વલસાડના શિવમ મિસ્ત્રીની બહેન રિયા ગયા વર્ષે બ્રેઇન-ડેડ જાહેર થઈ એ પછી તેનો હાથ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા મુંબઈની અનઅમતા અહમદનો જમણો હાથ બન્યો હતો : જેની બહેનનો હાથ પોતાને મળ્યો તે ભાઈને અનઅમતા ગઈ કાલે રાખડી બાંધવા પહોંચી હતી
ટ્રાન્સપ્લાન્ટ થયેલા રિયાના હાથે શિવમ મિસ્ત્રીને રાખડી બાંધતી અનઅમતા અહમદ (ડાબે) અને રિયા મિસ્ત્રી, જેનો હાથ મળ્યો અનઅમતા અહમદને (જમણે)
ગોરેગામ-વેસ્ટમાં રહેતી અનઅમતા અહમદને ૨૦૨૨માં લાઇવ વાયરનો કરન્ટ લાગતાં તે હાથ ગુમાવી બેઠી હતી. ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં બ્રેઇન-ડેડ થયેલી ગુજરાતની ૯ વર્ષની રિયા બૉબી મિસ્ત્રીનો હાથ અનઅમતાને ટ્રાન્સપ્લાન્ટ કરાયો હતો. અનઅમતા રાખડી લઈને ગઈ કાલે રિયાના ઘરે વલસાડ પહોંચી હતી અને રિયાના ભાઈ શિવમને રાખડી બાંધી હતી. એ વખતે બન્ને પરિવાર ભાવવિભોર થઈ ગયા હતા. રિયાના ગયા પછી શિવમની આ પહેલી જ રક્ષાબંધન હતી એથી તે ઉદાસ હતો કે હવે મને રાખડી કોણ બાંધશે? પણ રિયાનો જ હાથ ધરાવતી અનઅમતાએ જ્યારે તેને રાખડી બાંધી ત્યારે તેણે જાણે રિયાએ જ રાખડી બાંધી હોય એટલો આનંદ અને સંતોષ અનુભવ્યો હતો અને કહ્યું હતું કે મને લાગ્યું કે ભગવાને મારી બહેનને પાછી મોકલી.
અનઅમતા ઑક્ટોબર ૨૦૨૨માં તેના ઉત્તર પ્રેદશના વતનના ગામડે ગઈ હતી ત્યારે ટેરેસ પર રમતી વખતે ભૂલમાં તેનો હાથ ઇલેક્ટ્રિકના લાઇવ વાયરને ટચ થઈ ગયો હતો. એથી તેણે જમણો હાથ ગુમાવ્યો હતો. બીજી બાજુ સપ્ટેમ્બર ૨૦૨૪માં વલસાડમાં રહેતી રિયાને બ્રેઇન-હેમરેજ થવાથી તેની સુરતની કિરણ હૉસ્પિટલમાં સારવાર ચાલતી હતી ત્યાં તે બ્રેઇન-ડેડ થઈ ગઈ હતી. એથી સુરતના ડોનેટ લાઇફ NGOના કહેવાથી પરિવારે રિયાનાં અંગો ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. રિયાની બન્ને આંખો, બન્ને કિડની, લિવર અને જમણો હાથ ડોનેટ કરાયાં હતાં. એમાંથી હાથ એ જ દિવસે ગ્રીન-કૉરિડોર દ્વારા મુંબઈ લાવીને અનઅમતાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. પરેલમાં આવેલી ગ્લેનીગલ્સ હૉસ્પિટલના ડૉ. નીલેશ સાતભાઈએ રિયાનો હાથ અનઅમતાને ટ્રાન્સપ્લાન્ટ કર્યો હતો.
ADVERTISEMENT
અનઅમતાના પિતા અકીલ અહમદે કહ્યું હતું કે ‘મારી દીકરીએ મને કહ્યું કે તે શિવમને રાખડી બાંધવા માગે છે એથી અમે તેને લઈને ટ્રેનમાં ગઈ કાલે જ વલસાડ આવી ગયા હતા.’ અનઅમતાએ કહ્યું હતું કે ‘હું મુંબઈથી જ શિવમ માટે રાખડી લાવી હતી અને રિસ્ટ-વૉચ પણ લઈ આવી હતી. મને ચિંતા થતી હતી કે શિવમને રાખડી કોણ બાંધશે? પણ મારી ઇચ્છા પૂરી થઈ. મેં રિયાના હાથે જ તેને રાખડી બાંધી, મારો જમણો હાથ રિયાનો જ છે. હું શિવમને મળી રડી પડી હતી. હવેથી તે મારો ભાઈ છે. મારો એ હાથ બરોબર ફંક્શન કરે છે. આંગળીઓ, કાંડું બધું બરાબર વળે છે. ડૉક્ટરોનું કહેવું છે કે પૂરી રિકવરી આવતાં વાર લાગશે.’
SSCની તૈયારી કરી રહેલા શિવમ મિસ્ત્રીએ કહ્યું હતું કે ‘અનઅમતા વલસાડ આવી એ મારા માટે સરપ્રાઇઝ હતી. જાણે એવું લાગતું હતું કે ભગવાને જ રિયાને અનઅમતા તરીકે મોકલી. અનઅમતાએ કહ્યું છે કે તે દર વર્ષે આવશે. તેણે મને ગિફ્ટમાં વૉચ આપી છે, મેં તેને બ્રેસલેટ આપ્યું છે.’

