તે પત્નીને એકાંતમાં હંમેશાં કહેતા કે નિકી બ્રિલિયન્ટ છોકરી છે પણ આ રીતે તેની હાજરીમાં જ તું બીજાઓ પાસે તેની આટલીબધી પ્રશંસા કરે છે એ ઠીક નથી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
‘અમારી નિકિતા તો બહુ સ્માર્ટ છે. તેની બધીયે ફ્રેન્ડ્સમાં તે સૌથી હોશિયાર, પાછી બધી વાતમાં આગળ...’ તેની મમ્મીના મોઢે આ વાક્ય ન સાંભળ્યું હોય એવું તેમના વર્તુળમાં ભાગ્યે જ કોઈ હશે. પોતાની એજ્યુકેટેડ અને પ્રોફેશનલ પત્નીના આ વર્તન સાથે નિકિતાના ડૉક્ટર પપ્પા સહમત નહોતા. તે પત્નીને એકાંતમાં હંમેશાં કહેતા કે નિકી બ્રિલિયન્ટ છોકરી છે પણ આ રીતે તેની હાજરીમાં જ તું બીજાઓ પાસે તેની આટલીબધી પ્રશંસા કરે છે એ ઠીક નથી. અકારણ તેનામાં એક સુપેરિયોરિટી કૉમ્પ્લેક્સ આવી જશે અને એ તેના પોતાના માટે નુકસાનકારક નીવડશે. પરંતુ સફળ પ્રોફેશનલ પારુને પતિની વાત જુનવાણી લાગતી. જોકે નિકીની સ્કૂલમાંથી તેના બિહેવિયર વિશે અવારનવાર ટિપ્પણીઓ આવવા લાગી ત્યારે તેને પતિની વાતનું તથ્ય સમજાયું. નિકિતાના આત્મવિશ્વાસ અને હાજરજવાબીપણાની પ્રશંસા કરતી ટીચર પાસેથી તેના વર્તનમાં દેખાતી તોછડાઈ, ઓવર-કૉન્ફિડન્સ અને આપવડાઈ વિશે ટકોર આવી ત્યારે મમ્મીને પોતાની ભૂલનો અહેસાસ થયો. અલબત્ત, મમ્મીના પક્ષે આ એક ચૂક જરૂર હતી પણ ઇરાદાપૂર્વક કરેલો ગુનો નહીં.
હમણાં KBCનાં એક ગુજરાતી બાળક આવ્યો હતો. મીઠડો, સ્માર્ટ અને ચુલબુલો એ આઠેક વર્ષનો છોકરો અમિતાભ બચ્ચન સાથે તદ્દન નિર્ભીકતાથી વાતો કરતો હતો અને KBCના સવાલોના જવાબ આપી રહ્યો હતો. તેની વાત કરવાની સ્ટાઇલમાં ટિપિકલ ગુજરાતી લહેકો હતો. એ સાંભળીને શ્રોતાઓને હસવું તો આવતું હતું પણ ક્યાંક ને ક્યાંક એમાં નાના મોઢે મોટી વાત જેવો સૂર પણ સંભળાતો હતો. અને એટલે ઘણા શ્રોતાઓને એમાં તોછડાઈનો ટોન પણ સંભળાતો હતો. અંગત રીતે મને તેની બોલવાની સ્ટાઇલ પરથી લાગ્યું કે તે વડીલ જેવા લહેકામાં બોલતો હતો અને એ ફની પણ લાગતું હતું. મને એ છોકરો હડબડિયો લાગ્યો હતો. અને તેણે જે રીતે ઓવરકૉન્ફિડન્ટ થઈને એક સવાલનો જવાબ આપવામાં ઉતાવળ કરીને (ત્રણ-ત્રણ હેલ્પ લાઇન હોવા છતાં) પોતાની મળેલી સરસ તક ગુમાવી ત્યારે મારી એ માન્યતા સાચી પુરવાર થઈ. એ બાળકની KBCની સફર આમ અણધારી પૂરી થઈ એનું દુ:ખ મને થયું હતું. પરંતુ એ ઘટના બાદ સોશ્યલ મીડિયા પર એ બાળક અને તેના પરિવાર પર જે રીતે લોકો તૂટી પડ્યા એ જોઈને તો આઘાત જ લાગ્યો. એ નિર્દોષ બાળકને ગુડ મૅનર્સ શીખવવા નીકળેલાઓએ પોતે કેટલુંબધું શીખવાનું છે એ દેખાઈ આવ્યું.

