નૉસ્ટાલ્જિક વૅલ્યુ ધરાવતી આ ઍડ્વર્ટાઇઝમેન્ટ જ્યારે પણ હાથમાં આવે ત્યારે મને કલકત્તામાં શો કરવા જતી વખતે પહેલી વાર મેકઅપનો જોયેલો એ સામાન યાદ આવી જાય.
થિયેટર નટરાજનું મંદિર છે અને મંદિરમાં ગંદકી કે બેદરકારી કેવી રીતે ચાલે?
થિયેટરનું મેઇન્ટેનન્સ યોગ્ય રીતે ન થતું હોય ત્યારે મને બહુ ગુસ્સો આવે અને જેમણે પણ મારી સાથે કામ કર્યું છે તેમણે મારો એ ગુસ્સો જોયો પણ છે. થિયેટરની સંભાળ લેવાવી જોઈએ. એ નટરાજનું મંદિર છે. મંદિરને તમે અયોગ્ય રીતે રાખો છો ખરા?
નમસ્કાર મારા વહાલા વાચક મિત્રો. હવે બધું ધીમે-ધીમે ફરી પહેલાં જેવું ગોઠવાતું થઈ ગયું છે ત્યારે તમને એ જ કહેવાનું કે આપણે આપણી પહેલાં જેવી જિંદગી ફરી પાછી જોઈતી હશે તો વૅક્સિનની બાબતમાં વધારે સજાગ બનવું પડશે. જો બીજો ડોઝ બાકી હોય તો થોડો કન્ટ્રોલ રાખીને બહાર ફરવાને બદલે પહેલાં બીજો ડોઝ લઈ લેજો. બીજા ડોઝ પહેલાં શક્ય હોય તો બહુ ભીડવાળી જગ્યાએ જવાનું પણ ટાળજો. અત્યારે દુનિયાના ઘણા દેશો નવેસરથી કોરોનાની અડફેટે ચડી ગયાના સમાચારો આવે છે. આપણે એ પૈકીના એક ન બનીએ એની જાગૃતિ ક્યાંય છોડતા નહીં.
ADVERTISEMENT
ઘણા લોકો માસ્ક વિના જોવા મળે છે; પણ ભૂલતા નહીં કે આપણા ઘરે આપણાં માબાપ, ભાઈ-બહેન, સંતાનો, પત્ની બધાં છે. તમારી બેદરકારીની સજા તેમણે ભોગવવી ન પડે એની કાળજી રાખજો.
lll
ગુજરાત કે મુંબઈ સિવાયનાં શહેરોમાં હિન્દી નાટકો હોય. કલકત્તાની ટૂર હતી ત્યારે એક હિન્દી નાટક હું કરતી હતી. ‘દિલ કી પ્યાસ’ નામના એ નાટકમાં હું છોકરો બનતી, પણ એ પહેલાંની વાત છે. કદાચ એ મારું પહેલું કે બીજું હિન્દી નાટક હતું, જે મેં સાત-આઠ વર્ષની ઉંમરે કર્યું હતું. પછી જેમ-જેમ મોટી થતી ગઈ એમ-એમ મારા માટે એ પ્રકારના છોકરાઓના રોલ કરવા અઘરા થવા માંડ્યા.
કંપનીમાં પણ ઘણાં વર્ષો થઈ ગયાં હતાં એટલે મને રોલ પણ સારા અને મોટા મળવા માંડ્યા હતા. જોકે હું કહીશ કે આ ઉંમરે પહોંચ્યા પછી પણ મેં કોરસમાં જવાનું છોડ્યું નહોતું. આ જ કારણે મને આજે પણ સમજાય છે, લાગે છે કે ક્યારેય કોઈ કામ નાનું નથી હોતું. નાના કામમાં આવેલી ફાવટ જ તમને મોટા કામ તરફ લઈ જાય તો પછી નાનું કામ સામે આવે તો ક્યારેય એને ના પાડવી નહીં.
અમારી કંપનીનું એક નાટક હતું ‘સૂર્યકુમારી’. એ નાટકમાં જે સૂર્યકુમારી બનતી હતી તેની નાની બહેનનો રોલ હું કરતી હતી. આવાં તો અનેક નાટકો જીવનમાં આવવા માંડ્યાં જેમાં મને સ્ટેજ પર વધારે હાજર રહેવા મળવા માંડ્યું. નાટકમાં હું સ્ટેજ પર ન હોઉં તો પણ બૅકસ્ટેજમાં સાવ નજીક ઊભી રહું. મને એકેએક ડાયલૉગ યાદ હોય અને મારા ડાયલૉગ ન હોય એ પણ મને મોઢે યાદ હોય. એ મારી યાદશક્તિની કમાલ હતી કે પછી ઈશ્વરની દેન હતી એ આજે પણ મને સમજાયું નથી અને મારે એ સમજવું પણ નથી. માની લેવા તૈયાર છું હું કે એ ઈશ્વરની જ દેન છે. ઈશ્વરથી મોટા આપણે હોતા નથી અને આપણે થવું પણ નથી.
lll
મારી એક આદત મારા પ્રોડ્યુસર-ડિરેક્ટરો બહુ સારી રીતે જાણે છે. પહેલાં હું એને ટેવ ગણતી. જોકે પછી ધીમે-ધીમે મને સમજાયું કે એ ટેવ નહીં પણ સ્વભાવ છે, આદત છે. હું કોઈ પણ થિયેટર પર જઉં એટલે પહેલાં જઈને મેકઅપ રૂમ ચેક કરું. બૅકસ્ટેજમાં આવેલા વૉશરૂમમાં જઈને ચેક કરું. અત્યારે તો મારો રુઆબ એવો છે કે મારા પહેલાં જ ત્યાં એ બધું ચેક થઈ ગયું હોય અને ધારો કે ત્યાં સફાઈ ન હોય તો એ બધું સાફસૂથરું કરીને તૈયાર કરી લેવામાં આવે. ઘણી વાર, અઢળક વાર એવું બન્યું છે કે થિયેટરવાળાઓએ મેકઅપ રૂમ કે વૉશરૂમના કારણે મારો ગુસ્સો સહન કર્યો હોય. જોકે સાચું કહું તો એ સારા માટે જ છે. થિયેટર નટરાજનું મંદિર છે અને મંદિરમાં ગંદકી કે બેદરકારી ચાલે થોડી? સ્વચ્છતાના હિસાબે પણ ચોખ્ખાઈ રાખવી જોઈએ અને સાથોસાથ મેં તમને કહ્યું એમ કલાના આ મંદિરનું મેઇન્ટેનન્સ પણ પ્રૉપર થવું જોઈએ. નાનાં શહેરોના થિયેટરમાં તો મેં આ બધી બાબતો પર બહુ ગુસ્સો કર્યો છે તો સ્થાનિક લોકોનો ઊધડો પણ લીધો છે કે આ બધી બાબતોમાં ચીવટ રાખો.
વર્ષો પહેલાં તો એવું પણ કર્યું છે કે મારો શો ન હોય પણ હું બહારગામ ગઈ હોઉં તો સામેથી જઈને થિયેટર જોઈ આવું. સ્વચ્છતા ન હોય તો મેં બધા પર ગુસ્સો કર્યો હોય તો સ્વચ્છતા જ્યાં સાચવી રાખવામાં આવે અને કલાના મંદિરનું મેઇન્ટેનન્સ બરાબર રીતે થયું હોય તો મેં ખુશ થઈને, રાજી થઈને ત્યાંના સ્ટાફને બક્ષિસ પણ આપી હોય. જોકે એ તો તેમના કામની કદરની વાત થઈ.
આપણે ત્યાં તેજપાલ, ભાઈદાસ બહુ સારાં થિયેટરો અને એમાં મેઇન્ટેઇન પણ બધું બહુ સારી રીતે થાય. જોકે ઘણી વાર એવું હોતું નથી. ગુજરાતમાં પણ અમુક થિયેટરોની જાળવણી બહુ સરસ રીતે થાય છે. બાકી ધકેલ પંચાં દોઢસોની જેમ ચાલ્યા કરે જે મને ફાવે નહીં એટલે મને ગુસ્સો આવી જાય. બહુ વખત પહેલાંની વાત છે. થિયેટરના મેઇન્ટેનન્સ માટે મેં તો પેપરમાં પણ આપ્યું હતું. એ વખતે મેં કહ્યું હતું કે પ્રેક્ષકો પર પાણી પડે અને બાથરૂમમાં પાણી ન આવતું હોય. આ તે કંઈ રીત છે? શો માટે આપણો પ્રેક્ષક આટલા પૈસા ખર્ચે છે, પ્રોડ્યુસર આટલું ભાડું આપે છે તો થિયેટરો સારાં રાખવાં એ સૌકોઈની જવાબદારી છે.
જૂનાં થિયેટરો પ્રમાણમાં બહુ સારાં હતાં. હજી પણ તમે જોશો તો જૂનાં ઘરોમાં તમને લીકેજ જોવા નહીં મળે. જોકે હમણાં બનેલાં કરોડો રૂપિયાના ફ્લૅટમાં રહો તો ત્યાં પણ લીકેજ આવી જાય. કહેવાનો ભાવાર્થ એ કે કોઈની ભૂલને તમે આજે ખેંચીને ન રાખી શકો. તમારે ચીવટ રાખવી જોઈએ અને બધું સચવાવું જોઈએ. સાચવણી કેવી રીતે થાય છે એ જોવાની મારી આદત નાનપણની જ.
કલકત્તા શો માટે ગયા અને થિયેટર પર પહોંચ્યા ત્યારે હું સીધી વૉશરૂમ અને મેકઅપ રૂમ જોવા માટે પહોંચી અને સાહેબ, હું તો ગાંડી-ગાંડી થઈ ગઈ. એટલી લાઇટ અને લેડીઝ-જેન્ટ્સના અલગ-અલગ મેકઅપ રૂમ અને એય બધી રીતે એકદમ સજ્જ. મેકઅપ માટેનો જે અરીસો હોય એના પર મસ્ત મોટો બલ્બ અને ચોખ્ખાઈ જુઓ એટલે તમે અંચબિત જ થઈ જાઓ. આજે પણ એ દૃશ્ય મારી આંખ સામેથી જતું નથી. હું તમને કહીશ કે એ જે દૃશ્ય હતું એ આજે પણ ત્યાંનાં થિયેટરોમાં અકબંધ છે. કોઈ ચેન્જ નહીં, કોઈ બગાડ નહીં. હકીકતમાં એ કલાની કદર છે એવું હું માનું છું. બેન્ગોલી પ્રજા કલાની કદરદાન રહી છે. કલા ખાતર એ ફનાફાતિયા થતાં પણ અટકે નહીં.
મેં મારી એટલી જિંદગીમાં પહેલી વાર લેડીઝ અને જેન્ટ્સના અલગ-અલગ મેકઅપ રૂમ જોયા હતા. મેકઅપ રૂમ પરથી અત્યારે મારી આંખ સામે મેકઅપનો સામાન આવી રહ્યો છે. અત્યારે જેમ લોરિયાલની બોલાબાલા છે એમ ત્યારે મૅક્સ ફૅક્ટર નામની કંપનીની બોલબાલા હતી. મૅક્સ ફૅક્ટર લંડનની મેકઅપ બ્રૅન્ડ અને ફૉરેનથી જ આવે. વૉટર પેઇન્ટ. આ શબ્દ કોઈએ નહીં સાંભળ્યો હોય. વૉટર પેઇન્ટમાં ગુલાબજળ હોય, હાથનો મેકઅપ હોય. અત્યારે ફિલ્મોમાં કે સિરિયલમાં પેનકેક લગાડે; પણ એ જમાનામાં ગુલાબજળવાળા વૉટર પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવતો, જેથી સ્કિન બગડે નહીં. એ લગાડ્યા પછી તમારી સ્કિન ખૂલવા લાગે અને આપણે ઘરમાં હળદર-મલાઈ કે હળદર-દૂધથી બનેલો ફેસપૅકનો ઉપયોગ કરીએ અને જેવી અસર થાય એવી અસર એ મૅક્સ ફૅક્ટરના મેકઅપની. હા, એક ચોખવટ કરી દઉં તમને સાહેબ. અમે તો અમારો જ મેકઅપ લગાડતા, કારણ કે દરેકે પોતાનો મેકઅપ લાવવાનો હોય. કંપની પાણી અને વૅસલિન આપે. મેકઅપ તમારે તમારો ખર્ચવાનો. હું અત્યારે જે કહું છું એ મૅક્સ ફૅક્ટરનો મેકઅપ તો ફૉરેનની ઍક્ટ્રેસ કે પછી મુંબઈથી આવતી ઍક્ટ્રેસ વાપરતી. મૅક્સ ફૅક્ટરની આ વાત તમને એટલે કરી કે કદાચ તમને તમારા જૂના દિવસો પણ યાદ આવી જાય. વાત વાંચીને દિવસો યાદ ન આવે તો સાથે આપી છે એ જાહેરખબર જુઓ, એ દિવસો તાજા થઈ જશે.
થિયેટર નટરાજનું મંદિર છે અને મંદિરમાં ગંદકી કે બેદરકારી કેવી રીતે ચાલે? સ્વચ્છતાના હિસાબે પણ ચોખ્ખાઈ રાખવી જોઈએ અને સાથોસાથ કલાના મંદિરનું મેઇન્ટેનન્સ પણ પ્રૉપરલી થવું જોઈએ. નાનાં શહેરોના થિયેટરમાં તો મેં આ બધી બાબતો પર બહુ ગુસ્સો કર્યો છે તો સ્થાનિક લોકોનો ઊધડો પણ લીધો છે કે આ બધી બાબતોમાં ચીવટ રાખો.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

