Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આપણને વધુ એક રામાયણની જરૂર છે ખરી?

આપણને વધુ એક રામાયણની જરૂર છે ખરી?

Published : 09 November, 2026 10:34 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આપણી પાસે ૩૦૦થી પણ વધુ રામાયણ છે, પરંતુ હાલમાં આવેલી ફિલ્મ જણાવે છે કે રામાયણનાં પાત્રો વિશે આપણે જે જાણીએ છીએ એનાથી ઘણું વધુ ઊંડાણ આ પાત્રો ધરાવે છે. જેટલું વધુ વિચારીશું એટલી વધુ સમજણ કેળવાશે

રામાયણ

PoV

રામાયણ


આપણી પાસે વાલ્મીકિની અને તુલસીદાસની રામાયણ મળીને કુલ ૩૦૦ જેટલી રામાયણ છે. એ સિવાય એના પરથી બનેલી સિરિયલો, વેબ-સિરીઝ, કાર્ટૂન્સ જુદાં. પછી આપણને નવી રામાયણની જરૂર શું? જો એવો વિચાર તમને પણ આવ્યો હોય તો ચોક્કસ નવી ફિલ્મ ‘રામાયણ’ જોવી જરૂરી છે; કારણ કે રામાયણનાં અઢળક વર્ઝન્સ ભલે હોય, પણ ફિલ્મ જોઈને તમને ચોક્કસ એમ થશે કે હજુ પણ એવું ઘણું છે જે આ પાત્રો વિશે જાણવાનું બાકી છે. આ પાત્રોનું ઊંડાણ એટલું બધું છે કે કદાચ તેમને જેટલાં સમજતા જઈએ એટલાં એમનાં નવાં-નવાં પાસાંઓને જાણીશકાય. 
થોડા દિવસ પહેલાં જ્યારે રામાયણ પર લખેલું ત્યારે એક વાચકે પ્રશ્ન પૂછેલો કે રામાયણ એક સત્યકથા છે કે કલ્પના? લોકોનો આ વાત પર ભાર ખૂબ વધુ હોય છે કે જે થયું હતું એ જ દર્શાવવામાં આવે. અહીં એક વાત સમજવી જરૂરી છે કે સત્યને સીધું એટલે કે જેવું છે એવું જ દર્શાવવું એ પત્રકારત્વ છે, પરંતુ વાર્તાઓની દુનિયામાં સત્ય સાથે જે મહત્ત્વનું છે એ છે દૃષ્ટિકોણ. આ જે છે એ આવું કેમ છે, એની પાછળ શું છે, એ વધુ મહત્ત્વનું છે અને એ દૃષ્ટિકોણ પર નિર્ભર કરે છે. એ દૃષ્ટિકોણ વ્યક્તિ અને સમયના આધારે બદલાઈ શકે છે. એટલે જ વાર્તા તો એ જ હોય છે, પણ લેખક બદલાય, એ કહેવાનો સમય બદલાય, એ સાંભળનારું કે જોનારું ઑડિયન્સ બદલાય એમ એનો દૃષ્ટિકોણ બદલવો જરૂરી છે. આ બધામાં શરત ફક્ત એક હોય છે કે મૂળ કથા કે પાત્રોને હાનિ ન થાય.
નવી રામાયણમાં આ બંને બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કથા એ જ છે, પણ એને કહેવાની રીતની મજા છે. જો કે આ ફિલ્મમાં ઘણું બધું એવું પણ છે જે નથી ગમ્યું, પણ આ અઘરા પ્રયાસને વખોડવાનો તો સવાલ જ નથી ઊઠતો. એટલે જે ખૂબ ગમ્યું એની વાત કરીએ. ‘રામાયણ’ ફિલ્મની શરૂઆત રામની નહીં, રાવણની કથાથી થાય છે. રાવણનો ઇન્ટ્રોડક્ટરી સીન જ એવો છે કે તે ૧૪-૧૫ વર્ષની ઉંમરે બેસીને વીણા વગાડવામાં તલ્લીન છે. જેણે ક્યારેય સ્ટ્રિંગ વાદ્ય શીખ્યું હોય તેને ખબર હશે કે એ વગાડતી વખતે આંગળાંમાંથી લોહી ટપકી શકે એટલું કઠિન હોય છે. રાવણની આંગળીથી ટપકતું લોહી જોઈને તેની મા કૈકસી ઊકળી ઉઠે છે અને રાવણને તેનું જીવન જ્ઞાન અને સંગીત પાછળ વેડફવા કરતાં રાક્ષસ જાતિના ઉત્થાન માટે વાપરવાનું કહે છે. માની વાતને માનીને રાવણ ઘોર તપસ્યા કરવા જાય છે અને બ્રહ્મા પાસેથી વરદાન લે છે. મજાની વાત એ છે કે આપણે રામને આજ્ઞાકારી પુત્ર માનીએ છીએ, પરંતુ અહીં જોઈ શકાય છે કે રાવણમાં પણ એ ગુણ છે. 
ફક્ત એટલું જ નહીં, રામને તેમના ભાઈઓ માટે અપાર પ્રેમ છે એ આપણે જાણીએ છીએ, પણ ફિલ્મમાં જોઈ શકાય છે કે રાવણને પણ પોતાના પરિવાર માટે અથાગ પ્રેમ છે. રામ એક આદર્શ રાજા હતા એમ આપણે આજે પણ માનીએ છીએ. અહીં રાવણ પણ એક આદર્શ રાજા છે. ફિલ્મમાં રાવણ કહે છે કે હું તમારો રાજા છું, હું જે પ્રકારનું જીવન જીવીશ એવું જ જીવન મારી પ્રજા પણ જીવશે, હું જે ખાઈશ એ મારી પ્રજા ખાશે અને હું સોનાના મહેલમાં રહીશ તો મારી પ્રજાનું ઘર પણ સોનાનું હશે. આપણને બધાને ખબર છે કે રાવણે સોનાની લંકા વસાવી. પણ કેમ? એ પ્રશ્ન પૂછતાં રાવણ એક પ્રજાવત્સલ રાજા તરીકે વધુ સારી રીતે સમજાય છે.
બીજો પ્રશ્ન એ આવે કે પ્રજા પ્રત્યે અન્યાય નથી કરવાનો એવું રાવણે ક્યાંથી શીખ્યું હશે? ફિલ્મમાં જોઈ શકાય છે કે નાનપણમાં કુબેરનો દાસ બનીને જે જીવ્યો તેણે વિચારી લીધું કે હું જ્યારે રાજા બનીશ ત્યારે મારે આ નથી કરવાનું. તેણે પોતાનું ભાગ્ય પલટ્યું. ઘોર તપસ્યા કરી, અઢળક જ્ઞાન અર્જિત કર્યું, ખૂબ ભક્તિ કરી અને ઇચ્છા પ્રમાણેનું મૃત્યુ મેળવી પોતાના લોકોનું કલ્યાણ કર્યું. કદાચ રાવણના ભાગ્યમાં આ હતું નહીં, પરંતુ પોતાના જ્ઞાન અને શક્તિથી નવગ્રહને તેણે કાબૂમાં કરી લીધા હતા. તેણે પોતાનું ભાગ્ય લખ્યું. અમુક રામાયણમાં તો એ પણ કહેવાય છે કે રાવણે ખુદ વિષ્ણુના હાથે મૃત્યુ મળે અને તેના થકી મુક્તિ મળે એ માટે સીતાનું અપહરણ કરેલું. શું સાચું એ તો રાવણ જાણે (રામ જાણે કહેવું અહીં યોગ્ય નથી) , પણ આપબળે રાવણે પોતાની કિસ્મત લખી એમ કહીએ તો ખોટું નથી. 
રામ એક એવું પાત્ર છે જે પોતે એકપત્નીવ્રતા રહ્યા અને જે મર્યાદા સ્થાપિત કરી એનું પાલન આજે પણ ભારતીય સમાજ કરી રહ્યો છે. આ મર્યાદા માટે આજ સુધી લોકોને લાગતું હતું કે સીતા માટેનો પ્રેમ જવાબદાર છે, પણ રામાયણના મેકર્સે રામને વધુ સમજવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ કેવી છે એની પાછળ તેનું બાળપણ અત્યંત મહત્ત્વનું છે. બાળપણમાં તમે શું જોયું, શું સમજ્યા, શું શીખ્યા એ મહત્ત્વનું છે. રામે હંમેશાં જોયું કે તેની મા કૌશલ્યા દુખી રહેતી હતી, કારણ કે પિતા દશરથને કૈકેયી વધુ પ્રિય હતી. પોતાની માનું દુખ દરેક બાળક સમજે છે. આથી જ્યારે સીતા સાથે લગ્ન કર્યા પછી રામ જનકને વચન આપે છે કે તેના જીવનમાં સીતા સિવાય બીજી કોઈ સ્ત્રી નહીં આવે એ સમયે રામના આ નિર્ણયની ખુશી મા કૌશલ્યાના મુખ પર જોઈને સમજી શકાય છે કે આ નિર્ણય પાછળનું કારણ શું છે.  
ભગવાન ભલું કરે નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીનું જેમણે આ ફિલ્મમાં સીતાને લાચાર, નિ:સહાય, ભોળી નથી દર્શાવી. સીતા ક્ષત્રિય હતી. આ લૉજીક મુજબ વનમાં ફક્ત રામ અને લક્ષ્મણ જ લડાઈ કરતા અને સીતા અબળાની જેમ વર્તે એવું શક્ય જ નથી. આ પૉઇન્ટ કોઈ લેખકે વિચાર્યો જ નહીં આજ સુધી. સાચું કહું તો આ ફિલ્મમાં સીતાને લડતી જોઇને સહજ લાગે છે. સાચું કહું તો આ ફિલ્મમાં સીતાને લડતી જોવાનું સહજ લાગે છે. એમાં નવાઈ નથી લાગતી. હિરોઇનને બિચારી દર્શાવવાનું નરેટિવ ધીમે-ધીમે બદલાયું હતું, પણ મને લાગે છે કે આ ફિલ્મ પછી તો એ બંધ જ થઈ જશે, કારણ કે સીતા દરેક સ્ત્રીનો આદર્શ હતી, છે અને રહેશે. 
રામાયણની કથા તો એ જ છે, પણ કથા કહેવાની રીત મહત્ત્વની છે, કારણ કે આવું થયું એ જ ફક્ત મહત્ત્વનું નથી. આવું કેમ થયું એ પણ મહત્ત્વનું છે. આ કેમ આપણને ઊંડાણમાં લઈ જશે. બરાબરને? 


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 10:34 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK