Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > The Perfect Doubt : સો ટકા એવું જ બન્યું છે! (પ્રકરણ ૫)

The Perfect Doubt : સો ટકા એવું જ બન્યું છે! (પ્રકરણ ૫)

Published : 02 October, 2026 05:05 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘દેવેન, હું તમને કહું કે એ રાત્રે શું બન્યું હતું?’ સોમચંદે વાર્તાકાર બનીને આખી ઘટના નરેટ કરવાની શરૂ કરી, ‘સોમવારે રાતે ૧૨ વાગ્યે તમે મીરાને ઝેર આપવા નહોતા ગયા. મીરા છેલ્લા એક મહિનાથી અસહ્ય પેઇનમાં હતી.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘મિસ્ટર દેવેન, આ વરસાદમાં બ્રો-કોડ જેવી રાહત બીજું કોઈ ન આપી શકે...’
પરિચિત, શાંત અને વજનદાર અવાજ સાંભળીને દેવેન સહેજ પણ ચોંક્યા નહીં. તેણે ધીમેથી પાછળ ફરીને જોયું. પાછળ ડિટેક્ટિવ સોમચંદ ઊભા હતા. તેના હાથ બિઅર અને વાઇનના મિક્સચરમાંથી બનતી બ્રો-કોડની બે બૉટલ હતી. સોમચંદના ચહેરા પર કડકાઈ નહોતી; પણ હા, એ ચહેરા પર પ્રશ્નો અઢળક હતા.
દેવેને એક ક્ષણ સોમચંદની આંખોમાં જોયું અને પછી કશું કહ્યા વિના બ્રો-કોડની બૉટલ હાથમાં લીધી.
ચિલ્ડ બ્રો-કોડનો પહેલો ઘૂંટ ગળા નીચે ઉતાર્યો એટલે તરત દેવેનેની અન્નનળીમાં દાવાનળ જેવી આગ લાગી અને દેવેન બીજા ઘૂંટમાં આખી બૉટલ પેટમાં ઠાલવી ગયો. એક પણ શબ્દની આપ-લે વિના સોમચંદે બીજી બૉટલ સાથે હાથ લંબાવ્યો અને દેવેને એ બૉટલ હાથમાં લઈને એમાંથી ફરી એક ઘૂંટ લીધો.
‘સોમચંદ, કોર્ટનો ચુકાદો આવી ગયો છે. પ્રોસિક્યુશન હારી ગયું છે. જસ્ટિસ દેશમુખે મને શંકાનો લાભ આપીને છોડી દીધો છે... હવે તમે અહીં શું કામ આવ્યા છો?’
‘આખી વાત સમજવા... વાતના દરેક ચોકઠાને એના સ્થાન પર ગોઠવવા...’ સોમચંદે દેવેનની બાજુમાં બેઠક લીધી, ‘મિસ્ટર સંઘવી, મારા કરતાં તમને વધારે ખબર છે. કોર્ટ પેપર, પ્રૂફ અને કલમો પર ચાલે છે; પણ મારું મન પુરાવા કરતાં તમારી સાઇકી પર વધારે ચાલે છે. કોર્ટે માની લીધું કે ગુનો સાબિત નથી થતો એટલે તમને દોષમુક્ત જાહેર કરી દીધા; પણ દેવેન, આઇ નો.... તમે નિર્દોષ નથી...’
દેવેને ઝાટકા સાથે સોમચંદની સામે જોયું અને સોમચંદને વાત પૂરી કરી.
‘તમે એ શંકાના સર્જક છો...’
દેવેનના હાથમાં રહેલી બ્રો-કોડની બૉટલ સહેજ ધ્રૂજી, પણ આંખો સ્થિર રહી.
સોમચંદે ખિસ્સામાંથી ફૉરેન્સિક ફિંગરપ્રિન્ટ્સનો રિપોર્ટ કાઢ્યો, જે તેણે કોર્ટમાં ઍડ્વોકેટ સુહાસ પાટીલને આપ્યો નહોતો.
‘દેવેન, તમે કોર્ટમાં પર્ફેક્ટ વાત કરી. ગ્લાસમાં મૉર્ફીન નહોતું, ગ્લાસમાં ORS પાઉડર હતો અને એ વાત ૧૦૦ ટકા સાચી પણ હતી.’ સોમચંદે દેવેન સામે જોયું, ‘સવાલ એ છે કે જો ગ્લાસમાં ઝેર નહોતું તો પછી મીરાના પેટમાં મૉર્ફીન અને એ પણ જીવ નીકળી જાય એટલી ઘાતક માત્રા પહોંચ્યું કેવી રીતે? અને જે દવાનાં ખાલી પાઉચ ડસ્ટબિનમાંથી મળ્યાં એના પર તમારાં નહીં, માત્ર મીરાના જમણા હાથની આંગળીઓનાં નિશાન કેમ?’
દેવેનનું મૌન વધુ ઘેરાયું. 
વરસાદનું એક ટીપું તેના ગાલ પરથી સરકીને હોઠ સુધી પહોંચ્યું.
‘દેવેન, હું તમને કહું કે એ રાત્રે શું બન્યું હતું?’ સોમચંદે વાર્તાકાર બનીને આખી ઘટના નરેટ કરવાની શરૂ કરી, ‘સોમવારે રાતે ૧૨ વાગ્યે તમે મીરાને ઝેર આપવા નહોતા ગયા. મીરા છેલ્લા એક મહિનાથી અસહ્ય પેઇનમાં હતી. ડૉક્ટર ત્રિવેદી પાસેથી તેને ખબર પડી ગઈ હતી કે તેની પાસે માંડ દસ-પંદર દિવસ છે. તે ઇમોશનલ, તમને અથાગ પ્રેમ કરતી લેડીને ખબર પડી ગઈ હતી કે તેની પાછળ તમે તમારી બધી પ્રૉપર્ટી હોમી દીધી છે, તમે કરોડો રૂપિયાનાં દેવાંમાં છો. મીરા તમારા પર બોજ બનવાની નહોતી માગતી એટલે તમે આવો એ પહેલાં મીરાએ પોતાના હાથે એ મૉર્ફીનનું આખું પાઉચ પોતાના મોંમાં ઠાલવી દીધું હતું અને ઉપર ઘૂંટ પાણી પી લીધું.’
દેવેનની આંખો ફરીથી ભીની 
થવા લાગી.
‘તમે ORSનો ગ્લાસ લઈને રૂમમાં ગયા, રૂમ બંધ કર્યો...’ સોમચંદે વાત આગળ વધારી, ‘તમે જોયું કે મીરા ખાટલા પર તરફડી રહી છે. તેના મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યાં હતાં અને ખાલી પાઉચ જમીન પર બેડ પાસે પડ્યું હતું. તમને બધું સમજાઈ ગયું અને તમે દોડીને તેની પાસે પહોંચી ગયા. તમે ઍમ્બ્યુલન્સ બોલાવવા ફોન ઉપાડ્યો... નંબર ડાયલ કર્યો, પણ મીરાએ પોતાના ધ્રૂજતા હાથે તમારો હાથ પકડી લીધો. છેલ્લા શ્વાસે તમને તેણે રોક્યા. તેણે પોતાની જાતે જ મોત પસંદ કરી લીધું હતું!’
દેવેન સંઘવીના ગળામાંથી ડૂસકું નીકળી ગયું. તેણે આંખો મીંચી દીધી. સોમચંદનો એક-એક શબ્દ એ સત્યને હૂબહૂ જીવંત કરતો હતો.
‘બીજું કોઈ હોત તો એ રાતે પત્નીને ગુમાવીને ચીસો પાડત, પોલીસને બોલાવત અને કહી દેત કે મારી પત્નીએ પીડાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી.’ સોમચંદે કહ્યું, ‘પણ દેવેન સંઘવી, મુંબઈની સેશન્સ કોર્ટના તેજતર્રાર ઍડ્વોકેટ. તમે બીજી જ સેકન્ડે આઘાત વચ્ચે પણ જેટ સ્પીડે ફ્યુચર જોઈ લીધું.’
દેવેને ધીમેથી માથું ઊંચું કર્યું. 
તેની આંખોમાં પીડાની સાથે અકળ સ્વીકૃતિ હતી.
‘તમને ખબર હતી કે જો આ મોત આત્મહત્યા જાહેર થાય તો મીરાના નામે લેવાયેલી પચીસ કરોડની પૉલિસીનો ક્લોઝ 14-B બી સક્રિય થઈ જાય. જો સુસાઇડ સાબિત થાય તો ઇન્શ્યૉરન્સ કંપની ક્લેમ ન આપે. વ્યાજખોરો તમારું ઘર હરાજી કરી નાખે, તમે રોડ પર આવી જાઓ અને મીરાનું આ બલિદાન સાવ વેસ્ટ જાય...’ સોમચંદે કહ્યું, ‘મીરાએ માત્ર પેઇનને લીધે નહીં, તેણે તમને બચાવવા માટે મોત સ્વીકાર્યું હતું અને એ સિચુએશનમાં જો તમે કંગાળ થઈ જાઓ તો મીરાના આત્માનું સૌથી મોટું અપમાન હોત.’
સોમચંદે દેવેનની આંખોમાં સીધું જોયું.
‘તમે એ બંધ રૂમમાં એવો માસ્ટરપ્લાન ઘડ્યો જેની કલ્પના કોઈ સામાન્ય ગુનેગાર કરી ન શકે. તમને પૉલિસીનો બીજો નિયમ યાદ હતો. જો મોત અકુરદતી રીતે એટલે કે મર્ડરથી થયું હોય તો કંપનીએ પૂરેપૂરા પચીસ કરોડ ચૂકવવા પડે. પણ હત્યા કોણ કરે? બહારનો કોઈ દુશ્મન તો હતો નહીં એટલે તમે કાયદાના આખા તંત્ર સામે એક જોખમી જુગાર રમ્યો, તમે શંકાની સોય જાણીજોઈને પોતાના તરફ વાળી લીધી...’
દેવેનના ચહેરા પર એક આછું, પીડાદાયક સ્માઇલ આવી ગયું અને સોમચંદે તકનો લાભ લઈ લીધો.
‘અહીંથી અમુક કડીઓ મને મળતી નથી અને એટલે જ હું તમારી પાસે આવ્યો છું.’
‘તમને જે કડી નથી મળતી એ પૈકીની પહેલી કડી છે મોતનો ટાઇમિંગ...’ દેવેને નિખાલસતા સાથે કહ્યું, ‘કોર્ટ પૂરી કરીને હું સાંજે ૭ વાગ્યે ઘરે પહોંચ્યો અને સાંજે ૭ વાગ્યે જ મીરાએ સુસાઇડ કરી લીધું હતું. ઘટના આખી એમ જ બની જે તમે નરેટ કરી, પણ મીરાનો જીવ ૭ વાગી નીકળી ગયો હતો... અને એ પછી મેં મારા મનથી પ્લાન ડિઝાઇન કરવાનો શરૂ કર્યો.’
‘જેમ કે તમે કેમિસ્ટ પાસે જાતે ગયા, CCTV કૅમેરા સામે ઊભા રહ્યા.’ 
સોમચંદે વાત પૂરી કરી કે દેવેન વાત આગળ વધારી.
‘મને કોઈ એવું જોઈતું હતું જે નોટિસ કરે કે હું પાણીમાં પાઉડર ઓગાળું છું. કાંતાબહેન ઘરમાં જ રહે છે અને તેનો રોજિંદો નિયમ છે કે રાતે ૧૨ વાગ્યે તે છેલ્લી વાર કિચનમાં જાય. ૧૨ વાગ્યા એટલે હું કિચનમાં પહોંચી ગયો. મારી ધારણા સાચી હતી. એ જ સમયે કાંતાબહેન આવી ગયાં અને તેણે મને સફેદ પાઉડર ઓગાળતો જોયો.’
‘એ પછી તમે ડાયરીમાં શંકા ઊભી કરી...’ સોમચંદે વાત કન્ટિન્યુ કરી, ‘તમે મીરાની ડાયરીનાં છેલ્લાં પાનાં એવી રીતે ફાડ્યાં કે નીચે પેન્સિલની છાપ રહી જાય, જેથી પોલીસ એને ડીકોડ કરે અને તમારા પર જ હત્યાનો શક કન્ફર્મ થાય.’ 
‘રાઇટ... અને તમે એ જ કર્યું?’
‘પણ તમે કેમ આ કર્યું?’ સોમચંદ સવાલ પર આવ્યો, ‘તમે પોતાની જાતને આરોપી બનાવડાવી, પોતાની ધરપકડ કરાવી. શા માટે? તમે શું કામ મર્ડરર બનવા માગતા હતા?’ 
‘કારણ કે મને ખબર હતી કે દોષી સાબિત કરવા માટે બિયોન્ડ રીઝનેબલ ડાઉટ જોઈએ.’
‘ઓહ ગૉડ...’ સોમચંદની આંખો પહોળી થઈ, ‘તમે પુરાવા એવા બનાવ્યા હતા જે પહેલી નજરે મર્ડર દેખાડે પણ કોર્ટમાં એ ઊભા ન રહે. ગ્લાસમાં ઝેર નહોતું, કાંતાબેને દવા આપતાં તમને જોયા નહોતા અને પાઉચ પર તમારી ફિંગરપ્રિન્ટ્સ હતી જ નહીં. તમને ખબર હતી કે પોલીસ તમને પકડશે, ચાર્જશીટમાં મોતને મર્ડર તરીકે નોંધશે... પણ કોર્ટમાં તમે તમારી જ દલીલોથી બેનિફિટ ઑફ ડાઉટ મેળવીને દોષમુક્ત પુરવાર થશો.’
‘યસ...’ દેવેન સંઘવીએ જવાબ આપ્યો, ‘કાયદાની નજરે મીરાનું મોત સુસાઇડ રહ્યું નહીં અને નૉર્મલ ડેથ પણ રહ્યું નહીં. હવે મીરાનો કેસ એક વણઉકેલાયેલી શંકાસ્પદ હત્યા બની ગઈ. કોર્ટે મને દોષમુક્ત કરી દીધો છે એટલે હવે ઇન્શ્યૉરન્સ કંપની આત્મહત્યાનો દાવો નહીં કરી શકે. નૉર્મલ ડેથ ગણાશે નહીં એટલે ઍક્સિડેન્ટલ ડેથ તરીકે પૂરેપૂરા પચીસ કરોડ રૂપિયાનો ક્લેમ પાસ કરશે.’
‘જેનાથી તમારું દેવું ભરાશે... જે મીરાની ઇચ્છા હતી.’
મીરાના નામના ઉલ્લેખ સાથે હવા અટકી ગઈ હોય એવો સન્નાટો પ્રસરી ગયો. અરબી સમુદ્રનું પાણી કઠેડા સાથે અથડાઈને છાંટા ઉડાડીને પાછું ફરી ગયું.
દેવેન સંઘવીના હાથમાંથી બ્રો-કોડની બૉટલ છૂટી ગઈ. તેની આંખો ફરી એક વાર ભીની થઈ ગઈ.
‘સોમચંદ...’ દેવેનનો અવાજ તરડાયો, ‘તમને બધી જ ખબર હતી... તમે પહેલા દિવસથી આખી રમત સમજી ગયા હતા... તમે જાણતા હતા કે આત્મહત્યાને હત્યાનું રૂપ આપવામાં આવ્યું છે... તો પછી કોર્ટમાં કેમ મને ખુલ્લો પાડ્યો નહીં? ફૉરેન્સિક રિપોર્ટ સુહાસ પાટીલને કેમ આપ્યો નહીં? તમે ધાર્યું હોત તો મને ફાંસી કરાવી શક્યા હોત, પણ એમ છતાં...’
સોમચંદે દેવેનની સામે જોયું. 
સોમચંદની આંખોમાં કરુણા અને આદર છલકાતાં હતાં.
‘દેવેન, મનમાં તો એ જ હતું કે હું બધું ખુલ્લું કરી નાખું, પણ સાચું કહું...’ સોમચંદે શાંત સ્વરે કહ્યું, ‘દિલ એવું કરવાની ના પાડતું હતું. દેવેન, કાયદો પુરાવા જુએ અને ન્યાય સત્ય જુએ છે; પણ ઉપર બેઠેલો ભગવાન માણસનું હૃદય જુએ છે. લૉ મુજબ કહું તો તમે ઇન્શ્યૉરન્સ કંપની સાથે છેતરપિંડી કરી, પુરાવા સાથે છેડછાડ કરી... પણ મારી નજરે તમે આરોપી નથી.’
સોમચંદે દેવેનના ધ્રૂજતા ખભા પર મક્કમતાથી હાથ મૂક્યો.
‘ડૉક્ટર ત્રિવેદી પાસેથી તમારી અને મીરાની આખી વાત સાંભળી ત્યારે મારા મનમાં એક જ વાત આવી કે મીરાએ પોતાના જીવનનો અંત એટલા માટે નહોતો લાવ્યો કે તેને જીવવું ગમતું નહોતું; તેણે જીવ એટલા માટે આપ્યો કે તે તમને બરબાદ થતા જોઈ શકતી નહોતી. એ એક પત્નીનું પોતાના પતિ માટેનું સર્વોચ્ચ બલિદાન હતું. અને તમે... તમે તેમના ગયા પછી પૈસાની લાલચમાં નહીં પણ તે સ્ત્રીના અંતિમ બલિદાનને નકામું ન જવા દેવા માટે પોતાની જાતને મોત અને બદનામીના કિનારે મૂકી દીધી. યુ આર ક્વાએટ ઇન્ટેલિજન્ટ ઍન્ડ સ્માર્ટ. તમને ખબર હતી કે જો તમારી આ આખી ગેમની એક પણ ચાલ ઊંધી પડી તો તમને આજીવન કેદ કે ફાંસી થઈ શકી હોત. પોતાની જાતને ફાંસીના માંચડા પર મૂકી દેવી એ કોઈ લોભી કે સ્વાર્થી ક્યારેય કરી ન શકે. બસ, એ ત્યારે જ થઈ શકે જ્યારે માણસમાં સાચો પ્રેમી જીવતો હોય.’
સોમચંદનો અવાજ સહેજ ભીનો થયો.
‘દેવેન, જો મેં કોર્ટમાં સત્ય કહી દીધું હોત તો કાયદો ખુશ થાત, સુહાસ પાટીલ કેસ જીતી જાત; પણ મીરાનો આત્મા કાયમ માટે દુખી થયો હોત. જે સ્ત્રીએ પોતાના પ્રેમને બચાવવા માટે જીવ આપી દીધો હોય તેના મોતના કારણે તમે જેલમાં સડો, રસ્તા પર આવી જાઓ... એવો ન્યાય મને જોઈતો નહોતો. મારે તમારા અને મીરાના એ પવિત્ર પ્રેમને કાયદાની કલમો નીચે કચડવો નહોતો એટલે મેં રિપોર્ટ રોકી રાખ્યો. મેં કોર્ટને એ જ જોવા દીધું જે તમે બતાવવા માગતા હતા.’
સોમચંદના આ અંતિમ શબ્દો સાથે દેવેન ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો.
‘રડો નહીં મિસ્ટર દેવેન સંઘવી, પ્રાઉડ ફીલ કરો કે તમને આટલો પ્રેમ કરનારી વ્યક્તિ મળી અને પ્રાઉડ મીરા પણ કરશે કે તેના બલિદાન સામે આ સ્તર પર જોખમ લેનારો તેને જીવનસાથી મળ્યો.’
સોમચંદે સ્મિત સાથે દેવેનના જોડાયેલા હાથ પોતાના હાથમાં લીધા અને ધીમેથી દબાવ્યા.
‘દેવેન, હવે ફન્ડ આવશે એટલે દેવું ચૂકવાઈ જશે, પણ મીરાના પ્રેમનું ઋણ તમે ક્યારેય નહીં ચૂકવી શકો. હવે તેમના આત્માની શાંતિ માટે જીવજો. કોઈ ગરીબ અને લાચાર દરદીઓને મદદ કરજો... એ જ મીરાને આપેલી સાચી અંજલિ હશે.’ સોમચંદે દેવેન સામે હાથ જોડ્યા, ‘આજે ગાંધી જંયતી છે. ગાંધીબાપુ સત્યનો સાથ આપવાનું કહેતા, પણ સાથોસાથ પ્રેમ અને કરુણાને પણ એટલું જ પ્રાધાન્ય આપતા. મેં તમારા કેસમાં એ જ પ્રેમ અને કરુણાને સાથ આપ્યો છે.’
વરસતા વરસાદ વચ્ચે સોમચંદ નીકળી ગયા અને દેવેન સંઘવી સોમચંદની પીઠ જોતા રહ્યા.

(સમાપ્ત)


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 05:05 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK