પ્રસ્તુતિ હોય તેની આગળ સાઉન્ડ સિસ્ટમવાળો આદમી માઇક ગોઠવી જાય છે. શ્રોતાગણમાં મોટી હાજરી કવિઓનો ઉત્સાહ વધારનારી છે. આમાં હવે ગુજરાતી કવિઓમાં સૌથી છેલ્લે, મુશાયરાની શાન ગણાતા કવિ સુબોધ શાહનું નામ બોલાયું.
સ્ટેજ પર વચ્ચે બિરાજેલા સુબોધભાઈએ કફનીનો કૉલર સરખો કર્યો, પ્રેક્ષાગારમાં વિજયી નજર ફેંકી ને ત્રીજી હરોળમાં બેઠેલા ભાવિને પેટમાં ચુંથારો અનુભવ્યો.
ત્યાં તો તેણે સ્ટેજ પર ચડી માઇક ફેરવતા આદમીને કશુંક કહેતા અતુલ્યને જોયો ને ભાગી છૂટવાની ઇચ્છા થઈ.
સુબોધભાઈને સ્વાભાવિકપણે અતુલ્યની ઓળખાણ ન પડી, પણ એ પેલા માઇક ફેરવતા આદમી જોડે કશીક ગુસપુસ કરી કૉર્ડલેસ માઇક લઈ કશીક જાહેરાત કરવા માગે છે કે શું? આ શું વિક્ષેપ?
‘આપ સૌ મહેમાન મહાકવિ શિરોમણિ સુબોધભાઈને સાંભળવા આતુર છો એટલે તમારો વધુ સમય ન લેતાં મારે તમને કશુંક સંભળાવવું છે...’
એના ઇશારે સાઉન્ડવાળાએ પોતાને મળેલી લિન્ક પર ક્લિક કર્યું ને સ્પીકરમાં અવાજ ગુંજ્યો: ચિયર્સ!
lll
‘ચિયર્સ!’
ફુવા-ભત્રીજાના ગ્લાસ ટકરાયા.
‘શું ફુવા, કેવી લાગી મેં ચોરેલી અતુલ્ય મહેતાની કવિતાવાળી ડાયરીઓ?’
‘અફલાતુન! જબરું લખે છે તે. પણ શો ફાયદો? કાલે તેની લખેલી શાયરી મહમુશાયરામાં મારા નામે ચડાવી જશ તો હું રળવાનોને! લોકો આ સુબોધ શાહ પર આફરીન પોકારી જવાના!’
‘બિચારો અતુલ્ય!’
‘અરે, એવા તો કેટલાય
બિચારા-બિચારીઓની કૃતિ મારા નામે ચડાવી મેં વાહવાહી લૂંટી છે અને દૈહિક લાભ તો જુદા!’
lll
‘બસ કરો.. બંધ કરો!’
સુબોધભાઈને બરાડવું હતું, પણ અવાજ ખૂલ્યો નહીં. ગઈ સાંજે મહામુશાયરામાં ખાસ મારી પ્રસ્તુતિ માટે અતુલ્યની ડાયરી લઈને આવી પહોંચેલા ભાવિન સાથે બાલ્કનીમાં બેઠક જમાવી હતી. અમારી બે જણની બેઠકની વાતચીત લીક થાય જ કેમ? સિવાય કે ભાવિને જ એનું રેકૉર્ડિંગ કરી આ જુવાનને આપી હોય! ભત્રીજાની ધુલાઈ તો ઘરે કરીશ, અત્યારે તો...
‘આ રેકૉર્ડિંગ ફર્જી છે... મારી આબરૂ લેવાનું કાવતરું છે...’
‘આમાં કશું જ બનાવટી નથી, શાહસાહેબ... ત્યાં સુધી કે કવિતા વાંચવા તમે જે ડાયરી લાવ્યા છો એમાં અક્ષર પણ મારા છે, હું પોતે અતુલ્ય મહેતા.’
હેં! સુબોધભાઈને કાપો તો લોહી ન નીકળે. શ્રોતાગણમાં ગણગણાટ પ્રસરી ગયો, આયોજકો કાનાફુસી કરવા લાગ્યા.
‘પાપનો ઘડો આજે ફૂટી ગયો.’ સાથી કવિઓમાંથી કોઈ બોલ્યું ને વધુ કાળા પડતા સુબોધભાઈ હોહા વચ્ચે સ્ટેજ છોડીને ભાગ્યા!
lll
ટ્રૂથ ઑફ સુબોધ શાહ.
અતુલ્યએ જાહેરમાં ઉતારેલી આબરૂ વાઇરલ થઈ હતી. કોઈકે ઇન્સ્ટા પર પેજ બનાવી મુહિમ શરૂ કરી હોય એમ મારાથી લૂંટાયેલા પોતાના કે ભળતા નામે સ્ટોરી મૂકી રહ્યા છે. કેળવણીકાર તરીકે, કવિ તરીકે હું કેટલો છીછરો છું એનો ઢોલ ચારેકોર પિટાઈ રહ્યો છે.
આમાં ભાવિનનો વાંક પણ શું કાઢવો? એ બિચારાને અતુલ્યએ એવો સજ્જડ સાણસામાં લીધેલો કે મને ખાનગીમાં પણ ચેતવી ન શક્યો... મારી પાછળ તે પણ ઘરે દોડી આવી આંસુડાં સારી રહ્યો છે.
પણ આંસુઓનો પણ શું અર્થ! ઇટ્સ ઑલ ફિનિશ્ડ!
તેમણે બાલ્કનીમાંથી નજર દોડાવી. આકાશમાં પત્ની દેખાઈ. કહેતી હતી: ઉછીનું લીધેલું ક્યારેક ને ક્યારેક વ્યાજ સાથે પરત કરવું જ પડતું હોય છે!
અને અડધી રાતે બાલ્કનીમાંથી
પડતું નાખી સુબોધ શાહે બાકીની કિંમત ચૂકવી દીધી.
lll
સુબોધ શાહના ખબરે અતુલ્ય-નીમા-વિભાદેવી સ્તબ્ધ બન્યાં, પણ માણસનું પાપ પોકારે ત્યારે બીજું તો શું થાય!
ફુવાના અંજામે ભાવિનને ડઘાવી દીધો. બૂરાનો અંજામ બૂરો હોય એ સૂત્રથી ભડકીને કૅમ્પસ છોડી તે ઘરે જતો રહ્યો, ખેતી સંભાળી લીધી એ જે થયું એ સારા માટે જને!
lll
અતુલ્ય-નીમા વાજતે ગાજતે
પરણી ગયાં.
‘મારા આણામાં હું મારી માને લઈને આવી છું.’
વતનના ઘરે કંકુપગલાં પાડતી નવવધૂએ હાથ જોડ્યા, મંગળાબહેને તેના હાથ પકડી લીધા: આ આણું અમારા આંખમાથે!
અને ‘મા!’ કહેતી નીમા સાસુને વળગી પડી.
lll
અહીં મેડીની શણગારેલી રૂમમાં નીમા અતુલ્યના હજી ગયા અઠવાડિયે પ્રગટ થયેલા પ્રથમ કાવ્ય સંગ્રહની મદભરી નજમ છેડી રહી છે ત્યારે સુરતની યુનિવર્સિટીના ક્વૉર્ટરમાં...
‘આજે અતુલ્ય-નીમા પરણી ગયાં, તન્મય... બેઉ મારો ગણ માનતાં હતાં કે અમારો અણીનો સમય તમે સાચવ્યો ન હોત તો અમારી પ્રણયગાથાનો અંજામ ભળતો જ હોત.’
તન્મયની છબી છાતીએ ચાંપી સંવાદ સાધતાં વિભાદેવીએ ઊંડો શ્વાસ લીધો: મેં નીમાને બીજી વિભા થતી અટકાવી એવું તમે પણ માનતા હો તન્મય તો આ એક પુણ્ય સામે મારું પાપ બક્ષો, મારો પસ્તાવો, મારો પ્રણય કબૂલ રાખી મને તમારી પાસે તેડાવી લો... આજે બંધ થનારી મારી આંખ કાલે ઊઘડે નહીં હોં!’
અને જાણે તન્મયે સામો હોંકારો દીધો હોય એમ વિભાદેવી તૃપ્ત મને આંખો મીંચી ગયાં.
(સમાપ્ત)

