જ્યુરીએ કહ્યું, નાણાવટી નિર્દોષ છે; જજે કહ્યું, નાણાવટી નિર્દોષ નથી
અદાલતની બહાર લોકોનાં ટોળાં
સિલ્વિયા નાણાવટીની જુબાની આગળ ચાલી ત્યારે મરનાર આહુજાના ઘરમાંથી મળી આવેલો એક ફોટો તેમને બતાવવામાં આવ્યો. આ ફોટો પોલીસે પંચનામા હેઠળ આહુજાના ઘરમાંથી બરામદ કર્યો હતો. બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલાએ પૂછ્યું: આ ફોટો કોનો છે એ કહી શકશો?
હા જી. આ ફોટો મરનાર પ્રેમ આહુજાની આગલી પત્નીનો છે. તેનું નામ પૅમ.
ADVERTISEMENT
આવી, પૅમ નામની કોઈ વ્યક્તિ હતી જ નહીં, ઉપજાવી કાઢવામાં આવી છે એમ કોઈ કહે તો તમે શું જવાબ આપશો?
‘પૅમ’ કલ્પના નથી, હકીકત છે. બૉમ્બે ક્લબમાં એક લંચ વખતે હું તેને મળી હતી, ૧૯૫૮માં.
તમને કઈ રીતે ખબર પડી પૅમ મરનાર આહુજાની પત્ની હતી?
મરનાર આહુજાએ મને એમ કહ્યું હતું કે ૧૯૪૭માં મેં પૅમ સાથે લગ્ન કર્યાં હતાં પણ તેનાં મા-બાપે મારા પર ખોટા આક્ષેપો મૂક્યા હતા અને પૅમને મારી પાસેથી ઉઠાવી ગયા હતા.
મરનાર અને પૅમ વચ્ચેનો લગ્નસંબંધ પૂરો થઈ ગયો હતો?
થોડા વખત પછી પૅમે બીજાં લગ્ન કરી લીધાં એટલે એ સંબંધ કાયદેસર પૂરો થયો હોય તો જ એ શક્ય બને.
ત્યાર બાદ સિલ્વિયાને ત્રણ પત્રો બતાવવામાં આવ્યા જે મરનારના ઘરમાંથી મળી આવ્યા હતા. એ જોઈને સિલ્વિયાએ કહ્યું કે આ પત્રો મેં પ્રેમ આહુજાને લખેલા પત્રો છે.
મરનાર પ્રેમ આહુજાએ તમને ક્યારેય પત્રો લખ્યા હતા?
ના જી.
તમારા પ્રેમસંબંધ વિશે તમે ક્યારેય બીજા કોઈની સાથે વાત કરી હતી?
હા જી. મિસ આહુજા સાથે.
રૂસી કરંજિયા
ક્યારે?
૧૯૫૮ના ઑક્ટોબર કે નવેમ્બરમાં.
પબ્લિક પ્રોસિક્યુટર: શું એ વાત સાચી નથી કે તમે દિલ્હીમાં હતાં ત્યારે તમારે લગ્ન વિશે મરનાર આહુજા સાથે વાત થઈ હતી અને તમે બન્નેએ એ વાત મિસ આહુજાને જણાવવાનું નક્કી કર્યું હતું.
ના જી. કારણ કે મિસ આહુજા એ વાત ત્યારે જાણી ચૂક્યાં હતાં એટલે તેમને જણાવવાનો પ્રશ્ન જ નહોતો.
એટલે મરનાર સાથેનાં તમારાં લગ્ન વિશે મિસ આહુજા સાથે પહેલી વાર વાત તમે ત્રણે આગરામાં હતાં ત્યારે થઈ હતી એમ કહેવું સાચું નથી?
ના જી, એ સાચું નથી.
ફરિયાદ પક્ષના વકીલે ઊલટતપાસ લેવાની ના પાડતાં સિલ્વિયા નાણાવટીની જુબાની પૂરી થઈ. એ સાથે કોર્ટના રજિસ્ટ્રારે જાહેર કર્યું કે હવે કોઈ સાક્ષીની જુબાની બાકી રહેતી નથી.
છાપાંની હેડલાઇન્સ
lll
આપણી અદાલતોમાં જ્યારે જ્યુરી પ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે શિરસ્તો એવો હતો કે બધા સાક્ષીની જુબાની પૂરી થયા પછી બચાવ પક્ષના વકીલ અને ફરિયાદ પક્ષના વકીલ જ્યુરીના સભ્યોને સંબોધીને બધા સાક્ષીઓની જુબાનીનો સાર (સમરી) આપે અને કયા સાક્ષીની કઈ વાત મહત્ત્વની છે એ તરફ જ્યુરીના સભ્યોનું ધ્યાન દોરે.
સૌથી પહેલાં બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલા ઊભા થયા અને બધા સાક્ષીઓની જુબાનીનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું. તેમનો મુખ્ય મુદ્દો એ હતો કે આ કેસમાં ફરિયાદ પક્ષ એક પણ direct evidence રજૂ કરી શક્યો નથી. અને જે આડકતરા પુરાવા રજૂ થયા છે એ કમાન્ડર નાનાવટીને ન તો ખૂની ઠરાવી શકે એમ છે કે ન તો સદોષ મનુષ્યવધનો ગુનો સાબિત કરી શકે એમ છે. કમાન્ડર નાણાવટીએ જે કાંઈ કર્યું અથવા તેમનાથી જે કાંઈ થઈ ગયું એ પોતાના બચાવમાં થયું હતું. ખંડાલાવાલાની રજૂઆત પૂરા બાર કલાક ચાલી હતી.
એ પછી ચીફ પબ્લિક પ્રોસિક્યુટર સી. એમ. ત્રિવેદીએ પોતાની રજૂઆતમાં કાર્લ ખંડાલાવાલાની ઘણીખરી વાતનું ખંડન કરીને કહ્યું હતું કે પ્રેમ આહુજા મરાયો છે, કમાન્ડર નાણાવટીની રિવૉલ્વરમાંથી છૂટેલી (કે છૂટી ગયેલી) ગોળીઓ વડે તેનું મોત નીપજ્યું છે એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. તેનું મોત ખૂન છે, સદોષ મનુષ્યવધ છે કે અકસ્માત છે એ જ્યુરીના માનવંતા સભ્યોએ નક્કી કરવાનું છે. ત્રિવેદીની રજૂઆત પણ ચાર દિવસમાં બધું મળીને બાર કલાક સુધી ચાલી હતી.
ત્યાર બાદ જજ મહેતાએ બધા સાક્ષીઓની જુબાની, બન્ને પક્ષના વકીલોની રજૂઆત, કાયદાની બારીકીઓ વગેરેની ચર્ચા કરી જે સાત કલાક ચાલી હતી. અંતે તેમણે કહ્યું કે આ ખટલા વિશે તમે જે કોઈ નિર્ણય લો એ કોઈથી પણ દબાયા કે દોરવાયા વિના, કોઈની શેહશરમમાં આવ્યા વગર, કાયદાને અને ન્યાયબુદ્ધિને વફાદાર રહીને લેવાનો રહેશે.
સાંજે ૪:૪૦ વાગ્યે જ્યુરીના માનવંતા સભ્યો ચર્ચાવિચારણા કરવા માટે તેમના અલગ ખંડમાં ગયા હતા. સાધારણ રીતે જ્યુરીના સભ્યોને નિર્ણય પર આવતાં પોણો કે એક કલાક લાગે, પણ આ કેસમાં તેમને પૂરી ૧૩૫ મિનિટ લાગી. જજ મહેતાએ જાહેર કર્યું કે ભલે ગમે તેટલા વાગે, ચુકાદો આજે જ જાહેર કરવામાં આવશે. એટલે એ દરમ્યાન કોર્ટના કમ્પાઉન્ડમાં અને બહારના રસ્તાઓ પર લોખંડી ટોપા પહેરેલી ‘રાયટ પોલીસ’ના સિપાઈઓ ખડે પગે ઊભા રહી ગયા હતા. સશસ્ત્ર પોલીસની કેટલીક ટુકડીઓને નજીકના એક મકાનમાં રાખવામાં આવી હતી, પણ તેને જાહેરમાં તહેનાત કરવામાં નહોતી આવી. કોર્ટના કમ્પાઉન્ડની બહાર લોકોનું ટોળું મોટું ને મોટું થતું જતું હતું.
નાણાવટી ખૂનકેસે લોકોનું જેટલું ધ્યાન દોર્યું એટલું આ પહેલાં કે પછી બીજા કોઈ ખૂનકેસે દોર્યું નથી. આ કેસને જબરદસ્ત પબ્લિસિટી અપાવવામાં અંગ્રેજી સાપ્તાહિક Blitzનો ફાળો ઘણો મોટો. તેણે સતત કમાન્ડર નાણાવટીની તરફેણ કરતા ‘પુરાવા’ પ્રગટ કર્યા અને મરનાર પ્રેમ આહુજાની વિરુદ્ધના ‘દસ્તાવેજ’ સતત છાપીને આ કેસ વિશે સનસનાટીભર્યું લખ્યા કર્યું. એ વખતે મુંબઈમાં Blitz સાપ્તાહિકનો અને તેના તંત્રી રૂસી કરંજિયા (૧૯૧૨-૨૦૦૮)નો ડંકો વાગતો.
૧૩૫ મિનિટ પછી જ્યુરીના માનવંતા સભ્યો કોર્ટ રૂમમાં ફરી દાખલ થયા. તેમને જોતાંવેંત કોર્ટ રૂમમાં હાજર રહેલા લોકોએ તાળીઓ પાડી. જજ મહેતાએ કોર્ટના માર્શલને તરત હુકમ કર્યો કે આ કેસ સાથે જેમને સીધી રીતે લાગતું વળગતું ન હોય તેવા બધાને કોર્ટ રૂમમાંથી દૂર કરવામાં આવે. એમ થયા પછી જ્યુરીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો: તેમણે આઠ વિરુદ્ધ એક મતે કમાન્ડર નાણાવટીને બન્ને કલમો હેઠળ નિર્દોષ જાહેર કર્યા. જ્યુરીએ કહ્યું કે ન તો કલમ ૩૦૨ હેઠળ ખૂનનો ગુનો પુરવાર થયો છે કે નથી તો કલમ ૩૦૪ હેઠળ ખૂન નહીં એવા સદોષ મનુષ્યવધનો ગુનો પુરવાર થયો છે. એટલે કમાન્ડર નાણાવટીને બાઇજ્જત છોડી મૂકવામાં આવે એવી ભલામણ કરીએ છીએ.
જજ મહેતાએ તરત જ આ નિર્ણય ‘totally perverse’ હોવાનું જણાવીને ખટલો refrence માટે બૉમ્બે હાઈ કોર્ટને મોકલવાની જાહેરાત કરી અને હાઈ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી કમાન્ડર નાણાવટીને નેવલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો. બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલા જજ મહેતાનો નિર્ણય સાંભળીને ઊભા થયા અને કહ્યું કે હું આપ નામદારને કશુંક કહેવા માગું છું.
જજ મહેતા: મેં તમને સતત ચાર દિવસ સુધી સાંભળ્યા છે. હવે વધારે સાંભળવાની જરૂર મને લાગતી નથી. પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું કે જ્યુરીના માનવંતા સભ્યોનો નિર્ણય કાયદાની નજરમાં એક ઘડી પણ ઊભો રહી શકે એમ નથી. વધારામાં તેમણે એવી માગણી રજૂ કરી કે આરોપી નાણાવટીને નેવલ કસ્ટડીમાં નહીં પણ પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવે. આ તબક્કે ખંડાલાવાલા અને ત્રિવેદી એકબીજા સાથે ઝઘડી પડ્યા અને એકબીજા સાથે સીધી વાત કરવા લાગ્યા. ત્યારે જજ મહેતાએ બન્નેને રોકીને ઠપકો આપ્યો. બન્ને વકીલોએ માફી માગતાં મામલો થાળે પડ્યો. પછી ખંડાલાવાલાએ જણાવ્યું કે અદાલતના ફેંસલા પછી જે કાંઈ બન્યું એ માટે આરોપી કમાન્ડર નાણાવટી મુદ્દલ જવાબદાર નથી એટલે તેમને સજારૂપે પોલીસ-કસ્ટડીમાં મોકલવાની માગણી તદ્દન અયોગ્ય છે અને હું એનો સખત શબ્દોમાં વિરોધ કરું છું.
જજ મહેતાએ કહ્યું કે આરોપી કમાન્ડર નાણાવટીને નેવલ કસ્ટડીમાં મોકલવાના મારા નિર્ણય વિશે ફેરવિચારણા કરવાની મને જરૂર લાગતી નથી. છતાં જો આગળ ઉપર નેવલ કસ્ટડીનો દુરુપયોગ થાય છે એમ લાગે તો લાગતાવળગતા વકીલ નેવલ કસ્ટડી કૅન્સલ કરવા માટે અરજી કરી શકે છે.
છેવટે આરોપી કમાન્ડર નાણાવટીને ઉદ્દેશીને જજ મહેતા બોલ્યા: જ્યુરીના માનવંતા સભ્યોએ આઠ વિરુદ્ધ એક મતે તમે નિર્દોષ હોવાનો અભિપ્રાય આપ્યો છે. તેમના મતે કલમ ૩૦૨ અને કલમ ૩૦૪ હેઠળનો ગુનો તમે કર્યો નથી અને એટલે આ મામલામાં તમે નિર્દોષ છો. પણ જ્યુરીના માનવંતા સભ્યોના આ અભિપ્રાય સાથે હું સહમત થઈ શકતો નથી અને એટલે તમારો ખટલો બૉમ્બે હાઈ કોર્ટને રેફરન્સ માટે મોકલવાનું ઠરાવું છું. એ સાથે જ હું આ કેસ માટેની જ્યુરીને બરખાસ્ત કરું છું.
જ્યુરીએ કમાન્ડર નાણાવટીને નિર્દોષ જાહેર કર્યા છે એ ખબર ફેલાતાં કોર્ટની બહાર ઊભેલા લોકોના ટોળામાંથી કેટલાય આનંદથી નાચી ઊં્યા હતા. જાણે કોઈ મોટો ઉત્સવ હોય એવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. પણ બે-પાંચ મિનિટ માટે જ, કારણ કે પછી થોડી જ વારમાં ખબર ફેલાઈ ગયા કે જજસાહેબે જ્યુરીનો નિર્ણય સ્વીકાર્યો નથી અને કેસ બૉમ્બે હાઈ કોર્ટને મોકલી આપ્યો છે. ટોળાના એક મોટા ભાગે જજના નામની ‘હાય હાય’ પોકારી. કેટલાકે વળી ‘મારો મારો’ની બૂમો પાડી હતી. આ બધું જોઈને પોલીસ સતેજ થઈ ગઈ. રિઝર્વમાં રાખેલી હથિયારબંધ પોલીસને રસ્તાઓ પર તહેનાત કરવામાં આવી. નેવલ હેડ ક્વૉર્ટર્સમાંથી ઇન્ડિયન નેવીની ચાર સફેદ મોટરસાઇકલ નેવલ પોલીસના જવાનો સાથે આવી પહોંચી. કોર્ટના કમ્પાઉન્ડમાં ઊભેલી નેવીની સફેદ મોટરની આગળ બે અને પાછળ બે મોટરસાઇકલ ગોઠવાઈ ગઈ. કમાન્ડર નાણાવટી ઊતરીને સીધા મોટરમાં બેઠા અને તેમનો કાફલો આઇ.એન.એસ. કુન્જાલીમાં આવેલી નેવીની કસ્ટડી તરફ ઝડપભેર રવાના થયો.
તો બીજી બાજુ પોલીસના અધિકારીઓ જજ મહેતાને મળવા ગયા અને સલાહ આપી કે તેમણે અત્યારે ઘરે જવા ન નીકળવું, પણ મોડેથી લોકો વિખરાઈ જાય પછી નીકળવું. જજ મહેતાએ આ સલાહ માની એટલે પોલીસે બીજી સલાહ એ આપી કે આજે તમારી મોટરમાં ઘરે ન જવું, પણ અમે મોકલીએ એ બીજી મોટરમાં જવું. એ મોટરમાં સાદાં કપડાંમાં પોલીસના માણસો હશે. જજ મહેતાએ આ સૂચન પણ સ્વીકારી લીધું.
બીજા દિવસે સવારે બધાં છાપાંમાં જ્યુરીના અને જજના પરસ્પર વિરોધી નિર્ણયના ખબર પહેલા પાને આઠ કૉલમના હેડિંગ સાથે છપાયા. તો બીજી બાજુ વહેલામાં વહેલી તકે બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી કરવાની તૈયારી શરૂ થઈ.
બૉમ્બે હાઈ કોર્ટમાં જે કંઈ બન્યું એની વાત હવે પછી.

