નિર્મલાના સાચા પ્રેમને અવગણીને તે મોહિનીના લફરામાં સંડોવાયો એટલે જ કદાચ તેને તેના પરિવારથી અને તેના ઘરથી દૂર રહેવું પડ્યું... ચિત્તુએ આંખો લૂછી નાખી.
ઇલસ્ટ્રેશન
બીજા દિવસે સવારે ચિત્તુની દીકરીએ જ્યારે તેને પૂછ્યું, ‘હવે તમે મને લઈ જશોને?’ ત્યારે માત્ર આજી જ નહીં, ચિત્તુની આંખોમાં પણ આંસુ આવી ગયાં. પિતાની કમરમાં બન્ને પગ ભરાવીને તેના ગળે પોતાના હાથ લપેટીને પિતાના ખભા પર માથું મૂકીને અજિતાએ કહ્યું, ‘આપણે આઈને મળવા જઈશુંને? એ રોજ તમારી રાહ જુએ છે...’
ચિત્તુએ પૂરા વહાલથી અજિતાને કહ્યું, ‘હું પણ આટલા દિવસથી તેને જ મળવાની રાહ જોતો હતો.’ આજે પહેલી વાર ચિત્તુને પોતાની લફરાબાજી પર, પોતાના આશિક સ્વભાવ પર શરમ આવી. પોતે એક તરફથી નિર્મલા સાથે શિવમંદિરમાં લગ્ન કર્યાં હતાં ને બીજી તરફ મોહિની સાથે ઇશ્કવાજી લડાવતો હતો એ કારણે જ કદાચ તેને નિર્મલાની હાય લાગી હશે... એવો વિચાર ચિત્તુના મનમાં વીજળીની જેમ ઝબકી ગયો. નિર્મલાના સાચા પ્રેમને અવગણીને તે મોહિનીના લફરામાં સંડોવાયો એટલે જ કદાચ તેને તેના પરિવારથી અને તેના ઘરથી દૂર રહેવું પડ્યું... ચિત્તુએ આંખો લૂછી નાખી.
ADVERTISEMENT
‘હવે લઈ જા તારા પાર્સલને.’ આજીએ કહ્યું.
‘ચા તો પીવડાવ.’ ચિત્તુએ કહ્યું. પછી ઉમેર્યું, ‘એક નહીં, મારાં ત્રણેય પાર્સલને લઈ જવા આવ્યો છું. તને, નિર્મલાને અને અજુને. હવે હું મારી સાથે જ રાખીશ...’
વહેલી સવારનું આકાશ લાલ થયું. પુણેની મેન્ટલ હૉસ્પિટલના વિઝિટિંગ અવર્સ શરૂ થાય એ પહેલાં તો ચિત્તુ, અજિતા અને આજી નિર્મલાને મળવા પહોંચી ગયાં હતાં.
‘તે તમને ઓળખશે નહીં.’ અજિતાના ડૉક્ટરે ચિત્તુને ચેતવણી આપી. ‘તે કોઈને ઓળખતી નથી. ક્યારેક વાયલન્ટ થઈ જાય છે. તમને મારી બેસે, ઈજા કરે એટલે અમે તમને તેની પાસે તો નહીં જવા દઈએ. તમારે તેને જાળીની પેલી તરફથી જ મળવું પડશે.’
‘તે મને ચોક્કસ ઓળખશે.’ ચિત્તુએ કહ્યું. ડૉક્ટર હસી પડ્યા. ચિત્તુએ સહેજ ગુસ્સે થઈને કહ્યું, ‘તે આટલાં વર્ષથી ફક્ત મારી જ રાહ જોઈ રહી હતી. મને જોતાં જ કદાચ સાજી થઈ જાય એવું પણ બને.’
ડૉક્ટર ચિત્તુની આંખોમાં જોઈ રહ્યા. થોડીક ક્ષણો બન્ને વચ્ચે મૌન રહ્યું. પછી ડૉક્ટરે ધીમેથી પણ વેધક રીતે કહ્યું, ‘તમારા જેવા કેટલાય લોકો જુવાન છોકરીઓનું જીવન બરબાદ કરીને ચાલ્યા જાય છે. એ છોકરીઓ બિચારી એમની પ્રતીક્ષા કરતાં-કરતાં પોતાની આખી જિંદગી આવી જ કોઈ મેન્ટલ હૉસ્પિટલમાં કે પછી ઘરના એકાદ ઓરડામાં પુરાઈને કાઢી નાખે છે. શરમ આવવી જોઈએ તમને.’
‘હું મજબૂર હતો.’ ચિત્તુ એટલું જ કહી શક્યો. તેને ડૂમો ભરાઈ ગયો. આજીએ તેનો પક્ષ લઈને ડૉક્ટરને વિનંતી કરી એટલે ચિત્તુને લઈને ડૉક્ટર નિર્મલાના વૉર્ડમાં દાખલ થયા.
દત્તાત્રેય ગૃહપ્રધાન હોવાને કારણે નિર્મલાની ટ્રીટમેન્ટ ઉત્તમ રીતે ચાલતી હતી. તેને માટે એક અલાયદો રૂમ હતો જેમાં જમીન પર જડી દીધેલો પલંગ, એની સાથે બાંધેલું ગાદલું હતું. ભૂરા રંગના એ બાર-બાય-દસના રૂમમાં એક બારી હતી. એ સિવાય રૂમમાં કોઈ સામાન નહોતો. હિંસક થઈ ગયેલો દરદી કોઈ પણ વસ્તુથી પોતાને કે બીજાને ઈજા પહોંચાડી શકે એટલે માનસિક રોગના દરદીઓના ઓરડામાં કોઈ સામાન રાખવામાં આવતો નહીં. મુખ્ય દરવાજો બંધ હતો. દરવાજામાં એક ચોરસ બારી જેવું કાણું પાડેલું હતું, જેના પર જાળી જડેલી હતી. ચિત્તુ એ જાળીમાંથી પલંગ પર બેઠેલી નિર્મલાને જોઈ. તે ઊંધી બેસીને ઓરડાની બારીની બહાર જોઈ રહી હતી.
દરવાજો ખૂલ્યો. ચિત્તુ દાખલ થયો કે તરત ઊભી થઈને નિમુ દોડીને તેને ભેટી પડી. ડૉક્ટરના મહાભયાનક આશ્ચર્ય વચ્ચે નિર્મલા એક સેકન્ડ માટે ચિત્તુ તરફ જોઈ રહી, ‘ચિત્તુ!’ તેણે કહ્યું. તે લગભગ દોડી... તેણે પોતાના બન્ને હાથ ચિત્તુની આસપાસ લપેટીને તેનું માથું ચિત્તુની છાતી પર મૂકી દીધું, ‘તૂ કુઠે પળુન ગેલા હોતા? માઝા વિચાર હી કેલા નાહી...’ મેડિકલ સાયન્સને સમજાય નહીં એવો આ ચમત્કાર જોઈ રહેલા ડૉક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ. ચિત્તુ તેના માથે હાથ ફેરવતો રહ્યો અને નિર્મલા આ વીતેલાં વર્ષો દરમિયાન છાતીમાં ભરી રાખેલો ડૂમો પીગળાવતી ધ્રુસકે-ધ્રુસકે રડતી રહી. ચિત્તુ ધીમા અવાજે, ‘સૉરી... મને માફ કર...’ કહેતો રહ્યો.
lll
સ્કાય બ્લુ કલરની શિફોનની સાડી પહેરીને મોહિની જ્યારે લિવિંગ રૂમમાં દાખલ થઈ ત્યારે લગભગ સહુ હાજર થઈ ગયા હતા. શામ્ભવી, પદ્મનાભ, કમલનાથ, રાધા, લલિતભાઈ અને સાતારાથી આવી પહોંચેલા દત્તુ-ચિત્તુની જોડી પણ સહુની સાથે ત્યાં બિરાજમાન હતી.
શામ્ભવીની ઇચ્છા હતી કે તે શિવને પણ હાજર રાખે, પરંતુ કમલનાથે તેને સમજાવીને એમ કરતાં રોકી, ‘આ પારિવારિક મીટિંગ છે. હું સમજું છું કે આ બધું જ શોધવામાં અને રહસ્યના તળ સુધી પહોંચવામાં શિવે તારી ખૂબ મદદ કરી છે, પરંતુ જો આજની મીટિંગમાં હું શિવને હાજર રહેવા દઈશ તો મોહિની કોઈ કારણ વગર નવા પ્રશ્નો ઊભા કરશે...’ શામ્ભવીને પોતાના પિતાની વાત સાચી લાગી. જોકે શિવને તેના પત્રકાર મિત્ર અશોક જાનીએ જે પુરાવા આપ્યા હતા એ આજની મીટિંગમાં મૂકવામાં આવે તો મોહિની પાસે કોઈ દલીલ નહીં બચે એ વાતની શામ્ભવીને ખાતરી હતી. તેણે આજે એ પુરાવા રજૂ કરવાને બદલે કમલનાથ આજની મીટિંગને કઈ રીતે હૅન્ડલ કરે છે એ જોવાનું નક્કી કર્યું.
મોહિની જાણી જોઈને મોડી નીચે ઊતરી. રોજની જેમ જ કલર કરેલા વાળ, પૂરો મેકઅપ અને ગળામાં પોલ્કી ડાયમન્ડનું નાનકડું પેન્ડન્ટ અને કાનમાં ઝગમગતાં પોલ્કીનાં ઇઅરરિંગ્સ પહેરીને તે આવી ત્યારે તેના ચહેરા પર કોઈ અપરાધ કે ભયના ભાવ નહોતા. તેણે આવીને સહુ સામે સ્મિત કર્યું. ચિત્તુને જોયો તેમ છતાં જાણે ચિત્તુને ઓળખતી જ ન હોય એમ તેનાથી નજર ફેરવી લીધી. મોહિનીને જોતાં જ ચિત્તુનું લોહી ઊકળી ઊઠ્યું હતું. તે ઊભો થવા જતો હતો, પરંતુ દત્તુએ તેનો હાથ પકડીને તેને બેસાડી રાખ્યો. મોહિની આવીને પદ્મનાભની બાજુમાં ગોઠવાઈ, ‘હા, મોટાજી... શું વાત હતી?’
‘આજે મેં સહુને ભેગાં કર્યાં છે કારણ કે મારે કેટલીક વાતોની સ્પષ્ટતા કરવી છે.’ કમલનાથે ઘેરા-ગંભીર અવાજે બોલવાનું શરૂ કર્યું, ‘છેલ્લાં તેર વર્ષથી આ ઘર અને પરિવાર અનેક જુદી-જુદી સમસ્યાઓમાંથી પસાર થયા છે. રાધાને સેફ રાખવા માટે મારે આ ઘરથી દૂર, જેલમાં રાખવી પડી... હું તેને ક્યાંય પણ રાખી શક્યો હોત, પરંતુ મને ભય હતો કે દત્તાત્રેય તેને ક્યાંયથી પણ શોધી કાઢશે.’ તેમણે ગળું ખોંખાર્યું, અવાજ સાફ કર્યો અને ભરાઈ આવેલા ડૂમાને પાછળ ધકેલીને કહ્યું, ‘ત્યારે મને ખબર નહોતી કે ચિત્તરંજન જીવે છે.’ એક સન્નાટો છવાયો. વિચિત્ર પ્રકારનું વજન વાતાવરણમાં અનુભવી શકાતું હતું. મોહિનીથી ચિત્તરંજન સામે જોવાઈ ગયું, ચિત્તરંજન નીચું જોઈને બેઠો હતો. તે કદાચ પોતાનો વારો આવે એની પ્રતીક્ષા કરી રહ્યો હતો! કમલનાથે ખૂબ સ્નેહથી પોતાની બાજુમાં બેઠેલી રાધાના ખભે હાથ મૂક્યો, ‘ત્યારે શામ્ભવી ખૂબ નાની હતી. જે થયું એ માટે શામ્ભવીને જવાબદાર ન ગણી શકાય, તેમ છતાં મને ડર હતો કે દત્તાત્રેય મારી પત્ની અને દીકરીને નુકસાન પહોંચાડશે...’ કમલનાથે શાંત બેઠેલા દત્તાત્રેય તરફ જોઈને કહ્યું, ‘આજે મારે સત્ય ઉપરથી પડદો ઉઠાવી લેવો છે. ચિત્તરંજન અમારા ઘરમાં મોડી રાત્રે દાખલ થયો હતો. તેનું કહેવું એમ હતું કે તે મોહિનીને મળવા આવ્યો હતો.’
‘હું તેને જ મળવા આવ્યો હતો...’ ચિત્તુની આંખો લાલ થઈ ગઈ, તેના લમણાની નસ ફડકવા લાગી, ‘તેણે બોલાવ્યો હતો મને. છેક સાતારાથી અહીં... અમદાવાદ સુધી...’
‘હું તેને ઓળખતી જ નથી.’ મોહિનીએ ફરી એક વાર એ જ જુઠ્ઠાણું પૂરી સહજતા અને દૃઢતા સાથે દોહરાવ્યું.
તેનું વાક્ય પૂરું થાય એ પહેલાં ચિત્તુ ઊભો થઈ ગયો. દત્તાત્રેય તેને રોકવા ગયો, પણ ચિત્તુ ભાઈનો હાથ ઝટકાવીને મોહિની ઉપર ધસી ગયો, ‘સાલી હરામખોર, નીચ... જુઠ્ઠી બાઈ...’ તેણે હાથ લંબાવીને મોહિનીના ગળાની આસપાસ પોતાની બન્ને હથેળી લપેટવાનો પ્રયાસ કર્યો, પણ દત્તાત્રેય ઊભો થઈને નજીક આવ્યો. તેણે ચિત્તુના બન્ને હાથ પકડી લીધા. દત્તાત્રેયે જબરદસ્તી ચિત્તુને ફરી પાછો તેની સીટ પર બેસાડી દીધો, ‘શું કામ રોકો છો મને? અહીં બેઠેલા સહુ જાણે છે કે આ બાઈ જુઠ્ઠું બોલે છે...’ તેણે ઋતુરાજ સામે જોઈને કહ્યું, ‘તું તો સાચું બોલ...’
‘હું શું કહું?’ ઋતુરાજે બન્ને ખભા ઉલાળીને આખી વાત સાથે પોતાને કોઈ નિસબત જ ન હોય એમ તદ્દન બેપરવાહ રીતે કહ્યું.
‘કેમ?’ ચિત્તુ ઉશ્કેરાયેલો હતો. જિંદગીનાં આટલાં બધાં વર્ષ તેણે ઘરથી દૂર વિતાવવા પડ્યાં હતાં. તેનો સગો ભાઈ તેને મરેલો માનીને જીવ્યો હતો. તેની પ્રેમિકા પાગલ થઈ ગઈ હતી અને દીકરી તેના વગર ઊછરી હતી... ચિત્તુ કોઈ પણ રીતે મોહિનીને આ બધાની સજા આપવા માગતો હતો, ‘તું તો બધું જાણે છે. તેં જ મને અહીંથી બહાર મોકલ્યો હતો. તેં જ મને સમજાવ્યું હતું કે અત્યારે જો હું કમલનાથના હાથમાં પડી જઈશ તો તે મને મારી નાખશે... સામે કમલનાથને તેં એવું સમજાવ્યું કે હું મરી ગયો છું. તેની દીકરીએ ગોળી ચલાવી છે અને પત્ની...’
‘મેં જે કંઈ કર્યું એ ચૌધરી પરિવારની ભલાઈ માટે કર્યું છે.’ ઋતુરાજ હજી સ્વસ્થ અને સંયત હતો, ‘મેં તેમનું નમક ખાધું છે. મારા પિતા તેમના વફાદાર છે. હું કંઈ ખોટું કરી શકું જ નહીં એટલી તો કમલનાથ અંકલને ખાતરી છે.’
‘વેલ!’ અત્યાર સુધી તદ્દન ચૂપ રહીને આ તમાશો જોઈ રહેલી શામ્ભવીએ પૂછ્યું, ‘કદાચ તમારી વાત સાચી હશે, પણ ચિત્તુ જીવતો છે એ વાત અમને કહેવાની જરૂર ન લાગી તમને?’
‘એ જીવતો હોત તો કમલનાથ અંકલ તેને મારી નાખત...’ ઋતુરાજે કમલનાથની સામે જોઈને કહ્યું, ‘પરિવારની બદનામી અંકલ ક્યારેય સહી શકે નહીં.’
‘ને મારી મા...’ શામ્ભવી સીધી ઋતુરાજ સાથે બાખડી પડી, ‘મારી મા આટલાં વર્ષ છુપાઈને રહી. હું તેના વગર મોટી થઈ. મારા પિતાએ તેની પત્ની વગરનાં વર્ષો વિતાવ્યાં... તમને કોઈની દયા ન આવી?’
‘બેટા!’ લલિતભાઈ ખૂબ નમ્રતાથી ઊભા થયા, ‘ઋતુ ક્યારેય આ પરિવારનું ખોટું વિચારી પણ શકે નહીં.’ તેમણે કહ્યું, ‘એ વખતે તેને જે યોગ્ય લાગ્યું એ તેણે કર્યું.’ પછી તેમણે કમલનાથ સામે એક ક્ષણ માટે જોયું, નજરો ઝુકાવી દીધી અને ધીમેથી ઉમેર્યું, ‘ખરેખર આ બધા માટે જે જવાબદાર છે એને વિશે વાત થવી જોઈએ.’ લલિતભાઈના અવાજમાં સહેજ તીખાશ ભળી ગઈ, ‘આટલાં વર્ષો સુધી એક પછી એક પ્રશ્નો સુલટાવતા રહ્યા છીએ અમે. પરિવારની બદનામી ન થાય એ માટે સમયસમયાંતરે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને મોહિનીજીના કરતૂત પર પડદો નાખતા રહેવું પડ્યું છે.’ તેમણે કમલનાથ સામે જોઈને બે હાથ જોડ્યા, ‘માફ કરી દેજો, સાહેબ. પણ આજે બોલ્યા વગર નહીં રહી શકું.’
‘મોહિની? એટલે હવે બધા તેને જવાબદાર ઠેરવશો એમને?’ પદ્મનાભની આંખે જાણે મોહના પાટા બાંધ્યા હતા, ‘તે કહે છે કે આ માણસ તેને મળવા નહોતો આવ્યો તો કોઈ તેની વાત માનતું કેમ નથી?’
રાધા અત્યાર સુધી ચૂપચાપ બેઠી હતી. તેણે જે રીતે નજર ઉઠાવી એમાં કોઈ દુર્ગાની પ્રતિમાની આંખોનું તેજ હતું. તેણે મોહિનીની આંખોમાં સીધું જોયું, ‘તને મળવા નહોતો આવ્યો? તો કોને મળવા આવ્યો હતો?’
‘હું તેને જ મળવા આવ્યો હતો.’ ચિત્તુ ફરી ઊભો થવા ગયો... એક ક્ષણ માટે ચિત્તુને એટલો ગુસ્સો આવ્યો કે તેનું ચાલ્યું હોત તો તેણે મોહિનીનું ખૂન કરી નાખ્યું હોત! પોતાની જગ્યા પર બેસીને ચિત્તુએ મોહિનીને પૂછ્યું, ‘તેં મારી સાથે આવું કેમ કર્યું? હું તને પ્રેમ કરતો હતો...’ ચિત્તુએ પદ્મનાભ સામે જોઈને કહ્યું, ‘જેને બચાવવાનો પ્રયાસ કરો છોને તે તમારા વિશે શું બોલે છે એ જાણવું છે?’ ચિત્તુએ જે રીતે કહ્યું એનાથી કમલનાથ સહેજ ઝંખવાઈ ગયા, પરંતુ તેમણે ચિત્તુને રોકવાનો પ્રયત્ન ન કર્યો, ‘તમારી પત્ની કહે છે કે તમે પથારીમાં બરફના ગચ્ચા જેવા છો. ઠંડા અને બેજાન... તે તમારી સાથે પૈસા માટે પરણી છે અને તમને નથી છોડતી, કારણ કે તેને આ લાઇફસ્ટાઇલ જોઈએ છે...’
ચિત્તુ આગળ બોલે એ પહેલાં મોહિની ઊભી થઈ ગઈ, ‘આવું મેં ક્યારેય નથી કહ્યું...’
‘એમ?’ ચિત્તુ હસ્યો. તેણે પોતાના ખિસ્સામાંથી નાનકડું સોનીનું રેકૉર્ડર કાઢ્યું. આંગળીના ત્રણ વેઢા જેટલું નાનકડું હાઇટેક રેકૉર્ડર તેણે લિવિંગ રૂમની વચ્ચોવચ ટેબલ પર મૂકીને ચાલુ કર્યું. એમાંથી મોહિનીનો અવાજ સંભળાયો, ‘સાલો... મારું લોહી ગરમ કરી નાખે છે, પણ મને ઠંડી નથી કરી શકતો. હવે ડાયાબિટીઝ થયો છે... પણ લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં પણ એક-બે ને ત્રણ... ચોથો કાઉન્ટ નથી થયો અમારી વચ્ચે...’ કમલનાથની આંખો નીચી થઈ ગઈ. આટલી પ્રાઇવેટ વાત આવી રીતે જાહેરમાં ખુલ્લી પડી જશે એવું તેમણે નહોતું ધાર્યું. મોહિનીનો અવાજ સંભળાતો રહ્યો, ‘હજી તને મળી નથી હું, પણ તારા અવાજથીય મારું લોહી ગરમ થઈ જાય છે. તને જોઈને મને સ્ત્રી હોવાનો અહેસાસ થાય છે. એક વાર... એક વાર અહીં આવ. મને તારાં મજબૂત બાવડાંમાં ભીંસી નાખ. ચૂંથી નાખ મારા શરીરને, ઠંડી કરી દે એ આગ, જે વર્ષોથી આ નપુંસક બુઝાવી શકતો નથી...’
‘તો છોડી દે તેને...’ ચિત્તુનો અવાજ સંભળાયો.
‘છોડી નહીં શકું. મારી ૨૫ ડૉલરની બ્રાના પૈસા ચૂકવે છે તે! તેણે ખરીદેલી બ્રા તેને ઉતારવાની ના નથી પાડી શકતી... તે ઉતારે તો છે સાલો, પણ પછી...’ મોહિનીનો અવાજ સંભળાતો હતો, ‘ઊઠતા પહેલાં તો બેસી જાય છે, સાલો...’ મોહિનીના અવાજમાં એક ગાળ સંભળાઈ. ત્યાં બેઠેલા સૌની નજરો ઝૂકી ગઈ. ખાસ કરીને દીકરીની હાજરીમાં આ જે કંઈ ચાલી રહ્યું હતું એ હવે આગળ સાંભળી શકાય એમ નહોતું એટલું કમલનાથને સમજાઈ ગયું.
‘બંધ કરો આ...’ તમેના પરિવારનું એવું રહસ્ય જે તેમણે આટલાં વર્ષો સુધી દબાવી રાખ્યું હતું એ આજે બહારના માણસો સામે ખુલ્લું પડી રહ્યું હતું, ‘હવે અશ્લીલતાની હદ આવી ગઈ...’ તેમણે મોહિની સામે જોઈને કહ્યું, ‘આવી ભાષા બોલતાં શરમ ન આવી તને?’
‘જે છે તે કહ્યું...’ મોહિનીએ હવે બધી મર્યાદાઓ ફગાવી દીધી હતી, ‘હું જે કંઈ કરું છું...’ સહેજ અટકીને મોહિનીએ ઉમેર્યું, ‘મારા બધા પુરુષો સાથેના શારીરિક સંબંધો વિશે જાણે છે તમારો ભાઈ. પૂછો તમારા ભાઈને. સ્ત્રીને શું જોઈએ એવી ખબર પણ છે તેને?’ કહેતાં-કહેતાં મોહિનીની આંખોમાં સહેજ ભીનાશ તરવરી, ‘હું છૂટાછેડા માગીશ એવો ભય લાગે ત્યારે આપઘાત કરવાની ધમકી આપે છે તે...’ તેણે આંખો લૂછીને કહ્યું, ‘તેણે જ કહ્યું છે... તું તારે બહાર મજા કરી લેજે, પણ મને નહીં છોડતી.’ મોહિનીએ કહ્યું, ‘તેના સંતોષ માટે મારી પાસે અકુદરતી કામ કરાવે છે તમારો ભાઈ. માનસિક રીતે બીમાર છે. બીજા લોકો સાથે હું સેક્સ કરું એના વિડિયો જોઈને તેને સંતોષ થાય છે... બીજા પુરુષો સાથે હું સેક્સ કરતી હોઉં એ વખતે કૅમેરા ચાલુ રાખીને લાઇવ જોવાનો શોખ છે તેને...’ તેણે પદ્મનાભ સામે જોઈને કહ્યું, ‘કહેતો કેમ નથી? સાચું બોલ...’ મોહિનીનો અવાજ સહેજ ધીમો થયો. તેણે કમલનાથ સામે જોઈને કહ્યું, ‘તમને લાગશે કે હું લફરાબાજ છું. ગંદી, સ્લટ છું... પણ મને એવી બનાવનાર તમારો ભાઈ છે.’ તેણે ચિત્તુ સામે જોઈને કહ્યું, ‘તું તો આ અવાજથી ડરાવે છેને? મારી પાસે આવા ઢગલાબંધ વિડિયો છે...’ મોહિની એક ક્ષણ ચૂપ રહી, પછી તેણે સૌ તરફ એક નજર નાખીને કહ્યું, ‘હું એ વિડિયો વાઇરલ કરીશને તો ચૌધરી પરિવાર કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે. સામૂહિક આપઘાત કરવો પડશે બધાએ...’
(ક્રમશઃ)

