નિશાએ ગઈ કાલની વાત ફરી ઉખેળી, ‘પોલીસમાં જાણ કરીએ, જે હશે એ સામે આવી જશે. તું શું કામ આટલું સ્ટ્રેસ લે છે?’
ઇલસ્ટ્રેશન
‘વિશુ, તું ત્રણ રાતથી થોડી વાર માટે પણ સૂતો નથી.’ નિશાના અવાજમાં અકળામણ હતી, ‘આમ ને આમ ક્યાં સુધી ચાલશે?’
‘ત્યાં સુધી, જ્યાં સુધી પાંડેની હકીકત ખબર નહીં પડે.’
ADVERTISEMENT
વિશ્વજિતને હવે વ્હીલચૅરની આદત પડી ગઈ હતી. તે સરળતા સાથે ઘરમાં હરીફરી શકતો હતો અને ઉતાવળ હોય તો તે વ્હીલચૅરને ઝડપથી દોડાવી પણ શકતો હતો. નિશાએ પણ વ્હીલચૅરને ધ્યાનમાં રાખીને ઘરમાંથી અમુક ફર્નિચર હટાવીને ભીંતસરસું કરી દીધું હતું જેથી વિશ્વજિત સરળતા સાથે ફરી શકે.
અત્યારે પણ વિશ્વજિત ઝડપ સાથે નિશા પાસે આવ્યો હતો.
‘નિશા, તું... તું માને છેને કે હું ખોટું નથી બોલતો?’
‘ઍગ્રી, તું ખોટું નથી બોલતો પણ તો પછી પોલીસમાં જાણ કરવાની શું કામ ના પાડે છે?’ નિશાએ ગઈ કાલની વાત ફરી ઉખેળી, ‘પોલીસમાં જાણ કરીએ, જે હશે એ સામે આવી જશે. તું શું કામ આટલું સ્ટ્રેસ લે છે?’
‘એટલે કે પોલીસ પણ એ જ વાત કરશે જે આપણે જોઈ છે. તે કહેશે કે વાઇફ ઘરમાં છે તો પછી મર્ડર કોનું થયું છે એ કહો. પછી શું જવાબ આપીશું? નિશા, આપણે એ સાબિત કરવું પડશે કે કોઈનું તો મર્ડર થયું છે. કોઈ એવું જે તેની વાઇફ જેવી...’
વિશ્વજિતના શબ્દો અટકી ગયા. તેની આંખો ફાટી ગઈ.
‘ઓહ માય ગૉડ...’
‘શું થયું?’
‘ખબર પડી ગઈ, શું થયું છે.’
‘શું થયું છે?’
‘નિશા, આ... આ... લેડી કોમલ પાંડે નથી.’ વિશ્વજિતના ચહેરા પર તાજ્જુબ હતું, ‘નિશા, હન્ડ્રેડ પર્સન્ટ. આ તેની વાઇફ નથી, આ... આ... કોમલની હમશકલ છે.’
‘વિશુ, પ્લીઝ... ડોન્ટ બી સો ફિલ્મી.’ નિશાએ ઇરિટેશન દબાવ્યું હતું, ‘આ કંઈ અબ્બાસ-મસ્તાનની ફિલ્મ છે કે આવી રીતે ડુપ્લિકેટ આવી જાય. વિશુ, આપણે રિયલ લાઇફ જીવીએ છીએ. આપણા ડુપ્લિકેટ એવી રીતે ક્યાંય મળે નહીં.’
‘અરે મારી મા, મળે. જેને જે શોધવું હોય એ શોધી જ લે.’ વિશ્વજિતે દલીલ કરી, ‘તું જ કહે, તું આટલી જગ્યાએ ફરી પણ તને તારું જૈન ફૂડ મળી જાય છેને?’
‘પ્લીઝ વિશુ, ડોન્ટ બી નૉન્સેન્સ. ક્યાં જૈન ફૂડ ને ક્યાં ડુપ્લિકેટ? હાથી-ઘોડાનો...’ નિશાએ તરત સુધારો કર્યો, ‘ના, હાથી-ઘોડાનો નહીં, પણ ડાયનોસૉર અને ગરોળીનો ફરક છે. આવી-આવી વાત લઈને તું ડિસ્ટર્બ નહીં થા. નહીં તો હું સાચે જ ડૉ. મુકુલ ચોકસી કે ડૉ. હરીશ શેટ્ટી સાથે વાત કરીને તારા માટે સ્લીપિંગ પિલ્સ મગાવીશ ને તને આપવાનું શરૂ કરી દઈશ.’
‘નિશા, પ્લીઝ... તું સમજને.’ વિશ્વજિતે વચ્ચેનો રસ્તો કાઢ્યો, ‘તું, તું એક કામ કર. તું આ લેડીને બરાબર નજીકથી ઑબ્ઝર્વ કર. તમે સરખા દેખાતા હો તો પણ તમારા બૉડીમાં બેચાર કિલો ફૅટનો તો ફરક હોવાનો જ. જો એવું હશે તો કાં તો આ લેડીને કોમલ પાંડેનાં કપડાં ફિટ થતાં હશે અને કાં તો તેણે કોમલનાં કપડાંનું ફિટિંગ કરાવ્યું હશે.’
‘હંમ... નાઇસ આઇડિયા.’ નિશાએ નવો રસ્તો કાઢ્યો, ‘હું એ કપડાં ઘરે જ લઈ આવું તો કેવું રહે?’
‘તો તો બેસ્ટ... પણ જો તેણે ફિટિંગ કરાવ્યાં હશે તો જ ખબર પડશે.’ વિશ્વજિતના મનમાં તરત જ બીજો મુદ્દો પણ આવી ગયો, ‘જો કપડાં ફિટ થતાં હોય તો તારે એ ચેક કરવું પડશે. પણ આપણે એ તાત્કાલિક કરવું પડશે.’
‘રાઇટો...’ નિશાએ કહ્યું, ‘હમણાં આપણે મિસિસ પાંડેનાં કપડાં મગાવીએ.’
‘કેવી રીતે?’
‘વિશુ, આપણો અને તેનો લૉન્ડ્રીવાળો એક છે. રાજુને મોકલીને આપણાં કપડાં મગાવીએ અને સાથે પાંડેનાં પણ મગાવી લઈએ. રાજુ કહેશે કે પાંડેજીએ પણ કપડાં મગાવ્યાં છે, એ પણ આપી દો.’
‘પછી, પાંડેને કેવી રીતે પહોંચાડીશું?’
‘સિમ્પલ. પાંડેને ત્યાં કહીશું કે રાજુ ભૂલથી તમારાં કપડાં પણ લઈ આવ્યો.’
‘ના...’ કિચનમાંથી રાજુનો અવાજ આવ્યો, ‘એવું કહેવાનું કે લૉન્ડ્રીવાળાએ એ લોકોનાં કપડાં ભૂલથી આપી દીધાં.’
‘એવું કહેજે પણ અત્યારે તું જલદી જા. કપડાં લઈને આવ. ભાગ...’
રાજુને પણ ઘરના કામને બદલે આ કામમાં મજા આવતી હોય એમ તે સીધો મેઇન ડોર તરફ ભાગ્યો. જોકે લિફ્ટ પાસેથી તેનો અવાજ પણ આવ્યોઃ ‘ગૅસ બંધ કરજો. કુકર મૂક્યું છે...’
lll
‘થૅન્ક ગૉડ...’ વિશ્વજિતના અવાજમાં નિરાંત હતી, ‘ખબર પડી ગઈ. મને તો એમ હતું કે જો આ ખબર નહીં પડે તો તારે ફરી હેરાન થવું પડશે.’
‘એક્ઝૅક્ટ્લી, પણ વિશુ તું માનશે, મેં તો એનો રસ્તો પણ વિચારી રાખ્યો હતો.’ નિશાએ કહ્યું, ‘હું પાંડેના ઘરે જઈને મારી કુરતી પર ચા કે કૉફી ઢોળીને થોડી વાર માટે એની કુરતી લોન પર લેવાના નામે પ્રૉપરલી એનું બૉડી અને ક્લોથ-ફિટિંગ ઑબ્ઝર્વ કરી લેત.’
‘સો, નાઓ ઇટ્સ ફાઇનલ કે...’ વિશ્વજિતનું ધ્યાન હજી પણ મર્ડર પર હતું, ‘ઘરમાં જે લેડી છે એ લેડી કોમલ પાંડે હોય એવી શક્યતા નથી. કોમલ પાંડેનાં બધાં કપડાનું તેણે ફિટિંગ કરાવવું પડ્યું છે.’
‘યસ...’ નિશાએ હેલ્પ કરતાં કહ્યું, ‘તું એક કામ કર વિશુ, હવે પૉઇન્ટ્સ નોટ કરતો જા કે શું-શું તપાસ કરવાનું બાકી રહે છે? એક પછી એક કામ હાથ પર લેશે તો કામ ઈઝીલી પૂરાં થશે અને ઝડપથી ખબર પડશે કે થયું છે શું.’
‘થયું છે શું એટલે? મર્ડર થયું છે, કોમલ પાંડેનું મર્ડર થયું છે.’
વિશ્વજિતે તરત જ આઇપૅડ હાથમાં લીધું. જે આઇપૅડમાં ક્યારેય કામ સિવાય એક પણ ઍક્ટિવિટી નહોતી થઈ એ આઇપૅડમાં પહેલી વાર એવી નોંધ થવાની શરૂ થઈ જેના વિશે ક્યારેય કોઈને કલ્પના નહોતી થઈ.
‘મિસ્ટરી ઇમ્પોર્ટન્ટ પૉઇન્ટ્સ.’ લખતાં-લખતાં વિશ્વજિત બોલતો પણ જતો હતો, ‘પૉઇન્ટ-નંબર એક, આપણે ડેડ-બૉડી શોધવાની છે. પૉઇન્ટ-નંબર બે, આપણે ડુપ્લિકેટ કોમલ પાંડે જે છે તેની રિયલિટી જાણવાની છે.’
‘મોટિવ...’
‘યસ, મોટિવ ઑફ ધ મર્ડર.’ વિશ્વજિતે આઇપૅડમાં લખી તો લીધું પણ લખ્યા પછી તેણે નિશાની સામે જોયું, ‘નિશા, તને હું ગાંડો તો નથી લાગતોને?’
‘લાગે છેને, પણ મને આ રિયલાઇઝ તો ત્યારે જ થઈ ગયું હતું જ્યારે તને પહેલી વાર મળી સો નો વરીઝ...’ નિશાએ સ્માઇલ સાથે કહ્યું, ‘તું પૉઇન્ટ્સ લખ. બીજું શું-શું શોધવાનું છે?’
‘આઇ ડોન્ટ થિન્ક કે હજી સુધી બૉડી સાચવી રાખી હોય એટલે જો પૉસિબલ હોય તો બોડીનો નિકાલ કેવી રીતે કર્યો એ પણ શોધવાનું છે.’
‘રાઇટ...’ નિશાએ વિશ્વજિતની સામે જોયું, ‘કેસ આપણે ચલાવીશું કે પછી એના માટે કોર્ટમાં જઈશું?’
ઊંડો શ્વાસ લેતાં વિશ્વજિતે નિશાની સામે જોયું અને પછી પોતાના હાથમાં રહેલી આઇપૅડની પેન નિશા તરફ ફેંકી. પાછળ જવાને બદલે નિશા વિશ્વજિત તરફ આગળ વધી અને તેને વળગી પડી.
‘મજાક કરું છું પણ એટલું તો ફાઇનલ વિશુ, આર્કિટેક્ચર ફર્મની સાથોસાથ હવે આપણે ડિટેક્ટિવ એજન્સી પણ ખોલી શકીશું. તું કરમચંદ ને હું તારી કિટ્ટી...’
‘એ ગાંડી, કામ કર...’ નિશાને સહેજ દૂર કરતાં વિશ્વજિતે કહ્યું, ‘આજે રાતે આપણે પાંડે પર નજર રાખીશું. હવે આપણું પહેલું ફોકસ એ હોવું જોઈએ કે ડેડ-બૉડી ગઈ ક્યાં? જો એક વાર ડેડ-બૉડી મળી ગઈ તો આખો કેસ સૉલ્વ...’
‘ડન...’
અને એ બન્નેની રાતની ડ્યુટી શરૂ થઈ.
lll
‘તેં સારું કર્યું કે નાઇટ-વિઝન સાથેનું ટેલિસ્કોપ લીધું. બધી લાઇટ બંધ છે તો પણ આછું-આછું તો રૂમનું દૃશ્ય દેખાય છે.’
ટેલિસ્કોપ પાંડેની બારી પર લાગેલું હતું અને વિશ્વજિતની નજર એના વ્યુ-ફાઇન્ડરમાં હતી.
‘તું એમાં જોતો રહે પણ જો કંઈ આડુંઅવળું ચાલતું હોય તો પ્લીઝ...’ બાજુમાં બેઠેલી નિશાએ વિશ્વજિતને ચીંટિયો ભર્યો, ‘તો એ લાઇવ બ્લુ ફિલ્મ જોવાની જરૂર નથી.’
‘એય, એક મિનિટ...’ વિશ્વજિતે વ્યુ-ફાઇન્ડર વધારે ક્લોઝ કર્યુ, ‘પાંડેએ તેની વાઇફને ધક્કો માર્યો...’
નિશાએ કૉમેન્ટરી પર ફોકસ કર્યું.
‘પછી?’
‘તે કંઈ બબડે છે. એક સેકન્ડ.’ ટેલિસ્કોપ વધારે ઝૂમ થઈ પાંડેના હોઠ પર ગોઠવાયું, ‘પાંડે કહે છે, જો તારાથી સહન ન થતું હોય તો ચૂપ રહે, જવું હોય તો થોડા મહિના ફૉરેન ચાલી જા પણ તારે ચૂપ રહેવાનું છે. જો ભૂલથી પણ ભૂલ કરી છે તો ખબર છેને...’
‘ખબર છેને... પછી?’ વિશ્વજિત ચૂપ થઈ ગયો એટલે નિશાએ પૂછ્યું, ‘પછી શું બોલ્યો એ તો બોલ...’
‘તે ઊંધો ફરી ગયો છે. હવે તેની પીઠ દેખાય છે એટલે લિપ-મૂવમેન્ટ ડીકોડ નહીં થઈ શકે.’
‘પેલી, પેલી લેડી તો કંઈ બોલતી હશેને?’
‘ના, તે રડે છે. ગભરાયેલી છે. તેની આંખો પાંડે પર છે. પાંડે હાથ ઊંચા કરી-કરીને તેની સાથે ઝઘડે છે. કદાચ, કદાચ તે પેલીને ચીંટિયો ભરે છે. હવે એ, હવે એ...’ વિશ્વજિતના ચહેરા પર ટેન્શન આવ્યું, ‘પાંડે હવે બારી પાસે આવ્યો. પાંડેની નજર હવે નિશા... પાંડે આપણી તરફ જુએ છે.’
‘વૉટ?’ નિશાની આંખો ફાટી ગઈ, ‘ચાલ અંદર.’
‘વેઇટ, લાઇટ બંધ છે એટલે આપણે તેને નહીં દેખાઈએ...’
વિશ્વજિતે જવાબ તો આપી દીધો પણ તેની નજર પાંડે પર હતી અને પાંડેની નજર વિશ્વજિતના ફ્લૅટ તરફ. પાંડેએ થોડી સેકન્ડો માટે વિશ્વજિતના ફ્લૅટ તરફ ઘૂરવાનું કામ કર્યું અને એ પછી તેણે સિવિક સેન્સને પડતી મૂકીને બાલ્કનીમાંથી જોરથી જમીન પર થૂંક્યો. પાંડેની એ હરકતમાં પોતાના તરફ ચોક્કસ પ્રકારનો સંદેશો છે એ વિશ્વજિતે સમજી ગયો હતો, જેનો તેને ડર પણ લાગ્યો હતો.
વિશ્વજિતે વ્હીલચૅર પાછળ લેવા માટે પોતાના બન્ને હાથ ફ્રી કરવા પડે, જે હાથથી તેણે ટેલિસ્કોપ પકડ્યું હતું. વિશ્વએ પાંડેની બારી પરથી ટેલિસ્કોપ હટાવ્યું અને પોતાના હાથ વ્હીલચૅર પર ગોઠવ્યા. જોકે તેની નજર પાંડેની ગૅલરી પર જ હતી. આ આખી મોમેન્ટ દરમ્યાન પાંડેના હોઠ સહેજ ખૂલ્યા અને વિશ્વજિત તરત જ ફરી ટેલિસ્કોપ માંડ્યું પણ ત્યાં સુધીમાં પાંડેના હોઠ ફરી શાંત થઈ ગયા હતા.
‘તે કંઈક બોલ્યો.’
lll
‘હું એ જ પૂછું છું કે તે શું બોલ્યો?’ નિશાએ વિશ્વજિતને પૂછ્યું, ‘રાતથી અત્યાર સુધીમાં તું મિનિમમ સો વખત આ એક જ વાત બોલ્યો છો વિશુ, પણ તે શું બોલ્યો એ રીકૉલ કરને...’
‘ટ્રાય કરું છું, પણ કંઈ મળતું નથી.’ વિશ્વજિતના ચહેરા પર તનાવ હતો, ‘જો મારી ભૂલ ન હોય તો મેં જે છેલ્લી લિપ-મૂવમેન્ટ જોઈ એ શબ્દ ‘ડી’ કે ‘દી’ હતો.’
‘એ શબ્દ પરથી શું બને?’ નિશા માટે વિશ્વજિતથી આગળ કંઈ હતું જ નહીં, ‘વેઇટ, હું ચૅટ-GPTને પૂછું.’
‘નિશા પ્લીઝ યાર...’ વિશ્વજિતે ઇરિટેશન સાથે કહ્યું, ‘એ બે અક્ષર છેલ્લે આવતાં હોય એવા લાખો શબ્દ હશે. તારું ચૅટ-GPT ગાંડું થશે.’
‘એ ભલે થાય, તું મૂડમાં હોવો જોઈએ બસ.’
નિશાએ પ્રેમથી વિશ્વજિતને હગ કર્યું પણ વિશ્વજિતના મનમાં ‘ડી’ અને ‘દી’ અક્ષરો જ ચાલતા હતા.
‘જો નિશા, પાંડે કાં કોઈ કામની વાત બોલ્યો છે ને કાં તો તેણે આ બેમાંથી કોઈ એક અક્ષર સાથે પૂરો થતો હોય એવા શબ્દની ગાળ આપી છે. ગાળ આપી હોય તો વાંધો નહીં પણ જો એ કામની વાત બોલી ગયો હોય તો... તો આપણે એ કોઈ પણ હિસાબે યાદ કરવી પડે. મે બી, આપણને મર્ડરની કોઈ ક્લુ મળી જાય.’
નિશા કંઈ આગળ બોલે એ પહેલાં જ ઇન્ટરકૉમની રિંગ વાગી અને નિશાએ ઇન્ટરકૉમ અટેન્ડ કર્યો.
‘હેલો...’ સામેથી અવાજ સાંભળી નિશાએ પૂછ્યું, ‘તમારે કામ શું છે?’
સામેથી શું કહેવાયું એ તો વિશ્વજિતને સંભળાયું નહીં પણ નિશાએ ઇન્ટરકૉમ તેની તરફ લંબાવ્યો એ તેને દેખાયું. ઇન્ટરકૉમ હાથમાં લઈ વિશ્વજિતે કાન પર મૂક્યો અને તેના કાનમાં શબ્દો રેડાયા, ‘ઉપર જવાની બહુ ઉતાવળ ન હોય તો રાતે બાલ્કનીમાંથી નજર રાખવાનું બંધ કરી દેજે, બાકી ક્યાં ઓગળી જઈશ એની ખબર નહીં પડે.’
વિશ્વજિત થીજી ગયો.
(ક્રમશ:)

