નવા વર્ષે તમારે પણ નવાનક્કોર બનવું હોય તો એની તૈયારી આ મહિનાથી જ કરવી પડે. નિષ્ણાતો માને છે કે નવું વર્ષ શરૂ થાય એના ત્રણ મહિના પહેલાંથી જ થોડુંક આત્મનિરીક્ષણ કરવાની, નવા બદલાવ માટેનાં લક્ષ્ય બનાવવાની અને નવી આદતો કેળવવાની તૈયારીઓ કરવી જોઈએ. ઑક્ટોબર
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઑક્ટોબર મહિનામાં એક પ્રકારની નવી ઊર્જાનો અનુભવ થતો હોય છે. બદલાતું ઠંડું હવામાન મૂડ સુધારે છે અને તહેવારોની ઊર્જા આપણને જીવનમાં બદલાવ માટે પ્રેરિત કરે છે. ભારતમાં સામાન્ય રીતે દિવાળી ઑક્ટોબર મહિનામાં જ આવે છે જે સફાઈ, નવીનીકરણ અને ઊર્જાને તાજી કરવાનું પ્રતીક છે. સોશ્યલ મીડિયા પર ઑક્ટોબરને નવો જાન્યુઆરી એટલે કે બીજું નવું વર્ષ માનવામાં આવે છે. એટલે જ આજકાલ ઑક્ટોબર થિયરી પર યંગ જનરેશન ઘણી ચર્ચાઓ કરે છે. આજે આપણે સાઇકોલૉજિસ્ટ નિરાલી ભાટિયા પાસેથી એ વિશે જાણી લઈએ.
ઑક્ટોબર થિયરી એટલે શું?
ADVERTISEMENT
ઑક્ટોબર થિયરી એક એવો કન્સેપ્ટ છે જે લાઇફ પ્લાનિંગ અને પર્સનલ ગ્રોથ માટે ઘણો પ્રસિદ્ધ થઈ રહ્યો છે. એનો મૂળ સિદ્ધાંત એ જ છે કે નવું વર્ષ શરૂ થતાં પહેલાં આત્મનિરીક્ષણ કરો અને પોતાનાં લક્ષ્યો (ગોલ્સ)ની યોજના બનાવો. એટલે તમે આવતા વર્ષમાં ફોકસ્ડ અને ઑર્ગેનાઇઝ્ડ રહો. આ થિયરી માને છે કે ઑક્ટોબરનો મહિનો યોગ્ય સમય છે આત્મમૂલ્યાંકન અને તૈયારી માટે, જેથી વર્ષના લાસ્ટ ક્વૉર્ટરમાં લોકો પોતાની ઉપલબ્ધિઓ, અસફળતાઓ અને લર્નિંગનું મૂલ્યાંકન કરી શકે. ઑક્ટોબર થિયરીમાં લોકો પોતાના જીવનમાં અલગ-અલગ ગોલ્સ સેટ કરતા હોય છે. લોકો વ્યક્તિગત વિકાસ અને સ્વસુધારથી જોડાયેલાં લક્ષ્યો નક્કી કરે છે, જેમ કે પોતાની આદતોને સુધારવાને લઈને નક્કી કરે કે હું વહેલા ઊઠવાની આદત પાડીશ કે મેડિટેશન કરીશ. નવી સ્કિલ્સ જેમ કે ભાષા, મ્યુઝિક, ડાન્સ કે કરીઅરમાં કામ આવે એવો કોઈ પ્રોફેશનલ કોર્સ શીખીશ. કોઈને એવું હોય કે હું સકારાત્મક વિચારો રાખીશ, ગ્રેટિટ્યુડ પ્રૅક્ટિસ કરીશ. એ સિવાય ઘણા લોકો હેલ્ધી ડાયટનું અનુકરણ, રેગ્યુલર એક્સરસાઇઝ, યોગ કે પછી મેન્ટલ હેલ્થ સારી રાખવા માટે સ્ટ્રેસ-મૅનેજમેન્ટ વગેરે જેવા હેલ્થ અને ફિટનેસ સંબંધિત ગોલ્સ સેટ કરતા હોય છે. ઘણા લોકો જૉબ બદલવાને લઈને, સાઇડ ઇન્કમ શરૂ કરવાને લઈને, સેવિંગ કે ઇન્વેસ્ટમેન્ટ વધારવાને લઈને કરીઅર અને ફાઇનૅન્શિયલ ગોલ્સ બનાવતા હોય છે. અમુકને એવા પણ ગોલ્સ હોય કે રોમૅન્ટિક રિલેશન શરૂ કરવું છે, મારે મારું સોશ્યલ સર્કલ વધારવું છે, સમાજ માટે કોઈ કામ શરૂ કરવું છે. આ ગોલ્સ ફક્ત એક ચેકલિસ્ટ નથી હોતું પણ વ્યાવહારિક અને એના પર કામ થઈ શકે એવા હોય છે જેને અપનાવીને તમે તમારા દૈનિક જીવન અને આદતોમાં બદલાવ લાવી શકો છો. આ થિયરીનો ઉદ્દેશ એ છે કે તમે વર્ષની શરૂઆત એક ક્લિયર રોડમૅપ સાથે શરૂ કરો અને સ્ટ્રેસ અને કન્ફ્યુઝન વગર પોતાના જીવનને યોગ્ય દિશામાં લઈ જાઓ. ટૂંકમાં કહીએ તો ઑક્ટોબર થિયરી પ્લાનિંગ અને સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટનું ફ્રેમવર્ક છે જે તમને નવા વર્ષ માટે માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે તૈયાર કરે છે.
અનુસરણ કઈ રીતે કરશો?
ઑક્ટોબર થિયરીનો મૂળ ઉદ્દેશ છે પોતાના જીવનને નવા વર્ષની શરૂઆત પહેલાં જ વ્યવસ્થિત કરવું અને માનસિક રૂપથી તૈયાર કરવું. એનું પહેલું પગલું છે આત્મનિરીક્ષણ. ઑક્ટોબર મહિનામાં થોડા દિવસ એકલા બેસીને વિચારો કે ગયા વર્ષે તમે શું મેળવ્યું? શું છૂટી ગયું? અને શા માટે? પોતાનાં તાકાત, નબળાઈ, આદતો અને ઇમોશનલ પૅટર્ન્સને ઓળખો. પોતાની જાતને સવાલ પૂછો કે શું આ વર્ષે ખુશ હતો? કઈ વસ્તુએ મને સ્ટ્રેસ આપ્યું? હું કઈ વસ્તુઓ માટે આભારી છું? તમારા જીવનનાં ૪-૫ મુખ્ય ક્ષેત્રોમાં ગોલ્સ બનાવો. જેમ કે પર્સનલ, હેલ્થ, કરીઅર, ફાઇનૅન્સ અને રિલેશનશિપ્સ. દરેક ગોલને SMART બનાવો એટલે કે સ્પેસિફિક, મેઝરેબલ, અચીવેબલ, રેલેવન્ટ અને ટાઇમ બાઉન્ડ બનાવો. જેમ કે હું વજન ઘટાડવા ઇચ્છુ છું ફક્ત એવો ગોલ રાખવાને બદલે હું જૂન મહિના સુધીમાં ૨૦ કિલો વજન ઘટાડી દઈશ એવું લક્ષ્ય રાખો. એનાથી તમારું લક્ષ્ય સ્પષ્ટ અને ટ્રૅક કરવા યોગ્ય બનશે. આ સમય છે જૂના બોજને છોડવાનો. પોતાના વર્કપ્લેસ, ડિજિટલ ફાઇલ્સ અને માનસિક સ્પેસને ડીક્લટર કરો. જે વસ્તુઓ તમારા કામની નથી પછી એ ભલે જૂની વસ્તુઓ હોય, જૂની આદતો હોય કે પછી અધૂરી નારાજગીઓ હોય; એમને જવા દો. આ ક્લટર ક્લીનિંગ તમારી અંદર નવી ઊર્જા અને સ્પષ્ટતા લાવશે. એ પછી દરેક ગોલ માટે ઍક્શન પ્લાન બનાવો. દરેક લક્ષ્યને નાના-નાના વીકલી ટાસ્કમાં વહેંચી દો. જેમ કે તમારું લક્ષ્ય નવો કોર્સ શીખવાનું હોય તો પહેલા અઠવાડિયામાં રિસર્ચ કરો, બીજા અઠવાડિયામાં એનરોલ કરો અને ત્રીજા અઠવાડિયાથી ક્લાસ શરૂ કરો. સાથે જ નવી આદતો અપનાવવાની શરૂઆત કરો જેમ કે મેડિટેશન, જલદી ઊઠવું, સ્ક્રીન ટાઇમ ઓછો કરવો. જો તમે આને ઑક્ટોબરથી જ શરૂ કરી દેશો તો જાન્યુઆરી સુધી તમારી લાઇફસ્ટાઇલનો હિસ્સો બની જશે. માઇન્ડને રીસેટ કરવું પણ જરૂરી છે. પોતાના અંદરની નકારાત્મક વાતોને પૉઝિટિવ અફર્મેશનમાં બદલી દો. પોતાની જાતને દરરોજ યાદ અપાવો કે બદલાવમાં સમય લાગે છે પરંતુ હું સતત આગળ વધી રહી છું. સૌથી મહત્ત્વની વાત નાની-નાની પ્રગતિને સેલિબ્રેટ કરો. દર નાની અચીવમેન્ટ પર પોતાની જાતને શાબાશી આપો, કારણ કે આ નાનાં-નાનાં પગલાંઓથી જ મોટી સફળતા મળે છે. ઑક્ટોબર થિયરી કોઈ ટ્રેન્ડ નથી પણ એક માઇન્ડસેટ રીસેટ અને લાઇફપ્લાનિંગ ફ્રેમવર્ક છે. જ્યારે આને તમે સાચા ઇરાદા અને અનુશાસન સાથે અપનાવો છો તો નવું વર્ષ ફક્ત કૅલેન્ડરની તારીખ નહીં રહે, પણ તમારા જીવનની નવી અને સાર્થક શરૂઆત બનશે.
લોકો શું ભૂલ કરે છે?
ઑક્ટોબર થિયરીને અપનાવતી વખતે લોકો કેટલીક સામાન્ય ભૂલો કરતા હોય છે, જેને કારણે લોકો પોતાની પોતાની કન્સિસ્ટન્સી અને મોટિવેશન ખોઈ બેસે છે. સૌથી પહેલી ભૂલ તેઓ એ કરે છે કે એકસાથે ઘણાબધા ગોલ્સ સેટ કરી લે છે, જેથી મનમાં ઓવરલોડ થઈ જાય છે અને અંતે કંઈ પણ યોગ્ય રીતે મેળવી શકતા નથી. એટલે યોગ્ય રસ્તો એ છે કે ફક્ત ૨-૩ જ અર્થપૂર્ણ લક્ષ્ય પસંદ કરો અને આગામી વર્ષ માટે સૌથી જરૂરી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. બીજી ભૂલ જે લોકો કરતા હોય છે એ અવાસ્તવિક અપેક્ષાઓ રાખવી, જેમ કે એક મહિનામાં તો બધું બદલી નાખીશ જેવો વિચાર રાખવો. હંમેશા યાદ રાખવું જોઈએ કે બદલાવ ક્રમિક પ્રક્રિયા છે, તરત ન થાય. એટલે નાના અને વાસ્તવિક લક્ષ્ય નક્કી કરો, જેમ કે દર અઠવાડિયામાં ત્રણ દિવસ વર્કઆઉટ કરીશ. ત્રીજી ભૂલ લોકો એ કરે છે પ્લાનિંગ તો કરી લે છે, પણ તેને ઍક્શનમાં નથી લાવતા. ઑક્ટોબર થિયરીનો મુખ્ય ઉદ્દેશ એક્ઝિક્યુશન છે, ફક્ત વિચાર નહીં. દરેક ગોલને વીકલી પ્લાનમાં તોડીને અઠવાડિયામાં એક વાર પોતાનો પ્રોગ્રેસ ચેક કરો. ચોથી ભૂલ આત્મનિરીક્ષણની ઉપેક્ષા કરવાની છે. પોતાની જાતને સમજ્યા વગર સીધું-સીધું લક્ષ્ય નિર્ધારિત કરવાથી તમારાં લક્ષ્યો તમારી વાસ્તવિક જરૂરતોથી અલગ પડી જાય છે. એટલે પહેલાં આત્મવિશ્લેષણ કરો અને એ સમજો કે કઈ વસ્તુઓ તમને ખુશ કે હેરાન કરે છે અને પછી એના આધાર પર ગોલ્સ નક્કી કરો. પાંચમી ભૂલ જે લોકો કરતા હોય એ તુલનાની જાળમાં ફસાઈ જવાની છે. એટલે કે બીજા ગોલ્સને જોઈને પોતાને જજ કરવું. યાદ રાખો કે ઑક્ટોબર થિયરી વ્યક્તિગત છે અને તમારે તમારી ગતિ અને પરિસ્થિતિના હિસાબે આગળ વધવું જોઈએ. છઠ્ઠી ભૂલ કન્સિસ્ટન્સી ન રાખવાની છે. શરૂઆતમાં ઉત્સાહ તો રહે છે, પણ કેટલાંક અઠવાડિયાંઓમાં રસ ઓસરી જાય છે. એને રોકવા માટે પોતાની જાતને નાના રિવૉર્ડ્સ આપો અને ભરોસાપાત્ર સાથી કે દોસ્ત સાથે પોતાની પ્રગતિ શૅર કરો. સાતમી અને આઠમી મોટી ભૂલ અસફળતાથી નિરાશ થવાની છે. જો કોઈ લક્ષ્ય પૂરું ન થઈ શકે તો હાર માનવાની જગ્યાએ તેને ફીડબૅક સમજીને પ્લાન ઍડ્જસ્ટ કરવા જોઈએ અને ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. ઑક્ટોબર થિયરી કોઈ એક મહિનાની ચૅલેન્જ નથી, પણ એક માઇન્ડસેટ શિફ્ટ છે. એની સફળતાની ચાવી નિરંતરતા, ધૈર્ય અને વાસ્તવિક યોજના છે. જો તમે આ વસ્તુઓનું ધ્યાન રાખો તો આ થિયરી તમારા આગામી વર્ષને વધારે ફોક્સ્ડ અને વ્યવસ્થિત બનાવવામાં મદદ કરશે.

