બાળકને પ્લેસ્કૂલમાં મોકલવાનું આમ તો ઑપ્શનલ હોય છે, પણ પેરન્ટ્સ એટલું સામાજિક દબાણ અનુભવે છે કે ઘણી વાર તેઓ અનિચ્છા છતાં બાળકનું પ્લેસ્કૂલમાં ઍડ્મિશન કરાવતા હોય છે. નિષ્ણાતો સાથે વાત કરીને જાણીએ કે પ્લેસ્કૂલ બાળકોના વિકાસ માટે ખરેખર કેટલી જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં થોડાં વર્ષોમાં ચોરે ને ચૌરે પ્લેસ્કૂલ ખૂલી ગઈ છે એની પાછળ ઘણાં કારણો પણ છે. આજકાલ માતા-પિતા બન્ને વર્કિંગ હોય એટલે તેઓ એમ વિચારીને બાળકને પ્લેસ્કૂલમાં મોકલી દે કે દિવસના બે-ત્રણ કલાક માટે તેઓ સચવાઈ જાય. એ સિવાય બાળકને જો પ્લેસ્કૂલમાં મોકલીએ તો આગળ જઈને તે સ્કૂલ એન્વાયર્નમેન્ટમાં આરામથી ઍડ્જસ્ટ થઈ જશે એવી પણ પેરન્ટ્સની ગણતરી હોય છે. એ સિવાય કૉમ્પિટિશન એટલી વધી ગઈ છે કે પેરન્ટ્સને એમ લાગવા લાગે કે જો તેઓ તેમના બાળકને પ્લેસ્કૂલમાં નહીં મોકલે તો તે અન્ય બાળકોથી પાછળ રહી જશે. આ બધા વચ્ચે એ વિચારવાની જરૂર છે કે શું બાળકોના વિકાસ માટે તેમને પ્લેસ્કૂલમાં મોકલવાં ખરેખર જરૂરી છે? તેમને ઘરે જ ટ્રેઇન ન કરી શકાય? બાળકને પ્લેસ્કૂલમાં મોકલવાનો નિર્ણય કયા આધારે લેવો જોઈએ? આ વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ.
અર્લી લર્નિંગની જરૂરિયાત
ADVERTISEMENT
બાળકોને પ્લેસ્કૂલમાં મૂકવાં જોઈએ કે નહીં એનો જવાબ મેળવતા પહેલાં શરૂઆતનાં છ વર્ષના સમયગાળામાં બાળકોના વિકાસ માટે કયા પ્રકારનું લર્નિંગ જરૂરી છે એ જાણવું પેરન્ટ્સ માટે ખૂબ જરૂરી છે એમ જણાવતાં એજ્યુકેશનિસ્ટ સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘છ વર્ષ સુધીની ઉંમરનાં બાળકોમાં ફિઝિકલ, લૅન્ગ્વેજ, સોશ્યલ, ઇમોશનલ અને કૉગ્નિટિવ (માનસિક) આ પાંચ પ્રકારનાં ડેવલપમેન્ટ ખૂબ ઝડપથી થાય છે જે પછીના જીવનમાં એટલા ઝડપથી ક્યારેય થતાં નથી. સામાન્ય રીતે ત્રણ વર્ષ સુધીનાં બાળકોને કૅરની જરૂર હોય છે, જ્યારે ત્રણથી છ વર્ષનાં બાળકોને એજ્યુકેશન આપવાનું હોય છે. છેલ્લા અમુક સમયથી પ્લેસ્કૂલની થઈ રહેલી વગોવણીનું કારણ એ છે કે એ બાળકોને જલદી-જલદી રાઇટિંગ, રીડિંગ શીખવાડવા મંડી પડી છે જે બાળકો માટે બોજરૂપ બની જાય છે. આપણા દેશમાં પ્રીસ્કૂલ, પ્લેસ્કૂલ, નર્સરી બહુ બધાં નામ છે પણ તમે જુઓ તો નાનાં બાળકો માટેનાં પ્રાથમિક શિક્ષણ કેન્દ્રોને બાળવાડી, આંગણવાડી, કિંડરગાર્ટન જેવાં નામ આપવામાં આવ્યાં છે. આ શબ્દોનો અર્થ જુઓ તો એ ભણતરની વાત નથી કરતા પણ પ્લે, એક્સ્પીરિયન્સ અને ગ્રોથ પર ભાર મૂકે છે. એનું કારણ એ છે કે રમત દ્વારા મેળવેલો અનુભવ બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.’
કેવી પ્રીસ્કૂલ હોવી જોઈએ?
બાળકને પ્રીસ્કૂલની જરૂર છે, પણ એ તો જ કામની છે જો એમાં યોગ્ય રીતે કૅર અને એજ્યુકેશન આપવામાં આવતું હોય એમ જણાવતાં એક આઇડિયલ પ્રીસ્કૂલ કેવી હોવી જોઈએ અને એનો ફાયદો બાળકોને ક્યારે થઈ શકે એ વિશે સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘ત્રણ વર્ષ સુધીનું બાળક હોય તો તેને ધ્યાન, સંભાળ, રમત અને પોષણની જરૂર છે. તમે બાળકને એવા ડે કૅર સેન્ટરમાં મૂકો જ્યાં તેને મારતા હોય, ખાવાનું બરાબર ન આપતા હોય, તેની સાથે કોઈ રમવાવાળું કે વાત કરવાવાળું ન હોય તો એનો કોઈ ફાયદો નથી. તમે ભલે ગમે એટલી ફી આપતા હો. એવી જ રીતે ત્રણથી છ વર્ષની ઉંમરમાં ફાઉન્ડેશનલ લર્નિંગ કે જેમાં અક્ષરો, નંબર ઓળખવાનું, પશુ-પક્ષી, રંગો વગેરેનું સામાન્ય જ્ઞાન આપવાનું ચાલુ થાય. એ માટે તમારા બાળકને એવી પ્રીસ્કૂલની આવશ્યકતા છે જ્યાં ક્વૉલિફાઇડ ટીચર્સ હોય, જે સમજી શકે કે બાળક માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. બાળકને ફક્ત નામ માટેની પ્રીસ્કૂલ કે જ્યાં સરસમજાના ક્લાસરૂમ બનાવી રાખ્યા હોય, ઢગલો રમકડાં મૂક્યાં હોય પણ કરવાનું કંઈ જ ન હોય તો એમાં મોકલી દેવાથી તેને કોઈ ફાયદો થવાનો નથી. આપણને એવી પ્રીસ્કૂલની જરૂર છે જ્યાં બાળકોને વિવિધ ઍક્ટિવિટીઝ કરાવવામાં આવતી હોય, તેમને સેફ ફીલ કરાવવામાં આવતું હોય, તેમની સાથે પ્રેમથી ઇન્ટરૅક્શન થતું હોય. તમારું બાળક એવી પ્રીસ્કૂલમાં જતું હશે જ્યાં તેને ડરાવવામાં આવતું હોય, પ્રેશર નાખવામાં આવતું હોય તો ત્યાં તેના મગજનો વિકાસ રૂંધાઈ જશે. એટલે પેરન્ટ્સે બાળકને પ્રીસ્કૂલમાં દાખલ કરાવીને સંતોષ માનવા કરતાં તેને જેની આવશ્યકતા છે એવી કૅર અને એજ્યુકેશન મળી રહ્યાં છે કે નહીં એની ખાતરી કરવી ખૂબ જરૂરી છે. ખરાબ પ્રીસ્કૂલ્સે આપણું જે ફોકસ છે એને AC ક્લાસરૂમ, ફર્નિચર, ફૅન્સી ટૉય્સ પર શિફ્ટ કરી નાખ્યું છે જેનાથી બાળકોને કોઈ ફાયદો નથી થવાનો. ખરો ફાયદો ક્વૉલિફાઇડ સ્ટાફ અને પ્રૉપર કરિક્યુલમથી થશે. આજકાલના પેરન્ટ્સ પણ એવું ઇચ્છતા હોય કે બાળક જલદીથી લખતાં-વાંચતાં શીખી જાય, જે બાળક માટે સ્ટ્રેસ છે. એટલે આ બધી બાબતમાં ટીચરને કે પેરન્ટ્સને પૂરતું જ્ઞાન નથી. કોઈ પણ પ્રીસ્કૂલ ખોલીને બેસી જાય છે. પ્રૉપર રૂલ્સ અને રેગ્યુલેશન સાથે એક સરસમજાની પ્રીસ્કૂલ ચલાવવામાં આવે તો એની જે અસર છે એ બાળકમાં જીવનભર રહેશે. એટલે અત્યારે આપણને ફક્ત પ્રીસ્કૂલ નહીં પણ એક ગુણવત્તાસભર પ્રીસ્કૂલની જરૂર છે.`
પ્રીસ્કૂલનો ફાયદો શું?
એક સારી પ્રીસ્કૂલ બાળકના વિકાસમાં કઈ રીતે મદદરૂપ બની શકે છે એ વિશે જણાવતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘બાળકોને પ્લેસ્કૂલમાં મોકલવાં એ અમુક હદ સુધી સલાહભર્યું છે. આજકાલ ન્યુક્લિયર ફૅમિલીનો જમાનો છે. પહેલાંના જમાનામાં બાળક જૉઇન્ટ ફૅમિલીમાં રહેતું જ્યાં દાદા-દાદી, કાકા-કાકી, ભાઈ-બહેન વચ્ચે રહીને તેને સ્વાભાવિક રીતે જ વાતચીત કરવાનું, સહયોગ કરવાનું અને સામાજિક નિયમોને સમજવાનું આવડી જતું હતું. ન્યુક્લિયર ફૅમિલીમાં બાળકનું સોશ્યલ સર્કલ સીમિત હોવાથી તેને બીજા સાથે હળવામળવાની કે વાતચીત કરવાની તક ખૂબ ઓછી મળે છે. પ્લેસ્કૂલ આ કમીને ભરવાનું કામ કરે છે. બાળક જ્યારે ગ્રુપમાં હોય તો તે બધી વસ્તુ ઝડપથી શીખી જાય છે. બીજાં બાળકો સાથે રમવાથી, જમવાથી અને ભણવાથી તેમનામાં કો-ઑપરેશન, શૅરિંગ, બાઉન્ડરી મેઇન્ટેન કરવા જેવી બાબતો વિકસિત થાય છે. બાળકને એ સમજણ પડવા લાગે છે કે ગુસ્સો, નિરાશા, ઉદાસીને કઈ રીતે હૅન્ડલ કરવી અને એને કઈ રીતે યોગ્ય રીતે વ્યક્ત કરવી. ગ્રુપમાં રહીને બાળકનું મગજ વધારે સક્રિય થાય છે. વિવિધ પ્રકારની ઍક્ટિવિટીઝ, ગેમ્સ અને વાતચીતથી તેમની વિચારવાની ક્ષમતા, સામાન્ય જ્ઞાન અને સમસ્યાને ઉકેલવાની ક્ષમતા વધે છે. અલગ-અલગ ભાષાનાં બાળકો સાથે રહીને તેમની કમ્યુનિકેશન સ્કિલ સુધરે છે અને ભાષા પર પકડ મજબૂત બને છે. બાળક અલગ-અલગ પરિસ્થિતિઓમાં અને લોકો સાથે પોતાની જાતને ઢાળતાં શીખે છે. પ્લેસ્કૂલ બાળકને વિવિધતાથી પરિચિત કરાવે છે. અહીં તેમને વિવિધ ધર્મ, જાતિ અને ભાષાનાં બાળકોને મળવાની તક મળે છે. એનાથી તેમનું એક્સપોઝર વધે છે અને તે વધુ ટૅલન્ટેડ, સંવેદનશીલ અને ઉદાર બને છે. અન્ય બાળકો સાથે રહીને બાળકમાં સ્પોર્ટિંગ નેચર, કાઇન્ડનેસ અને ટીમવર્ક જેવા ગુણો વિકસે છે.`
ઘરે શિખવાડી શકાય?
બાળકોને પ્રીસ્કૂલમાં મોકલવા કરતાં ઘરે જ તેમને શિખવાડી શકાય કે નહીં એનો જવાબ આપતાં રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘બાળકને પ્લેસ્કૂલમાં મોકલવું જ જોઈએ એવું નથી. જો તમારા ઘરમાં એવું વાતાવરણ હોય જ્યાં બાળકનો શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસ થઈ શકતો હોય તો પ્લેસ્કૂલની જરૂર નથી. એ સિવાય તમારું બાળક વધારે પડતું શરમાળ, અંતર્મુખી અને બેચેન રહેતું હોય તો પણ તેને પહેલાં ઘરના સુરક્ષિત વાતાવરણમાં પ્લેસ્કૂલ જેવી ટ્રેઇનિંગ આપીને તૈયાર કરી શકાય. જોકે એ માટે માતા-પિતા બન્ને બાળક માટે સમય કાઢે, ધીરજ રાખે અને સતત પ્રયત્ન કરતાં રહે એ ખૂબ જરૂરી છે. તમારે બાળકને વિવિધ પ્રકારની લાઇફ-સ્કિલ્સ, ક્રીએટિવ-સ્કિલ્સ અને સોશ્યલ સ્કિલ્સ શિખવાડવી ખૂબ જરૂરી છે. એ માટે પેરન્ટ્સ ઘરમાં બાળકને અલગ-અલગ ઍક્ટિવિટી જેમ કે લેગો વડે બિલ્ડિંગ બનાવવું, પ્રિટેન્ડ પ્લે કરાવવું એટલે કે એવી રમત જેમાં બાળક ડૉક્ટર, ટીચર કે કોઈ પાત્ર બનીને રમે, વાર્તાઓ સંભળાવવી, ડ્રૉઇંગ અને ક્રાફ્ટ વગેરે કરાવવું જોઈએ. એનાથી બાળકની કલ્પનાશક્તિ વિકસે, ભાવના વ્યક્ત કરતાં શીખે અને આત્મવિશ્વાસ વધે. બાળક તેનાં દાદા-દાદી સાથે રહેતું હોય, આડોશપાડોશનાં બાળકો સાથે હળતું-મળતું હોય, તમારા ઘરે ફૅમિલી ગેટ-ટુગેધરમાં સગાંસંબંધીઓ સાથે તેનું ઇન્ટરેક્શન થતું હોય, બાળક કોઈ હૉબી-ક્લાસમાં જતું હોય તો એનાથી પણ શૅરિંગ, ટીમવર્ક તેમ જ બીજા લોકો સાથે કઈ રીતે વાતચીત કરવી, હળવું-મળવું જેવી સોશ્યલ સ્કિલ વિકસે છે.’
આ વાતને સમર્થન આપતાં સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘આજના આધુનિક જીવનમાં જ્યાં માતા-પિતા બન્નેને વર્કિંગ હોય એટલે બાળક માટે કોઈ પાસે સમય જ ન હોય. બાળકને હાથમાં રમકડાં પકડાવીને રમવા છોડી દે. તેમની સાથે કોઈ બોલવાવાળું ન હોય. એટલે એક સપોર્ટ સિસ્ટમ તરીકે કિંડરગાર્ટન શરૂ કરવામાં આવ્યાં જેમાં ગેમ્સ, ઍક્ટિવિટીઝ, સ્ટોરીટેલિંગ, સૉન્ગ્સ, ડાન્સ, ઇન્ટરૅક્શન વગેરેના માધ્યમથી તેમના બ્રેઇનને સ્ટિમ્યુલેટ કરવામાં આવે. છ વર્ષની ઉંમર સુધીમાં બાળકનું બ્રેઇન સ્ટિમ્યુલેટ થવું ખૂબ જરૂરી છે. જીવનના આ સૌથી મહત્ત્વના તબક્કે જો બાળકને ક્વૉલિટી કૅર અને એજ્યુકેશન મળે તો જીવનમાં આગળ તમારે તેમને સપોર્ટ કરતા રહેવાની જરૂર નહીં પડે. અર્લી લર્નિંગ ઘરે પણ આપી શકાય. મેં બૉર્ન સ્માર્ટ નામની એક વેબસાઇટ ડેવલપ કરી છે. આ એવા પેરન્ટ્સ માટે છે જેમનું ત્રણ વર્ષ સુધીનું નાનું બાળક હોય. એમાં એવી ગેમ્સ અને ઍક્ટિવિટીઝ વિશે માહિતી આપવામાં આવી છે જે બાળકના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બની શકે છે.’

