પરિવારમાં એકસાથે ઊછરેલાં ભાઈ-બહેન પરણીને તેમનો સંસાર માંડે અને સમય સાથે સંબંધોમાં અંતર આવતું જાય. જોકે આજે અહીં વાત કરવી છે એવાં ૧૦ ભાઈ-બહેનની જેઓ ઉંમરને અવગણીને હજી એકબીજાને નિયમિત રીતે હળતાં-મળતાં રહે છે
રક્ષાબંધનની ઉજવણી કરી રહેલ પરિવાર
દુનિયાના બધા જ સંબંધો ટેમ્પરરી હોઈ શકે છે. મિત્રતા બદલાઈ શકે, સંબંધીઓ દૂર થઈ શકે પણ ભાઈ-બહેનનો સંબંધ એવો હોય છે જે બાળપણથી લઈને બુઢાપા સુધી સાથે ચાલે છે. ભાઈ-બહેન જીવનની એ વ્યક્તિ છે જેઓ તમને કોઈ પણ પ્રકારના જજમેન્ટ વગર ઍક્સેપ્ટ કરે છે, ભલે તમે કેટલા પણ બદલાઈ જાઓ. તમને કયારેય કોઈ એટલું નહીં સમજી શકે જેટલું તમારાં ભાઈ-બહેન તમને સમજી શકે છે. જીવનમાં દરેક સુખ-દુઃખમાં તમારાં ભાઈ-બહેન હંમેશાં તમારી સાથે અડીખમ ઊભાં રહેશે. આજે રક્ષાબંધન નિમિત્તે ૧૦ ભાઈ-બહેનના એક એવા પરિવારને મળીએ જેમનો ઉછેર એકસાથે થયો છે અને આજે તેઓ જીવનસંધ્યા માણી રહ્યા છે. કોઈ જીવનના સાત દાયકા, કોઈ આઠ દાયકા તો કોઈ વળી નવ દાયકા વિતાવી ચૂક્યું છે; હજી બધાં જ સાજાંનરવાં છે અને એકબીજાની સાથે હળેમળે છે.
મૂળ કચ્છના કોડાય ગામના ડૉ. મોરારજી સામજી શાહ અને ભચીબહેનને ૧૦ સંતાનો થયાં, જેમાં ત્રણ દીકરા અને સાત દીકરીનો સમાવેશ છે. એ દસેય ભાઈ-બહેનનો પણ પરિવાર આજે એટલો મોટો છે કે દીકરા, દીકરી, પૌત્ર, પૌત્રી, દોહિત્રી, દોહિત્ર, પરપૌત્ર, પરપૌત્રી બધાં મળીને ૧૦૮ સભ્યોનો પરિવાર છે. સૌથી મોટાં બચુબહેન સાવલા છે જેમની ઉંમર અત્યારે ૯૪ વર્ષ છે, એ પછી ૯૨ વર્ષના જયંતભાઈ શાહ, એ પછી ૯૦ વર્ષનાં ભાનુબહેન છેડા, એ પછી ૮૮ વર્ષનાં અમૃતબહેન સાવલા, તેમનાથી નાનાં ૮૭ વર્ષનાં રસિકબહેન વિસરિયા, એ પછી ૮૩ વર્ષનાં કુમુદબહેન મારુ, એ પછી ૭૮ વર્ષના દિનેશભાઈ શાહ, એ પછી ૭૬ વર્ષના ભરતભાઈ શાહ, તેમનાથી નાનાં ૭૩ વર્ષનાં સુધાબહેન શાહ અને સૌથી નાનાં ૭૦ વર્ષનાં નીનાબહેન દોમડિયા છે. આમાંથી પાંચ ભાઈ-બહેનના જીવનસાથીનો સ્વર્ગવાસ થઈ ગયો છે, જ્યારે પાંચના જીવનસાથી હજી તેમની સાથે છે. એમાં દિનેશભાઈનાં પત્ની ડૉ. સુશીલા, ભરતભાઈનાં પત્ની લીલાબહેન, કુમુદબહેનના પતિ મૂલચંદભાઈ, સુધાબહેનના પતિ ડૉ. છોટાલાલ તેમ જ નીનાબહેનના પતિ વીરેન્દ્રભાઈનો સમાવેશ છે.
ADVERTISEMENT
ભાઈ-બહેન વચ્ચેના પ્રેમની વાતો કરતાં સૌથી નાનાં નીનાબહેન કહે છે, ‘મારા સૌથી મોટા ભાઈ જયંત અને મારા વચ્ચે બાવીસ વર્ષનો ગૅપ છે. આજે તેમને અને ભરતભાઈને રાખડી બાંધવા જઈશ. મારો વચલો ભાઈ દિનેશ અમેરિકામાં રહે છે. તે થોડા દિવસો પહેલાં જ મુંબઈ આવેલો. એટલે મેં તેને ૫૦ વર્ષે હાથમાં રાખડી બાંધી. આમ તો તે દર એકાદ-બે વર્ષે મુંબઈ આવે પણ કોઈ દિવસ રક્ષાબંધન સમયે ન હોય. અમારી બધી બહેનોમાં હું નાની એટલે ભાઈઓને રાખડી હું જ બાંધું. અત્યારે તો આપણે રક્ષાબંધન ઊજવીએ, પણ એ સમયે અમે વીરપસલી ઊજવતાં. ભાઈની રક્ષા માટે તેમને હાથમાં પીળો દોરો બાંધતા. એ દિવસે જમવામાં ઘઉંના ફાડાનો શીરો, ચણાનું શાક, પૂરી, દાળ-ભાત, ફૂલવડી બનતી. એ પછી બધાં સાથે બેસીને જમીએ. અત્યારે પણ અમે બધી બહેનો-બનેવીઓ વીરપસલીના ભાઈઓના ઘરે જમવા જઈએ. ભાઈ-બહેનમાં હું સૌથી નાની હોવાથી મસ્તીખોર બહુ હતી. મારી વાતો સાંભળીને બધા ખડખડાટ હસે. એ સ્વાભાવિક પણ છે, કારણ કે મારી સૌથી મોટી બહેનનાં બે સંતાનો મારાથી મોટાં હતાં. હું સંબંધમાં તેમની માસી થાઉં, પણ ઉંમરમાં નાની હતી. બાકીની મોટી બહેનોનાં સંતાનો અને મારા વચ્ચે પણ ઉંમરમાં એટલો ફરક નહોતો. મારા માટે તો મોટી બહેનો મા જેવી અને ભાઈઓ પિતા સમાન છે. અત્યારે તો અમે બધા અલગ-અલગ પોતાના પરિવાર સાથે રહીએ. કોઈ ઘાટકોપર, કોઈ ચેમ્બુર, કોઈ અંધેરી, કોઈ બાંદરા, કોઈ કાંદિવલીમાં રહે છે. એમ છતાં એકબીજાના સંપર્કમાં રહીએ અને અવારનવાર ગેટ-ટુગેધર પણ કરતા રહીએ.’
દેવલાલીમાં મોજ માણી રહેલી બહેનો
ભાઈ-બહેનો વચ્ચે તો પ્રેમ છે જ, પણ ભાભી અને બનેવીઓ પણ સવાયાં મળ્યાં હોવાનું જણાવી નીનાબહેન કહે છે, ‘મારા બધા જ બનેવીઓ મારાથી મોટા છે એટલે એક રીતે મારા માટે એ વડીલ સમાન જ રહ્યા છે. હું તેમની સાળીની જેમ નહીં પણ દીકરીની જેમ જ રહી છું. અમે ત્રણેય નાની બહેનોએ અમારાથી મોટી ચારેય બહેનોના પતિને વડીલ જ માન્યા છે એટલું જ નહીં, અમારા ભાઈ લાખના છે તો ભાભીઓ સવા લાખની છે. સાત નણંદ હોવા છતાં ભાઈ સાથે પરણીને ઘરે આવવું એ હિંમતની વાત કહેવાય. હું ઘણી વાર ભાભીને કહું કે તમને વિચાર ન આવ્યો કે સાત નણંદોને હું કઈ રીતે સહન કરીશ? એટલે તેઓ કહે કે અમારી સાત નણંદો અમારા માટે સવાઈ છે. હું અંધેરી-વેસ્ટમાં રહું છું અને મારાં લીલાભાભી અંધેરી-ઈસ્ટમાં રહે છે. થોડા દિવસ થાય એટલે તેમનો કૉલ આવે જ કે નીના, કેમ તું આવી નહીં? જરા ચક્કર મારી જા. જો આજે શું બનાવ્યું છે તારા માટે. તે મારા માટે ખાસ ડિશ બનાવીને રાખે. તમારા માટે આવું કોઈ મા હોય તો જ કરી શકે.’
હજી થોડા સમય પહેલાં જ દસેય ભાઈ-બહેન તેમના જીવનસાથી સાથે દેવલાલીમાં એક મહિનો સાથે રહીને આવ્યાં. આ વિશે વાત કરતાં સુધાબહેન કહે છે, ‘અમે ત્યાં દેવજી રતનશી સૅનેટોરિયમમાં રહેલાં. અમે જ્યારે પણ મળીએ ત્યારે ઘરની સમસ્યાઓ લઈને રોવા ન બેસીએ. અમે અધ્યાત્મની, બાળપણની, જીવનના થયેલા નવા અનુભવોની વાતો કરીએ. એકબીજાની ટીખળ કરીએ. મારાં સૌથી મોટાં બહેનને દિવસમાં સાત વાર ચા જોઈએ એટલે તે થોડી-થોડી વારે બોલે કે જરા ચા બનાવોને. એટલે અમે તેની સૌથી વધારે ટીખળ કરીએ. દરરોજ સાથે ચા-નાસ્તો, જમવા માટે ભેગાં થઈએ. દેરાસરમાં દર્શન માટે જઈએ. સાંજે વૉક કરવા જઈએ. અમે રાત્રે જમીને ગપ્પાં મારવા બેસીએ તો બીજા બધા લોકોને એમ આશ્ચર્ય થાય કે તમે આટલી ઉંમરનાં ભાઈ-બહેન એકસાથે કઈ રીતે રહો છો? અમારા બધાના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે... કોઈ બીમાર પડ્યું હોય, આર્થિક સમસ્યા આવી હોય કે કોઈ બીજી વિપત્તિ આવી ગઈ હોય; અમે ભાઈ-બહેનોએ એકબીજાના પરિવારને સાચવી લીધા છે. બધાના સાથ-સહકારને કારણે આપત્તિનો સમય કેમ પસાર થઈ ગયો એ ખબર પણ ન પડે. આટલાં વર્ષો પછી પણ અમારા સંબંધો એવા છે કે જ્યારે મન થાય ત્યારે જેને ત્યાં જવું હોય ત્યાં જઈ શકીએ. તેમનાં દીકરા-વહુઓ પણ અમને એટલા જ પોતાપણાના ભાવથી આવકારે. દેવલાલીથી આવ્યા પછી પણ અમે મારી મોટી બહેન ભાનુબહેનના બિલ્ડિંગના બેઝમેન્ટમાં દસેય ભાઈ-બહેનોના પરિવારના ૧૦૦ જેટલા સભ્યોનું એક ગેટ-ટુગેધર રાખેલું એટલે અમારામાં જેટલો પ્રેમભાવ અને સંપ છે, અમારાં સંતાનો અને તેમનાં સંતાનોમાં પણ રહે.’
ડૉ. મોરારજી શાહ અને ભચીબહેન
ભાઈ-બહેન વચ્ચેનો જે પ્રેમ છે એ માતા-પિતાના સંસ્કારોને આભારી છે એમ જણાવતાં સુધાબહેન કહે છે, ‘હું અને નીના સૌથી નાનાં એટલે અમારી મોટી બહેન-ભાઈનાં સંતાનો અને અમારી ઉંમર વચ્ચે એવો કોઈ ખાસ તફાવત નહોતો. અમે બધાં સાથે રમીને ઊછર્યાં છીએ. એ વખતે મને ખબર પણ નહોતી કે હું આની માસી થાઉં કે ફઈ થાઉં. મને એમ જ લાગતું કે મારાં બીજાં ભાઈ-બહેન છે. મારાં મમ્મીએ એ રીતની ઓળખ પણ ક્યારે કરાવી નહોતી કે જેમાં આપણે વાંકી દૃષ્ટિ કરીને સંબંધને એ રીતે જોઈએ. એ સમયે ઘર કોઈ દિવસ નાનું નહોતું પડ્યું, કોઈની ગેરહાજરી ક્યારેય જણાઈ નહોતી કારણ કે બધા જ બધી વખતે હાજર હતા. આજે પણ અમે ભાઈ-બહેનો મળીએ ત્યારે દુનિયા મળી ગઈ હોય એવું લાગે. અમને કોઈ દિવસ બહારના મિત્રો શોધવાની જરૂર વર્તાઈ નથી. માતા-પિતાના ગુજર્યા પછી આપણો સથવારો આપણાં ભાઈ-બહેન જ હોય છે. આપણે આપણા દીકરા, વહુ, દીકરી, જમાઈ સાથે વાત કરી-કરીને પણ કેટલી કરી શકીએ? અને આપણને આપણાં ભાઈ-બહેનો સમજી શકે એટલું બીજાં ન સમજી શકે. અમારાં બધાનું જ એક સામાજિક જીવન છે અને એમાં લોકોને હળવામળવાનું થાય, પણ એ બધા એક સંપર્ક છે અને ભાઈ-બહેનો સાથે જે હોય એ સંબંધ હોય. એ સંબંધોમાં આપણે કોઈને ઇમ્પ્રેસ કરવાની જરૂર ન પડે કે એમાં કોઈ જજ કરશે એવો પણ ભય ન હોય. તમે જેવા છો એવા રહીને નિખાલસતાથી વર્તી શકો. તેમને મળવા પાછળનો કોઈ સ્વાર્થ ન હોય, અકારણ જ તમને મળીને આનંદની લાગણી થાય.’

