વિશ્વજિતે એક વખત નિશાને કહ્યું હતું, ‘તું માનીશ નહીં પણ મને દરેક વખતે એવું જોવા મળ્યું છે કે કોઈ ને કોઈ આપણા આ ફ્લૅટમાં જોતું હોય.’
ઇલસ્ટ્રેશન
શાંતિનિકેતન સોસાયટીમાં ૪ વિંગ હતી, જેમાં વિશ્વજિત શાહની પહેલી જ વિંગ હતી. ‘એ’ વિંગમાં ફ્લૅટનું લોકેશન પણ એવું હતું કે તેના ફ્લૅટની બાલ્કનીમાંથી સરળતા સાથે તે બાકીની ત્રણ વિંગ જોઈ શકતો. અલબત્ત, ત્રીજી વિંગના અમુક ફ્લૅટ્સ જ તેને દેખાતા, પણ ‘બી’ વિંગ અને ‘સી’ વિંગના તો તમામ ફ્લૅટ પર તે નજર રાખી શકતો.
‘નિશા, ક્યારેક તો મને એવું લાગે કે આ બધા મારા પર નજર રાખે છે.’ વિશ્વજિતે એક વખત નિશાને કહ્યું હતું, ‘તું માનીશ નહીં પણ મને દરેક વખતે એવું જોવા મળ્યું છે કે કોઈ ને કોઈ આપણા આ ફ્લૅટમાં જોતું હોય.’
ADVERTISEMENT
lll
‘ચાલો, હવે મારે ટાઇમપાસ કરવાનો છે...’
ટેલિસ્કોપ હાથમાં લઈને વિશ્વજિતે આકાશ સામે એ માંડ્યું અને આકાશ જોવાનું શરૂ કર્યું. દૂરથી એકસરખા લાગતા સ્ટાર્સ ટેલિસ્કોપને લીધે જુદા આકારના અને જુદા પ્રકાશના દેખાય છે એ પહેલી વાર વિશ્વજિતે અનુભવ્યું.
‘હવે આમાં મારે સપ્તર્ષિને કેવી રીતે શોધવા?’
ટેલિસ્કોપ આંખ પર માંડેલું રાખીને જ વિશ્વજિતે હવામાં એ ફેરવ્યું. તેને એટલી ખબર હતી કે ૭ સ્ટાર્સના ઝુંડને સપ્તર્ષિ તરીકે ઓળખવામાં આવતું. જોકે અત્યારે એ સાથે ૭ તારાઓ વિશ્વજિતને દેખાતા નહોતા એટલે વિશ્વજિતે ટેલિસ્કોપ સાથે આવેલી બુકલેટ ખોલી. બુકલેટમાં અમુક સ્ટાર્સની વિગતો આપી હતી, જેમાં કલરથી માંડીને એમના આકાર અને કદ વિશે પણ લખ્યું હતું અને સાથોસાથ મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સ્કૅનર પણ આપ્યું હતું, જેના પર લખ્યું હતું કે પ્રૅક્ટિકલી એ સ્ટાર્સ ક્યાં આવ્યા છે એ વાત એ સ્કાયમૅપ નામની ઍપ્લિકેશન પરથી શોધી શકાતું હતું.
‘રાજુ...’
હેલ્પર તરીકે આ રાજુને નિશાએ જ રાખ્યો હતો. તેને રાખતી વખતે નિશાએ કહ્યું પણ હતું, ‘આમ તો ઘરના કામ છોકરીઓ જ સારાં કરે, પણ હું રિસ્ક લેવા નથી માગતી કે મારા વિશુને બીજું કોઈ ગમી જાય. સો સૉરી... તારે રાજુથી ચલાવવું પડશે.’
lll
‘રાજુ...’
બીજી વખતની રાડ પછી પણ જવાબ આવ્યો નહીં એટલે વિશ્વ સમજી ગયો કે તે સૂઈ ગયો હશે.
‘ઠીક છે, મોબાઇલ બહાર છે તો કાલે ઍપ્લિકેશન ડાઉનલોડ કરીશ.’
વ્હીલચૅરનો ટર્ન લઈને વિશ્વજિતે અંદરની રૂમમાં જવાની શરૂઆત કરી, પણ ત્યાં જ તેનું ધ્યાન ફ્લૅટની સામેની બારીમાં પડ્યું અને વિશ્વજિતની વ્હીલચૅરનાં ટાયર અટક્યાં.
‘આ કોણ?’ ક્યુરિયોસિટી વચ્ચે વિશ્વજિતે ટેલિસ્કોપ હાથમાં લઈને એ બારી તરફ માંડ્યું, ‘ઓહ, મિસિસ કુલકર્ણી...’
મિસિસ કુલકર્ણી હજી હમણાં જ શાવર લઈને બહાર આવ્યાં હોય એમ તેના વાળ ભીના હતા અને મિરર સામે ઊભા રહીને તે પોતાના અન્ડરઆર્મમાં ડીઓડરન્ટ સ્પ્રે કરતાં હતાં. મિસિસ કુલકર્ણીની બૅક વિશ્વજિત તરફ હતી એટલે એ દૃશ્ય જોવાનું વિશ્વજિતે ચાલુ રાખ્યું. દૃશ્યની સાથોસાથ વિશ્વજિતના મનમાં વિચારો પણ ચાલુ રહ્યા.
‘માય ગૉડ, આ મિસિસ કુલકર્ણી તો ફિફ્ટી-પ્લસની એજનાં છે અને એ પછી પણ તેણે ફિગર બરાબર મેઇન્ટેઇન કર્યું છે. મિસ્ટર કુલકર્ણી લકી છે.’
એ જ વખતે મિસિસ કુલકર્ણીના બેડરૂમનો દરવાજો ખૂલ્યો અને વિશ્વજિતે ટેલિસ્કોપ દરવાજાની દિશામાં ફેરવ્યું. અલબત્ત, એવી માનસિકતા સાથે કે જો સેન્સરશિપવાળી મોમેન્ટ શરૂ થાય તો ટેલિસ્કોપ હટાવી લેવું.
પણ આ શું?
‘આ, આ મિસ્ટર કુલકર્ણી નથી...’ વિશ્વજિતે ટેલિસ્કોપનો લેન્સ વધારે ઝૂમ કર્યો, ‘યસ, આ મિસ્ટર કુલકર્ણી નથી. હન્ડ્રેડ પર્સન્ટ... હવે નક્કી મિસિસ કુલકર્ણી ગુસ્સો કરશે... પણ આ છે કોણ...’
રૂમમાં કોઈ આવ્યાનો અણસાર મિસિસ કુલકર્ણીને પણ આવ્યો અને તેણે મિરર સામેથી હટીને અંદર આવનારી વ્યક્તિ તરફ જોયું. રૂમમાં દાખલ થનારાના ફેસ પર હવે મોટું સ્માઇલ આવી ગયું હતું. સ્માઇલ પરથી વિશ્વજિતે અણસાર બાંધી લીધો કે મિસિસ કુલકર્ણીએ પણ તેને સ્માઇલ આપ્યું છે.
બન્ને એકબીજાની નજીક આવ્યાં અને મિસિસ કુલકર્ણીએ રૂમમાં આવનારા તે શખ્સના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા.
વિશ્વજિતે બારી પરથી ટેલિસ્કોપ હટાવી લીધું. અનાયાસ જ તેનો હાથ બાલ્કનીની લાઇટ પર ગયો અને તેણે લાઇટ બંધ કરી દીધી.
ઇચ્છા બહુ હતી રૂમનું એ દૃશ્ય જોવાની, પણ વિશ્વજિતની હિંમત ચાલી નહીં અને ચાલવી પણ ન જોઈએ. આજના સમયમાં કોઈને પૂછ્યા વિના ફોટો પણ પાડી નથી શકાતો, એ પણ ગુનો છે; જ્યારે આ તો કોઈના બેડરૂમમાં ડોકિયાં કરવાની વાત છે. ના, આ રીતે જોવું યોગ્ય નથી. જોકે તરત જ વિશ્વજિતના દિમાગમાં પ્રશ્ન જન્મ્યો.
‘મિસ્ટર કુલકર્ણી તો તે નથી જ. તો રૂમમાં આવ્યો તે કોણ છે? રાતના ૧૨ વાગ્યે બેડરૂમમાં આવે તે બૉયફ્રેન્ડ જ હોય... એનો મતલબ, મિસિસ કુલકર્ણીને આ ઉંમરે...’
વિશ્વજિતના દિમાગમાં ખાલી ચડી ગઈ.
‘હદ છે, આ ઉંમરે... મૅરેજને ઑલમોસ્ટ પચીસ વર્ષ થઈ ગયાં હશે ત્યારે...’
અનાયાસ જ વિશ્વજિતની નજર હાથમાં રહેલા ટેલિસ્કોપ પર ગઈ અને તેના ફેસ પર સ્માઇલ આવી ગયું.
ટાઇમપાસની આ સરસ ઍક્ટિવિટી નિશાએ હાથમાં મૂકી દીધી.
lll
‘શું કર્યું એ સાચેસાચું કહે...’ નિશાએ અવાજ મોટો કર્યો, ‘તને એક કામ મેં સોંપ્યું એ પણ તેં કર્યું નથી અને બે દિવસથી તું ટેલિસ્કોપ લઈને બાલ્કનીમાં બેસી રહે છે. જલદી કહે અને સાચું કહે...’
‘સાચું કહીશ તો તું ગુસ્સો કરીશ...’
‘નહીં કરું, પ્રૉમિસ...’ નિશાના ફેસ પર સ્માઇલ હતું, ‘એક શરતે, બધેબધું મને સાચું કહેવાનું.’
‘કહુંને...’ વ્હીલચૅર અને ઉત્સાહ સાથે વિશ્વજિત નિશાની નજીક આવ્યો, ‘મોટા ભાગના બધા ફ્લૅટ્સમાં જોવાનું કામ કર્યું. એકદમ મસ્ત ટાઇમપાસ થયો. સહેજ પણ લાગતું નથી કે હું અહીં એકલો છું.’
‘હં... ખબર છેને તને વિશુ, એવી રીતે કોઈના ઘરમાં જોવું ક્રાઇમ છે.’
‘હા, પણ થોડાક દિવસ... પછી તો આમ પણ આપણે લંડન જવાનું છે.’ વિશ્વજિતને અચાનક યાદ આવ્યું, ‘તારે મીરા સાથે વાત થઈ? ડૉક્ટરની ક્યારની અપૉઇન્ટમેન્ટ મળે એમ છે?’
‘અપૉઇન્ટમેન્ટ પહેલાં ડૉક્ટર તારા બધા રિપોર્ટ્સ માગે છે.’ નિશાએ કહ્યું, ‘મેં દીદીને રિપોર્ટ્સ મોકલી દીધા છે. હવે ડૉક્ટર જો બીજા કોઈ રિપોર્ટ મગાવે તો એ કરાવવાના રહેશે. મોસ્ટ્લી સ્પાઇનલનો લેટેસ્ટ સી.ટી. સ્કૅન મગાવે.’
‘ના, હું... હું સી.ટી. સ્કૅન નહીં કરાવું.’ વિશ્વજિત નિશાથી સહેજ દૂર થયો, ‘મારાથી એ સફોકેશન સહન નથી થતું.’
‘અરે, એ મગાવે તો જ જવાનું છેને?’ નિશાએ ટૉપિક ચેન્જ કર્યો, ‘બે દિવસથી બીજાના ફ્લૅટમાં જુએ છે તો કંઈ ઇન્ટરેસ્ટિંગ મળ્યું.’
‘અરે બહુબધું...’ વિશ્વના ફેસ પર ફરી ચમક આવી ગઈ, ‘આ ‘બી’ વિંગમાં એક્ઝૅક્ટ સામેનો ફ્લૅટ જેમનો છે તે મિસિસ કુલકર્ણીને કોઈને સાથે ચક્કર છે. તેના હસબન્ડ ઘરે નહોતા ત્યારે પેલો આવ્યો હતો.’
‘ઓહ માય ગૉડ...’
‘અરે, હજી તો સાંભળ...’ વિશ્વજિતના ઉત્સાહમાં ઉમેરો થતો હતો, ‘સેકન્ડ ફ્લોર પર રેન્ટ પર રહેવા જે આવ્યા છે તેની ડૉટરને મળવા માટે રોજ રાતે કોઈ આવે છે. તે સોસાયટીમાં નથી આવતો પણ ગેટની સામે ઊભો રહે છે અને પેલાની ડૉટર અહીં બાલ્કનીમાં ઊભી રહે અને પછી બન્ને ચૅટ પર વાત કરે. કાલે રાતે તો પેલો અંદર આવવાની જીદ કરતો હોય એવું લાગતું હતું.’
‘તું આવું બધું જ જુએ છે?’
‘નિશા, યુ શુડ આસ્ક... આવું બધું જ અહીં ચાલે છે?’ વિશ્વજિતે તરત જવાબ પણ આપ્યો, ‘ના, આવું બધું નથી ચાલતું. પેલી ‘સી’ વિંગમાં જે કપલ છે તેનો હસબન્ડ જાય એટલે તેની વાઇફ એક કલાક સુધી યોગ કરે અને પછી અડધો કલાક મેડિટેશન કરે, હૉલમાં બેસીને. બસ, તેનું મેડિટેશન ચાલ્યા કરે.’
‘રાઇટ, તે મેડિટેશન કરે અને મારો વિશુ બાલ્કનીમાં બેઠો તેને જોવાનું કામ કરે.’
નિશા ઊભી થવા ગઈ કે તરત વિશ્વજિતે હાથ પકડી લીધો.
‘જો તેં કહ્યું’તું કે ગુસ્સે નહીં થાય એટલે મેં સાચું કહી દીધું.’
‘એ મેં ખોટું કહ્યું’તું...’
‘તને કોણે કહ્યું કે મેં આ બધું સાચું કહ્યું...’ વિશ્વએ આંખ મીંચકારી, ‘મને સ્ટોરી કહેતાં આવડે છે કે નહીં એ ચેક કરતો હતો.’
‘ઓહ, એવું છે... કંઈ વાંધો નહીં હં... કંઈ વાંધો નહીં.’ નિશાએ ઇન્ટરકૉમ હાથમાં લીધો, ‘મિસિસ કુલકર્ણીને ‘સી’ વિંગમાં ફોન કરીને કહું છું કે આ વિશુ એવું કહે છે કે તમારે બૉયફ્રેન્ડ છે. હમણાં ખબર તું સાચો કે પછી...’
નિશાના હાથ ઇન્ટરકૉમના આંકડાઓ પર ફરવા માંડ્યા.
‘શું નંબર છે તેના ફ્લૅટનો?’
‘એ ઇડિયટ... ફોન મૂક.’ નજીક આવીને વિશ્વજિતે નિશાના હાથમાંથી ઇન્ટરકૉમનું રિસીવર લઈ લીધું, ‘આ બધું કોઈ પાસે બોલતી નહીં. નહીં તો તે બિચારાની લાઇફ બગડી જશે...’
‘એક શરતે, આજે રાતે શું કરવાનું?’
‘સપ્તર્ષિ...’
‘જો ભૂલ્યો તો...’
‘તું કહીશ તો ઊઠબેસ...’
રૂટીન મુજબ વિશ્વજિતના મોઢામાંથી નીકળી ગયું અને પછી તેની આંખો પગ પર સ્થિર થઈ ગઈ. ઊઠબેસ કરવા માટે પગમાં ચેતન જોઈએ અને એનો તો અભાવ હતો.
‘તું તૂટવાનો નથી...’ નિશાએ વિશ્વનો હાથ પકડી લીધો, ‘હું છું તારી સાથે. આ વ્હીલચૅર પણ તારી લાઇફનો એક ફેઝ છે. એમાં અટકી જવાનું નથી.’
‘અત્યાર સુધી લોકો મારા રસ્તે ચાલવા માગતા હતા અને અત્યારે હું પોતે...’ વિશ્વજિતે પરાણે હસવાની કોશિશ કરી, ‘હું પોતે પગ પર ઊભો રહી નથી શકતો.’
‘વિશુ, આવું ઇમોશનલ નહીં થવાનું... પ્લીઝ.’ નિશાએ વિશ્વજિતને હગ કરી, ‘એક કામ કર, આજે રાતે તારે જેના ઘરમાં જોવું હોય તેના ઘરમાં જોજે. સ્ટાર્સ કાલે શોધજે. હૅપી?’
lll
‘નિશાએ જ કહ્યું છે તો પછી શું પ્રૉબ્લેમ છે...’
વિશ્વજિતે ટેલિસ્કોપ ‘બી’ વિંગ પર માંડ્યું. મોટા ભાગનાં ઘરોની લાઇટો બંધ થઈ ગઈ હતી તો કેટલાક ફ્લૅટના બેડરૂમમાં નાઇટ-લૅમ્પ ચાલુ હતા.
એક પછી એક ફ્લોર પર ધીમે-ધીમે ટેલિસ્કોપ ફેરવતાં વિશ્વજિતનું ટેલિસ્કોપ છઠ્ઠા ફ્લોર પર અટક્યું. એ બેડરૂમની લાઇટ બંધ હતી, પણ બેડરૂમની બહારના પૉર્ચમાં રહેલી લાઇટનો પ્રકાશ બેડરૂમમાં આવતો હતો, જેને લીધે દૃશ્ય જોઈ શકાતું હતું.
‘આ ફ્લૅટ તો પાંડેજીનો છે...’
બેડરૂમની બારી પરથી ટેલિસ્કોપ હટાવીને વિશ્વજિતે આખા ફ્લૅટમાં નજર કરી. તેને ખાતરી થઈ ગઈ કે ફ્લૅટ પાંડેજીનો જ છે. આ પાંડે સાથે અગાઉ એક વખત વિશ્વજિતને પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો હતો. ફાઉન્ડરી બિઝનેસ સાથે જોડાયેલા પાંડેજી રાતે મોડા આવીને કાર એવી રીતે પાર્ક કરે કે એની પાછળના પાર્કિંગમાં કોઈ કાર રાખી ન શકે. આવું ચાર-પાંચ વખત થયું એટલે વિશ્વજિતે સોસાયટીના વૉટ્સઍપ ગ્રુપમાં મેસેજ મૂક્યો અને પાંડેજીની કમાન છટકી ગઈ.
પાંડે ઝઘડો કરવા તેના ફ્લૅટ સુધી આવી ગયો અને ઝઘડો કરી પણ લીધો. જોકે એ પછી પાંડે સાથે વિશ્વજિતે સંબંધો સુધારી પણ લીધા અને સોસાયટીની મીટિંગમાં પાંડેને પ્રમોટ કરીને તેમને સોસાયટીના પ્રેસિડન્ટ પણ બનાવડાવ્યા.
ઍક્સિડન્ટ પછી પાંડેજી બે વખત તેની વાઇફ સાથે હૉસ્પિટલમાં પણ આવી ગયા હતા અને ડિસ્ચાર્જ પછી એક વખત ઘરે પણ આવીને કહી ગયા કે કંઈ કામ હોય તો તેમને વિનાસંકોચ કહી દે.
lll
‘આ તો પાંડેજી...’ વિશ્વજિતે ટેલિસ્કોપમાં જોયું, ‘તે કેમ આટલા ગુસ્સામાં છે?’
ટેલિસ્કોપનો ઝૂમ લેન્સ વિશ્વજિતે પાંડેના ફેસ પર ખુલ્લો કર્યો અને તેની આંખો ફાટી ગઈ. પાંડેએ તેની સામે ઊભેલી વ્યક્તિને માસમાણી ગાળ આપી અને પછી બાજુમાં પડેલો ગ્લાસ ઉપાડીને પેલી વ્યક્તિ તરફ ફેંક્યો.
વિશ્વજિત હજી તો કંઈ સમજે એ પહેલાં જ પાંડે પેલી વ્યક્તિ પર ઝૂક્યો અને તેણે પેલી વ્યક્તિના પેટમાં છરીનો ઘા માર્યો.
વિશ્વજિતનો હાથ ધ્રૂજી ગયો અને હાથમાં રહેલું ટેલિસ્કોપ છૂટતાં માંડ બચ્યું.
‘પાંડેએ મર્ડર... પણ કોનું? તેણે કોને છરી મારી?’
વિશ્વજિતે ફરીથી હિંમત કરીને ટેલિસ્કોપ એ ફ્લૅટની બારી પર ગોઠવ્યું અને તેની આંખો ફાટી ગઈ.
હવે પાંડેની પીઠ ટેલિસ્કોપ તરફ હતી અને પાંડે તેની વાઇફ પર વાર કરતો હતો.
(ક્રમશ:)

