Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પ્રખ્યાત ધારાશાસ્ત્રી ભુલાભાઈ દેસાઈની સાથે બૉમ્બે હાઈ કોર્ટમાં વકીલ તરીકે દાખલ થયેલી એક સ્ત્રી

પ્રખ્યાત ધારાશાસ્ત્રી ભુલાભાઈ દેસાઈની સાથે બૉમ્બે હાઈ કોર્ટમાં વકીલ તરીકે દાખલ થયેલી એક સ્ત્રી

Published : 31 October, 2026 04:34 PM | Modified : 31 October, 2026 05:38 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

બૉમ્બે હાઈ કોર્ટમાં બનવાનું હતું. સવારના ૧૧ વાગવાને થોડી વાર હતી. રૂપેરી કલરની, ૨૦ હૉર્સપાવરની એક રોલ્સરૉયસ કાર પૉર્ચમાં આવીને ઊભી રહી. એને જોઈને ઊભેલા લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો : ‘ભુલાભાઈસાહેબ આવ્યા, ભુલાભાઈસાહેબ આવ્યા.

ઍડ્વોકેટ મીઠાં લામ

ઍડ્વોકેટ મીઠાં લામ


તારીખ-વાર તો કોઈએ નોંધ્યાં નથી, પણ એ હતી ૧૯૨૪ના વર્ષના કોઈ એક દિવસની સવાર. બૉમ્બે હાઈ કોર્ટમાં આજે રોજ કરતાં થોડી વધારે ગિરદી હતી. ખાસ તો ઘણા વકીલો નીચે ફોયરમાં ભેગા થયા હતા. કારણ? અગાઉ ક્યારેય બન્યું નહોતું એવું કશુંક આજે બૉમ્બે હાઈ કોર્ટમાં બનવાનું હતું. સવારના ૧૧ વાગવાને થોડી વાર હતી. રૂપેરી કલરની, ૨૦ હૉર્સપાવરની એક રોલ્સરૉયસ કાર પૉર્ચમાં આવીને ઊભી રહી. એને જોઈને ઊભેલા લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો : ‘ભુલાભાઈસાહેબ આવ્યા, ભુલાભાઈસાહેબ આવ્યા.’ સફેદ યુનિફૉર્મ પહેરેલો ડ્રાઇવર પહેલાં ઊતર્યો. જરા ઝૂકીને પાછલી ડાબી બાજુનો દરવાજો ખોલ્યો અને વકીલનાં કાળાં કપડાંમાં સજ્જ બૅરિસ્ટર ભુલાભાઈ દેસાઈ ઊતર્યા. બીજો નોકર તેમની બ્રીફકેસ લઈને ઊતર્યો. રોજ તો પોતાની મોટરમાંથી ઊતરીને ઝડપભેર હાઈ કોર્ટનાં પગથિયાં ચડવા માંડે, પણ આજે ઊભા રહ્યા જરાક વાર માટે. ભુલાભાઈની મોટરની પાછળ એક સ્ટુડબેકર આવીને ઊભી રહી. એ મોટરમાંથી ઊતર્યાં એક પારસી બાનુ અને એ પણ પાછાં વકીલનો કાળો ઝભ્ભો પહેરીને! ભુલાભાઈની પાછળ-પાછળ તેઓ ચાલવા લાગ્યાં.



ભુલાભાઈ દેસાઈની સિલ્વર કલરની રોલ્સરૉયસ


જોકે આપણે હાઈ કોર્ટનાં પગથિયાં ચડતાં પહેલાં પેલી રોલ્સરૉયસ પાસે જરા ઊભા રહીએ. ૧૯૨૪નું જ નવુંનક્કોર મૉડલ. ભુલાભાઈએ ખાસ ઑર્ડર આપીને આ મોટર ગ્રેટ બ્રિટનથી મગાવેલી. પોતાની સગવડ પ્રમાણેના કેટલાક ફેરફાર પણ કરાવેલા. એ જમાનામાં જેની પાસે રોલ્સરૉયસ હોય એવા એકમાત્ર દેશી બૅરિસ્ટર હતા ભુલાભાઈ. જોકે ૧૯૪૬માં તેમનું અવસાન થયું એ પછી તેમના કુટુંબે એ કાર વેચી નાખી. એ ખરીદી લીધી એ જમાનાનાં મશહૂર ઍક્ટ્રેસ દુર્ગા ખોટેએ.  તેમના પછી એ કાર કોની પાસે ગઈ એ જાણવા મળતું નથી, પણ સર રિચર્ડ ઍટનબરોએ ૧૯૮૨માં ‘ગાંધી’ ફિલ્મ બનાવી એમાં એ કાર વાપરેલી. પછી શું થયું, કેમ થયું કશું જાણવા મળતું નથી; પણ એ કાર પહોંચી ગઈ મુંબઈના પ્રખ્યાત ચોરબજારમાં. એના કેટલાક ભાગો ચોરાઈ ગયા કે અલગથી વેચાઈ ગયા. કાર બની ગઈ સાવ ખખડધજ. જાણીતા ઉદ્યોગપતિ યશવર્ધન રુઇયા જૂની મોટરોના જબરા પ્રેમી અને સંગ્રાહક. એક ખૂણામાં પડેલી આ કાર એક દિવસ તેમની નજરે પડી. પડી એવી વસી ગઈ નજરમાં. એને ચાલતી કરવા માટે ઘણી મહેનત, ઘણો ખર્ચ, ઘણાં ખાંખાંખોળા કરવા પડે એમ હતું. એ બધું કરીને એ કારને તેમણે રીસ્ટોર કરાવી. એ કામ પૂરું થતાં ૩ વર્ષ થયાં. આજની તારીખે હેમંતકુમાર રુઇયા એના માલિક હોવાની નોંધ મળે છે.

જોકે એ દિવસે આ રોલ્સરૉયસ જોવા માટે નહીં, એની પાછળ-પાછળ આવેલી મોટરમાંથી ઊતરતી સ્ત્રીને જોવા જ કેટલાક વકીલો અને બીજા લોકો ઊભા રહ્યા હતા. એનું કારણ એ કે પહેલી વાર કોઈ સ્ત્રી વકીલ તરીકે બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ થઈ હતી. તેમનું નામ મીઠાં જમશેદ લામ. (કાઠિયાવાડમાં જેમ સોનાં, મેનાં, રૂપાં જેવાં નામ હોય છે એમ પારસીઓમાં પણ હોય છે.) કોઈએ તેના અસીલને પૂછ્યું, ‘તમારો કેસ લડવા માટે તમે એક સ્ત્રીને કેમ રોકી?’ પેલાએ જવાબ આપ્યો, ‘મારો કેસ બહુ મજબૂત છે અને મારો પ્રતિપક્ષી એક સ્ત્રીના હાથે હારે એ જોઈને મને અપાર આનંદ થશે!’


માતા હેરાબાઈ (બેઠેલાં) અને દીકરી આવાં

અગાઉ સ્ત્રીઓએ વકીલ તરીકે કોર્ટમાં હાજર રહેવાનો પ્રયત્ન કર્યો જ નહોતો એવું નહોતું, પણ ત્યારે તે બધી સ્ત્રીઓને એક જ જવાબ મળતો : ૧૮૭૯ના લીગલ પ્રૅક્ટિશનર ઍક્ટમાં લખ્યું છે કે કાયદાની ડિગ્રી ધરાવતી વ્યક્તિઓ (persons) કોર્ટમાં વકીલ તરીકે કામ કરી શકશે અને સ્ત્રીઓનો સમાવેશ ‘persons’માં થતો નથી એટલે તેઓ વકીલ તરીકે પ્રૅક્ટિસ કરી શકે નહીં! ૧૯૧૬માં કલકત્તા હાઈ કોર્ટે અને ૧૯૨૧માં પટના હાઈ કોર્ટે તો એટલે સુધી કહ્યું હતું કે કાયદા અને પરંપરા બન્ને પ્રમાણે વકીલનો વ્યવસાય માત્ર પુરુષો પૂરતો જ મર્યાદિત છે, પણ વખત જતાં ભૂલ સમજાઈ અને સુધારાઈ. ૧૯૨૩માં Legal Practitioners (Women) Act પસાર કરીને એને આખા બ્રિટિશ હિન્દુસ્તાનમાં લાગુ પાડવામાં આવ્યો. આ કાયદામાં જણાવવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ સ્ત્રી હોવાને કારણે તેને કોઈ પણ અદાલતમાં વકીલ તરીકે ઊભી થતાં રોકી શકાય નહીં. આ કાયદાની જાણે કે રાહ જોઈને જ બેઠાં હોય એમ થોડા જ વખતમાં લંડનથી મુંબઈ આવી પહોંચ્યાં ઍડ્વોકેટ મીઠાં જમશેદ લામ.     

મીઠાં જમશેદ લામનો જન્મ ૧૮૯૮ના માર્ચ મહિનાની બીજી તારીખે, મુંબઈમાં. મમ્માનું નામ હેરાબાઈ અને બાવાજીનું નામ અરદેશર તાતા. પ્રખ્યાત ઉદ્યોગપતિ સર જમશેદજી નસરવાનજી તાતાના દૂરના રિશ્તેદાર, પણ પહેલેથી ગાંઠ વાળેલી કે ‘તાતા’ તરીકે એ કુટુંબનો એક બી લાભ લેવાનો નહીં જ જ. (આ બે જ એ ભૂલ નથી. પારસી ગુજરાતીમાં બેવડા ‘જ’નો ઉપયોગ સામાન્ય છે.) એટલે પોતાના પગ પર ઊભા રહીને પુણે અને અમદાવાદની કૉટન મિલોમાં કામ કર્યા પછી ૧૯૧૩માં મુંબઈમાં કાયમના ધામા નાખ્યા. હેરાબાઈ તો સ્ત્રીઓના મતાધિકારનાં હિમાયતી હતાં જ, અરદેશર પણ સ્ત્રી-શિક્ષણના તરફદાર. દીકરીને ભણવા મૂકી મુંબઈની પ્રતિષ્ઠિત ફ્રેરે ફ્રેચર સ્કૂલમાં. (આજે એ જે. બી. પેટિટ હાઈ સ્કૂલ ફૉર ગર્લ્સ તરીકે ઓળખાય છે.) એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણવા માટે જે સૌથી પહેલી છોકરીઓ દાખલ થઈ એમાંની એક મીઠાં. ત્યાં BAમાં ઇકૉનૉમિક્સના વિષયમાં પહેલા વર્ગમાં પહેલી આવી અને કોબડન ગોલ્ડ મેડલ મેળવ્યો.

૧૯૧૧માં મા-દીકરી કાશ્મીર ફરવા ગયાં. જોગાનુજોગ ત્યાં તેમને સોફિયા દલીપ સિંહનો ભેટો થયો. ગ્રેટ બ્રિટનની સ્ત્રીઓની મતાધિકાર માટેની ચળવળમાં તેમનું આગળ પડતું સ્થાન. આ સોફિયા તે સિખ સામ્રાજ્યના છેલ્લા રાજવી દલીપ સિંહની કુંવરી અને રાણી વિક્ટોરિયાએ તેને ‘ગૉડડૉટર’ તરીકે અપનાવેલી. જે છોકરીને ‘ગૉડડૉટર’ તરીકે અપનાવી હોય તેના આધ્યાત્મિક, નૈતિક અને વ્યક્તિગત માર્ગદર્શનની બધી જવાબદારી તેને અપનાવનાર ‘ગૉડમધર’ની બની જાય. ગ્રેટ બ્રિટનની મહારાણીની ‘ગૉડડૉટર’ હોવા છતાં સોફિયા સ્ત્રીઓના મતાધિકાર માટે સ્થાપિત હિતોની સામે લડતી હતી. તેમની વાતો સાંભળીને હેરાબાઈઅને મીઠાં બન્ને સ્ત્રી-મતાધિકારનાં હિમાયતી બન્યાં.

ભુલાભાઈ દેસાઈ

૧૯૧૯માં મા-દીકરીને ગ્રેટ બ્રિટન જવાનું થયું. સ્ત્રીઓના મતાધિકાર વિશે રજૂઆત કરવા એક પ્રતિનિધિમંડળ જવાનું હતું એમાં જોડાવાનું મીઠાંનાં મમ્માને નોતરું મળ્યું. તેમણે દીકરીને પણ સાથે લીધી. અલબત્ત, મા-દીકરીના રસ્તા જુદા હતા. મા એ ધ્યેય માટે ચળવળ સાથે જોડાઈ, જ્યારે કાનૂનની મદદથી સ્ત્રીઓ પોતાના હક કઈ રીતે મેળવી શકે એનો વિચાર દીકરી માટે મહત્ત્વનો હતો. બન્નેનું ધ્યેય એક હતું પણ માર્ગ જુદા. માતાએ ચળવળનો રસ્તો અપનાવ્યો, જ્યારે દીકરીએ કાનૂની સુધારાનો માર્ગ. એ વખતે ગ્રેટ બ્રિટનમાં પણ સ્ત્રીઓને રાજકારણમાં વધુ હિસ્સો આપવાની ચળવળ ચાલતી હતી, પણ જે હક બ્રિટિશ સ્ત્રીને મળે એ જ હક હિન્દુસ્તાનની સ્ત્રીઓને પણ આપવા વિશે બ્રિટિશ રાજકારણીઓમાં મતભેદ હતા. એટલે ગ્રેટ બ્રિટનની પાર્લમેન્ટના હાઉસ ઑફ કૉમન્સના કેટલાક સભ્યો સાથે બન્નેએ વાટાઘાટો કરી. મીઠાંએ કેટલાંક જાહેર ભાષણો પણ કર્યાં. ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ 1919માં હિન્દુસ્તાનની સ્ત્રીઓને મતાધિકાર તો ન મળ્યો, પણ એવી જોગવાઈ કરવામાં આવી કે જો હિન્દુસ્તાનના કોઈ ઇલાકાની સરકાર ઇચ્છે તો સ્ત્રીઓને મર્યાદિત પ્રમાણમાં મતાધિકાર આપી શકે. એટલે ૧૯૨૦થી ભલે મર્યાદિત પ્રમાણમાં પણ હિન્દુસ્તાનની સ્ત્રીઓને મતાધિકાર મળતો થયો. મુંબઈ ઇલાકાની સરકારે ૧૯૨૧માં સ્ત્રીઓને મતાધિકાર આપ્યો.

આગળ ભણવા માટે મીઠાંને લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિકસ ઍન્ડ પૉલિટિકલ સાયન્સમાં દાખલ કર્યા પછી તેનાં માયજી લંડનમાં જ રહીને પોતાની રીતે અભ્યાસ કરતાં રહ્યાં. હિન્દુસ્તાની મા-દીકરી બન્ને સાથે રહીને ગ્રેટ બ્રિટનમાં અભ્યાસ કરતાં હોય એવો આ કદાચ પહેલો દાખલો. MAના અભ્યાસની સાથોસાથ મીઠાંએ અત્યંત પ્રતિષ્ઠિત એવી લિન્કન્સ ઇનની બૅરિસ્ટર ઇન લૉની ડિગ્રી મેળવવા અભ્યાસ કર્યો. ૧૯૨૦ની ૧૩ એપ્રિલે મીઠાં લિન્કન્સ ઇનમાં જોડાઈ. આવું માન મેળવનાર તે હિન્દુસ્તાનની પહેલવહેલી સ્ત્રી હતી. ૧૯૨૩ની ૨૬ જાન્યુઆરીએ તેને સભ્યપદ મળ્યું. આવું માન મેળવનાર તે પહેલવહેલી સ્ત્રી હતી. ગ્રેટ બ્રિટનના વસવાટ દરમ્યાન સરોજિની નાયડુ અને ઍની બેસન્ટ જેવી આગેવાન સ્ત્રીઓનો પરિચય થયો. તેમની સાથે સ્કૉટલૅન્ડનો પ્રવાસ કર્યો અને હાઉસ ઑફ કૉમન્સમાં ભાષણ પણ કર્યું. જોકે હજી હિન્દુસ્તાન પાછાં ફરવાનો અર્થ નહોતો. કેમ વારુ? કારણ પેલો કાયદો. એ કાયદા પ્રમાણે હિન્દુસ્તાનની સ્ત્રીઓ કાયદાનો અભ્યાસ કરી શકતી, પણ વકીલ બનીને કેસ લડી શકતી નહીં.

પણ ૧૯૨૩માં જેવી ખબર પડી કે હિન્દુસ્તાનમાં Legal Practitioners (Women) Act પસાર થઈ ગયો છે એવાં બાંધ્યાં ગાંસડા-પોટલાં અને વાટ પકડી મુંબઈની. ધીમે-ધીમે મીઠાં પારસીઓનાં લગ્ન, છૂટાછેડા અને વારસાહકને લગતા કાયદાઓનાં નિષ્ણાત બન્યાં. ૩ વર્ષ પ્રૅક્ટિસ કર્યા પછી મીઠાંની નિમણૂક થઈ જસ્ટિસ ઑફ પીસ ઍન્ડ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ તરીકે. પછી પારસી મૅરેજ ઍક્ટ ઑફ 1865માં સુધારા/ફેરફાર કરવા વિશેની સમિતિનાં સભ્ય બન્યાં. એ સમિતિની ભલામણોના આધારે પારસી મૅરેજ ઍન્ડ ડિવૉર્સ ઍક્ટ ૧૯૩૬માં પાસ થયો. એ દરમ્યાન ૧૯૩૩માં સૉલિસિટર જમશેદ સોરાબશા લામ સાથે અદરાયાં (પરણ્યાં) અને મીઠાં તાતામાંથી બન્યાં મીઠાં લામ. ૧૯૩૭માં મીઠાંએ વકીલાત છોડી અને બધો વખત સમાજસેવાનાં કામોને આપવા લાગ્યાં.

૧૯૪૭માં દેશ આઝાદ થયો એ પછી મીઠાંની નિમણૂક બૉમ્બેનાં શેરિફ તરીકે થઈ. આ હોદ્દા પર નિમાનાર તેઓ પહેલવહેલી સ્ત્રી હતાં. એ વખતે પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતોના પુનર્વાસ માટે મીઠાંએ ઘણી મહેનત કરી. ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સના કામમાં પણ તે સતત જોડાયેલાં રહ્યાં અને એના સત્તાવાર સામયિક ‘સ્ત્રી-ધર્મ’નાં સંપાદક તરીકે પણ પાંચ વર્ષ કામ કર્યું. ૧૯૬૧-’૬૨ના વર્ષ માટે એનાં પ્રમુખ બન્યાં. મુંબઈની પ્રતિષ્ઠિત ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં પણ પહેલવહેલાં સ્ત્રી અધ્યાપક બનવાનું માન તેમને મળ્યું હતું. પછીથી તેમણે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસમાં પણ સામાજિક કાયદાઓ વિશે ભણાવ્યું હતું. તેમની એક વિદ્યાર્થિની વાયોલેટ આલ્વા વખત જતાં રાજ્યસભાની ડેપ્યુટી ચૅરપર્સન બની હતી.

૧૯૫૭માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે Commission on the Status of Womenની રચના કરી ત્યારે એના એક સભ્ય તરીકે મીઠાંની નિમણૂક કરવામાં આવી હતી. તેમની આ બધી મહત્ત્વની કામગીરીને ધ્યાનમાં લઈને ભારત સરકારે ૧૯૬૨માં તેમને પદમભૂષણનું સન્માન એનાયત કર્યું હતું. જેમ ઉંમર વધતી ગઈ એમ નજર ધૂંધળી થતી ગઈ અને જિંદગીનાં છેલ્લાં વર્ષો તેમને અંધાપો વેઠવો પડ્યો. ૧૯૮૧ની બાવીસ ફેબ્રુઆરીએ તેઓ બેહસ્તનશીન થયાં.

આજે તો કોઈ પણ કોર્ટમાં દાખલ થાઓ, કાળા ઝભ્ભા પહેરેલી ઘણી સ્ત્રીઓ દેખાય; પણ પહેલવહેલી વાર એ ઝભ્ભો પહેરીને બૉમ્બે હાઈ કોર્ટમાં મીઠાં લામ દાખલ થિયાં એ વારે એવણે ખસૂસ ખોદાયજીનો શુક્રગુજાર કીધો હોસે અને મનોમન અવેસ્તાની ત્રીજી સૌથી પ્રાચીન અને પ્રેરણાદાયી પ્રાર્થના બોલિયાં
હોસે : ‘યેંઘહે હાતાંમ આઅત યેસને પઈતી વંઘહો, મજદાઓ અહુરો વએથા અષાત હચા, યાઓંઘહાંમચા તાંસચા તાઓસચા યજમઈદે. (સચ્ચાઈના અશોઈ કાયદાના જ્ઞાન અને ભક્તિ અથવા બલિદાનના દરેક કાર્યમાં સદ્ગુણોના અભ્યાસને કારણે અમે આવાં તમામ પુરુષો અને સ્ત્રીઓને આદર આપીએ છીએ કે જેમને દાદારઅહુર મઝદ વધુ શ્રેષ્ઠ તરીકે ઓળખે છે.)

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 05:38 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK