માનસીએ સોમચંદ સામે હાથ લંબાવ્યો, લાઇફ હશે તો ફરી મળીશું અને ફરી મળીશું તો આવી જ મજા ફરી કરીશું
ઇલસ્ટ્રેશન
‘લિસન એવરીવન...’
ડિટેક્ટિવ સોમચંદની સામે સોથી વધારે પોલીસ ગોઠવાયેલી હતી. પોલીસ-કમિશનર સૌથી આગળની લાઇનમાં હતા તો સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમને લીડ કરતા ઇન્સ્પેક્ટર પાલેકર તેની બાજુમાં હતા. હાજર રહેલા વર્દીધારીઓ વચ્ચે બે જ સિવિલ ડ્રેસમાં હતાં, એક સોમચંદ શાહ અને બીજી માનસી.
ADVERTISEMENT
‘ધ્યાનથી સાંભળજો અને જો ફરીથી સાંભળવું પડે એમ લાગતું હોય તો અત્યારથી જ રેકૉર્ડ કરજો. ક્યાંય પણ કોઈ વાત મિસ થશે તો ચાલશે નહીં. રેડી?’
દરેક ટેબલ પર ગ્રીન લાઇટ થઈ અને સોમચંદે વાત શરૂ કરી.
‘સિરિયલ કિલર શેડ્યુઅલ્ડ કાસ્ટનો હોય એવા પૂરા ચાન્સિસ છે. એવું શું કામ હોઈ શકે એની વાત પહેલાં કરી દઉં.’ સ્લાઇડ તરફ જોતાં સોમચંદે કહ્યું, ‘જે ચાર મર્ડર થયાં એ ચારેચાર સોસાયટીમાં ક્લીનિંગનો કૉન્ટ્રૅક્ટ એક જ કંપની પાસે છે એટલે ચાન્સ છે કે એ કંપનીના કોઈ સફાઈ કામદારનું આ કામ હોય. તમને થશે કે આપણે અત્યારે જ એ તમામ સફાઈ કામદારને પકડી લાવીએ અને પછી બધું સાચું બોલાવીએ, પણ એ શક્ય એટલે નથી કારણ કે આપણે ઑલરેડી એવું અનાઉન્સ કરી ચૂક્યા છીએ કે સિરિયલ કિલર પકડાઈ ગયો છે. સેકન્ડ્લી, કંપની સફાઈ કામદારો સાથે કુલ ૧૪ એજન્સી સાથે જોડાયેલી છે જેમાં નામ નહીં પણ આંકડો મહત્ત્વનો હોય છે કે આટલા કામદારો જોઈએ છે. સો, જો એ લોકોને પકડવાનું વિચારીએ તો પાંચથી દસ હજારની અરેસ્ટ કરવી પડે, જે શક્ય નથી.’
બધાના ચહેરાઓ જોઈ લીધા પછી સોમચંદે વાત આગળ વધારી.
‘સફાઈ કામદાર છે એટલે સફાઈના નામે તે CCTV કૅમેરા થોડો ટાઇમ માટે ઑફ કરતો હોય એવું બની શકે, કારણ કે સફાઈ કામદારને જ સર્વર રૂમમાં પણ જવાની છૂટ હોય છે. ત્રીજી અને અગત્યની વાત, જે વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાને રામ માને છે.’
સોમચંદની વાત સાંભળીને હાજર રહેલા તમામેતમામ પોલીસકર્મીનાં એક્સપ્રેશન્સ ચેન્જ થયાં.
‘હા, એવું જ છે અને એટલે મહાશય રાવણ-વધ કરવા નીકળ્યા છે.’
‘વૉટ?’ પોલીસ-કમિશનર ઊભા થઈ ગયા, ‘આવું કેવી રીતે બને?’
‘એ તો સર, એ માણસ પકડાય ત્યારે જ ખબર પડે. પણ હકીકત આ જ છે.’ સોમચંદે સ્લાઇડ ચેન્જ કરતાં સ્ક્રીન તરફ કમિશનરનું ક્યાન દોર્યું, ‘જુઓ, પહેલું મર્ડર જલ્પા... જલ્પાના ઈગોની વાત તેના ફ્રેન્ડ સર્કલથી માંડીને તેના પેરન્ટ્સ કરે છે. હવે જુઓ આ રોશની, રોશની પૈસા વાપરવામાં એટલી કંજૂસ કે એ ઊડીને ઘરમાં આવેલાં બીજાનાં કપડાં પણ પાછાં આપવાને બદલે ઘરમાં પહેરવામાં વાપરતી.’
દૂરથી સોમચંદને સાંભળતી માનસીની આંખો પહોળી થઈ. રોશનીને ત્યાં પોતે ગઈ હતી, પણ સોમચંદ શાહે નવી વાત કરી હતી.
‘એક વખત તો આ બાબતે સોસાયટીમાં બહુ મોટો ઝઘડો પણ રોશની સાથે થયો હતો. રોશનીનો જે સ્વભાવ થયો એ સ્વભાવ એટલે લોભ, લાલચ, ગ્રીડ.’ સોમચંદે ત્રીજી સ્લાઇડ સ્ક્રીન પર લીધી, ‘આ કાજલ. કાજલમાં વાસના ભારોભાર હતી. લસ્ટ... રાવણનો અવગુણ અને ચોથું મર્ડર થયું ખુશાલીનું, ખુશાલીના ઘરે મારી સાથે ઇન્સ્પેક્ટર પાલેકર આવ્યા હતા. તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સે કહ્યું હતું કે ખુશાલીનો ગુસ્સો અકલ્પનીય હતો. ગુસ્સામાં તે ભલભલાની સાથે સંબંધો તોડી નાખતી. એકાદ વાર તો તેણે પોતાનાં સગાં માબાપ સાથે પણ રિલેશન તોડી નાખ્યાં હતાં.’
હૉલની મેઇન લાઇટની સ્વિચ સોમચંદે જાતે ઑન કરી અને પછી બધાની સામે તેણે જોયું.
‘રાવણના આ ચાર અવગુણ અને જો અમે...’ માનસીએ નોટિસ કર્યું કે સોમચંદે ‘અમે’ કહ્યું હતું, ‘અમારી આ થિયરી પર સાચાં હોઈએ તો હવે કિલર છ મર્ડર કરવાનો છે. હવે પછીનાં જે છ મર્ડર થશે એ ક્યાં-કયા એરિયામાં હોઈ શકે એનું લિસ્ટ તમારા બધાના ટેબલ પર ઑલરેડી પહેલેથી મૂક્યું છે. આ વખતનું મર્ડર કિલર પાર્લામાં એવી પૂરી શક્યતા છે.’
દસેદસ સ્ટેશનનાં નામ કહી દીધા પછી સોમચંદે કહ્યું, ‘દર ત્રણ સ્ટેશન પછી ત્રણ સ્ટેશન પર મર્ડર કરવાનું છોડી દે છે. વેસ્ટર્ન લાઇન પર નવ સ્ટેશન પર તે મર્ડર કરશે અને બીજાં નવ સ્ટેશન જોડી દેશે અને એ પછી તે છેલ્લું મર્ડર કરશે ગ્રાન્ટ રોડના કુખ્યાત વિસ્તારમાં, જે રાવણનો દસમો અવગુણ હતો ખોટા અને ખરાબ વિચારોથી ભરાયેલું મન. ગ્રાન્ટ રોડની છોકરીઓના કારણે અનેક લોકોનાં ઘર બરબાદ થયાં, પરિવારો વિખેરાયા. જો એ છોકરીઓએ પુરુષને પોતાના કબજામાં ન લીધો હોત તો એ પરિવાર બચી ગયા હોત.’
સોમચંદે બધાની સામે જોયું અને પછી ઇશારો કરીને માનસીને સ્ટેજ પર બોલાવી.
‘શી ઇઝ માય પાર્ટનર... આ કેસ પૂરતી.’ ચોખવટ સાથે સોમચંદે કહ્યું, ‘હવે જેને જે સવાલ પૂછવા હોય એ પૂછી શકે છે પણ બધું ક્વિક લેવલ પર થશે.’
‘સિરિયલ કિલર છોકરીની પસંદગી કેવી રીતે કરે છે?’
‘જેનાં મૅરેજ ત્રણ મહિનાની અંદર થવાનાં છે એ છોકરીની પસંદગી થાય છે. બને કે કિલર એવા માઇન્ડસેટ સાથે આગળ વધતો હોય કે તે કોઈ છોકરાની લાઇફ બચાવી રહ્યો છે.’
સોમચંદની અધૂરી વાતને માનસીએ આગળ વધારી.
‘એ સ્વીપર હોઈ શકે એવા ચાન્સિસ છે ત્યારે તે એવી જ સોસાયટી પસંદ કરશે જેમાં તેની એન્ટ્રી-એક્ઝિટ ઈઝી છે.’
‘એક લિસ્ટ તમારા ટેબલ પર છે.’ સોમચંદે કહ્યું, ‘જે કંપનીનો સફાઈનો કૉન્ટ્રૅક્ટ આગળની ચાર સોસાયટીમાં હતો એ કંપની પાર્લાની આઠ સોસાયટીનો પણ કૉન્ટ્રૅક્ટ ધરાવે છે. જો થિયરી સાચી હશે તો કિલર એ આઠ સોસાયટીમાંથી જ એક છોકરીને પસંદ કરશે.’
‘હજી બ્રૅકેટને વધારે નાનો કરવા માટે અમે ટ્રાય કરી છે. આખા પાર્લામાંથી આઠ સોસાયટી શૉર્ટલિસ્ટ થઈ અને હવે બ્રૅકેટ વધારે નાનો કરીએ.’ માનસીએ કહ્યું, ‘તમારા ટેબલ પર પડેલી ફાઇલના પાંચમા પેજ પર એક લિસ્ટ છે, જેમાં આ આઠ સોસાયટીમાં રહેતી પાંચ છોકરીઓનાં નામ છે, જેનાં મૅરેજ આવતા ત્રણ મહિનામાં છે.’
‘મોર ક્લોઝર..’ સોમચંદે કહ્યું, ‘એ જે પાંચ છોકરીઓ છે તેમનામાં રહેલા અવગુણોને શોધવાનો અમે પ્રયાસ કર્યો, જેના આધારે બે નામ મળ્યાં છે - દિશા મહેતા અને કૃપા સંઘવી. દિશાના જે અવગુણો છે એને ઘમંડ સાથે જોડી શકાય. તેને પોતાના રૂપનો ઘમંડ હોય એ વાજબી પણ છે કારણ કે ગયા વર્ષે દિશા તે મિસ ઇન્ડિયાની રનર્સઅપ હતી. ફિલ્મોમાં ટ્રાય કરી, પણ કંઈ વળ્યું નહીં.’
‘બીજી છોકરી એટલે કે કૃપા સંઘવી, ઈર્ષ્યા કૃપાનો સ્વભાવ છે અને એના અનેક કિસ્સાઓ પણ મળ્યા છે પણ સૌથી અગત્યની વાત...’ માનસીએ લીડરશિપ કન્ટિન્યુ કરી હતી, ‘જે રીતે અગાઉ મર્ડર થયાં છે એ પૅટર્નમાં કિલરે દરેક વખતે અલગ-અલગ કમ્યુનિટી લીધી છે. જો આ જ તેની પૅટર્ન હોય તો હવેનો ટર્ન કદાચ કૃપા હોઈ શકે... કારણ કે બ્રાહ્મણ કમ્યુનિટી સુધી તે હજી પહોંચ્યો નથી.’
‘બે દિવસના પ્રયાસ પછી જેટલું મૅક્સિમમ ઊભું થઈ શકે એની ટ્રાય કરી છે પણ એનો અર્થ એવો નથી કે આ થિયરી અને આ આખી પ્રોસેસને ફૉલો કરવી. જ્યાં તમને લાગતું હોય ત્યાં તમે તમારી સૂઝબુઝથી આગળ વધી જ શકો છો.’ સોમચંદે વાત પૂરી કરતાં કહ્યું, ‘સિરિયલ કિલરને પકડવાનું કામ ઘાસના ઢગલામાંથી સોયને શોધવા જેવું અઘરું છે અને એટલે એમાં થિયરી અને પૅટર્નને જ ફૉલો કરવી પડે છે. અત્યારે જે પ્રકારે સિરિયલ કિલરે કામ કર્યું છે એ જોતાં આ જ પૅટર્ન પર્ફેક્ટ લાગે છે.’
‘ભૂતકાળમાં જ્યારે પણ સિરિયલ કિલરને પકડવાનું કામ થયું છે ત્યારે પૅટર્ન જ પકડવામાં આવી છે.’ બોલવાનું નહોતું અને એ પછી પણ માનસીએ સોમચંદની અધૂરી વાત પકડી લીધી, ‘વર્ષો પહેલાં સ્ટોનમૅન નામનો જે સિરિયલ કિલર મુંબઈને હેરાન કરી ગયો, તેને પકડવામાં પણ થિયરી જ વાપરવામાં આવી હતી. થિયરી ઇમ્પોર્ટન્ટ છે. આ થિયરી પર કામ કરતાં પહેલાં અમે સાઇકોલૉજિસ્ટની સાથે વાત કરી છે અને સાઇકોલૉજિસ્ટ પણ આ થિયરી અને પૅટર્નને વાજબી ગણે છે.’
lll
‘સોમચંદ અને...’
‘માનસી...’
કમિશનરે માનસી સામે જોયું કે તરત જ સોમચંદે ઓળખ આપી.
‘આપણે તમારી વાતને ફૉલો કરીએ છીએ અને આપણે જે છોકરીઓ છે એના પર પાંચ-પાંચ પોલીસ-ઑફિસર મૂકીએ છીએ.’
‘એ એરિયામાં લેડી કૉન્સ્ટેબલ વધારી દઈએ.’ કમિશનરે માહિતી આપી કે તરત સોમચંદે કહ્યું, ‘ત્યાં સુધી કે જે સોસાયટીઓ આપણે જુદી તારવી છે એ સોસાયટીમાં જેટલો લેડીઝ સ્ટાફ છે એ પણ લેડી કૉન્સ્ટેબલનો કરી નાખીએ.’
‘શક્ય હોય તો સોસાયટીનો દરેકેદરેક ફ્લૅટ આપણે ચેક કરાવીએ અને એ પણ દર બે કલાકે.’ માનસીએ ટાપસી પૂરી, ‘ટ્રાય એવી પણ કરી શકાય કે રાતે દસ પછી આ સોસાયટીના એક પણ ફ્લૅટનો દરવાજો બંધ ન રહે.’
‘એવું ન કરવું જોઈએ.’ પહેલી વાર સોમચંદે માનસીની વાતનો વિરોધ કર્યો હતો, ‘એ પ્રકારની હલચલથી કિલરને પણ શંકા જશે અને તે પોતાનું કામ કરવાનું ટાળશે. બેટર છે કે આપણે તમામ બાબતોમાં અલર્ટ રહીએ અને શક્ય હોય એટલી સહજતા સાથે કામને આગળ વધારીએ.’
‘રાઇટ સોમચંદ.’ કમિશનરે પૂછી લીધું, ‘તમે ગ્રાઉન્ડ પર રહેશોને?’
‘યસ શ્યૉર.’
‘આ બહેન હાજર ન રહે તો ચાલશે.’ કમિશનરે સલાહ આપી, ‘જર્નલિસ્ટ છે, આ બધી ભાગદોડવાળું કામ તેમને નહીં ફાવે.’
સોમચંદે માનસીની સામે જોયું અને માનસીએ નજર નીચે કરી લીધી.
‘સર, માનસીની એક ઇચ્છા છે. આ ઑપરેશનને નામ તે આપે.’
‘વાય નૉટ?’ કમિશનરે માનસીની આંખમાં જોયું, ‘નામ એવું આપો કે ,ઝીલી બધાને સ્ટોર થાય.’
‘ઑપરેશન રાવણ...’
માનસીએ નામ કહ્યું કે તરત કમિશનર અને ઇન્સ્પેક્ટર પાલેકરની આંખમાં ચમક આવી ગઈ. બન્નેએ તરત નામ ફૉર્વર્ડ કરી દીધું અને સોમચંદ-માનસી ત્યાંથી રવાના થયાં. બન્નેએ હજી પાર્લા પહોંચવાનું હતું.
lll
‘સો મિસ્ટર સોમચંદ, તમને મળીને આનંદ થયો.’ રસરાજ રેસ્ટોરાંની બહાર ઊભેલી માનસીએ સોમચંદ સામે હાથ લંબાવ્યો, ‘લાઇફ હશે તો ફરી મળીશું અને ફરી મળીશું તો આવી જ મજા ફરી કરીશું.’
‘જરૂરી નથી ફરી મળવું.’ સોમચંદના ફેસ પર ગંભીરતા હતી, ‘બાય ધ વે, અત્યાર સુધી જે કર્યું એ બદલ થૅન્ક્સ અને હવે પછી કંઈ કરે એના માટે પણ થૅન્ક્સ. ખબર નહોતી કે બે દિવસમાં આવી દોસ્તી થશે.’
‘મને પણ એવું જ હતું... ઑનેસ્ટ્લી એક વાત કહું, તમે દેખાવે બહુ ખડૂસ છો.’ માનસીએ સ્માઇલ સાથે કહ્યું, ‘હા, કામ માટેનું તમારું ડેડિકેશન જબરદસ્ત છે. નો ડાઉટ ઑન ધૅટ... કેટલા દિવસથી સૂતા નથી?’
‘હજી ત્રણ દિવસ નથી સૂવાનો એ નક્કી છે.’
‘હંમ... એક કામ કરીએ મિસ્ટર સોમચંદ,’ માનસીએ અણગમા સાથે સ્પષ્ટતા કરી, ‘એક મિનિટ, હું તમને આ મિસ્ટર સોમચંદ નથી કહેવાની. મિસ્ટર શાહ ઇઝ ગુડ... સોમચંદ બોલું છું ત્યારે હું મારા દાદા સાથે વાત કરતી હોઉં એવી ફીલ આવે છે.’
‘મારા દાદાનું જ નામ છે.’
‘આઇ ડોન્ટ માઇન્ડ મિસ્ટર શાહ,’ માનસીને યાદ આવી ગયું, ‘આપણે એક કામ કરીએ. મન્ડે બપોરે લંચ સાથે લઈએ. લંચ મારા તરફથી...’
સોમચંદ ચૂપ રહ્યા કે તરત માનસીએ તેને હાથ માર્યો.
‘અરે હા પાડી દો, આપણને થોડી ખબર છે મન્ડે સુધી આપણે રહીશું કે નહીં...’
પહેલી વાર સોમચંદની આંખ સહેજ ભીની થઈ. હવે તેને પોતાના પર ગુસ્સો આવતો હતો. જોકે તેણે જાત પર કન્ટ્રોલ કર્યો અને માનસીની પાછળ નજર કરી. ફુટપાથ સાફ કરતો સફાઈ કામદાર એક જગ્યાએ ઝૂકીને ફુટપાથ પર ચીપકી ગયેલી ચ્યુઇંગ ગમ ઉખાડતો હતો.
‘મન્ડેનું નક્કી નહીં પણ હા, તારાં મૅરેજમાં ચોક્કસ આવીશ. પ્રૉમિસ.’ સોમચંદે પૂછી લીધું, ‘મૅરેજ ક્યારે છે તારાં?’
‘મંગળવારે... એટલું પણ યાદ નથી? ઉંહું...’
છણકો કરીને માનસી ત્યાંથી નીકળી ગઈ અને સોમચંદ તેને જોતો રહ્યો. માનસી આ ક્ષણથી હવે કૃપા હતી, કૃપા સંઘવી અને ઓરિજિનલ કૃપા અત્યારે સોમચંદ શાહના ઘરમાં IPLની મૅચ જોતી હતી.
વધુ આવતી કાલે

