તમે જુઓ આજે નવાં થિયેટર બને છે, પણ નવાં ઑડિટોરિયમ નથી બનતાં. એનું કારણ શું? જરા વિચારજો, આ સવાલના જવાબમાં ક્યાંક ને ક્યાંક દર્શક પોતે જવાબદાર હોય એવું તમને સ્પષ્ટ દેખાશે
પ્રતીકાત્મક તસવીર
નમસ્કાર,
નાટક. આ નાટક શબ્દ જ એવો છે કે એ આપણને દરેક ક્ષેત્રમાં ચાલતું જોવા મળે. સ્ટેજ પર જ ચાલતું હોય અને સંબંધોમાં પણ ચાલતું દેખાય. પૉલિટિક્સમાં જોવા મળે ને ઘરમાં પણ ચાલતું હોય, ઑફિસમાં પણ એ જોવા મળે ને હસબન્ડ-વાઇફનાં રિસામણાં-મનામણાંમાં પણ તમને આ નાટક જોવા મળે. નાટક. બરાબરનો શબ્દ બનાવ્યો છે ભગવાને. તેના વિના તમને અધૂરું કે પછી સાવ સૂનું-સૂનું લાગે. સિરિયલ હોય તો ત્યાં પણ આ નાટક તો હોય જ.
‘ડ્રામા નહીં હૈ ડ્રામા... ડ્રામા લે કર આઓ...’
ચૅનલવાળા આવું બોલે અને પછી રાઇટર સિરિયલમાં ડ્રામા ઉમેરે. ડ્રામા, નાટક. મને લાગે છે કે આ જે નાટક છેને એનો જન્મ થયો નહીં હોય ત્યારે પણ અસ્તિત્વમાં હશે અને જીવનના એ નાટક પરથી જ નાટક ઊભું કરવાનો કોઈને વિચાર આવ્યો હશે. તમને થશે કે મને એકાએક નાટક ક્યાંથી યાદ આવ્યું તો સાહેબ, આ નાટકને કારણે તો હું અને તમે જોડાયાં છીએ. નાટકો ન હોત તો હું સ્ટેજ પર જોવા મળી ન હોત. નાટકો ન હોત તો મેં ગુજરાતી-હિન્દી ફિલ્મો ન કરી હોત. નાટકો ન હોત તો હું સિરિયલો ન કરતી હોત. નાટકો ન હોત તો મારો અભિનય ન હોત ને મારો અભિનય ન હોત તો હું પદ્મશ્રી ન બની હોત. હા, નાટક ન હોત તો આ સરિતા કદાચ અત્યારે પણ તમારી સામે ઇન્દુ જ હોત અને જો એવું હોત તો કદાચ, આજે હું અને તમે, આમ, આ રીતે ‘મિડ-ડે’ના પાના પર મળતાં ન હોત.
નાટક.
હમણાં મારી દીકરી કેતકી દવેનું નવું નાટક ઓપન થયું. ‘હાઉસ વાઇફની હુતુતુતુ’. મેં પણ એ નાટક જોયું. જો મારી ભૂલ ન થતી હોય તો ઓપન થયું એ જ દિવસે મેં નાટક જોયું. તેજપાલ ઑડિટોરિયમમાં. નાટક મને ગમ્યું. દીકરી હતી એટલે નથી કહેતી, કારણ કે રંગદેવતાએ એક વાત શીખવી છે. સાચું કહેશો તો સામેવાળાને શીખવાનો અવકાશ મળશે અને કરેલી ભૂલ સુધારવાની તક મળશે, પણ જો ખોટું કહેશો તો એ અંધારામાં રહેશે. નાટકમાં મને મજા આવી. કેતકી સ્ટેજ પર છવાઈ જાય છે તો નાટક જેણે ડિરેક્ટ કર્યું છે એ કિરણ ભટ્ટ, અમે તેને કેબી કહીએ. તેનું કામ પણ સરસ છે. કિરણ અને મારા જમાઈ રસિક દવે બન્ને વચ્ચે વર્ષોજૂની ભાઈબંધી, પાક્કા ભાઈબંધ અને એ બન્નેનો ત્રીજો ભાઈબંધ એટલે અમદાવાદના રાજુ ગાંધીનો દીકરો ચેતન. ત્રણેએ સાથે પ્રોજેક્ટ પણ કર્યા અને ત્રણેય સાથે વેકેશન પણ કરવા જતા. હવે રસિક નથી, પણ આ બધાને મળવાનું બને કે પછી તેમની સાથે વાત થાય ત્યારે લાગે કે હજી પણ રસિક આજુબાજુમાં જ છે, પણ સાહેબ, આપણી વાતો જુદી દિશાની છે.
ADVERTISEMENT
નાટક જોવા ગઈ ત્યારે ઘણા મિત્રો મળ્યા, મિત્રો એટલે પ્રેક્ષકમિત્રો. એ મિત્રો જ કહેવાય. એ લોકો મને લાંબા સમયથી જોતા આવે છે. મેં નિભાવેલાં જુદાં-જુદાં પાત્રો, મેં કરેલી ઍક્ટિંગ અને મેં નિભાવેલા કિરદારના તેઓ સાક્ષી છે. મારા જીવનના ઉતાર-ચડાવ તેમણે બહાર બેસીને જોયા છે એટલે હું તો કહીશ કે એ સૌ પણ મારી જીવનયાત્રાના સાક્ષી રહ્યા છે. પ્રેક્ષકમિત્રોની સાથોસાથ ઘણા એવા મિત્રો પણ મળ્યા જેઓ મારી આ કૉલમ નિયમિત વાંચે છે. તેમની સાથે વાતો થઈ એટલે ખબર પડી કે જેમ પહેલાં એ લોકો મારા નાટકની રાહ જોતા એમ હવે એ લોકો મંગળવારના ‘મિડ-ડે’ની રાહ જોતા હોય છે. કેટલાય લોકોએ નંબર માગ્યો, મેં આપ્યો પણ ખરો અને કહ્યું પણ કે તમને જે ગમે, જે ન ગમે એ બધું મને લખીને મોકલતા રહેજો. સાહેબ, તમને પણ કહું છું, તમે પણ મારા જે વિચારો વાંચો એ ગમે તો પણ કહેજો અને ન ગમે તો પણ મને કહેજો. તમારામાંથી ઘણાની પાસે મારો નંબર નહીં હોય, પણ તમારી પાસે ઈ-મેઇલ ઍડ્રેસ તો છે જ. મને ઈ-મેઇલ કરજો, હું જવાબ નહીં આપી શકું તો પણ તમે જે સૂચન કર્યાં હશે એનું ધ્યાન રાખીશ અને મારા આગામી લેખમાં એનો સમાવેશ પણ કરીશ.
સામાન્ય રીતે હું બહાર ઓછી નીકળતી હોઉં છું. ઘરથી શૂટિંગ અને શૂટિંગથી ઘર. આ જ નિયમ બની ગયો છે મારો, એટલે જ્યારે નાટક જોવા ગઈ ત્યારે મોકળાશની ખુશી મળી તો અનેક લોકોને મળવાને કારણે હળવાશ આવી, પણ એ બધામાં સૌથી વધારે જો મને કોઈ વાતની ખુશી થઈ હોય તો એ છે તેજપાલ ઑડિટોરિયમમાં દાખલ થઈને.
તેજપાલ આજે પણ એટલું સરસ દેખાય છે કે તમને એમ થાય કે બસ, એની સામે બેસી એને જોયા જ કરું. તેજપાલ, એની આજુબાજુનું વાતાવરણ, મને લાગે છે કે ભગવાન પણ ત્યાં થોડી વધારે માત્રામાં ઑક્સિજન મૂકતો હશે. તમે એ હવા શ્વાસમાં ભરો ત્યાં જ તમારામાં તરવરાટ આવી જાય. થાક ઊડી જાય અને સુસ્તીનું બાષ્પીભવન થઈ જાય. સાદગી છે અને એમ છતાં તેજપાલ આજે પણ જાજરમાન છે. સહજ છે અને એમ છતાં તેજપાલ આજે પણ ભવ્ય છે. હમણાં થોડો ખર્ચ કરીને જોઈ શકાય, નોંધી શકાય એવું રિનોવેશન થયું છે. પડદો બદલાયો છે, એ સિવાય પણ નાનું-મોટું કામ થયું છે. ઑડિટોરિયમનું કામ થાય ત્યારે સૌથી વધુ ખુશી મને થાય. આ ઑડિટોરિયમે તો આપણી રંગભૂમિની યાદોને પોતાનામાં ભરી રાખી છે.
આપણું સાહિત્ય, આપણી કલા, આપણા કલાકારોની મહેનત, તાળીઓના ગડગડાટે જેને વધાવી લીધા હોય એવા સંવાદો. પહાડી અને પડછંદ છેક નાભિમાંથી નીકળીને છેલ્લી લાઇન સુધી પહોંચતો સ્વર અને એવી તે કેટકેટલી વાતો આ ઑડિટોરિયમ પોતાની પાસે સાચવીને બેઠું છે. હું તો કહીશ કે ઑડિટોરિયમ મા છે અને કલાકાર એનાં બાળકો. જન્મતા આ કલાકારોને એણે ભાંખોડિયાં ભરતાં આગળ વધતા જોયા છે, જોયા પણ છે અને પછી એ મોટા થયા ત્યારે આવજો કહીને એ કલાકારોને ટીવી કે ફિલ્મના રસ્તે વાળવાનું કામ પણ એણે જ કર્યું છે. ભારે મને, પણ ખુલ્લા દિલે. સાહેબ, હું તમને આજે એક નાનકડી વિનંતી કરવા માગું છું.
નાટક જોવા જજો. જો તમે નાટક જોવા જશો તો આપણા આ ઑડિટોરિયમ અકબંધ રહેશે. જો તમે નિયમિત નાટક જોવા જશો તો બીજા લોકોને પણ ઑડિટોરિયમ બનાવવાનો વિચાર આવશે. આજે થિયેટર બને છે, પણ ઑડિટોરિયમ નથી બનતાં. ઑડિટોરિયમ શું કામ નથી બનતાં એનો જવાબ તમારી પાસે છે જ. દર્શકો આવતા નથી અને દર્શકો આવતા નથી એટલે ઑડિટોરિયમનો નિભાવખર્ચ અઘરો થતો જાય છે. એવું ન કરતા. કલાકારો માટે, ઑડિટોરિયમ માટે, આપણી સંસ્કૃતિ, આપણી કલા અને આપણી ગુજરાતી ભાષા માટે પણ બહાર નીકળજો અને નાટકો જોવા જજો. નાટકો સરસ બને છે, તમને મનોરંજન પૂરું પાડે એવાં બને છે, પણ એને માટે તમારે એ જોવા જવું પડશે. જો તમે જોવા જશો તો તમે એકસાથે અનેક બાબતોને સાચવી લેવા માટે નિમિત્ત બનશો.જશોને?
તમારો જવાબ ‘હા’ સમજીને આજે હું અહીંથી રજા લઉં છું.
મળીએ ત્યારે આવતા મંગળવારે.