૧૪૫થી વધુ નાટકો કર્યા પછી, સફળ દિગ્દર્શક અને ઍક્ટર તરીકેની ખ્યાતિ મેળવ્યા પછી પણ ફિરોઝ ભગતને આ રંજ રહી ગયો છે કે તેઓ ફિલ્મોમાં તેમને જેવું કરવું હતું એવું કામ ન કરી શક્યા. જોકે નસીબમાં માનતા આ કલાકાર એ વાત પણ સ્વીકારે છે કે નસીબથી વધુ કોઈને મળતું નથી
ફિરોઝ ભગત
૧૯૭૭ આસપાસનો ગાળો. ૨૪-૨૫ વર્ષનો પારસી છોકરો એક બૅન્ક-કર્મચારીને મળવા રિસેસના સમયે બૅન્કમાં પહોંચી ગયો. તેણે પરવાનગી માગી, પ્રવીણ સોલંકી મળશે? એ સમયે નાટ્યજગતમાં આ નામ ખાસ્સું ચર્ચામાં હતું. એક પછી એક ઘણાં નાટકો પ્રવીણ સોલંકી લખી રહ્યા હતા અને એને કારણે લોકપ્રિયતા ઘણી હતી. પ્રવીણભાઈ પાસે જઈને તેણે કહ્યું, ‘મારું નામ ફિરોઝ ભગત છે. પુષ્પા શાહે (અભિનેત્રી રાગિણીનાં મમ્મી જે એ સમયે થિયેટરમાં કામ કરતાં હતાં) મને તમારી પાસે મોકલેલો છે.’
સામે પ્રશ્ન આવ્યો કે તમે પુષ્પાને કઈ રીતે ઓળખો? તો એ છોકરાએ કહ્યું કે ‘મેં મારું પહેલું કમર્શિયલ નાટક તેમની સાથે કર્યું છે. મારી પાસે એક મર્ડર-મિસ્ટરીની વાર્તા છે. તમે લખી આપશો?’ પ્રવીણભાઈએ તેને કહ્યું કે પારસી થઈને તું ક્યાં આ ગુજરાતી નાટકો કરવા આવી ગયો. એ છોકરાએ ખૂબ રસ બતાવ્યો અને કહ્યું, ‘ના, મારે કરવું તો છે.’
ADVERTISEMENT
પ્રવીણભાઈએ તેને સ્ક્રિપ્ટ લખી આપી. જોતજોતાંમાં ફિરોઝ ભગત નામના એ છોકરાએ નાટક તૈયાર કરી નાખ્યું. એક નવા ડિરેક્ટરને કોણ થિયેટર આપવાનું હતું? એ સમયે સોફિયા ભાભા કૉલેજના ઑડિટોરિયમમાં નાટકો ન થતાં. આ નવા ડિરેક્ટરે અહીં નાટક કરવાનું વિચાર્યું. નાટકના ૧૦ દિવસ પહેલાં તેણે પ્રવીણ સોલંકીને આમંત્ર્યા. તેમણે આ નાટક જોયું અને તેમને આ નવા પારસી છોકરામાં અદ્ભુત પોટેન્શિયલ દેખાયું. તેમણે ફિરોઝને પૂછ્યું, ‘ભાઈ, તારો શો પાછળ ધકેલી શકાય?’ ફિરોઝે પૂછ્યું, ‘કેમ?’ તેમણે જવાબ આપ્યો, ‘મને ફરીથી લખવા દે. મેં તો આમ જ લખીને આપી દીધેલું. થોડું પૉલિશ કરવું પડશે. આપણે કંઈક બદલીએ. એને સારું બનાવીએ. તેં તો ખૂબ સારું કામ કર્યું છે.’
આ નાટકનું નામ હતું ‘છાને પગલે આવ્યું મોત’. આ નાટકથી ફિરોઝ ભગત અને પ્રવીણ સોલંકી આ બન્ને નામ જોડાયાં અને બન્નેએ મળીને એકલદોકલ નહીં, ૧૦૦થી પણ વધુ નાટકો ગુજરાતી રંગભૂમિને આપ્યાં. આ સાથ વિશે ફિરોઝ ભગત કહે છે, ‘પ્રવીણભાઈનો હું ઋણી છું. તેમણે ખૂબ સાથ આપ્યો મારો. મને યાદ છે કે શરૂઆતનાં વર્ષોમાં મેદાનમાં બેઠાં-બેઠાં સ્ક્રિપ્ટ લખી છે અમે. ત્યાં કીડીઓ કરડ્યા કરે, તાપ લાગે. બધું સહન કરવું પડે, કારણ કે હોટેલમાં બેસવાના પૈસા ક્યાં હતા? ખૂબ ઝઘડ્યા પણ છીએ. આમ નહીં ને આમ જ જોઈએ, આમ જ થવું જોઈએ જેવા ઘણા ઝઘડાઓ થતા રહેતા. ગુસ્સામાં આવીને મેં સ્ક્રિપ્ટનાં પાનાં પણ ફાડ્યાં છે કે મને આ નથી ગમી રહ્યું તો પહેલાં ગુસ્સો કરીને તે જતા રહે અને પછી લખીને મોકલે કે તને આવું જોઈતું હતુંને, ચાલ લખી આપ્યું.’
જોરદાર કરીઅર
છેલ્લાં ૫૦ વર્ષથી ગુજરાતી રંગભૂમિને ૧૪૫ જેટલાં નાટકો આપનાર ડિરેક્ટર, ઍક્ટર, પ્રોડ્યુસર ફિરોઝ ભગત એટલા લોકપ્રિય છે કે ગુજરાતી પ્રેક્ષકો તેમનાં નાટકોની રાહ જોતા હોય છે. ‘આજે ધંધો બંધ છે’, ‘પિતૃ દેવો ભવ’, ‘મળવા જેવા માણસો’, ‘કાપુરુષ મહાપુરુષ’, ‘અધૂરા તોય મધુરા’, ‘કેમ છો મજામાં?’, ‘આ પાર કે પેલે પાર’, ‘મસ્તીમાં મૅરેજ અને મૅરેજમાં મસ્તી’, ‘કાર્બન કૉપી’, ‘જા તારી સાથે કિટ્ટા’ જેવાં અઢળક સુપરહિટ નાટકો કર્યાં છે. હાલમાં ઍક્ટર-ડિરેક્ટર તરીકે તેમનાં બે નાટકો ચાલી રહ્યાં છે એ છે ‘પાર્ટનર મસ્ત તો લાઇફ જબરદસ્ત’ અને ‘ડોન્ટ વરી બી હૅપ્પી’. આ ઉપરાંત ડિરેક્ટર તરીકે તેમનું ‘ગમતાં-મનગમતાં’ નાટક ચાલી રહ્યું છે. અપરા મહેતા સાથેનાં તેમનાં નાટકોની પ્રેક્ષકોમાં ઘણી ડિમાન્ડ રહે. એક પછી એક ૧૬-૧૭ સુપરહિટ નાટકો તેમણે સાથે કર્યાં. ‘આજે ધંધો બંધ છે’ એ નાટક તેમને અતિ પ્રિય હતું જેના તેમણે ૫૦૦ શો કર્યા હતા. તેમને આ નાટક રીક્રીએટ કરવાની ભારોભાર ઇચ્છા છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું આ દુનિયામાંથી જતો રહું એ પહેલાં મારે આ નાટક રીક્રીએટ કરવું જ છે. એ થઈ નથી રહ્યું કારણ કે એના માટે જેવા કલાકારો જોઈએ એ મને નથી મળી રહ્યા. ક્યાં છે આજની તારીખે ઝંખના દેસાઈ? અડચણો છે એ હું સમજું છું પણ નસીબમાં હશે તો આ ઇચ્છા ચોક્કસ પૂરી થશે.’
મમ્મી અભિનેત્રી
આજથી ૭૩ વર્ષ પહેલાં ગ્રાન્ટ રોડના પારસી પરિવારમાં ફિરોઝ ભગતનો જન્મ થયો. તેમના પપ્પા ‘બૉમ્બે રીજનલ કાઉન્સિલ’ના ઇન્સ્પેક્ટર તરીકે સરકારી નોકરી કરતા હતા. મમ્મી પહેલેથી પારસી થિયેટરમાં કામ કરતાં, એ સમયે ‘અભિનેત્રી રોશની’ના નામે તેઓ જાણીતાં હતાં. એક નાનો ભાઈ હતો. નાનપણની વાત કરતાં ફિરોઝ ભગત કહે છે, ‘મમ્મીનાં નાટકો જોવા હું જતો. મને યાદ છે ‘બૉમ્બે ટૉકીઝ’માં ક્લિયોપેટ્રા નામનું કૉસ્ચ્યુમ ડ્રામા જોવા ગયેલો. મમ્મી ક્લિયોપેટ્રા બનેલી. ખૂબ જ સુંદર લાગતી હતી. હું માંડ ૮-૯ વર્ષનો હતો. એ સમયે જ રંગમંચથી પ્રેમ થઈ ગયેલો. એ પછી મમ્મી સાથે ૨-૩ નાટકો પણ કર્યાં. સોહરાબ મોદી સાથે મેં મારું પહેલું કમર્શિયલ નાટક કર્યું જેનું નામ હતું ‘ધરતીનો છેડો ઘર’, જે એક ગુજરાતી નાટક હતું. હું માંડ ૧૭ વર્ષનો હતો. આ નાટક માટે મેં ગુજરાતી શીખ્યું. સોહરાબ મોદી શુદ્ધ ભાષાના આગ્રહી હતા એટલે એ તો કરવું જ પડે.’
જૉબ સાથે નાટકો
‘ધરતીનો છેડો ઘર’ કર્યા પછી તેઓ પ્રવીણ સોલંકીને મળ્યા અને પહેલું નાટક ડિરેક્ટ કર્યું. એ પછી તેમની થિયેટર-જર્ની ચાલી નીકળી. જોકે નાની ઉંમરે પિતાનું મૃત્યુ થયું હોવાને લીધે તેમણે ૧૭-૧૮ વર્ષની ઉંમરથી જ કમાવાનું શરૂ કરવું પડ્યું. એ સમયે મહિનામાં ૪-૫ શો થતા એટલે થિયેટરમાંથી કંઈ કમાણી નહોતી. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને પાઇલટ બનવું હતું, પરંતુ ફાઇનૅન્શિયલ બૅકઅપ નહોતું એટલે એ ન બની શક્યો. પછી મને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ જવાની ખૂબ ઇચ્છા હતી પણ એ પણ ન થઈ શક્યું કારણ કે કમાવું ખૂબ જરૂરી હતું. એ સમયે એક સ્ટીલ કંપનીમાં પર્ચેઝ અસિસ્ટન્ટ તરીકે જોડાયો. એ પછી બૉમ્બે ડાઇંગમાં મને કામ મળ્યું. આમ કુલ ૨૫-૨૬ વર્ષ નોકરી સાથે મેં નાટકો કર્યાં, કારણ કે કમાવું ખૂબ જરૂરી હતું. સાથે-સાથે નાટકો છોડવા પણ નહોતાં. રંગમંચ મારો પહેલો પ્રેમ હતો. હું પાઇલટ ન બની શક્યો, ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ન જઈ શક્યો અને પછી નાટક પણ ન કરું એ મને ચાલે એમ નહોતું. એટલે ખૂબ ખેંચાતાણી, દોડાદોડ કરી. સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૨-૧ વાગ્યા સુધી સતત કામ કરતો રહ્યો. પછી છેક ૪૫ વર્ષે લાગ્યું કે હવે બસ, હવે ફક્ત નાટકો કરીએ તો ચાલશે એટલે જૉબ મૂકી દીધી.’
પરિવારમાં કોણ?
એક સમયે ફિરોઝભાઈ વરલી કામ કરતા હતા. અંધેરીથી બાઇક પર વરલી જતા એ સમયે તેમને બસ-સ્ટૅન્ડ પર લિફ્ટ માગતી છોકરી દેખાઈ. તેનું નામ જેનિફર. એ સમયે તે બાંદરા રહે અને ફિરોઝભાઈ અંધેરી. લિફ્ટનો સિલસિલો ચાલુ રહ્યો અને એમાં જ પ્રેમ થઈ ગયો. એક ક્રિશ્ચિયન છોકરી અને પારસી છોકરો એટલે બન્નેના ઘરના લોકો રેડી નહોતા. માંડ લગ્ન માટે માન્યા. ૨૮ વર્ષની ઉંમરે તેમણે લગ્ન કર્યાં. તેમને બે બાળકો થયાં, દીકરો તરુનિશ અને દીકરી ફરઝિના. એ વિશે વાત કરતાં ફિરોઝભાઈ કહે છે, ‘લગ્ન પછી હું નોકરી અને નાટકોમાં અતિ વ્યસ્ત રહ્યો. રવિવારે જ્યારે પત્નીઓ પોતાના પતિ સાથે બહાર ફરવા જતી ત્યારે હું નાટકોમાં વ્યસ્ત રહેતો. આ બધાના કારણે જેનિફરને નાટકોમાં રસ નહોતો. તેને ગમતું નહી કે હું નાટકો કરતો, પણ હું નાટકો છોડી ન શક્યો. મને એક ઘેલું હતું. ઘણુંબધું કરવું હતું. છતાં આટલાં વર્ષો તેણે ઘણો સાથ આપ્યો. મને એ વાતનો સંતોષ છે કે બાળકોને હું બધું આપી શક્યો. તેમનાં બન્નેનાં લગ્ન સારી રીતે કરાવી શક્યો. ગાડી, ઘર જેવી સુવિધાઓ આપી શક્યો. ભણાવી શક્યો. સમય કદાચ ન આપી શક્યો, પણ જો એ આપવા જાત તો નાટકો રહી જાત અને આજે જ્યાં છું ત્યાં ન પહોંચી શક્યો હોત.’
કોઈ અફસોસ?
આટઆટલું કામ અને પ્રસિદ્ધિ પછી કોઈ અફસોસ ખરો? આ પ્રશ્નનો જવાબ આપતાં ફિરોઝ ભગત કહે છે, ‘મને એક ફિલ્મસ્ટાર બનવું હતું. નાટકો કરતો ત્યારે લાગતું કે કોઈ આપણને અહીં જોઈ લે અને કંઈ સારું કામ આપી શકે. એના ચક્કરમાં ઘણી નકામી ફિલ્મો પણ કરી, પણ કંઈ થયું નહી. ડેવિડ ધવન અને રવિ ચોપડા સાથે ઘણા સારા સંબંધો રહ્યા. તેઓ મારું કામ જોવા આવતા. ખૂબ વખાણતા, પણ કામ આપ્યું નહીં. મારું નાટક ‘અધૂરા તોય મધુરા’ પરથી ‘બાગબાન’ બની. ડેવિડે મને કહેલું કે ફિરોઝ, હું તને નાનો-સૂનો રોલ આપી વેસ્ટ કરવા નથી માગતો. ત્યારે મેં તેને કહેલું કે ભાઈ, વેસ્ટ કરી દીધો તેં મને. એ રંજ મને ખૂબ વધારે છે કે હું ફિલ્મોમાં ન જઈ શક્યો. પણ નસીબમાં હું માનું છું એટલે મને ખબર છે કે નસીબ ન હોય તો કશું શક્ય બનતું નથી.
એટલે જે છે અને જેટલું છે એમાં ખુશ રહેવાનું.’

