બાળક આત્મવિશ્વાસુ બને, જાતે નિર્ણયો લઈ શકે અને જીવનના પડકારોનો સામનો કરવા સક્ષમ બની શકે એ માટે પેરન્ટ્સે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણીએ
પ્રતીકાત્મક તસવીર
મૉડર્ન પેરન્ટિંગના નામે આજકાલનાં માતા-પિતા તેમના બાળકનો ઉછેર કરવા સોશ્યલ મીડિયા પર વાઇરલ થતી હેલિકૉપ્ટર, પૅસેન્જર અને ફ્રી-રેન્જ પેરન્ટિંગ જેવી નવી-નવી સ્ટાઇલને અપનાવીને ગૂંચવાઈ જતાં હોય છે. બાળક આત્મવિશ્વાસુ બને, જાતે નિર્ણયો લઈ શકે અને જીવનના પડકારોનો સામનો કરવા સક્ષમ બની શકે એ માટે પેરન્ટ્સે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણીએ
કેસ-૧
ADVERTISEMENT
મારો સાત વર્ષનો દીકરો છે. અમે તેનો ઉછેર માતા-પિતા તરીકે નહીં પણ ફ્રેન્ડ્સ બનીને કરીએ છીએ. અમે બન્ને વર્કિંગ હોવાથી બહુ જ મર્યાદિત સમય અમારા સંતાન માટે ફાળવી શકીએ છીએ. સોશ્યલ મીડિયા પર ઘણા અલગ-અલગ પ્રકારના પેરન્ટિંગના ટ્રેન્ડ આવી રહ્યા છે ત્યારે અમે હેલિકૉપ્ટર પેરન્ટિંગ સ્ટાઇલ અપનાવીને તેની બધી જ ગતિવિધિઓ પર કન્ટ્રોલ રાખી રહ્યા છીએ જેથી તે ખોટા માર્ગે ન જાય. જોકે અંદરખાને એવું લાગે છે કે અમારું બાળક અમારી પાસે મનની વાત કહેવામાં ખચકાટ અનુભવે છે અને અમારાથી દૂર થતું જાય છે.
કેસ-૨
અમે અમારી ૧૨ વર્ષની દીકરીને સારું શિક્ષણ અને એ બધી જ સ્વતંત્રતા મળે જે અમને નથી મળી એ માટે બહારગામ મોકલી છે, પણ જ્યારથી તે બહાર ગઈ છે ત્યારથી અમારી સાથે સરખી વાત કરતી નથી. તેના ફ્રેન્ડ્સ કેવા છે અને કોણ છે એની પણ અમને ખબર નથી. ક્યારેક ફોન ઉપાડે તો સરખી વાત કર્યા વગર ફોન રાખી દે છે. આમ થવાથી અમને અમારા અપબ્રિન્ગિંગ પર શંકા થાય છે કે આટલી છૂટ આપીને અમે કંઈ ખોટું તો નથી કર્યુંને? જો તે ગેરમાર્ગે જશે તો અમારા ઉછેર પર સવાલો ઊભા થશે એની ચિંતા છે.
આ બે અલગ-અલગ કેસ મૉડર્ન પેરન્ટિંગની સમસ્યાઓના છે. ઇન્ટરનેટ પર અત્યારે કન્ટેન્ટની ભરમાર છે. ફ્રી-રેન્જ પેરન્ટિંગ, હેલિકૉપ્ટર પેરન્ટિંગ અને પૅસેન્જર પેરન્ટિંગ જેવી અલગ-અલગ પ્રકારની પેરન્ટિંગ સ્ટાઇલ વાઇરલ થતી રહે છે અને મૉડર્ન પેરન્ટ્સ તેમના બાળક માટે આઇડિયલ પેરન્ટ્સ બની શકે એ વિચારીને ટ્રેન્ડિંગ પેરન્ટિંગ સ્ટાઇલ અપનાવતા હોય છે, પણ સમય જતાં એ સંબંધો સુધારવાને બદલે બગાડે છે. તેથી આવાં ગતકડાંઓને સિરિયસલી લેવા કરતાં આઇડિયલ પેરન્ટિંગ કોને કહેવાય એ સમજવું જોઈએ જે બાળકનો માનસિક અને બૌદ્ધિક વિકાસ કરે, બાળક સંબંધોની વૅલ્યુ કરે, આત્મવિશ્વાસ સાથે તે પોતાના નિર્ણયો પોતે લઈ શકે અને સારી વ્યક્તિ કઈ રીતે બનવું એની પણ સમજ કેળવે. આ વિશે સાઇકોલૉજી ક્ષેત્રે ૧૩ વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવતાં થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં કાર્યરત અને મુલુંડમાં ખાનગી ક્લિનિકનું સંચાલન કરતાં સાઇકોલૉજિસ્ટ મૈથિલી થાણાવાલા કાનાબાર પાસેથી વધુ સમજીએ તેમના જ શબ્દોમાં...
પેરન્ટિંગની કોઈ ફૉર્મ્યુલા નથી
પેરન્ટિંગની કોઈ ફૉર્મ્યુલા નથી. બદલાતા સમયની સાથે બાળઉછેરની રીત અને પદ્ધતિ બદલાતી આવી છે અને આ ફેરફારો ભવિષ્યમાં પણ થશે. ઇન્ટરનેટ પર વાઇરલ થતી અળવીતરી પેરન્ટિંગ સ્ટાઇલ એ પૉપ સાઇકોલૉજી છે એટલે એ ફક્ત ઑનલાઇન કન્ટેન્ટ પૂરતી જ સારી લાગે છે, રિયલ લાઇફમાં એ કોઈ કામમાં નથી આવતી. લોકો પાયો જ મજબૂત નથી કરતા અને પછી કહે છે કે અમારું બાળક અમારું કહ્યું માનતું નથી. બાળક ગર્ભમાં હોય એ સમયથી જ તેને કેવું ભવિષ્ય આપવું છે, કેવી રીતે ઉછેર કરવો છે એની ચર્ચા થવી જોઈએ. ગર્ભમાંથી બહાર આવ્યા બાદ બાળકને પાંચ વર્ષ સુધી પૂરતો ટાઇમ આપવો. તેની સામે લડવું નહીં, તેને વઢવું નહીં, પ્રેમ કરવો, સંબંધોને ઓળખતાં અને નવી ચીજોને પારખતાં શીખવવું. આ પિરિયડમાં તેની ઇમોશનલ હેલ્થ સ્ટ્રૉન્ગ થશે. એક વાર બૉન્ડ બની ગયા બાદ તમે જૉબ પર જશો તો પણ બાળકને એમ નહીં લાગે કે પપ્પા કે મમ્મી મને સમય નથી આપતાં. તેની જરૂરિયાતોને સમજવી, શું ફીલ કરે છે એ જાણવું, ક્યાંક ગૂંચવાયેલું હોય તો પેરન્ટ્સની જવાબદારી છે કે તેને સમજે અને સૉલ્યુશન આપે. બાળક મોટું થતું જાય એમ ઘરની પ્રવૃત્તિઓમાં એન્ગેજ રાખવું, નાના ટાસ્ક આપીને તેનામાં કૉન્ફિડન્સ વધારવો, બૉન્ડ વધારવું, કેવા મિત્રોની પસંદગી કરવી એ સમજાવવું, કોઈ સમસ્યા આવે તો જાતે સૉલ્યુશન કઈ રીતે લાવી શકાય એ સમજાવવું, જાતે નિર્ણય લેવાની ટ્રેઇનિંગ આપવી જેવાં ઘણાં પાસાં છે. મૉડર્ન પેરન્ટ્સને એવું લાગે છે કે અમારા પેરન્ટ્સ કન્ટ્રોલિંગ નેચરના હતા તેથી અમે જે સહન કર્યું છે એ અમારાં બાળકો સુધી નથી આવવા દેવું. તેથી તેઓ તેમનાં સંતાનોને પહેલાં વધુ પડતી છૂટ આપી દે છે અને ફ્રેન્ડ્સની જેમ રહેવા લાગે છે. કેસ-૧ અને કેસ-૨માં એવું જ છે. આમાં પ્રૉબ્લેમ એ થાય છે કે સમય જતાં બાળક તમારી સલાહને હલકામાં લેવા લાગે છે, છૂટ આપવાનો ખોટો ફાયદો ઉપાડે છે અને સંબંધની વૅલ્યુ કરતું નથી. ટેક્નૉલૉજીના દુરુપયોગ પછી મિત્રોની ખરાબ સંગત તેને ગેરમાર્ગે દોરે છે. આ ધીમું ઝેર તેના ભવિષ્યને બરબાદ કરે છે. મેટ્રો સિટીમાં એકની કમાણીથી ઘર નહીં ચાલે, બન્નેએ કમાવા જવું પડશે ત્યારે બાળકને સારું અપબ્રિન્ગિંગ કઈ રીતે આપવું એ તેમના માટે ટફ ટાસ્ક છે, પણ જો એને આ રીતે માઇન્ડફુલનેસથી કરવામાં આવે તો એ ટફ નહીં લાગે.
બાઉન્ડરીઝ સેટ કરો
માતા-પિતા તરીકે તમે ભલે બાળક સાથે ફ્રેન્ડની જેમ રહો, પણ બાળક તેના પેરન્ટ્સ તરીકે તમારો રિસ્પેક્ટ કરે એ માટે બાઉન્ડરીઝ સેટ કરો. બાળકને ટીવી જોવાની ઇચ્છા છે તો જોવા દો, પણ તેનો સ્ક્રીન-ટાઇમ વધી ન જાય એ માટે ટાઇમ-લિમિટ સેટ કરો. તેને કહો કે હું ટીવી તો જોવા દઈશ, પણ અડધો કલાક સુધી જ; પછી તારે સૂઈ જવું પડશે. જીદ પૂરી કરો, પણ જે તેના હિતમાં છે ત્યાં સુધી. ઘણા પેરન્ટ્સ એવું માને છે કે બાળકો માટે સ્ક્રીન-ટાઇમ વિલન છે; પણ જો સારું, મર્યાદિત અને એજ્યુકેટ કરે એવું કન્ટેન્ટ જોશો તો એ
ચાઇલ્ડ-ડેવલપમેન્ટમાં મહત્ત્વનો ભાગ ભજવશે. રીલ્સ કે નાના વિડિયોની લત મગજને ડૅમેજ કરીને પ્રોડક્ટિવિટી અને ક્રીએટિવિટી પર અસર કરે છે. નોકરિયાત પેરન્ટ્સ થાક્યા-પાક્યા ઘરે આવે ત્યારે તેમને એક ગિલ્ટ રહે છે કે તેઓ પોતાના સંતાનને પૂરતો ટાઇમ નથી આપી શકતા. આવું ફીલ કરવાની કોઈ જરૂર નથી. ઘણા પેરન્ટ્સ તેમનાં બાળકોને સૌથી વધુ સમય આપતાં હોવા છતાં બાળકો ગેરમાર્ગે જતાં રહે છે અને તેમને ખબર પડતી નથી. તમે ટાઇમના બંધનમાં બંધાઈને એવો પણ નિયમ ન બનાવો કે મારે રોજના ૪ કલાક મારા બાળક માટે કાઢવાના જ છે. તમે જેટલો પણ સમય આપો છો એમાં કોઈ પણ જાતની ચિંતા વગર બાળકની સાથે રહો. તેને સમજો અને ઘરમાં કઈ રીતે રહેવું, કઈ રીતે ખાવું, વડીલો સાથે કેવું વર્તન કરવું જોઈએ એ શીખવો.
સ્મૉલ ટાસ્કથી શીખવો
ઘરના રોજિંદા કામમાં બાળકને પણ એન્ગેજ રાખો. ધારો કે તમે ચા બનાવી રહ્યા છો તો તમારા બાળકને કહો કે કપ લઈ આવ, ચા બની ગઈ છે તો પપ્પાને બોલાવી આવ, ચા સાથે ખાવા ખાખરાનું પૅકેટ ખાનામાંથી લઈ આવ. ચા બનાવતી વખત બે વાતો કરવી, સ્કૂલમાં શું થયું, મિત્રો કેવા છે વગેરે. આ રીતે નાના ટાસ્ક આપવાથી તેને એવું ફીલ નહીં થાય કે મારા પેરન્ટ્સ મારી સાથે બોલતા નથી. નૉર્મલી પેરન્ટ્સને ઘણી અપેક્ષાઓ હોય છે. જેમ કે કોઈને પોતાના બાળકને મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવવાની ઇચ્છા હોય, પણ આ ઇચ્છાને તેમના પર થોપવાને બદલે એમ કહો કે પિયાનો, ગિટાર અને તબલાંના ટીચર ડેમો આપવા આવવાના છે તો ત્રણેયમાં ભાગ લેજે અને પછી કહેજે કે તારે કયું ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું છે. ચાર-પાંચ ગેમનાં નામ આપીને તેને કઈ ગેમ રમવાનું મન છે એ તેને ડિસાઇડ કરવા દો. દર વખતે ગેમમાંથી કંઈ શીખવા મળે એ જરૂરી નથી. ક્યારેક રિફ્રેશમેન્ટ માટે પણ બાળકોને રમવા દેવું જોઈએ અને તેમની સાથે આપણે પણ રમવું જોઈએ. આ અપ્રોચ બાળકને પોતાની રીતે પસંદગી કરવાની સ્પેસ પણ આપશે અને તે જાતે ઓળખી પણ શકશે કે તેને શું જોઈએ છે. આ રીતે નિર્ણય લેવાની ક્ષમતા કેળવાશે.
કૉન્ફિડન્સ બિલ્ડ કરો
અત્યારે તો પેરન્ટ્સ મોબાઇલની માયાજાળમાં એવા ફસાઈ ગયા છે કે બાળકો પર ધ્યાન નથી આપતા. બાળકો સાથે ગેમ્સ રમવાથી તેમના બ્રેઇનનું ડેવલપમેન્ટ સારી રીતે થાય છે અને સંબંધોને પણ મજબૂત બનાવે છે. બાળકને જ્યારે ગાર્ડનમાં લઈ જાઓ ત્યારે તેની સાથે એન્ગેજ રહેવાની કોશિશ કરો. બાળક ગાર્ડનમાં લપસણીમાં બેસતાં ડરતું હોય તો તેને કહો કે બિન્દાસ બેસ, જો પડ્યો તો હું તને પકડી લઈશ. આ અપ્રોચ તેનામાં ટ્રસ્ટ બિલ્ડ કરે છે કે જો હું ક્યાંય કોઈ પરિસ્થિતિમાં ફસાયો તો પેરન્ટ્સ મને બચાવી લેશે. આ સેન્સ ઑફ સિક્યૉરિટી જો બાળકમાં ડેવલપ થાય તો તે તમને ક્યારેય અન્ડર-એસ્ટિમેટ નહીં કરે.
ઇમોશનલ અવેરનેસ
ઘણી વાર એવું બને કે ઑફિસમાં વધુ વર્કલોડને લીધે તમે સ્ટ્રેસ ફીલ કરો અને બાળકની વાત પર પ્રતિક્રિયા ન આપો તો તે એવી ધારણા બનાવી લે છે કે મારા પેરન્ટ્સ મારું સાંભળતા નથી. ક્યારેક પતિ-પત્નીમાં અણબનાવ અને મતભેદ થાય તો પણ બાળક પર ખરાબ અસર થાય છે. મમ્મીને તેના બાળકને સ્વિમિંગ ક્લાસમાં નાખવું હોય છે, પણ પિતાની ઇચ્છા ક્રિકેટ શીખવવાની છે. બન્ને વચ્ચેના મતભેદ બાળક સામે આવે ત્યારે તેને એવું લાગે છે કે મારા કારણે મમ્મી-પપ્પા ઝઘડા કરે છે અને આ જ વાત મનમાં ઘર કરીને બેસે તો તે ડિપ્રેશનમાં જતું રહે છે, ઇમોશનલી લોનલી ફીલ કરે છે અને લોકો સામે પોતાનાં ઇમોશન્સને એક્સપ્રેસ કરતાં ડરે છે. બાળક સામે કઈ રીતે વર્તન કરવું એ પેરન્ટ્સે સમજવું જરૂરી છે. તમે થાકેલા હો તો સારી ભાષામાં કહી શકો છો કે હું તારી વાત કાલે શાંતિથી સાંભળીશ, અત્યારે મોડું થઈ ગયું છે, કાલે તારે સ્કૂલમાં પણ જવાનું છે તો તું સૂઈ જા. બીજી મહત્ત્વની વાત એ છે કે પેરન્ટ્સ જાણે રેસમાં ઊતર્યા હોય એમ પોતાના બાળકને મલ્ટિ-ટૅલન્ટેડ બનાવવાની કોશિશ કરતા હોય છે. સ્કૂલથી ટ્યુશન, પછી ડ્રૉઇંગ ક્લાસ, ડાન્સ ક્લાસ અને મ્યુઝિક ક્લાસમાં મૂકે છે. દિવસમાં એકસાથે આટલી પ્રવૃત્તિઓથી બાળક પર મલ્ટિ-ટૅલન્ટેડનું લેબલ તો લાગી જશે, પણ તે રોબોની જેમ જીવન જીવશે. બાળકને સ્પેસ આપીને તેને ડિસાઇડ કરવા દો કે તે કઈ પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટેડ છે. બીજાં બાળકો સાથે સરખામણી કરીને પોતાના બાળકનું ભવિષ્ય ન બગાડવું જોઈએ.

