Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > The Perfect Cover-Up મર્યા, બચ્યા, મર્યા, બચ્યા, મર્યા, બચ્યા... (પ્રકરણ ૪)

The Perfect Cover-Up મર્યા, બચ્યા, મર્યા, બચ્યા, મર્યા, બચ્યા... (પ્રકરણ ૪)

Published : 28 May, 2026 10:16 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સોમચંદ કૂંડા તરફ આગળ વધ્યા અને પછી એ જ તુલસીના ક્યારા પાસે આવીને ઊભા રહ્યા જેમાં શશીએ કાનજીનો મોબાઇલ દાટ્યો હતો. સોમચંદે ધ્યાનથી જોયું તો એ કૂંડાની માટી તાજી જ પથરાયેલી હોય એવું તેમને લાગ્યું

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘શશીભાઈ, આ લ્યો...’

સુભાષે ઘરમાં આવતાંની સાથે જ થેલી લંબાવી. શશી કંઈ પૂછે એ પહેલાં તો સુભાષે કહી પણ દીધું...



‘એમાં કાનજીકાકાનાં કપડાં છે. એનો નિકાલ કરવાનો છે. રહમાન હવે સાથ આપવા રાજી નથી એટલે આ નિકાલ તમારે કરવો પડશે.’


‘અરે, હું... હું કેવી રીતે એનો નિકાલ કરું?’ શશીના અવાજમાં ધ્રુજારી આવી ગઈ, ‘આ... આ મારે ક્યાં નાખવા જવું?’

‘નાખવા ક્યાંય નથી જવાનું. તમારે આ કપડાંનો ઘરમાં જ નાશ કરી દેવાનો છે.’ સુભાષે પોતાના બુદ્ધિ વાપરી, ‘ઍસિડ નાખીને આપણે ઘરમાં જ કપડાં સળગાવી દઈએ.’


‘શશી, જલદી કર...’ મંગળાબાની આંગળીઓ માળા પર અવિરત ચાલુ હતી, ‘પેલો સોમચંદ ડિટેક્ટિવ હજી હમણાં જ ગયો છે. જલદી આનો નિકાલ કર...’

‘પણ બા...’

અરુણ કંઈ આગળ બોલે એ પહેલાં શશીએ હાથના ઇશારે તેને ચૂપ કર્યો અને ભારતી સામે જોયું.

‘ભારતી, પ્લાસ્ટિકની ડોલ લઈ આવ... અને ઘરમાં ઍસિડ છે.’

હકારમાં ઇશારો કરીને ભારતી તરત બાથરૂમ તરફ ગઈ અને ૧૫ જ સેકન્ડમાં પ્લાસ્ટિકની મોટી ડોલ અને ઍસિડની બે બૉટલ સાથે લિવિંગ રૂમમાં આવી. શશી પણ તરત હરકતમાં આવી ગયો. તેણે થેલી ખોલી, એમાંથી કાનજીનાં કપડાં કાઢ્યાં અને ડોલમાં નાખ્યાં કે તરત ભારતી અને વૈભવીએ ડોલમાં ઍસિડની બૉટલ ખાલી કરી નાખી. ઍસિડે પોતાનું કામ શરૂ કર્યું અને હૉલમાં તેજાબની તીવ્ર ગંધ પ્રસરી ગઈ.

‘બા, કપૂર કરો... જલદી.’

કવર-અપના આ આખરી ડરને કારણે મંગળાબાએ આખા લિવિંગ રૂમ અને રસોડામાં અતિશય તીવ્ર કપૂર, લોબાન અને અગરબત્તીનો ધુમાડો ફેલાવી દીધો તો ઍસિડને વધારે તીવ્ર બનાવવા માટે વૈભવીએ બ્લીચિંગ પાઉડર અને ફિનાઇલ પણ ડોલમાં ઉમેરી દીધાં. આ આખી કેમિકલ પ્રોસેસને લીધે હૉલમાં ધુમાડો પ્રસરી ગયો.

‘ગૅલરી ખોલી નાખ...’

શશીએ અરુણને કહ્યું, પણ તરત ભારતીએ તેને રોક્યો...

‘આપણે આ ડોલ કિચનમાં મૂકી દઈએ.’ ભારતીની વાતમાં તથ્ય હતું, ‘કિચનમાંથી ધુમાડો નીકળશે તો કોઈના ધ્યાનમાં નહીં આવે.’

‘હા ભાભી... કિચનમાં ચીમની પણ છે. એ ચાલુ કરી દઈશું તો ધુમાડો તરત નીકળી જશે...’

વૈભવીએ ડોલ હાથમાં લીધી અને તે કિચનમાં ગઈ કે તરત કિચનમાં ધુમાડો પ્રસરવો શરૂ થઈ ગયો તો સાથોસાથ ઘરના સૌની આંખો પણ બળવાની શરૂ થઈ.

‘વૈભવી-ભારતી, જલદી કરો...’ શશીએ રસોડામાં ડોકિયું કરીને અત્યંત ધીમા અવાજે કહ્યું, ‘મને કંઈક બરાબર નથી લાગતું. સોમચંદની નજર આપણા પર જ છે.’

‘બેટા, બસ આ બધું સાફ થઈ જાય એટલે વાર્તા કાયમ માટે ખતમ.’

મંગળાબાએ ધ્રૂજતા હાથે ડોલ પર પ્લાસ્ટિકનું ઢાંકણું ઢાંક્યું અને બરાબર એ જ સેકન્ડે, કોઈ જ જાતના અવાજ વિના ફ્લૅટનો મેઇન ડોર ધીમેથી ખૂલ્યો. પગરવનો કોઈ અવાજ ન આવ્યો, પણ હવામાં બહારનો અવાજ ઉમેરાયો અને વાતાવરણમાં ભાર પણ પ્રસરી ગયો!

શશીએ પાછળ ફરીને જોયું અને તેના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ. ડિટેક્ટિવ સોમચંદ કોઈ પણ પરવાનગી વગર લિવિંગ રૂમ વટાવીને સીધા રસોડાના ઉંબરા સુધી આવીને ઊભા રહી ગયા હતા! તેમના ચહેરા પર હંમેશની જેમ એ જ ક્રૂર સ્મિત હતું.

‘શશીભાઈ, નમસ્તે...’ સોમચંદે રસોડાની અંદર નજર કરતાં કહ્યું, ‘શું છે, હું જે કેસ હાથમાં લઉં એની ડુપ્લિકેટ ચાવી પહેલાં બનાવી લઉં છું. તમારા ફ્લૅટની પણ બનાવી લીધી છે. એનાથી કામ કરવામાં સરળતા રહે. શું છે, હું વારંવાર ઘરે આવું, ડોરબેલ વગાડું, તમારે ઊભા થઈને દરવાજો ખોલવો પડે... એના કરતાં આ સરળ પડે...’

કાપો તો પણ લોહી ન નીકળે એવી હાલત શશીની થઈ ગઈ હતી.

સોમચંદની આંખો કિચનમાં રહેલી ડોલ પર હતી.

‘શું વાત છે, આજે રસોડામાં બહુ પાવરફુલ કેમિકલની સ્મેલ આવે છેને? આ સ્મેલ અને તમારા ધૂપનો ધુમાડો પૅસેજમાં ફેલાઈ ગયો છે.’ સોમચંદે શશી સામે જોયું, ‘શશીભાઈ, ઘરમાં એવું તે શું સાફ કરો છો જે દુનિયાને બતાવવા જેવું નથી?’

શશી કંઈ જવાબ આપે એ પહેલાં સોમચંદે રસોડામાં પડેલી પ્લાસ્ટિકની એ ડોલ તરફ પગ ઉપાડ્યો અને આખા શાહ પરિવારનો શ્વાસ અધ્ધર થઈ ગયો. જો સોમચંદ એ ડોલનું ઢાંકણું ખોલે તો તરત ભાંડો ફૂટી જાય.

શું કરવું, શું કરવું, શું કરવું?

શાહ પરિવારના દરેકેદરેક સભ્યના મનમાં આ એક જ પ્રશ્ન ચાલતો હતો અને સોમચંદે ડોલ તરફ હાથ લંબાવ્યો.

બીજી જ ક્ષણે અવાજ આવ્યો.

‘એ રહેવા દ્‌યો...’

સોમચંદનો હાથ અટકી ગયો અને તેણે પાછળ ફરીને જોયું. પાછળ મંગળાબા હતાં.

‘એમાં બૈરાના ગાભા ને પૅડ ને એવું બધુંય છે...’

‘ઓહ...’

‘હા, તમે તપાસ માટે આવો એ બરાબર, પણ આમ દરેક જગ્યાએ હાથ નાખતા જવાની આદત ખરાબ...’ મંગળાબાની આંગળીઓ માળા પર ફરતી હતી, ‘બેન-દીકરીઓવાળા ઘરમાં જાઓ તો ત્યાં કેમ રહેવાય એ પણ સમજવું જોઈએ.’

‘સાચી વાત છે બા... હવેથી ધ્યાન રાખીશ.’ સોમચંદે ડોલ ચેક કરવાનું માંડી વાળ્યું, ‘આવો આપણે બહાર બેસીએ...’

ભલે સોમચંદ બહાર નીકળતા હોય પણ તેમનું નાક એ જગ્યાએ રહેલી ગંધને પારખવાનું કામ કરતું હતું. ઊંડા શ્વાસ લઈ બદબૂને છાતીમાં ભરતા સોમચંદને જોઈને શશી-અરુણના ધબકારા વધવા માંડ્યા હતા. આ ધબકારાને જેટ ઝડપ આપવાનું કામ ત્યાર પછી ફરી એક અવાજે કર્યું.

lll

‘પતી ગયુંને બધું....’

બાથરૂમમાંથી બહાર હૉલમાં આવતાંની સાથે જ સુભાષના પગ થંભી ગયા. સામે લિવિંગ રૂમમાં ડિટેક્ટિવ સોમચંદ બેઠા હતા. બન્ને એકબીજાને ઓળખતા હતા.

‘આવો સુભાષબાબુ...’ સોમચંદે ઊભા થઈને સુભાષ સામે હાથ લંબાવ્યો, ‘તમે અહીં જ છો એની મને ખબર નહોતી.’

‘હું તો... હું તો...’

ગેંગેં-ફેંફેં થતા સુભાષની મદદે શશી આવ્યો.

‘આ તો બાપુજીના જૂના હિસાબ માટે આવ્યો હતો.’

‘હં...’ સોમચંદે સુભાષની સામે જોયું, ‘કાલ બપોરથી કાનજીભાઈ, તારા કાકા ગુમ છે. પોલીસ કહે છે કે કાનજીભાઈ છેલ્લે તને મળ્યા હતા. સાચું છે?’

સુભાષના પગ ધ્રૂજવા લાગ્યા. તે સોમચંદની સામે હાથ જોડીને બેસી ગયો.

‘સાહેબ, હું... હું બધું સાચું કહી દેવા માગું છું... કાલે બપોરે...’

જો સુભાષ હવે વધુ એક પણ શબ્દ બોલે તો કાનજીના મોતથી લઈને તેની લાશના નિકાલ સુધીની વાત ખુલ્લી પડી જાય એમ હતી અને જો એવું બને તો મંગળાબા...

શશીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સુભાષને અધવચ્ચે જ અટકાવી દીધો. તેણે સુભાષના ખભા પર મજબૂતાઈથી હાથ મૂક્યો અને સોમચંદ સામે જોઈને વાતનો ટ્રૅક બદલી નાખ્યો.

‘સોમચંદભાઈ, હું તમને બધી વાત કરું. કાનજીભાઈ મુંબઈના બહુ મોટા અન્ડરવર્લ્ડ હવાલા સ્કૅમ સાથે જોડાયેલા હતા!’ શશીએ અત્યંત ગંભીર ચહેરો કરીને કહ્યું. ‘કાલે કાનજીભાઈ અમારે ત્યાં આવ્યા ત્યારે તેમણે અમને ધમકી આપી કે બાપુજીના જૂના ટ્રસ્ટના નામે અન્ડરવર્લ્ડના કરોડો રૂપિયા દુબઈ મોકલવાના છે. કાનજીભાઈ પોતે જ એ આખા સ્કૅમના માસ્ટરમાઇન્ડ હતા અને પોતાના પાર્ટનર્સને છેતરીને બધો પૈસો લઈને ભાગી જવાની ફિરાકમાં હતા. સુભાષને બીક છે કે કાનજીભાઈના ગુંડાઓ કાકાની સાથે તેને પણ પતાવી દેશે!’

શશીની આ નવી ગૂંચવણભરી ચાલ સાંભળીને સુભાષ પણ ચૂપ થઈ ગયો.

શશીએ બુદ્ધિપૂર્વક આખી વાતને અન્ડરવર્લ્ડ અને હવાલા કૌભાંડ તરફ વાળી દીધી હતી, જેથી કાનજીના ગાયબ થવા પાછળ ગૅન્ગવૉર કે તેના દુશ્મનો આંખ સામે આવે.

‘તમે વાત કે પછી વાર્તા સારી લાવ્યા; પણ એ ભૂલી ગયા કે ડિટેક્ટિવ સોમચંદને વાર્તાઓમાં નહીં, વાસ્તવિક પુરાવામાં જ રસ પડે છે.’ સોમચંદ સોફા પરથી ઊભા થયા, ‘ઠીક છે, આ તમારી અન્ડરવર્લ્ડની કે પછી અંદર ડોલમાં રહેલા પૅડની વાત વચ્ચે હું તમારો વધુ સમય નહીં લઉં; પણ હા, મારી તપાસ પૂરી થઈ ગઈ એવું નહીં માનતા. આ તપાસ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કાનજી મળે નહીં. કાનજી કે પછી કાનજીની લાશ...’

સોમચંદ લિફ્ટ તરફ જવા બહાર નીકળ્યા. શશી, અરુણ અને સુભાષ પણ તેમને વળાવવા લિફ્ટ પાસે આવ્યા. સોમચંદ લિફ્ટનો દરવાજો ખૂલે એની રાહ જોતા ઊભા હતા ત્યાં અચાનક તેની નજર શાહ ફૅમિલીના ફ્લૅટની બરાબર સામે રાખેલાં પ્લાન્ટ્સનાં કૂંડાંઓ પર પડી.

‘આ પ્લાન્ટ્સ...’

‘વૈભવી, તેને ગાર્ડનિંગનો બહુ શોખ છે.’

‘હં...’

સોમચંદે ફરી નજર એ પ્લાન્ટ્સ પર કરી અને એ જ સમયે લિફ્ટ આવીને ફ્લોર પર ઊભી રહી.

‘સાહેબ, લિફ્ટ આવી ગઈ...’

‘મને ભગાડવાની તને બહુ ઉતાવળ છે!’ સુભાષ સામે નજર કર્યા વિના જ સોમચંદ પ્લાન્ટ્સનાં કૂંડાંઓ તરફ આગળ વધ્યા અને શશીનું બ્લડપ્રેશર ચારસોની બૉર્ડર તોડીને બહાર નીકળી ગયું.

lll

‘બધું બરાબર પણ ભાઈ, કાનજીનો મોબાઇલ સાથે રાખવામાં જોખમ છે.’

‘પણ હવે તો એ સ્વિચ્ડ-ઑફ છે...’ શશીએ દલીલ કરી હતી, ‘આ મોબાઇલમાંથી કદાચ કોઈ ડેટા મળી જાય, જે આપણને ભવિષ્યમાં કામ લાગે.’

‘હા પણ, મને થાય છે કે અત્યારે તો આપણે એ સાથે ન જ રાખવો જોઈએ.’ અરુણે ફરી દલીલ કરી, ‘હું તો કહું છું કે આપણે એ કાનજીના કાંદિવલીના ઘરે જ પાછો મૂકી આવવો જોઈએ...’

‘ના, મને ડાઉટ છે કે પેલો

જેનો ફોન આવ્યો તે ડિટેક્ટિવ સોમચંદ આપણા પર નજર રાખતો હશે... કાનજીના ઘરે પાછા જવામાં જોખમ છે.’

‘આઇડિયા...’ અરુણના ચહેરા પર ચમક આવી ગઈ, ‘શશીભાઈ, આપણે કાનજીનો મોબાઇલ આ કૂંડામાં સંતાડી દઈએ. જરૂર પડે ત્યારે એ કાઢી લઈશું.’

‘હં... બેસ્ટ છે.’

શશીએ કાનજીનો મોબાઇલ દાટી દીધો અને પછી એના પર ફરીથી તુલસીક્યારો રોપી પણ દીધો.

lll

સોમચંદ કૂંડા તરફ આગળ વધ્યા અને પછી એ જ તુલસીના ક્યારા પાસે આવીને ઊભા રહ્યા જેમાં શશીએ કાનજીનો મોબાઇલ દાટ્યો હતો. સોમચંદે ધ્યાનથી જોયું તો એ કૂંડાની માટી તાજી જ પથરાયેલી હોય એવું તેમને લાગ્યું. તેમણે બાજુમાં પડેલી લાકડી કૂંડામાં સહેજ અંદર નાખી. લાકડીને મળેલા કડક સ્પર્શથી સોમચંદના ચહેરા પર સ્માઇલ આવ્યું અને સ્માઇલ સાથે જ તેણે શશીની સામે જોયું. શશીની નજર કૂંડામાં રહેલી લાકડીના છેડા પર હતી. શશી પરથી નજર હટાવ્યા વિના જ સોમચંદ કૂંડા પાસે ઘૂંટણભેર બેસી ગયા અને તેમણે હાથથી માટી હટાવવાની શરૂ કરી. એકાદ ઇંચ માટી કાઢતાં અંદરથી પ્લાસ્ટિકની એક નાની કોથળી બહાર આવી. સોમચંદે કોથળી ખોલી તો અંદરથી કાળા રંગનો એ જ ફોન નીકળ્યો જે કાનજીનો હતો!

શશીના પગ નીચેથી જમીન સરકી ગઈ. અરુણના મોઢામાંથી ચીસ નીકળતાં માંડ રહી ગઈ. પુરાવો તુલસીના કૂંડામાંથી સીધો સોમચંદના હાથમાં આવ્યો હતો.

સોમચંદે ફોન ખિસ્સામાં મૂકીને શશી સામે જોયું. તેમની આંખોમાં હવે કડપ હતો.

‘શશીભાઈ... કાનજીભાઈનો ફોન તમારા ઘરના કૂંડામાંથી મળ્યો! હવે અન્ડરવર્લ્ડની વાર્તા કામ નહીં આવે. કાનજી દુબઈ ભાગી ગયો કે કાયમ માટે શાંત થઈ ગયો એનો જવાબ બહુ જલદી આ ફ્લૅટમાંથી મળશે.’

સોમચંદ લિફ્ટમાં રવાના થયા અને શશી, અરુણ અને સુભાષ એકબીજાના ચહેરા જોતા રહી ગયા. ધ પર્ફેક્ટ કવર-અપના આખા પ્લાનમાં બહુ મોટું ગાબડું પડી ગયું હતું.

(આવતી કાલે સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 10:16 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK