પાર્થને સરસમજાના સપનામાં કોઈએ અચાનક પાણીની ડોલ રેડી દીધી હોય એવું લાગ્યું. તે નાછૂટકે ફ્લાઇટ પકડીને ધસી આવ્યો
ઇલસ્ટ્રેશન
પાર્થની જિંદગી માત્ર મખમલી જ નહીં પણ ‘વેલ્વેટી’ અને ‘શાઇની’ બની ગઈ હતી. તેનું પાંચ ગીતોનું આલબમ સુપરહિટ થઈ ગયા પછી તે સિન્ગિંગ-સુપરસ્ટાર બની ગયો હતો. મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર અને ગોવા પછી તેની મ્યુઝિકલ નાઇટ્સના શો ઇંગ્લૅન્ડ, અમેરિકા અને કૅનેડામાં પણ થવા લાગ્યા હતા.
પાર્થ સતત રાયસિંઘાણિયાને કહેતો હતો, ‘મારી વેલ્વેટને કોઈ વાતની કમી ન રહેવી જોઈએ. સાલી પબ્લિક માત્ર મને સાંભળવા નથી આવતી, એ વેલ્વેટના મખમલી બદનને જોવા પણ આવે છે!’
ADVERTISEMENT
આ તરફ સોને પે સુહાગા કહેવાય એવી એક ઘટના બની હતી. નગમા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. પાર્થ રાજુને અવારનવાર મેસેજ કરતો હતો :
‘મારા અનઑફિશ્યલ સાળા, મારી નગમાની બરાબર સંભાળ રાખજે કારણ કે એ જ તો મારી ટ્યુનોની લાઇવ ફૅક્ટરી છે...’
નગમાની ખુશીનો પાર નહોતો! તેને દર ચોથે-પાંચમે દહાડે કોઈ નવી ધૂન, નવી તર્જ, નવી બંદિશ સૂઝી જતી હતી. એને તરત જ રેકૉર્ડ કરીને તે રાજુ થકી પાર્થને ઑડિયો ફાઇલ મોકલી દેતી હતી.
પણ ધીમે-ધીમે પાર્થનું ઘરે આવવાનું ઓછું થતું ગયું. લંડનમાં મખમલ સાથે મોડી રાત સુધી લાઇવ શો કર્યા પછી દારૂના નશામાં આંખો ચોળતાં તે નગમા આગળ ફોનમાં લવારો કરતો:
‘હું ચોર છું. હું બહુ ખુદગર્જ છું. નગમા, તું કેટલી સારી છે... હું તો નકલચી છું, નકલચી! અસલી ફનકાર તો તુમ હી હો મેરી જાન!’
જવાબમાં નગમા હસીને કંઈ કહેતી તો પાર્થ વાતને ઉડાવી દેતો. આમ કરતાં-કરતાં મહિનાઓ વીતતા રહ્યા. એક દિવસ રાજુનો અર્જન્ટ ફોન આવ્યો:
‘પાર્થ, નગમાભાભીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યાં છે.
ડૉક્ટરો કહે છે કે ગર્ભાશયમાં કૉમ્પ્લીકેશન્સ છે. કાં તો બાળક બચી શકશે કાં તો નગમાભાભી. તું જલદી અહીં આવી જા.’
પાર્થને સરસમજાના સપનામાં કોઈએ અચાનક પાણીની ડોલ રેડી દીધી હોય એવું લાગ્યું. તે નાછૂટકે ફ્લાઇટ પકડીને ધસી આવ્યો, પણ બહુ મોડું થઈ ગયું હતું...
lll
રાજુએ માતમના સમાચાર આપતાં કહ્યું ‘પાર્થ, ડૉક્ટરો નગમાભાભીને ન બચાવી શક્યા. પણ હા, નગમાભાભીએ મરતાં પહેલાં આ ડિજિટલ રેકૉર્ડરમાં તારા માટે કંઈ મેસેજ મૂક્યો છે.’
પાર્થ સ્તબ્ધ હતો. આટલી ઝડપથી આટલું બધું બની જશે એની તેને કલ્પના સુધ્ધાં નહોતી. તેણે રાજુના હાથમાંથી રેકૉર્ડર લીધું.
કંઈ બોલ્યા વિના તે હૉસ્પિટલના ધાબા પર જતો રહ્યો. અહીં પેલી રાત જેવો જ શાંત કોલાહલ હતો...
પાર્થે ડિજિટલ રેકૉર્ડરની સ્વિચ ઑન કરી. અંદર નગમાનો અવાજ હતો. અવાજમાં મોતનો સહેજ પણ ખૌફ નહોતો બલકે જિંદગીની ખુશીનો એક રણકો હતો.
‘પાર્થ, જ્યારે તમે આ સાંભળતા હશો ત્યારે હું આ દુનિયાથી બહુ દૂર નીકળી ગઈ હોઈશ. છેલ્લા છ-સાત મહિનામાં તમે મારાથી ભલે દૂર-દૂર રહ્યા, પણ હું તો તમારી સાથે જ હતી. તમે કદાચ તમારી જાતને ખુદગર્જ ઇન્સાન માનતા હશો. પણ ના, એ તમારી ગલતફહમી હતી. મેં તો તમને પહેલી જ મુલાકાતમાં કીધું હતું કે સંગીત તો ખુદાની નેમત છે, એને બાંટવામાં જ ખુશી છે, એમાં મારું શું અને બીજાનું શું?
તમે કદાચ મજાકના મિજાજમાં કહેતા હતા કે નગમા, હું તો ચોર છું. અને મેં વારંવાર હસતા અવાજે કીધું હતું કે તમે મને જ્યાં આખેઆખી ચોરી લીધી છે પછી તો ચોરી જ શાની? તમે કદાચ એવું પણ માનતા હતા કે તમે અસલી નહીં, નકલી ફનકાર છો. પણ એ વાત સાવ ખોટી છે. તમારામાં તો ઉપરવાળાએ સંગીતનો જાદુ ઠાંસી-ઠાંસીને ભરેલો છે.
બાકી હું તો કેટલા વખતથી ઘ૨માં સિતાર વગાડતી હતી, આટલાં વર્ષથી અમ્મીજાનની નસોમાં સરસરાહટ કેમ ન થઈ? અને તમે પહેલી જ વાર મારી સાથે ગિટાર પર રાગ પુરિયા ધનાશ્રીમાં સંગત કરી અને એ જ વખતે એ જાદુ શા માટે થયો?
તમને થતું હશે કે નગમા આજે જ શા માટે આટલીબધી વાતો કરી રહી છે? તો પાર્થ, વાત કરવાનો તમે મને મોકો જ ક્યાં આપ્યો છે?
તમે તો મારું જીવન ખુશીઓના વાવાઝોડાથી ભરી દીધું. એ ખુશીઓના ઉફાનમાં મારું દિલ એકથી એક ચડિયાતી તરજો સાથે ઊછળી રહ્યું હતું ત્યારે આવી મામૂલી વાતો કરવાનો સમય જ ક્યાં હતો?
બસ, અફસોસ એટલો જ છે કે આટલું ખૂલીને હું તમને આમને-સામને બેસીને કહી ન શકી. જોકે એવું કહેવાનો ટાઇમ પણ ક્યાં હતો? તમે આપણી મૌસિકીને દુનિયાના દૂર-દૂરના દેશોમાં પહોંચાડી રહ્યા હતા, અને હું? અહીં આપણા બન્નેની સૌથી નાયાબ ‘તખલિક’, જેને તમે ગુજરાતીમાં ‘સર્જન’ કહો છો, તેને મારા પેટમાં ઉછેરી રહી હતી. કંઈ નાનીસૂની વાત થોડી હતી!
મેં તેનું નામ ‘બંદિશ’ પાડ્યું છે.
આપણી બંદિશ હવે તમારી બંદિશ છે.
આ સિવાય પણ આ રેકૉર્ડરમાં હું બીજી બે-ત્રણ ડઝન જેટલી ધૂનો, બંદિશો અને આધા-અધૂરાં ગીતો મૂકતી જાઉં છું. આ કંઈ મારી વસિયત નથી, એ ધૂનો પણ ખુદાની જ નેમત છે. તમે એને સૌ-સૌના ખુદાની દુનિયામાં બાંટતા રહેજો.
અને હા, મારી યાદમાં રડવાનું તો હરગિજ નથી. કહી દઉં છું હા!’
નગમાના છેલ્લા શબ્દો સંભળાતા બંધ થયા ત્યાં સુધીમાં પાર્થની આંખોમાં ગંગા-જમના વહેવા લાગી હતી. તેની છાતીએ જાણે પથ્થર બાંધ્યો હોય એવો ડૂમો ભરાયો હતો. પાર્થ હૈયું ફાડીને રડવા માગતો હતો પણ તે એક ડૂસકું પણ રડી ન શક્યો.
અને કયા મોઢે રડે? નગમા સાથેની પહેલી મુલાકાતથી લઈને તેના છેલ્લા શ્વાસ સુધી પાર્થે તો તેની સાથે છેતરપિંડી જ કરી હતી પણ નગમાને એનો પૂરેપૂરો અહેસાસ હોવા છતાં તે તેને ખુદાનો ફરિશ્તો માનતી હતી.
શેનો ફરિશ્તો? કેવો ફરિશ્તો? પાર્થને પોતાની જાત પર ભારોભાર નફરત થઈ આવી. ક્યાંય સુધી તે ગુમસુમ બેસી રહ્યો. પછી જાણે કોઈ મક્કમ નિર્ધાર કર્યો હોય એમ તે હૉસ્પિટલનાં પગથિયાં ઊતરી ગયો.
રાતના બાર વાગ્યાનો સુમાર હતો. પાર્થે નીચે ઊતરીને પોતાની કાર સ્ટાર્ટ કરી. તેના હાથ-પગ એની મેળે જ કારને ચોક્કસ દિશામાં લઈ જઈ રહ્યા હતા. પાર્થની આંખોમાં વહેતાં આંસુને કારણે તેને કાચની બહાર કંઈ દેખાતું નહોતું. છતાં તેને ખબર હતી કે તેણે ક્યાં જવાનું છે.
આખરે કાર રિવરફ્રન્ટના એ જ વિસ્તાર પાસે આવીને ઊભી રહી જ્યાં પાર્થે નગમાનો અવાજ પહેલી વાર જ સાંભળ્યો હતો. પાર્થ કારમાંથી ઊતરીને ભારે ડગલાં માંડતો પેલી બેન્ચ પાસે ગયો.
અહીં પહોંચીને તેણે જોરજોરથી મુઠ્ઠીઓ ભીંસીને પોતાની છાતી પર મારવા માંડી. પાર્થ ઇચ્છતો હતો કે છાતી સાથે કોઈ પથ્થરની જેમ ચોંટેલો પાપનો ઘડો ફૂટે...
પણ એ ન ફૂટ્યો. પાર્થ રડવા માગતો હતો પણ તેના ગળામાંથી ત્રુટક અને વિચિત્ર અવાજો જ નીકળી શક્યા.
છાતી પર મુઠ્ઠીઓ પછાડી-પછાડીને તે થાકી ગયો ત્યારે તેણે કારમાં મૂકેલી દારૂની બૉટલ કાઢીને મોંમાં ખોસી દીધી...
lll
એ રાત્રે લગભગ ચારેક વાગ્યે જ્યારે પાર્થનો નશો ઊતર્યો ત્યારે હૅન્ગઓવરથી તેનું માથું ભમી રહ્યું હતું. એવામાં તેને હૉસ્પિટલના કૉરિડોરમાં ચાલી રહેલી વાતચીતનો અવાજ સંભળાયો.
‘રાજુભાઈ, વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ, બટ સિચુએશન ઇઝ અનપ્રિડિક્ટેબલ. નગમાની બાળકીને કૉમ્પ્લીકેશન્સ થઈ રહ્યાં છે. કમ વિથ અસ. આવો તમને સમજાવું.’
પાર્થ એક લથડિયું ખાતો રૂમની બહાર નીકળ્યો. તેણે રાજુને એક ડૉક્ટર તથા એક-બે નર્સની સાથે કૉરિડોરમાં જતો જોયો. પાર્થ દબાતે પગલે પાછળ-પાછળ ગયો.
આગળ ICUની એક રૂમમાં નગમાએ જન્મ આપેલી બાળકી નાનકડા બિસ્તરમાં આંખ મીંચીને સૂતી હતી. તેની સાથે જોડાયેલા વાયરો વડે તેના હૃદયના ધબકારા એક મશીનમાં ડિસ્પ્લે થઈ રહ્યા હતા.
‘ફૉર સમ રીઝન્સ રાજુભાઈ, બેબીના હાર્ટ-બીટ્સ ખૂબ જ અનિયમિત થઈ ગયા છે. બેબીનું હાર્ટ કદાચ જન્મથી જ નબળું હશે. તેના હૃદયના ધબકારા ભયજનક રીતે ઉપર-નીચે થઈ રહ્યા હતા. અમે ઇન્જેક્શનો આપ્યાં છે. છતાં તેનું હૃદય વચ્ચે-વચ્ચે અચાનક બેચાર ધબકારા ચૂકી જાય છે. ઇટ કૅન બી ડેન્જરસ. પરંતુ હવે આપણી પાસે ૨૪ કલાક સુધી રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. તમે ઇચ્છો તો અહીં બેસી શકો છો. નર્સ અહીં જ હશે.’
થોડી વાતચીત કર્યા બાદ ડૉક્ટર જતા રહ્યા. રાજુ પલંગની પાસે બેસી ગયો. તેની આંખો પરથી સરી રહેલાં આંસુ તેનું શર્ટ પલાળી રહ્યાં હતાં. બિચારો રાજુ પણ શું કરે?
નર્સ જરા આઘીપાછી થઈ કે તરત પાર્થે રૂમમાં દાખલ થઈને રાજુને કહ્યું, ‘રાજુ જાને, મારી ગિટાર લઈ આવને?’
પાર્થની આખોમાં ચમકતી કોઈ અદમ્ય ઇચ્છા જોઈને રાજુ ફટાફટ ગિટાર લઈ આવ્યો. પાર્થ ગિટાર લઈને એક સ્ટૂલ પર બેસી ગયો.
ધીમે-ધીમે તેનાં આંગળાં ગિટારના તાર પ૨ ફરવા લાગ્યાં. જાણે કોઈ જાદુ થઈ રહ્યો હોય એમ ગિટારમાંથી એક અનોખી બંદિશ નીકળી રહી હતી. ઘડીકમાં એ નગમાની પહેલી બંદિશ ‘રિમઝિમ રિમઝિમ’ જેવી લાગતી હતી તો ઘડીકમાં તે અમ્મીજાન માટે રચાયેલી ‘ઝનક રહી પાયલિયા’ જેવી સંભળાતી હતી.
જેમ-જેમ ધૂન આગળ વધતી ગઈ તેમ-તેમ બીજો પણ એક જાદુ રચાઈ રહ્યો હતો. નાનકડી બાળકી બંદિશના હાર્ટ સાથે જોડાયેલા મશીનના ડિસ્પ્લેમાં પસાર થઈ રહેલી પાતળા પ્રકાશની રેખાના ઉતાર-ચડાવ નિયમિત થઈ રહ્યા હતા.
lll
આખરે એકાદ કલાક પછી જ્યારે પાર્થે તેની ધૂન વગાડવી બંધ કરી ત્યારે તેની ભીની થઈ ચૂકેલી આંખો વડે તેણે આસપાસ જોયું.
હૉસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ આ મિરૅકલ જોઈને દંગ થઈ ગયા હતા.
ડૉક્ટર નાણાવટીએ પાર્થના ખભે હાથ મૂકતાં કહ્યું, ‘પાર્થ, તમે જ બંદિશના સાચા હાર્ટ-બીટ્સ છો.’
(સમાપ્ત)

