બીજો તબક્કો શરૂ થયા બાદ ૧૭ લાખ પ્રવાસીઓ મુસાફરી કરશે
દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે વિધાનસભામાં કહ્યું હતું કે કોલાબા-બાંદરા-સીપ્ઝની મેટ્રો-થ્રીનો કોલાબા-બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) વચ્ચેનો બીજો તબક્કો આવતા વર્ષના મે મહિનામાં શરૂ થઈ જશે. આરેથી BKC સુધીનો પહેલો તબક્કો ઑક્ટોબરમાં શરૂ કરવામાં આવ્યો હતો.
મેટ્રો-થ્રીને પ્રવાસીઓ તરફથી જોરદાર રિસ્પૉન્સ મળશે એવી અપેક્ષા હતી પણ આરેથી BKC વચ્ચે અત્યારે દોડી રહેલી આ મેટ્રોને જોઈએ એવો પ્રતિસાદ નથી મળ્યો. એટલું જ નહીં, વારંવાર એમાં ટેક્નિકલ પ્રૉબ્લેમ પણ આવી રહ્યો છે. મેટ્રો-થ્રી પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં મેટ્રોનું કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે. મેટ્રો ૩ના બીજા તબક્કાનું કામ અંતિમ ચરણમાં છે. કોલાબાથી બાંદરા સુધીનો બીજો તબક્કો શરૂ થયા બાદ મુંબઈને ખરા અર્થમાં નવી લાઇફલાઇન મળશે. અત્યારે પૂરી કનેક્ટિવિટી ન હોવાને લીધે ધારણા કરતાં ઓછા પ્રવાસી એમાં ટ્રાવેલ કરે છે, પણ મારું માનવું છે કે બીજો તબક્કો શરૂ થયા બાદ ૧૭ લાખ પ્રવાસીઓ મુસાફરી કરશે.’