ચર્ની રોડ સ્ટેશનની બહાર આવેલા કરુણા મિલ્ક સેન્ટરમાં લગભગ ૪૦ જાતની સૅન્ડવિચ મળે છે, પણ અમુક સૅન્ડવિચ આઇકૉનિક છે
કરુણા મિલ્ક સેન્ટર આરે સેન્ટર હેઠળ કાર્યરત છે
ચોપાટી જઈએ અને કંઈક ચટપટું ન ખાઈએ તો કેવી રીતે મજા આવે? ચણા ચાટ, પાણીપૂરી, મકાઈના ભુટ્ટા તો ખાવાની મજા આવે જ છે; પણ એનાથી પેટ ભરાતું નથી. આવા સમયે ગરમાગરમ સૅન્ડવિચ ખાવા મળી જાય તો પછી મજા જ મજા થઈ જાય. જે લોકો ગિરગામ ચોપાટી ગયા હશે અને ખાસ તો ટ્રેન મારફત ગયા હશે તેમણે ચર્ની રોડ સ્ટેશનની બહાર કરુણા મિલ્ક સેન્ટરનો સ્ટૉલ જોયો જ હશે એટલું જ નહીં, અહીં બનતી ગરમાગરમ સૅન્ડવિચની સુગંધની મજા પણ લીધી જ હશે.
કરુણા મિલ્ક સેન્ટર આરે સેન્ટર હેઠળ કાર્યરત છે; ત્યાં ઠંડાં પીણાં, દૂધ વગેરે તો મળે છે પણ એની સૅન્ડવિચ ખૂબ જ ફેમસ છે. સાદીથી લઈને ગ્રિલ્ડ સુધીની સૅન્ડવિચ અહીં મળે છે. જો ટ્રાય કરવી હોય તો અહીંની મસાલા ચીઝ ગ્રિલ્ડ જમ્બો સૅન્ડવિચ ટ્રાય કરી શકાય. નામ પ્રમાણે ત્રણ જમ્બો સાઇઝના બ્રેડની સ્લાઇસની ઉપર સૅન્ડવિચનું પૂરણ, ચીઝ, મસાલા વગેરે ભરીને એને ગ્રિલ કરવામાં આવે છે અને પછી બે જાતની ચટણીની સાથે સર્વ કરવામાં આવે છે. લીલી અને લાલ ચટણી અહીં ખૂબ ફેમસ છે. લાલ ચટણીમાં લસણનું પ્રમાણ વધારે હોઈ એ ખૂબ જ ચટાકેદાર લાગે છે. જો હેવી નહીં પણ થોડું લાઇટ ખાવું હોય તો મસાલા ટોસ્ટનો સ્વાદ પણ માણી શકો છો જે એક નૉર્મલ ટોસ્ટ સૅન્ડવિચ જ છે પણ ચટણીના લીધે એનો ટેસ્ટ આખો બદલાઈ જાય છે. આ ઉપરાંત ચૉકલેટ જમ્બો ગ્રિલ્ડ, બ્રાઉન મસાલા ટોસ્ટ, જમ્બો પનીર ગ્રિલ્ડ પણ ટ્રાય કરી શકાય છે.
ક્યાં આવેલું છે? કરુણા મિલ્ક સેન્ટર, ગિરગામ ચોપાટીની સામે, ચર્ની રોડ સ્ટેશનની બહાર

