પાંચ વર્ષની ઉંમરે લાગેલા ૧૧,૦૦૦ વૉલ્ટના કરન્ટને લીધે પાયલ નાગના બન્ને હાથ અને પગ નકામા થઈ ગયા ત્યારે લોકોએ કહેલું કે આને જીવતી કેમ રાખી છે
પાયલ નાગ
હાથ નથી, પગ નથી છતાં આર્ચરીની નેશનલ પૅરાગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા ૧૭ વર્ષની આ સુપરગર્લે, એ પણ પોતાની રોલમૉડલ શીતલ દેવીને હરાવીને : મોંમાં બ્રશ મૂકીને દોરેલું ચિત્ર વાઇરલ થયું એ પછી ઓડિશાના એક અનાથાલાયમાં રહેતી પાયલની કિસ્મત બદલાઇ ગઈ
ઓડિશાના એક અનાથાલયમાંથી શોધી કાઢવામાં આવેલી પાયલ નાગ તેની પહેલી જ આર્ચરી સ્પર્ધામાં નૅશનલ ચૅમ્પિયન બની છે અને તેણે એ શીતલ દેવીને હરાવી છે જે તેની રોલમૉડલ રહી છે.
ADVERTISEMENT
બન્ને હાથ ન ધરાવતી શીતલ દેવીએ ૨૦૨૪ની પૅરાલિમ્પિક્સમાં એટલે કે દિવ્યાંગો માટેની ઑલિમ્પિક્સમાં તીરંદાજીમાં ભારતનો પહેલો મેડલ જીત્યો હતો. એ સમયે દુનિયા હેરાન થઈ હતી કે બે હાથ વિના આર્ચરીમાં ગોલ્ડ મેડલ મેળવવો કેવી રીતે સંભવ છે. એ સમયે શીતલ દેવી રાતોરાત સ્ટાર બની ગઈ હતી.
હવે ભારતની આર્ચરીમાં નવું નામ છે પાયલ નાગનું, જેને હાથ પણ નથી અને પગ પણ નથી. આમ છતાં જયપુરમાં યોજાયેલી છઠ્ઠી નૅશનલ પૅરાઆર્ચરી ચૅમ્પિયનશિપમાં શીતલ દેવીને હરાવીને તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે.
શીતલ દેવી અને પાયલ નાગે એક જ સ્થળે ટ્રેઇનિંગ લીધી છે. તેઓ જમ્મુની માતા વૈષ્ણોદેવી શ્રાઇન આર્ચરી ઍકૅડેમીમાં ટ્રેઇનિંગ લઈ રહી છે.
સ્પર્ધાના મેદાનમાં ભલે પાયલ નાગે શીતલ દેવીને હરાવી દીધી છે, પણ તે શીતલને પોતાની મોટી બહેન માને છે. પાયલ શીતલની જેમ જ ભારત માટે પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા માગે છે.
ખેલો ઇન્ડિયા પૅરા ગેમ્સ ૨૦૨૫માં પાયલે ઉપસ્થિત પત્રકારોને સંબોધતાં કહ્યું હતું, ‘જો હું ઓડિશાના બલાંગીરના અનાથાલયમાંથી આવીને શીતલદીદીને હરાવી શકું છું તો મારું લક્ષ્ય દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાથી કમ ન હોઈ શકે. મારું સપનું છે કે હું દેશ માટે ગોલ્ડ મેડલ જીતું.’
છઠ્ઠી નૅશનલ પૅરા આર્ચરી ચૅમ્પિયનશિપમાં પાયલ નાગે મહિલાઓની કમ્પાઉન્ડ કૅટેગરીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
કોણ છે આ પાયલ નાગ?
પાયલ નાગ દુનિયાની એકમાત્ર આર્ચર છે જેના હાથ નથી કે પગ નથી. તે ઇટલીની મહાન પૅરાફેન્સર બીટ્રિસ વિયો જેવી જ છે. બીટ્રિસના હાથ અને પગ મેનિન્જાઇટિસને કારણે જતા રહ્યા હતા છતાં મુશ્કેલી સામે તેણે હિંમત હારી નહોતી. તેણે રિયો અને ટોક્યો પૅરાલિમ્પિક્સમાં એક ઇવેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતીને પાયલ નાગ જેવા ખેલાડીઓને રસ્તો બતાવ્યો હતો. પાયલ પણ આ જ રસ્તે ચાલી રહી છે.
પાંચ વર્ષની વયે હાથ-પગ બેકાર
ઓડિશાના બલાંગીર જિલ્લામાં રહેતી પાયલ નાગ પાંચ વર્ષની હતી ત્યારે ૧૧,૦૦૦ વૉલ્ટના વીજળીના તારનો સંપર્કમાં આવી હતી અને એને કારણે તેના હાથ અને પગ બેકાર થઈ ગયા હતા. પાયલ આ દિવસને યાદ કરવા માગતી નથી, કારણ કે આ દિવસે તેની જિંદગી બદલી નાખી હતી.
અનાથાલયમાં મૂકવામાં આવી
હાથ અને પગ વિનાની પાયલનું ધ્યાન રાખવું સાવ ગરીબ એવા ખેડૂત પરિવાર માટે મુશ્કેલ હોવાથી ૪ વર્ષ બાદ ૨૦૧૯માં તેને જિલ્લા કલેક્ટરની મદદથી ઓડિશાના બલાંગીરના પાર્વતીગિરિ બાલ નિકેતન અનાથાલયમાં મૂકવામાં આવી હતી. ત્યાં પાયલ ત્રણ વર્ષ રહી હતી અને ૨૦૨૨માં તેને જમ્મુ લઈ જવામાં આવી હતી.
મોંથી દોરેલું ચિત્ર વાઇરલ થયું, જીવન બદલાયું
પોતાના જીવનમાં આવેલા બદલાવ વિશે બોલતાં પાયલ કહે છે, ‘બલાંગીરના અનાથાલયમાં હું મોંમાં બ્રશ મૂકીને ચિત્રો દોરતી હતી. કોઈનો પણ ચહેરો જોઈ લીધા બાદ હું તેનું ચિત્ર દોરી શકતી હતી. આ ચિત્રો જોઈને અનાથાલયના લોકો ખુશ થતા હતા. એક વાર એક ડ્રૉઇંગ ટ્વિટર પર મૂકવામાં આવ્યું અને એ વાઇરલ થયું હતું. જમ્મુ અને કાશ્મીરના જમ્મુમાં માતા વૈષ્ણોદેવી શ્રાઇન આર્ચરી ઍકૅડેમીના કોચ કુલદીપ વેદવાને એ જોયું હતું. તેઓ અનાથાલયમાં આવ્યા હતા અને મને જમ્મુ લઈ ગયા હતા.’
બલાંગીરથી જમ્મુની ઍકૅડેમીમાં આવ્યા બાદ પાયલનું જીવન બદલાઈ ગયું. પાયલના ઘરે ખેડૂત પિતા અને માતા તથા ભાઈ-બહેન છે. તેની મોટી બહેન વર્ષા નાગ ઍકૅડેમીની હૉસ્ટેલમાં રહે છે અને પાયલનું ધ્યાન રાખે છે.
કોચે અપાવ્યો વિશ્વાસ
જમ્મુની ઍકૅડેમીમાં પહેલી વાર પહોંચેલી પાયલે જોયું કે ત્યાં તમામ બાળકોને હાથ અને પગ હતા અને તેઓ હાથથી ધનુષ્ય પકડતાં હતાં. પાયલને થયું કે તે કેવી રીતે આર્ચરી કરી શકશે? જોકે કોચે તેને ભરોસો અપાવ્યો હતો કે અમે તારી મદદ કરીશું અને તું જરાય ચિંતા કરીશ નહીં; હું તારી સાથે છું, તું કરી શકીશ.
ખાસ ઇક્વિપમેન્ટ બન્યું
પાયલ માટે કોચે ખાસ ઉપકરણ તૈયાર કરાવ્યું હતું જેના દ્વારા કુલદીપ વેદવાન અને અભિલાષા સિંહના માર્ગદર્શન હેઠળ પાયલની ટ્રેઇનિંગ શરૂ થઈ હતી. કુલદીપ વેદવાને પાયલ માટે નવું ધનુષ્ય તૈયાર કરાવડાવ્યું હતું જેનો વિરોધ પણ થયો હતો. આ મુદ્દે કુલદીપે કહ્યું હતું કે ‘એક નિયમ બન્યો કે બેઉ પગથી તીર ચલાવી શકાય નહીં, પણ આવનારા દિવસોમાં એમાં બદલાવ થશે કારણ કે પાયલ દુનિયાની એકમાત્ર એવી તીરંદાજ છે જેના હાથ કે પગ બેઉ નથી. આ વિરોધને જોઈને મેં નવું ઉપકરણ બનાવ્યું હતું. એમાં પાયલ તેના એક પગનો ઉપયોગ કરે છે. આ ઉપકરણમાં પાયલ જમણા પગથી ધનુષ્ય ઉઠાવે છે અને જમણા ખભાથી દોરી ખેંચે છે. મેં પાયલ માટે દોરી ખેંચવાનું પણ યંત્ર બનાવ્યું છે.’
આત્મવિશ્વાસ હોય તો કશું જ અસંભવ નથી
બે વર્ષ પહેલાં આર્ચરી વિશે ઝાઝું નહીં જાણનારી પાયલ આજે આત્મવિશ્વાસથી ભરેલી છે. આ મુદ્દે તે કહે છે, ‘જમ્મુ આવી ત્યાં સુધી મને આર્ચરી વિશે જાણ નહોતી, પણ કોચ સર અને શીતલ દેવીએ મને વિડિયો બતાવ્યા ત્યારે મને આ રમત વિશે જાણ થઈ. લોકો કહે છે કે જ્યારે તમારામાં આત્મવિશ્વાસ હોય તો બધું સંભવ છે. મને મારા ખુદ પર અને મારા કોચ પર ભરોસો હતો. તેમના કારણે હું આજે આ મુકામ સુધી પહોંચી શકી છું અને એક નૅશનલ મેડલ જીતી શકી છું.’
પાયલના ઇરાદા બુલંદ
૧૭ વર્ષની પાયલ નાગના ઇરાદા બુલંદ છે. શરીરમાં જે મુશ્કેલી છે એને જ તેણે પોતાની તાકાત બનાવી છે. પાયલે નૅશનલ પૅરાઆર્ચરી ચૅમ્પિયનશિપમાં શીતલ દેવીને હરાવીને ગોલ્ડ ઉપરાંત બીજો ગોલ્ડ ડબલ્સમાં જીત્યો છે. આમ બબ્બે ગોલ્ડ મેડલ જીત્યા છે. તે દુનિયાની એકમાત્ર તીરંદાજ છે જેના બે હાથ અને બે પગ નથી છતાં ગોલ્ડ મેડલ જીતી છે. પાયલને જ્યારે વીજળીનો કરન્ટ લાગ્યો અને તેના શરીરના હાથ અને પગ કામ કરતા બંધ થઈ ગયા ત્યારે સમાજે તેને ઠુકરાવી દીધી હતી. લોકો તેના પરિવારને મહેણાં-ટોણાં મારતા હતા કે આને જીવતી શા માટે રાખી છે? જોકે આજે પાયલ નાગની કહાની દર્શાવે છે કે ક્યારેક-ક્યારેક જીત માત્ર શરીરથી નહીં, આપણા જુસ્સાથી પણ થાય છે. -આદિત્ય શાહ
કોચ શું કહે છે?
પાયલ નાગના કોચ કુલદીપ વેદવાનનું કહેવું છે કે પાયલમાં ગજબની પ્રતિભા છે, મેં માત્ર તેનામાં આત્મવિશ્વાસ ભર્યો છે. હાલમાં પાયલ નાગ થાઇલૅન્ડમાં થનારી વર્લ્ડ રૅન્કિંગ ટુર્નામેન્ટની તૈયારી કરી રહી છે. તેનું લક્ષ્ય ૨૦૨૬ની ટોક્યો પૅરા એશિયન ગેમ્સ અને ૨૦૨૮ પૅરાલિમ્પિક્સ છે.
શીતલ દેવી શું કહે છે?
શીતલ દેવી પણ પાયલની પ્રતિભાનાં વખાણ કરતાં કહે છે, ‘મેં જ્યારે તેને પહેલી વાર તીર ચલાવતાં જોઈ તો મને લાગ્યું કે શું આ સંભવ થશે? જોકે તેણે શાનદાર રીતે તીર ચલાવ્યું હતું અને હું ખૂબ ખુશ થઈ હતી. પાયલ પ્રતિભાશાળી છે અને મારી નાની બહેન જેવી છે. તે ખૂબ મહેનતુ છે અને દેશનું નામ રોશન કરી શકે એમ છે.’

