બાંદરા ફોર્ટની ભીડભાડ અને અરબી સમુદ્રનાં ઘૂઘવતાં મોજાંઓની વચ્ચે આવેલું શ્રી કડેશ્વરીદેવીનું આ પૌરાણિક મંદિર મુંબઈના પ્રાચીન ઇતિહાસ, માછીમારોની આસ્થા અને અદ્ભુત શાંતિનું જીવંત પ્રતીક છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના બાંદરાના ફોર્ટની રક્ષા.
મુંબઈનું 300 વર્ષ જૂનું કડેશ્વરીદેવી મંદિર
ફૅશન અને ગ્લૅમર માટે જાણીતા બાંદરા વિસ્તારમાં આવેલો પોર્ટુગીઝ કાળનો બાંદરા ફોર્ટ અને એની આસપાસનો બૅન્ડસ્ટૅન્ડ વિસ્તાર હંમેશાં પ્રવાસીઓ, યુવાનો અને સૂર્યાસ્ત જોવા આવતા લોકોથી ધમધમતો રહે છે. રવિવાર હોય કે સામાન્ય દિવસ, અહીં લોકોની ભીડ જોવા મળે છે. આ જ ફેમસ બાંદરા ફોર્ટની લગોલગ, એની પાછળ આવેલા ખડકાળ વિસ્તાર પર એક એવી પવિત્ર જગ્યા આવેલી છે જ્યાં પહોંચતાં જ આખી દુનિયાનો ઘોંઘાટ અચાનક ગાયબ થઈ જાય છે અને મનને અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. આ છે ત્રણ સદી જૂનું શ્રી કડેશ્વરીદેવીનું મંદિર.
બાંદરા ફોર્ટ જોવા આવતા હજારો પ્રવાસીઓમાંથી જૂજ લોકોને જ ખબર હોય છે કે અહીં કોઈ પ્રાચીન મંદિર પણ આવેલું છે. આ મંદિર માત્ર પૂજાપાઠનું સ્થળ જ નથી, મુંબઈના મૂળ ઇતિહાસ અને અહીંના સ્થાનિક માછીમાર સમુદાયની પરંપરાઓનો એક અણમોલ વારસો છે.
ADVERTISEMENT
મંદિરનું પ્રાચીન અસ્તિત્વ
શ્રી કડેશ્વરીદેવીના મંદિરનો ઇતિહાસ ૩૦૦ વર્ષ જૂનો છે જ્યારે મુંબઈ ૭ બેટોનું બનેલું હતું અને ત્યાં આધુનિક શહેરીકરણ નહોતું થયું. ત્યારથી આ વિસ્તારમાં આસ્થાનું આ કેન્દ્ર ધબકી રહ્યું છે. મુંબઈના મૂળ નિવાસીઓ એવા કોળી સમાજ અને સ્થાનિક માછીમારોના જીવન સાથે આ મંદિર ગાઢ રીતે સંકળાયેલું છે. સેંકડો વર્ષો પહેલાં સ્વયંભૂ પ્રકટ થયેલાં આ માતાજીનો કોઈ આકાર ન હોવાથી ફક્ત પિંડસ્વરૂપે પૂજાય છે. આ દેવી આદ્યશક્તિનું સ્વરૂપ હોવાનું માનવામાં આવે છે. પિંડમાં ત્રિનેત્ર છે : બે નેત્ર ભક્તોને આશીર્વાદ આપવા માટે અને ત્રીજું નેત્ર તેમનાં કષ્ટોને દૂર કરવા માટે. એની સાથે તેઓ આ વિસ્તારનું ૨૪ કલાક રક્ષણ કરે છે એવું પણ કહેવાય છે. માતાજીની સાથે મંદિરની પાછળ કાળભૈરવનું પણ નાનકડું મંદિર આવેલું છે. કહેવાય છે કે જ્યાં દેવી બિરાજમાન હોય ત્યાં કાળભૈરવની હાજરી હોય જ છે.
શરૂઆતના સમયમાં અહીં કોઈ ભવ્ય બાંધકામ કે સિમેન્ટ-કૉન્ક્રીટની ઇમારત નહોતી. અરબી સમુદ્રના કુદરતી ખડકોની વચ્ચે દેવીની પથ્થરની મૂર્તિ અથવા સ્વયંભૂ પ્રતીક સ્થાપિત કરવામાં આવ્યું હતું. જેમ-જેમ બાંદરા વિસ્તારનો વિકાસ થતો ગયો અને શ્રદ્ધાળુઓની આસ્થા વધતી ગઈ તેમ-તેમ સ્થાનિક માછીમારો અને ભક્તોના સહયોગથી અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. સમય જતાં પચીસ વર્ષ પહેલાં અહીં સાંઈબાબાનું પણ નાનું મંદિર બનાવાયું હતું અને ત્યાર બાદ પાંચ વર્ષ પહેલાં શંકર ભગવાનના મંદિરની સ્થાપના પણ થઈ હતી.

સાંઈબાબા મંદિર
કડેશ્વરી નામ પાછળની લોકવાયકા

કોઈ પણ ધાર્મિક સ્થળના નામ પાછળ કોઈ ને કોઈ ઊંડો ઇતિહાસ કે લોકવાયકા જોડાયેલાં હોય છે. કડેશ્વરી નામ પણ દરિયાઈ સંસ્કૃતિમાંથી જન્મેલું છે. આ નામ પાછળની કથા સમજાવતાં મંદિરમાં ૨૦ વર્ષથી સેવા કરતા મહારાજ સુરેશ વાસુદેવ ગોસાવી કહે છે, ‘જૂના જમાનામાં મુંબઈના કિનારે માછીમારી કરવા જવું એ ખૂબ જોખમી કામ હતું. અચાનક આવતાં વાવાઝોડાં, મોટાં મોજાં અને અજાણ્યા પ્રવાહો સામે માછીમારોની નાની હોડીઓ લાચાર બની જતી હતી. જે દેવી દરિયાઈ કડા એટલે કે ખડકો અને કિનારાઓ પર બેસીને દરિયામાં ગયેલા પોતાના ભક્તો અને માછીમારોનું રક્ષણ કરે છે તેમને સ્થાનિક બોલીમાં કડા પર રહેનાર ઈશ્વરી અર્થાત્ કડેશ્વરી તરીકે ઓળખવામાં આવ્યાં. આ નામ પેઢી દર પેઢી આગળ વધતું ગયું અને આજે તે આખા વિસ્તારનાં મુખ્ય દેવી તરીકે પૂજાય છે. મરાઠી સંસ્કૃતિમાં પ્રાચીનકાળમાં કોઈ પણ કિલ્લાનું નિર્માણ થાય ત્યારે ત્યાં એનું રક્ષણ કરતી દેવીની સ્થાપના અચૂક જ થાય છે. તેથી બાંદરા ફોર્ટના રક્ષણ માટે પણ મા શક્તિની સ્થાપના કરવામાં આવી હોવાનું કહેવાય છે.
વાસ્તુશાસ્ત્ર અને કુદરતી સૌંદર્ય
આ મંદિરની ભૌગોલિક સ્થિતિ એને અન્ય તમામ મંદિરો કરતાં અલગ બનાવે છે. બાંદરા ફોર્ટની બરાબર પાછળ અને તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલના છેડા પર આવેલા મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને અનંત અરબી સમુદ્ર અને દૂર સુધી દેખાતા આકાશનો નજારો મનને ખરેખર શાંતિ આપે છે. એક તરફ મંદિરમાં વાગતી ઘંટડીઓનો નાદ અને બીજી તરફ દરિયાનાં મોજાંઓનો અવિરત અવાજ અજબની દૈવી ઊર્જા પેદા કરે છે. અહીં આવતી વ્યક્તિ સમયનું ભાન ભૂલીને કલાકો સુધી શાંતિથી બેસી શકે છે.
ધાર્મિક મહત્ત્વ

શંકર ભગવાનનું મંદિર
ભલે આ મંદિર સામાન્ય પ્રવાસીઓની નજરથી ઓઝલ રહેતું હોય, પરંતુ સાચા શ્રદ્ધાળુઓ માટે એ અત્યંત શ્રદ્ધાનું સ્થાન છે એમ જણાવતાં મંદિરના ગોસાવી મહારાજ કહે છે, ‘બાંદરા, ખાર અને વરલી પંથકના કોળી માછીમારો માટે કડેશ્વરીમાતા તેમનાં કુળદેવી સમાન છે. દરિયામાં માછીમારીની સીઝન શરૂ થાય કે નવી હોડી પાણીમાં ઉતારવામાં આવે ત્યારે સૌથી પહેલાં માતાનાં ચરણોમાં વાજતે-ગાજતે શ્રીફળ ધરીને આશીર્વાદ લેવામાં આવે છે. આ દેવી જાગૃત હોવાથી ભક્તોની ગાઢ આસ્થા છે કે અહીં સાચા હૃદયથી માગવામાં આવેલી પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી. માતા પોતાના દરબારમાં આવનાર પ્રત્યેક ભક્તનાં સંકટો હરીને તેમના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપે છે. આસો અને ચૈત્ર મહિનાની નવરાત્રિ દરમ્યાન આ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ૯ દિવસ સુધી માતાના વિવિધ શણગાર, ઘટસ્થાપન અને આરતીનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે પણ અહીં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક અનુષ્ઠાનો યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભાગ લે છે. આ મંદિરનું લોકેશન સારું હોવાથી અહીં ઘણી ટીવી-સિરિયલોનાં શૂટિંગ પણ થતાં હોય છે.
