મૌનવીને અનુરાગજીજુ જોડે પહેલી વાર રેસ્ટોરાંમાં રૂબરૂ થવાનું બન્યું ત્યારે શાલિની સાચે જ નર્વસ હતી
ઇલસ્ટ્રેશન
દીકરી-જમાઈ-દોહિત્ર પરદેશથી આવી રહ્યાં છે!
ઉત્સવે આપેલા ખબરે માવતરની આંખ છલકાવી દીધી.
ADVERTISEMENT
‘મારી હમણાં જ દીદી-જીજુ જોડે વાત થઈ.’
બેઠક લેતાં ઉત્સવે વાત માંડી,
‘તેમના કહેવા પ્રમાણે અને આપણે સોશ્યલ મીડિયામાં વાંચીએ છીએ એ મુજબ અમેરિકામાં ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સ માટે સાચે જ પરિસ્થિતિ ગંભીર છે. પોલીસના ડરથી લોકો અન્ડરગ્રાઉન્ડ થઈ રહ્યા છે. નોકરીધંધો છોડી અરે, બાળકોની સ્કૂલ છોડાવી અંતરધ્યાન બની રહ્યા છે. એ જ આશાએ કે બેચાર મહિનામાં પ્રેસિડન્ટનો ઊભરો થાળે પડશે ને ફરી બધું પૂર્વવત બનશે તો ક્યારેક તો અમેરિકાના નાગરિકત્વનો માર્ગ મોકળો બનશે.’
‘હાય હાય ખરા છે લોકો.’ ઉષાબહેનથી બોલી જવાયું. ‘આટઆટલું બને છે તોય પરદેશનો મોહ છૂટતો નથી?’
‘પરદેશનો નહીં, ડૉલરનો મોહ કહો મા.’ ખુશખબરની કળ વળતાં શાલિનીએ મમરો મૂક્યો. ‘કંઈ એ વિના અનુરાગજીજુ જેવા ઠરેલ બધું વેચીસાટી US ગયા?’
વહુ ક્યારેક આવું બોલી જાય ત્યારે ઉષાબહેનને સમજાતું નહીં કે તે તરફેણમાં બોલે છે કે પછી ટલ્લા ફોડી રહી છે? ગૂંચવાતા મનને તે જ સમજાવી દેતાં - વહુને અમારી ચિંતા-કાળજી જ હોય, નાહક કોઈ વિશે ખોટું શું કામ ધામવું! અમૂલખભાઈ તો સાસુ-વહુમાં આમેય પડતા નહીં. પણ ઉત્સવ હાજર હોય તો ચોખવટ માગ્યા વિના રહે નહીં. અત્યારે પણ તેણે પત્નીને નજરથી ટપારી,
‘જીજુ ડૉલરથી લલચાઈને ગયા એવું તું કહી જ કેમ શકે શાલુ?’
(લ્યો બોલ્યા જીજુના વહાલેસરી!
શાલિનીને એવી તો દાઝ ચડી.
ના, ઉત્સવને તે ચાહતી. બૅન્કમાં કામકાજે આવતો જુવાન બહુ જલદી હૈયે ઘર કરી ગયો એમાં તેનું બૅન્ક-બૅલૅન્સ કારણભૂત નહોતું. ઉત્સવનો સ્વભાવ-સંસ્કાર પરખાતા ગયા એમ આપોઆપ તે રૂદિયે વસતો ગયો. ખરેખર તો તે એટલી સીધી લાઇનનો હતો કે ગમતા જુવાનને શાલિનીએ પ્રેમમાં પાડવો પડ્યો!
ઉત્સવ બૅન્કનાં પગથિયાં ચડતો દેખાય કે અલર્ટ થતી શાલિની સામેથી તેનું ધ્યાન ખેંચે: હલો મિ. ઉત્સવ! આજે શું કામ લાવ્યા છો? કહી તેને એક્ઝિક્યુટિવલી ટ્રીટ કરે. ના, તેનું કામ પતાવવાની ઉતાવળ તો બિલકુલ ન હોય. બલકે ક્લિયરિંગમાં મોડું કરી તે ઉત્સવને પાસે બેસાડી રાખે, તેને ગમતાં લતાનાં ગીતો, ક્રિકેટની વાતો ઉખેળે.
પછી તો ઉત્સવ ખૂબ ખીલે. શાલિની મુગ્ધપણે તેને સાંભળી રહે. અને તેની વાતોમાં બીજું કોઈ હોય કે ન હોય, તેનાં મૌનવીદીદીનો ઉલ્લેખ જરૂર હોવાનો. અનુરાગજીજુ માટેનો તેનો ભાવ પણ છૂપો નહોતો.
‘તેમના પ્રેમપ્રકરણનો પહેલો સાક્ષી હું છું.’
કહી ગળું ફુલાવતા ઉત્સવને શાલિનીએ બહુ નજાકતથી પૂછેલું - તમને કોઈ જોડે હજી સુધી પ્રેમ નથી થયો?
એ એક પ્રશ્ન.... એ પ્રશ્ન પૂછવાની ઢબ... પ્રશ્ન પૂછીને નજર ઢાળી દેવાની એ અદા. ઉત્સવને ઠેઠ ત્યારે બત્તી થઈ!
‘તું આમ પૂછ છે ત્યારે મને સ્ટ્રાઇક થાય છે શાલિની કે હું બૅન્કમાં આવું ને તું રજા પર હોય તો આખો દિવસ મને કેમ નથી ગમતું.’ સાંભળીને શાલિનીનું હૈયું એવું તો ધડકી ગયેલું: આખરે પ્રીત મહોરી!
બસ, પછી તો પ્રણય ગાડી પુરપાટ દોડી.
એમાંય પોતાની આદર્શ, માનીતી મૌનવી દીદીથી ઉત્સવે પ્રણયભેદ છુપાવ્યો છે એ શાલિનીને પ્રણયથીય વધુ મધુરું લાગતું. ઉત્સવ તો ઘણી વાર કહેતો કે બહેનને કહી દઉં, તું તેની કસોટીમાં પાસ તો થઈ જ જઈશ, કહેવામાં મોડું કરીશું તો તે ઊલટી મને વઢશે... પણ પોતે તેને વારતી, નૅચરલી. એમ વળી મોટાબહેનથી આટલું શાનું બીવાનું! એ વળી કોણ આવી મને પાસ કરવાવાળી! અરે વરબૈરી રાજી તો ક્યા કરેગી બહેનજી!
અલબત્ત, આવું સીધું તો કહેવાય નહીં એટલે જુદી રીતે પિયુને ભોળવતી: થોડો વખત જવા દો, મૌનવીદીદીને મળવામાત્રની કલ્પનાથી મને ધ્રુજારી ચડે છે. હું તેમની પસંદમાં પાર ઊતરવાનો આત્મવિશ્વાસ કેળવાય પછી જ કહેવાનું
રાખજો, પ્લીઝ!
અને ઉત્સવ માનીય જતો. શાલિની મનમાં જ મલકતી : અમારો પ્રણયભેદ દીદીને ક્યારે કહેવો એ હું જ નક્કી કરીશ... તમારી લાઇફમાં, આપણા સંસારમાં ધાર્યું તો મારું જ થવાનું ઉત્સવ!
આવી ગાંઠ વાળનારીએ જોકે પોતાની મા કે ભાઈથી પ્રણય છુપાવ્યો નહોતો.
મનોહર પપ્પાના અવસાન પછી સાવિત્રીમાએ બે સંતાનોને ઉછેર્યાં એમાં જોકે આર્થિક સંઘર્ષ નહોતો. નવસારીમાં બૅન્કની નોકરી શાલિની શોખ ખાતર કરતી. નાનો ભાઈ વિરાજ દીદીનો કહ્યાગરો હતો અને બહેનના હૈયે ભાઈનું હિત સો ટચનું હતું એટલે ભાઈબહેનના મામલામાં સાવિત્રીમા બહુ વચ્ચે પડતાંય નહીં.
શાલિની રૂપાળી તો હતી જ, તેનામાં વાત-વહેવારનો સૂઝકો પણ હતો. બૅન્કની નોકરીમાં પણ તે ઘડાઈ હતી. પ્રણયમાં પણ તેણે આંધળૂકિયું ન જ કર્યું હોય એની માને ખાતરી હતી. એમ એક ભેદ પણ માએ તરત તારવેલો: અહીં તું મોટી છે શાલુ, વળી પાછું પિયર, એટલે તું તારું ધાર્યું કરવા ટેવાયેલી છે. સાસરે આવું નહીં હોય. ત્યાં સાસુ-સસરા હશે, નણંદ મોટી છે - એટલે તારે બીજાના કહ્યામાં રહેવું પડશે એની તૈયારી રાખજે... અને સંસાર બે જણનો હોય કે બાર જણનો, ગૃહિણી મન મોટું રાખે તો જ સચવાતો હોય છે. માનું આ સૂત્ર યાદ રાખજે. તારાં સંસ્કાર-કેળવણી પર આંગળી ન ઊઠે એ જોજે...
મા જાણે અરીસામાં જોતી હોય એમ પોતાનું અંતર વાંચી ગઈ! આવામાં મા કે ભાઈને સંસારમાં પોતાનું ધાર્યું કરવાનો અભરખો દર્શાવાય એમ જ નહોતો પણ એમ તો શાલિની નિર્ધારની પાક્કી હતી.
પ્રણયના વરસેકમાં ઉત્સવે મૌનવી ગર્ભવતી હોવાના ખબર દેતાં શાલિનીએ તક જોઈ. તે ઊલટભેર દીદીના ખૈરખબર પૂછતી રહેતી, ઉત્સવને સમજાવતી : દીદીની સુવાવડ આપણે ત્યાં થશે, બાળકના નામકરણના ફંક્શનમાં મારે હાજર રહેવું છે. એ માટે હવે તમારે ઘરે આપણી વાત કરી દેવી જોઈએ. ના, દીદીને આ હાલતમાં ન કહેશો. જીજુને તો કહો તો?
મૌનવીને ભાઈને પરણાવવાનાં ગમે એટલાં અરમાન હોય, ભાઈ પ્રેમમાં છે એવા ખબર તેને તો બીજા દ્વારા જ જાણવા મળ્યાને! એમ છે ત્યારે!
છતાં મૌનવીને અનુરાગજીજુ જોડે પહેલી વાર રેસ્ટોરાંમાં રૂબરૂ થવાનું બન્યું ત્યારે શાલિની સાચે જ નર્વસ હતી. મૌનવી વિશે સાંભળેલું એવી જ તે તેજસ્વી અને ખબરદાર લાગી. સામાને પ્રભાવિત કરી દે એવું તેનું વ્યક્તિત્વ હતું. તેણે જોકે ભાઈની ખુશીમાં ખુશી જતાવી એથી હાશકારો થયેલો. અનુરાગજીજુ સરળ, આનંદી લાગેલા.
ઉત્સવને બીજી ચાવી ભાણિયાના જન્મ પર આપી : દીદીની સુવાવડ આપણે કરી તો ભાણિયાનું નામ પાડવાનો હક તમને જ હોયને. મને અનુજ નામ ગમે છે, તમનેય
ગમ્યુંને? પણ દીદી તમને ગમતું નામ રાખવા દેશે?
શું કામ રાખવા દે? બાળકનું નામ ફોઈ નક્કી કરતી એ જમાના ગયા, હવે તો મા-બાપે જ નામ વિચારી રાખ્યું હોય છે. એ હિસાબે દીદી ઉત્સવનું નામ સ્વીકારશે જ નહીં. અને ધારો કે સ્વીકારે તો એ વાતનો આનંદ લેવાનો કે ગૃહપ્રવેશ પહેલાં જ મારી મનમરજીને સ્વીકૃતિ મળી ગઈ!
અનુજ નામ સ્વીકારાયું. નામકરણે ઉત્સવના પેરન્ટ્સની આશિષ પણ મળી. હવે બાજી સાચવીને ખેલવાની હતી. ઉત્સવ સંપૂર્ણપણે મારા કાબૂમાં આવી ન જાય ત્યાં સુધી પત્તાં ખોલવાનાં નહોતાં. એ માટે તો પ્રેગ્નન્સી પણ જલદી કન્સીવ કરી, કેમ કે સંતાનને કારણે ઉત્સવ અમારાથી વધુ બંધાયેલા રહેવાના.
અને અંશના જન્મ સાથે દીદી-જીજુનું અમેરિકા જવાનું ગોઠવાઈ ગયું. એ હિસાબે મારે દીદી વગેરે સાથે ઝાઝું રહેવા-હળવાનું બન્યું નથી - એવો મને અભરખોય નહોતો, બાય ધ વે - તેમની વિદાયવેળા હું ભલે સાચુંખોટું રડી હોઉં, બાકી મનમાં તો હાશકારો છવાયેલો. અમેરિકા જનારા વરસે પાંચ-દસ દહાડા માટે મહેમાનની જેમ આવશે તેમને તો સાચવી લેવાય, દૂર રહ્યે દીદી અમારા સંસારમાં શું ચંચુપાત કરી શકવાનાં.
પણ એવુંય ન બન્યું. એજન્ટ ફ્રૉડ નીકળતાં છ-છ વર્ષથી તેઓ ઇન્ડિયા આવી નથી શક્યાં.
‘તમે હવે ક્યારેય ઇન્ડિયા નહીં આવી શકો?’ શરૂના ફોન પર પોતાનાથી પુછાઈ ગયેલું એમાં ફડકો કે ચિંતા નહોતાં એવું દીદીને પરખાયું પણ હોય તો મારી બલાથી. ધીમે-ધીમે પોતે ફોન પર વાતો કરવાનીય ઓછી કરી, ઉત્સવને કહેતી કે દીદીને આમ જોઈ મારો તો જીવ કપાય છે! ને તે માનીય લેતો બોલો! એમ ક્યારેક ઉત્સવને રાજી કરવા દીદી સાથે લાંબી ગોઠડી કરી લેતી. આખરે મારા મનમાં શું છે એ તો દીદીનેય પરખાવું ન જોઈએ!
હળવે-હળવે તેણે ઘરનાં સૂત્રો પણ હસ્તક કરવા માંડેલાં. તે ધારે ત્યારે અંશની સોંપણી સાસુને કરી તેમને રસોડામાંથી બહાર કાઢે ને એ ધારે ત્યારે અંશનો હવાલો પોતે લઈ ઉષાબહેનને કચરાપોતું કરવાનું કહી દે. અમૂલખભાઈ ઘરના મામલામાં બોલતા નહીં, આળાંભોળાં ઉષાબહેનને વહુની રમત પરખાતી નહીં. એનો તો શાલિની પૂરેપૂરો ફાયદો ઉઠાવતી. મંદિરના ઓટલે કે સગાંસ્નેહીના મેળાવડામાં સાસુની હાજરીમાં જ તે લાગ જોઈને સોગઠી મારતી - અમારાં મૌનવીદીદી જ જુઓને. આટલાં હોશિયાર, કેવાં ખબરદાર તોય અમેરિકાની લાલસામાં ભેરવાઈ પડ્યાંને!
મા તો બોલી નથી શકતાં, પણ ભઈલો આજેય બહેનના બચાવમાં કૂદી પડે છે! શાલિનીને એ ખટકતું, પણ બહેન છે તો સાત સમંતર પાર જને, વિચારી મન મનાવી લેતી. એમાં હવે તેના પાછા ફરવાના ખબર આવતાં પોતાનું આધિપત્ય જોખમાતું હોય એવું લાગ્યું. ઉત્સવ પણ કેવા વાઘ જેવા થાય છે.
ઊંડો શ્વાસ લઈ શાલિનીએ છણકો કર્યો.
‘તમારી આગળ તો બોલવું જ નક્કામું.’
જોરથી હાથ જોડી તે ધમધમ રસોડામાં ગઈ.
‘આને શું થયું!’ ઉત્સવ બબડ્યો.
અમૂલખભાઈ-ઉષાબહેનની નજર મળી. વહુની અમુકતમુક હરકતો ખટકતી, પૂરી સમજાતીય નહીં. પણ તે દીકરી-જમાઈના પુનરાગમનનો હરખેય ન જતાવી શકે એ ચિંતાજનક તો જરૂર ગણાય!
ત્યાં તો વહુ જ રસોડામાંથી આવી ડાઇનિંગ ટેબલ પર પોતું મારવા લાગી, ‘દીદી-જીજુ આવવાનાં એના ઉમંગમાં તમે એક વાત ભૂલો છો.’
ખરેખર તો રસોડામાં શાલિનીને આ બાબતનો ઝબકારો થતાં તે પાકું કરવા જ બહાર આવી હતી,
‘તમે કહો છો એમ દીદીની ફ્રેન્ડ ક્રિસ્ટિનાના ક્રાઇમ બ્રાન્ચમાં ઊંચી પોસ્ટ પર કામ કરતા ફિયાન્સ હેગમૅનની મદદથી એ લોકો પરત થવાનું ગોઠવી રહ્યા છે પણ અમેરિકાથી દેશનિકાલ થયા તો પણ ગુડવિલ કાંઈ એક ડૉલર સાથે લાવવા નથી દેવાની. તેમની જમા મૂડી જે કોઈ હોય એ ત્યાં જ મૂકીને આવવાનું થશે. અહીં તેમણે કશું રાખ્યું નથી. અહીં આવીને એ લોકો કરશે શું? અહીં પેટ્રોલ પમ્પ પર કામ કરનારને કેટલો રોજ મળે છે એ કહેવાની જરૂર છે? એના કરતાં તો બેચાર મહિના એ લોકો ત્યાં છુપાયેલા રહી સમય સાચવી લે એમાં સમજદારી છે.’
એવો જ ઉત્સવ ખુરશી હડસેલી ઊભો થઈ ગયો.
‘આર યુ આઉટ ઑફ યૉર માઇન્ડ? તેમની રાહમાં અમારી આંખો તરસી ગઈ ને તું? તને એ જ ચિંતા છેને કે એ લોકો અહીં આવી શું કરશે? તો સાંભળ, તેમણે કંઈ જ કરવાની જરૂર નથી.’
મતલબ... શાલિનીને ધ્રાસકો પડ્યો. પોતે ધારતી હતી એવું જ કંઈક ઉત્સવ બોલવાનો.
‘સારું થયું શાલુએ આ મુદ્દો ઉખેળ્યો પપ્પા! દીદી-જીજુ સ્વમાની છે. આપણી સાથે વધુ નહીં જ રહે. એમ તેમને નિર્વાહની તકલીફ ન થાય એ માટે વકીલને મળી તમે આપણી મિલકત-મૂડીનો અડધો હિસ્સો દીદીના નામે કરી દો.’
સાંભળીને શાલિની થીજી ગઈ.
(વધુ આવતી કાલે)

