અનુરાગની સમજનું ઊંડાણ સ્પર્શી ગયેલું. ઉત્સવ તો આખા ઘટનાક્રમથી વાકેફ હોય જ. પછી એક દિવાળીએ અનુરાગને વેડછાના ઘરે લઈ ગઈ, મમ્મી-પપ્પાના આશીર્વાદ મળ્યા... જીવનમાં કેટલો આનંદ-કિલ્લોલ હતો, પણ પછી અમેરિકા આવવાનું બન્યું અને...
ઇલસ્ટ્રેશન
અમેરિકાના કાયદા વિશે તમે શું જાણો છો, અહીંની કેટલી લીગલ પ્રોસીજર તમને ખબર છે?
‘અમેરિકાના રાષ્ટ્રપતિનો નિર્ણય: ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં આવશે!’
ઍટ્લાન્ટાના સ્મરણા વિલેજના અપાર્ટમેન્ટના ભાડાની રૂમના સરનામે આવતા ગુજરાતી પેપરનું મથાળું વાંચી ખુશ થવું કે હેરાન?
મૌનવીને સમજાયું નહીં. શ્રીમાન ગુડવિલ રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી આમેય ગેરકાયદે અમેરિકામાં વસેલાઓ ફફડાટમાં જીવે છે એમાં હવે આ સત્તાવાર જાહેરાત. મે બી, અનુરાગ પાસે આનું લેટેસ્ટ અપડેટ હશે. સાંજે તે આવે ત્યારે વાત.
પેપર બાજુએ મૂકી મૌનવી પાર્લરની જૉબ પર જવા તૈયાર થવા માંડી. આ તેમનું રૂટીન હતું. સવારે ગૅસ-સ્ટેશનની જૉબ પર જતો અનુરાગ અનુજને સ્કૂલ ડ્રૉપ કરતો જાય એના કલાકમાં પોતે કામ પર જવા નીકળે. રિટર્નમાં પોતે અનુજને લઈને આવે એના બે-ત્રણ કલાક બાદ અનુરાગ ઘરે પહોંચે. મોટા ભાગે તે ઓવરટાઇમ કરતો જ હોય છે. પરિવારને પોષવાની ખુમારી ને ખુદ્દારી કોઈ અનુરાગ પાસેથી શીખે...
મુગ્ધ થતી મૌનવી પ્રણયગાથા વાગોળી રહી:
કૉલેજમાં અનુરાગ તેનાથી બે વર્ષ સિનિયર. ભણવામાં અવ્વલ અને પાછો એટલો સીધો કે કૉલેજમાં કાં ક્લાસમાં જોવા મળે કે પછી લાઇબ્રેરીમાં બેઠો હોય. સાદા પૅન્ટ-શર્ટમાંય તે કૉલેજનો મોસ્ટ હૅન્ડસમ બૉય નહીં, મૅન કહેવો પડે એવો પૌરુષસભર લાગે.
તેના પેરન્ટ્સ નથી, મામાના આશરે ઊછર્યો છે પણ હવે ખુદ પાર્ટટાઇમ ટ્યુશન્સ આપીને કૉલેજ કરે છે એટલું જાણ્યા પછી રસ જાગ્યો: ત્યારે તો જુવાન ખુદ્દાર છે!
પછી તો તે સામો મળે ત્યારે મૌનવી સ્મિત ફરકાવે, હાય-હલો કરે પણ તે તો સહેજ શરમાઈને, વધુ સંકોચાઈને આગળ વધી જાય.
ખરો છે! મારા જેવી રૂપવતી સામેથી બોલાવે તો મોંઘો થાય છે!
જાણે-અજાણે તે અનુરાગના વિચારોમાં ગુલતાન રહેવા લાગી. આવામાં એક દિવસ અનુરાગ શાકમાર્કેટમાં ભટકાઈ ગયો.
ખરેખર તો હૉસ્ટેલની કૅન્ટીનનું ખાઈને કંટાળેલી મૌનવી પોતે કશુંક સ્પાઇસી બનાવવાના મૂડમાં ખરીદીએ આવી હતી, ત્યાં બકાલી પાસે અનુરાગને દીઠો. બેચાર પળ તો તેણે તાલ જોયા કર્યો. વિવિધ સબ્જીનો પથારો પાથરી બેઠેલો શાકવાળો કહે એ ભાવે, એ આપે એવું શાક લઈ લેતા અનુરાગને જોઈ કોણ જાણે કેમ તેનાથી ન રહેવાયું.
‘એય! લૂંટવા બેઠો છે?’
નજીક જઈ તેણે સીધો ઘા કરતાં શાકવાળો ચોંક્યો. અનુરાગ ડઘાયો.
રકઝક કરી મૌનવીએ સો રૂપિયાનો ફાયદો કરાવ્યો ને કોથમીર-આદું-મરચાં મફત લીધાં એ લટકામાં!
‘તમારાં મિસિસ બહુ જબરાં છે.’ છૂટા પૈસા ધરતાં શાકવાળાએ ટકોર કરી. અનુરાગ ફોડ પાડવા જતો હતો કે મૌનવીએ તેનો હાથ પકડી ખેંચ્યો.
‘હવે ચાલોને. તેને સફાઈ દેવાની તમારે જરૂર નથી.’
અનુરાગ હળવું મલક્યો. ‘તમે સાચે જ બહુ જબરાં છો.’
એવો જ મૌનવીએ તેનો હાથ છોડ્યો, મોં જરા ભારેખમ કર્યું. ‘તમારા સો રૂપિયા બચાવવાનો શિરપાવ તમે આવો આપો છો?’
‘હેં? ના...ના..’ અનુરાગ મૂંઝાયો, ગૂંચવાયો. એવો તો મીઠડો લાગ્યો! મૌનવી મનમાં જ હસી.
‘બીજું કોઈ હોત તો સામેની કૉફી શૉપમાં લઈ જઈ કૉફી પીવડાવત.’
‘અફકોર્સ, કૉફી તો પીવી જ જોઈએ.’
કૉફી આવી ત્યાં સુધીમાં તેણે અનુરાગને બોલતો કરી દીધો. તેની ખુદ્દારી પડઘાઈ. ફ્યુચર પ્લાન્સ નક્કર લાગ્યા. હવે વધુ વિચારવું નહોતું. કૉફીનું બિલ ચૂકવી બેઉ બહાર નીકળ્યાં કે મૌનવીએ કહી દીધું, ‘મારું વાક્ય પતે એટલે મારો હાથ પકડી તમે મને ‘આઇ લવ યુ’ નથી કહેતા અનુરાગ તો હું માની લઈશ કે તમે ગે છો.’
એવા જ હક્કાબક્કા થતાં અનુરાગે હાથ પકડી કહી નાખ્યું - આઇ લવ યુ!
મૌનવીના ચહેરા પર રતાશ છવાઈ. શું થઈ રહ્યું છે એ અનુરાગને હવે સમજાયું. હળવેથી એણે મૌનવીનો હાથના અંકોડા ભીડ્યા.
‘હવે તમે લેસ્બિયન નથી એ પુરવાર કરવા મને કિસ કરવાનો પ્રસ્તાવ ન મૂકતાં મૌનવી, નહીંતર...’
મૌનવીએ પરાણે આંખો ઊંચકી: નહીં તો શું?
‘નહીં તો હું સાચે જ તારા અધરોને ચૂમી લઈશ..’
એનો પહેલી વારનો તુંકારો ને એમાં પૌરુષનો ઝબકારો... વિના ચુંબને તેણે પોતાને ચૂમી લીધી હોય એવી લજાઈ હતી મૌનવી. પછી જાણ્યું કે પોતે તેના રૂદિયે તો હતી જ!
‘મને હતું પહેલાં તને લાયક બનું, પછી તારો હાથ માગું.’
અનુરાગની સમજનું ઊંડાણ સ્પર્શી ગયેલું. ઉત્સવ તો આખા ઘટનાક્રમથી વાકેફ હોય જ. પછી એક દિવાળીએ અનુરાગને વેડછાના ઘરે લઈ ગઈ, મમ્મી-પપ્પાના આશીર્વાદ મળ્યા... જીવનમાં કેટલો આનંદ-કિલ્લોલ હતો, પણ પછી અમેરિકા આવવાનું બન્યું અને...
મૌનવીએ નિઃશ્વાસ ખાળ્યો.
અનુરાગના કલીગ નયનભાઈએ ચીંધેલા મુંબઈના એજન્ટ ધનસુખલાલ દ્વારા ફાઇલ-વીઝાનું કામકાજ ફટાફટ પત્યું. ન્યુ યૉર્કની ફ્લાઇટ પકડી ત્યારે સૌ કેટલાં ખુશ હતાં! કેનેડી ઍરપોર્ટ પર ઇમિગ્રેશનમાં બહુ ઝીણવટભરી પૂછપરછ થઈ પણ એજન્ટે સમજાવી રાખેલું એમ જવાબ દેતાં ગયાં એટલે અમેરિકામાં પ્રવેશ તો મળી ગયો...
હરખભેર ઍરપોર્ટની બહાર નીકળ્યાં ત્યારે વાત થયા મુજબ એજન્ટનો આદમી રિસીવ કરવા આવ્યો નહોતો. તેનો ફોન લાગતો નહોતો. ન્યુ યૉર્કમાં કોઈ સગુવહાલુંય નહીં! સાવ જ અજાણ્યા દેશમાં જવું ક્યાં?
નયનભાઈ!
‘તમે ચોવીસ કલાક મોડા પડ્યા, અનુરાગ...’
નયનભાઈને કૉલ કરતાં તે ઍરપોર્ટ રિસીવ કરવા આવી પહોંચ્યા પણ કાર હંકારી તેમણે આપેલા ખબર મોંકાણના નીકળ્યા.
‘આપણો એજન્ટ અહીંની કંપનીના જે આદમીને સાધી નોકરી-વીઝાના કાગળિયા મેળવતો તેને કંપનીએ પાણીચું આપ્યું. તેણે આદરેલી ગેરરીતિ કોઈના ધ્યાનમાં આવી હશે. એટલે હવે પોલીસ સઘન તપાસ કરી રહી છે.’
મતલબ કાગળ પરની નોકરી ખરેખર હતી જ નહીં? આવો ફ્રૉડ?
‘આઇ નો, તમે મારા ભરોસે આવ્યા પણ ગઈ કાલના ફણગાએ એજન્ટના બધા માણસો અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે...’
નયનભાઈ ગમે તેમ તોય જૉબમાં લાગી ચૂક્યા હતા. એ અર્થમાં તેમને વાંધો નહોતો.
‘આપણે પણ ગુમનામીમાં ભટકવાની આવશ્યકતા નથી, અનુરાગ...’ મૌનવીની ખબરદારી બોલી ઊઠી, ’જે કેસની પોલીસ તપાસ કરી જ રહી છે એના વિટનેસ બની જઈએ. જેટલું આપણે જાણીએ છીએ એટલું કહી દઈએ.’
‘ફાઇન. એટલે પછી ખોટા દસ્તાવેજના આધારે અમેરિકામાં પ્રવેશવા બદલ પોલીસ તમને જ અરેસ્ટ કરશે, ખટલો ચાલશે, જેલ થશે.’ નયનભાઈના શબ્દોમાં કટાક્ષ હતો, પીડા હતી. ‘અમેરિકાના કાયદા વિશે તમે શું જાણો છો? અહીંની કેટલી લીગલ પ્રોસીજર તમને ખબર છે?’
સાંભળીને મૌનવી જેવી મૌનવી પણ ઢીલી પડી ગઈ.
‘નયનભાઈ, આ બધામાં પડવા કરતાં બીજી ટિકિટ લઈ ઇન્ડિયા પાછાં ફરાય એવું નથી?’
‘બધું વેચીસાટીને તમે આવ્યાં છો. ધોયેલા મૂળાની જેમ ઇન્ડિયા જઈને કરશો શું? અહીંથી નીકળવું એટલું આસાન નથી મૌનવી, આખરે તમે ફ્રૉડથી અમેરિકામાં પ્રવેશ્યાં છો એ ન ભૂલીશ.’
‘પણ તો પછી અમારે કરવું શું, નયનભાઈ?’ અનુરાગે આવેશમાં કારના ડેસ્ક બોર્ડ પર મુઠ્ઠી પછાડી.
એવી જ નયનભાઈએ કારને બ્રેક મારી.
‘સામે બસમથક છે. એનાથી બીજી ગલીમાં રેલવે સ્ટેશન છે. ન્યુ જર્સીના કોઈ પણ પરગણામાં જતાં રહો કે પછી ટ્રેન દ્વારા અમેરિકાના અંતરિયાળ એરિયામાં મૂવ થઈ જાઓ.’ તેમણે ખભા ઉલાળ્યા. ‘અમેરિકામાં દર વર્ષે હજારોની સંખ્યામાં ઇલ્લીગલ ઇમિગ્રન્ટ આવતા હોય છે અને આમ જ ડિસ્પર્સ થઈ જતા હોય છે. ઍન્ડ બિલીવ મી, કોઈ જાતની તકલીફ વિના રહેતા હોય છે. બસ, પોલીસના ચોપડે ચડે એવું કામ કરવાથી દૂર રહેવું.’
નયનભાઈથી છૂટા પડી ન્યુ જર્સીની બસ પકડી, સાથે થોડી મૂડી હતી એટલે નિર્વાહનો પ્રશ્ન નહોતો. છ માસ જર્સી સિટીથી અંતરિયાળ આવેલા ગામમાં રહી ઍટ્લાન્ટાની વાટ પકડી લીધી...
અને સ્મરણા અમને ફળ્યું. ગૅસ-સ્ટેશનની નોકરી અનુરાગના ક્વૉલિફિકેશનને લાયક ન જ ગણાય, પણ ગેરકાયદે રહેનારાને આવી વરણાગી કેમ પરવડે? તેની સાથે મેં પાર્લરમાં જૉબ મેળવી, અનુરાગના ગુજરાતી ઓનરની ભલામણથી અનુજને સ્કૂલમાં દાખલો મળી ગયો, ભાડાનું આ ઘર લીધું....
વેડછાના ઘરે ફ્રૉડની બહુ પછીથી, ઍટ્લાન્ટામાં આવ્યા પછી જાણ કરેલી. ત્યાં સુધી એ લોકોને એવા જ ભ્રમમાં રાખેલા કે અમે અહીં સુખરૂપ સેટ થઈ ગયાં છીએ! ખરા ખબર જાણી ઉત્સવ ડઘાયેલો, મમ્મી-પપ્પા ફફડી ગયેલાં. શાલિની પૂછી બેઠેલી - એટલે દીદી, તમે હવે ક્યારેય ઇન્ડિયા નહીં આવવાનાં?
-ખબર નહીં, મને ત્યારે જ કશુંક ખટકેલું. શાલિનીના પ્રશ્નમાં કુતૂહલ હતું, ઉત્તેજના હતી; પણ ચિંતા કે આઘાત કેમ વર્તાયા નહીં?
હશે. જવાબમાં મેં સ્મિત ઉપજાવ્યું હતું - પ્રાર્થના કર કે આપણી જુદાઈનો બહુ જલદી અંત આવે!
પછીથી લગભગ દર વીક-એન્ડમાં ઘરે વાતો થતી. મમ્મી-પપ્પાને ઉચાટ રહે, પણ ઉત્સવ અલકમલકના ગામગપાટા મારી હળવાશ આણી દે. જ્યારે ધીરે-ધીરે શાલિની અળગી થતી હોય એવું લાગતું. વિડિયો કૉલમાં ક્યારેક દૂરથી ‘હાય’ કરી દે કે પછી ‘જુઓને આ અંશુ મને છોડતો નથી’ કહી દીકરાના બહાને દૂર જતી રહે. મા-પપ્પાને તેમના સ્વભાવવશ આમાં કશું ગલત ન લાગે, ઉત્સવના ધ્યાનમાંય ન આવે પણ મને તો એનો ખટકો રહેતો.
પણ પછી ક્યારેક તે સામેથી ફોન જોડી નિરાંતવા જીવે ગપ્પાં મારે ત્યારે જૂનો ખટકો ઓસરી જાય: હું અમસ્તી જ તેના પર વહેમાઉં છું. અને શાલિનીમાં વહેમાવા જેવું હોય તો પણ ચિંતાનું કારણ નથી, કેમ કે તેનાં સાવિત્રીમા સૂઝવાળાં છે, દીકરીને ભટકવા દે એવાં નથી.
દરમ્યાન ઉત્સવે વિઝિટર્સ વીઝા માટે બહુ ટ્રાય કરી પણ મેળ ન પડ્યો. એટલાં વળી નસીબ સારાં કે આ વર્ષો અહીં કે ત્યાં ગંભીર માંદગી કે ઇમર્જન્સી નથી આવી.
બાકી તો પપ્પા-મમ્મીની સંબંધોના ચોપડાના જમા-ઉધારની શીખે અહીં પણ આત્મીય સંબંધો બંધાયા છે. ગૅસ-સ્ટેશનના ઓનર મિત્તલભાઈ અનુરાગને આખો બિઝનેસ સોંપી વેકેશન માણી આવે છે. મારા પાર્લરની કલીગ ત્રીસેક વર્ષની ક્રિસ્ટિના સંસારમાં એકલી છે, અહીંથી ત્રીજી જ વિલામાં ભાડે રહે છે. તેનો ફિયાન્સે લૅરી ક્રાઇમ બ્રાન્ચમાં ઊંચી પાયરીએ છે. વચમાં ક્રિસ્ટિનાને ટાઇફૉઇડ થતાં પોતે તેની સંભાળ રાખી ત્યાર પછી તે અમારા સંસારમા ફૅમિલીની જેમ ભળી ગઈ છે. અમારું ઇલ્લીગલ સ્ટેટસ તેનાથી છૂપું નથી, પણ તેણે જોકે લૅરીને કહ્યું પણ નથી. ખોટો તેને ફરજની દ્વિધામાં શું કામ મૂકવો!
આવામાં નવા પ્રમુખે સત્તા સંભાળતાં ફફડાટ વ્યાપ્યો છે. ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું જાહેર વચન તેમના મૅનિફેસ્ટોમાં હતું અને સત્તારૂઢ થતાં જ આ વિશેના આદેશ જાહેર થતાં માથે તલવાર જેવી લટકતી થઈ ગઈ છે. આજના સમાચાર મુજબ ગેરકાયદે રહેનારા ઝડપાયા પછી અહીંની સરકાર જે-તે દેશમાં રવાના કરે તો એ તક ઝડપી લેવી?
આ વિશે અનુરાગ જ વધુ કહી શકે... મૌનવીએ વિચારમેળો સમેટ્યો: હવે સાંજે વાત.
lll
‘આમાં એક જ અડચણ છે...’ સાંજે ડિનર દરમ્યાન પતિ-પત્ની વચ્ચે ચર્ચા ચાલી. અનુરાગની તારવણી સ્પષ્ટ હતી, ‘ગુડવિલના આદેશ પછી ભારત સરકારે જાહેર કરી દીધું છે કે પરત થનારા લોકો પર કોઈ કેસ નહીં થાય... પણ ત્યાં આપણું જે હતું એ વેચીને અહીં આવ્યાં છીએ અને દેશનિકાલ થયો તો આ વર્ષોમાં અહીં પરસેવો પાડી જે જમા મૂડી ભેગી કરી છે એ તો લઈ નહીં જ જવા દેવાય, ઑબ્વિયસલી. એ સંજોગોમાં ફરી એકડો ઘૂંટવાની તૈયારી રાખવાની...’
મૌનવીએ ડોક ધુણાવી : તમે છો અનુરાગ તો કોઈ સંઘર્ષ સંઘર્ષ નથી.
‘બસ, તો આપણા ઘરના તો ત્યાં જ છે, એ જમા પાસું જ ભારત પાછાં ફરવા માટે પૂરતું નથી?’
જવાબમાં મૌનવી પતિને વળગી પડી.
lll
‘ડૅડ.. મૉમ.. શાલુ!’ મૌનવીનો ફોન મૂકી ઉત્સવ દીવાનખંડમાં દોડી ગયો, ‘દીદી-જિજુ ભારત પાછાં ફરી રહ્યાં છે!’
હેં! સાંભળીને માબાપ હરખાયાં, પણ ઉત્સવની બૂમે રસોડામાંથી દોડી આવતી શાલિની થીજી ગઈ.
ADVERTISEMENT
(ક્રમશ:)

