૨,૩૩,૪૮૭ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ લગભગ ૧૫૦ વર્ષ સુધી અડીખમ ઊભો રહ્યો, ૧૮૬૮નો ઑક્ટોબર મહિનો, તારીખ ૧૬, વાર શુક્ર. એ દિવસે મુંબઈના ઘણા લોકો, ખાસ કરીને વેપારીઓ, શુક્રગુઝાર હતા અંગ્રેજ સરકારના.
૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કર્નાક બ્રિજની શરૂઆતનો ભાગ.
૧૮૬૮નો ઑક્ટોબર મહિનો, તારીખ ૧૬, વાર શુક્ર. એ દિવસે મુંબઈના ઘણા લોકો, ખાસ કરીને વેપારીઓ, શુક્રગુઝાર હતા અંગ્રેજ સરકારના. કારણ? ઘણા વખતથી જેની જરૂર જણાતી હતી એ સગવડ આજે મુંબઈના લોકોને મળવાની હતી. ધોબી તળાવથી ક્રૉફર્ડ માર્કેટ જતા રસ્તાને ત્યાંના વેપારીઓએ ભાતભાતની રીતે શણગાર્યો હતો. કારણ વર્ષોથી જે સગવડની રાહ જોતા હતા એ જરૂરી સગવડ આજે તેમને મળવાની હતી. એ સગવડ એટલે કર્નાક બંદરને ક્રૉફર્ડ માર્કેટ અને એની આસપાસનાં બજારોને જોડતો પૂલ, જેની સાથે નામ જોડવામાં આવ્યું હતું મુંબઈના અગાઉના ગવર્નર સર જેમ્સ રિવેટ-કર્નાકનું.
મુંબઈના ગવર્નર સર જેમ્સ રિવેટ-કર્નાક, પહેલા બેરોનેટ. તેઓ જન્મેલા મુંબઈમાં જ, ૧૭૮૪ના નવેમ્બરની ૧૧મી તારીખે. ૧૮૦૧માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાયા. ૧૮૨૭થી ૧૮૩૮ સુધીના સમયગાળામાં અવારનવાર તેઓ કંપનીના ડિરેક્ટરના હોદ્દા પર રહ્યા હતા. ૧૮૩૭થી ૧૮૩૯ સુધી તેઓ બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તો ૧૮૩૮માં ધ રૉયલ સોસાયટી સાથે જોડાયા હતા. ૧૮૩૮થી ૧૮૪૧ સુધી તેઓ મુંબઈના ગવર્નરના હોદ્દા પર રહ્યા. એ ઉપરાંત ગાયકવાડના વડોદરા રાજ્યના રેસિડન્ટ તરીકે પણ તેમણે કામ કર્યું હતું. એ જમાનામાં મુંબઈના ઘણા ભાગોમાં, ખાસ કરીને ગુજરાતીભાષી વિસ્તારોમાં ‘બાળહત્યા’નો કુરિવાજ ઘણો ફેલાયેલો હતો. મુંબઈ રાજ્યના ગવર્નર તરીકે અને વડોદરાના રેસિડન્ટ તરીકે આ બદી દૂર કરવા તેમણે ઘણા પ્રયત્ન કર્યા. ‘દેશી’ વિદ્યાર્થીઓના શિક્ષણને પણ તેઓ ઘણું મહત્ત્વ આપતા. તેમના આ પ્રયત્નોની કદરરૂપે એલ્ફિન્સ્ટન કૉલેજમાં કર્નાક સ્કૉલરશિપ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને મુંબઈના ટાઉન હૉલમાં તેમની આરસની અર્ધપ્રતિમા મૂકવામાં આવી હતી. ૧૮૪૬ના જાન્યુઆરીની ચોથી તારીખે તેમનું અવસાન થયું. કર્નાક મુંબઈના ગવર્નર હતા એ દરમ્યાન લક્ષ્મણ હરિચંદ્રજી નામના એક મોટા વેપારી તેમને મળવા આવ્યા. તેઓ મુંબઈને પૂર્વ કિનારે એક નવું બંદર બાંધી રહ્યા હતા. તેમણે વિનંતી કરી કે આપ મહેરબાન પધારો, આ નવું બંદર જુઓ અને એની સાથે આપ નામદારનું નામ જોડવાની વિધિ આપના શુભ હસ્તે કરો. ૧૮૪૧ના એપ્રિલની ૨૮મી તારીખે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં છપાયેલા અહેવાલ પ્રમાણે નામદાર ગવર્નરસાહેબે આ વિનંતીનો સ્વીકાર કર્યો હતો અને એ નવા બંદરનું નામ પાડ્યું હતું કર્નાક બંદર.
એ વખતે તો પૂર્વ કાંઠે આવેલાં બંદરો અને ક્રૉફર્ડ માર્કેટ જેવાં બજારો વચ્ચે માલ-સામાનની હેરફેર સહેલાઈથી થઈ શકતી હતી, પણ પછી વચમાં આવી બોરીબંદરથી ઠાણે જતી રેલવેલાઇન. માલ-સામાન લાવવા-લઈ જવામાં મુશ્કેલી પડવા લાગી એટલે નક્કી થયું કે બોરીબંદર (આજનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) અને એ પછીના મસ્જિદ બંદર સ્ટેશન વચ્ચે પુલ બાંધવાનું. અગાઉ આપણે હૅન્કૉક બ્રિજની વાત કરતી વખતે જોયેલું એમ એ વખતે માલ-સામાનની હેરફેર માટે બળદગાડાં જ વપરાતાં એટલે બળદ સહેલાઈથી ચડી શકે એવો ઢાળ આ બ્રિજનો રાખવામાં આવ્યો હતો અને આ નવા બ્રિજનું નામ પાડ્યું કર્નાક બ્રિજ. આ પુલ બાંધવા પાછળ કુલ કેટલો ખર્ચ થયો હશે? ૨,૩૩,૪૮૭ રૂપિયા ફક્ત! અને આટલા ‘જંગી’ ખર્ચે બંધાયેલો આ પુલ લગભગ ૧૫૦ વર્ષ સુધી અડીખમ ઊભો રહ્યો એટલું જ નહીં, એની બન્ને બાજુએ સંખ્યાબંધ ગોદામ, વેપારી પેઢીઓ, જથ્થાબંધ અને છૂટક દુકાનોનું જાળું ઊભું થયું. એમાંય ખાસ કરીને કાપડ, હાર્ડવેર અને વહાણોનું સમારકામ કરતી સેવા આપનારાઓની દુકાનો વગેરે ઊભાં થયાં. હવે દરિયાઈ રસ્તે થતો વેપાર ઘણો ઘટી ગયો છે છતાં આ વિસ્તાર આજે પણ છૂટક અને જથ્થાબંધ વેપારનું એક મુખ્ય મથક બની રહ્યો છે.
સાથોસાથ એસ્પ્લેનેડ રોડ (આજનો મહાત્મા ગાંધી રોડ)ને ક્રૉફર્ડ માર્કેટ સાથે જોડતા રસ્તાનું નામ એસ્પ્લનેડ ક્રૉસ રોડ હતું એ બદલીને કર્નાક રોડ કરવામાં આવ્યું. એ રીતે ગવર્નર કર્નાકનું નામ ત્રણ જગ્યા સાથે જોડાયું : કર્નાક બંદર, કર્નાક રોડ અને કર્નાક બ્રિજ. કર્નાક બ્રિજનું તોડકામ ચાલતું હતું ત્યારે સેન્ટ્રલ રેલવેના કેટલાક સજાગ અમલદારોનું ધ્યાન ગયું કે આ પુલને બન્ને છેડે ત્રણ-ત્રણ પથ્થર મૂકવામાં આવ્યા છે અને એના પર અંગ્રેજી, દેવનાગરી અને ગુજરાતીમાં પુલનું નામ લખવામાં આવ્યું છે અને એ બંધાઈ રહ્યાનું વર્ષ પણ લખેલું છે. તેમણે આ ૬ પથરા સંભાળીને અલગ તારવ્યા. થોડી વાટાઘાટ પછી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ – સૉરી, સૉરી, છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય – એ પથરાને સાચવવા તૈયાર થયું અને આજે પથરા એ મ્યુઝિયમમાં સચવાયા છે.
હવે એક હનુમાનકૂદકો.
૨૦૨૫નો જુલાઈ મહિનો, તારીખ ૧૦, ગુરુવાર. સ્થળ તો એ જ – ધોબી તળાવથી ક્રૉફર્ડ માર્કેટ તરફ જતો રસ્તો, પણ હવે એનું નામ બદલાઈ ગયું છે : લોકમાન્ય તિલક રોડ. એમ તો ક્રૉફર્ડ માર્કેટનું નામ પણ બદલાઈ ગયું છે : મહાત્મા જ્યોતિબા ફુલે મંડઈ. જોકે આ નામની માર્કેટ ક્યાં આવી એમ તમે એ વિસ્તારમાં કોઈને પણ પૂછશો તો તમે જાણે કોઈ અજાણ્યા ગ્રહ પરથી આવ્યા હો એમ મોઢું વકાસીને તમારી સામે જોઈ રહેશે! કારણ અસલ મુંબઈગરાઓ તો આજે પણ એને ક્રૉફર્ડ માર્કેટ તરીકે જ ઓળખે છે. આજે પણ વહેલી સવારથી અહીં દોડધામ મચી જાય છે. લોકોની નહીં, વાહનોની. મ્યુનિસિપાલિટીના સાહેબોનાં વાહનો, રેલવેના અફસરોનાં વાહનો, મુંબઈ પોલીસનાં ઢગલાબંધ વાહનો. માથા પરનો લાલ મણિ ઝબકાવતી સફેદ જીપો સતત આખા રસ્તા પર ફરીને ‘સબ સલામત હૈ’ની ખાતરી કરતી રહે છે. થોડે દૂર આઝાદ મેદાનમાં ભાડૂતી બસો ઊભી રહે છે. એમાંથી ઊતરતા ‘પ્રેક્ષક-શ્રોતાઓ’ ક્યાંય આડાઅવળા ન ચાલ્યા જાય અને સીધા તેમને માટે બાંધેલા શમિયાણામાં જઈ ખાલી ખુરસીઓને ભરે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ બધી દોડધામમાં કોઈ ઘરાક તો આવવાનું નથી એની ખાતરી હોવાથી ઘણીખરી દુકાનો બંધ રહે છે. મોડેથી ઊઘડે તો ઊઘડે. હવે તો વરસાદ પણ સરકારનો કહ્યાગરો થઈ ગયો છે એટલે જુલાઈ મહિનામાં પણ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી તો નહીં જ વરસે.
અને ધોબી તળાવ તરફથી પોલીસનાં વાહનોની સાયરનની ચીસાચીસ સંભળાય છે. લાલ-ભૂરી બત્તીઓ ચક્કરડી-ભમ્મરડી રમતી હોય એમ ગોળ-ગોળ ફરતી દેખાય છે. પટાવાળાથી માંડીને પ્રધાન સુધીના સૌકોઈ સાવધાન થઈ જાય છે. સમારંભના મુખ્ય મહેમાનશ્રી પધારે છે. કામચલાઉ મંડપમાં બેઠેલા મહેમાનો ઊભા થઈ જાય છે. હાથ સતત જોડેલા રાખીને મુખ્ય મહેમાન આગળ વધે છે. બે-ચાર મહેમાનો સામે હાથ જોડે છે, બાકીનાને સ્મિતની લહાણી કરે છે. બે ઉપ મુખ્ય પ્રધાનો પાસે ઊભા રહીને ખબર-અંતર પૂછે છે. પછી લાલ મખમલથી મઢેલી, સોનેરી હાથાવાળી ખુરસી પર બિરાજમાન થાય છે. રાજ્યગીત, આવકારનાં ભાષણો, મુખ્ય મહેમાન ઊભા થઈ નવાનક્કોર બ્રિજ પાસે જાય છે. પાછળ ૧૦-૧૫ ખાસ મહેમાનો ચાલે છે. નવાનક્કોર બ્રિજને એક છેડે બાંધેલી લાલ રિબન હવામાં ફરફરે છે. બરાબર વચમાં કેસરી સાડીમાં સજ્જ એક ઠસ્સાદાર અને ભરાવદાર બહેન ચાંદીની પ્લેટમાં ચાંદીના હાથાવાળી કાતર લઈને ઊભાં છે. સ્મિતથી ઊભરાતા મુખારવિંદ સાથે મુખ્ય મહેમાન કાતર હાથમાં લે છે, લાલ રિબન કાપીને ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલા નવા બ્રિજને ખુલ્લો મૂકે છે અને પછી અનિવાર્ય ભાષણ : બંધુ, ભગિનીનો, આજે આપણે ભેગાં થયાં છીએ એ માત્ર એક નવા પુલનું ઉદ્ઘાટન કરવા માટે નહીં પણ આપણા દેશના, આપણા પ્યારા મહારાષ્ટ્રના ઇતિહાસમાંનું એક કલંક ભૂંસીને એના સ્થાને સિંદૂરનું તિલક કરવા માટે. ૨૦૦ કરતાં વધુ વર્ષ સુધી આપણા દેશને ગુલામ રાખનાર અંગ્રેજ સરકારનો એક પ્રતિનિધિ હતો અંગ્રેજ અમલદાર કર્નાક. આપણા લોકોને માથે તેણે પારાવાર ત્રાસ ગુજાર્યો હતો. અરે છત્રપતિ શિવાજી મહારાજને હંફાવવા માટે તેણે અનેક પ્રયત્ન કર્યા હતા. આવા એક ઘાતકી અંગ્રેજ અમલદારનું નામ આ બ્રિજ સાથે આજ સુધી જોડાયેલું કેમ રહ્યું એની જ મને તો નવાઈ લાગે છે. એ પુલને તોડીને જે નવો પુલ બન્યો છે એ આજથી ‘સિંદૂર બ્રિજ’ તરીકે ઓળખાશે (તાળીઓ). આપણા દેશની લશ્કરી તાકાત અને કાબેલિયતનો દુશ્મન દેશને પરચો બતાવનાર ‘ઑપરેશન સિંદૂર’થી તો કયો દેશપ્રેમી અજાણ હોય? આપણા દેશના ઇતિહાસના આ ઉજ્જ્વળ પ્રકરણની યાદ આ નવા પુલ દ્વારા કાયમ માટે જળવાઈ રહેશે. હારતોરા, ફોટો-સેશન, આભારદર્શન વગેરે સાથે સમારંભ પૂરો થયો.
અહીંથી થોડે દૂર આવેલી સેન્ટ ઝેવિયર્સ કૉલેજનો એક વિદ્યાર્થી લગભગ ભૂલથી આ સભામાં આવી ચડ્યો હતો. તેણે હળવેકથી પોતાના મોબાઇલમાં ટાઇપ કર્યું : ‘છત્રપતિ શિવાજી મહારાજનો જીવનકાળ?’ ગૂગલદેવે તરત જવાબ આપ્યો : ઈ. સ. ૧૬૩૦થી ૧૬૮૦.
પછી એ છોકરાએ ટાઇપ કર્યું : મુંબઈના ગવર્નર સર જેમ્સ રિવેટ-કર્નાકનો જીવનકાળ? ગૂગલદેવનો જવાબ : ૧૭૮૪થી ૧૮૪૬. ઉદ્ઘાટન-કાર્યક્રમ પૂરો થયા પછી ઘરે જતાં પેલો વિદ્યાર્થી આખા રસ્તે વિચારતો રહ્યો હતો : ઈ.સ. ૧૬૮૦માં કાળધર્મ પામેલા છત્રપતિ શિવાજી મહારાજને હરાવવા માટે ઈ. સ. ૧૭૮૪માં જન્મેલા ગવર્નર કર્નાકે અનેક પ્રયત્ન કેવી રીતે કર્યા હશે? એ છોકરાને તો હજી સુધી જવાબ મળ્યો નથી, પણ સુજ્ઞ વાચક, આપને આ કોયડાનો જવાબ મળે તો જરૂર જણાવજો. આવજો!
